બે દિવસ પેહલા અમે સ્ટેટ્સ નાખ્યું કે ઐતિહાસિક ઇમારતોનું સેલ..
લાલ કિલ્લો પચીસ કરોડમાં પાંચ વર્ષ માટે ગયો, અને સીદી સૈયદની જાળીમાં આપણને પચીસ લાખમાં રસ ખરો..
અરે યાર..આપ`ડે ખરેખર “રસ” ખરો ભાઈ..!!
પચીસ લાખમાં જો સીદી સૈયદની જાળી “મળતી” હોય પાંચ વર્ષ માટે તો સો ટકા લેવાય..
પેલા એસજી હાઈવે ઉપરના ઉભા કરેલા `શંભુડા` અને `ડેનીયા`ના કોફી બારના “ઝુપડા”ના બાર મહીને બાર લાખ રૂપિયા ઠોકે છે ઔડા, તો સીદી સૈયદની જાળીના બાર મહીને પાંચ લાખના અપાય..?
અલ્યા એક મહિનામાં જ કાઢી લેવાય..
એક મસ્ત હેરીટેજ મોકટેલ બાર અને કોફી બાર બને ત્યાં..
અને એમ્બીયંસ તો જોરદાર ઉભું કરી શકાય..રાત પડ્યે પેલા વચ્ચેવચ આવેલા પાણીના હોજમાં થોડા ફૂલ બજારેથી સસ્તામાં આણેલા ફૂલડાં અને દીવડા તરાવવાના અને બાહરની બાજુથી જોરદાર એલઈડી લાઈટો મારવાની જાળી ઉપર એટલે અંદરથી જાળી જક્ક્કાસ દેખાય..
ટેબલો ઉપર પેલા લાલટેન મુકવાના.. ગુલાબ જળ છાંટવાનું..એક સારંગીવાળો સરંગીયો યમન કલ્યાણથી ચાલુ કરે અને ફરતો ફરતો જાય ભૈરવી સુધી, એક સિતારવાળો અને જોડે તબલચી..ટીચયા કરે ધી ધીન ધીન .તા ..ધા ..
કો`ક દિવસ ફ્યુઝન કરવાના.. ડ્રમ વાળો આવે અને ગિટાર ..એવું કૈક કૈક અવનવું કર્યા કરવાનું..!!
કેટરિંગનો કોન્ટ્રકટ કોઈ ફાઈવ સ્ટાર ચેઈનને આપવાનો..એટલે વેઈટર ભૈ-બેનો બધા ચકાચક આવે..
કોફીના રૂપિયા ચારસો પચાસ અને પાણીની બાટલીના અઢીસો..
પાનીની સેન્ડવીચ થાય સાતસોની..”એની માં ને” કઈ બાકી જ નહિ રાખવાનું..
તોડીને રૂપિયા લેવાના હેરીટેજના નામે..!
કોઈ કહે…ઘરાક આવે ?
અલ્યા લાઈનો લાગે..સામે અગાશીએનો હાંડવો કેટલામાં મળે છે ખબર છે ?
એક પ્લેટ હાંડવો મંગાવો એટલા રૂપિયામાં ત્રણ ઘરનો હાંડવો ઘરમાં બને..
તો`ય ત્યાં ભીડ ભીડના ભડાકા છે તો પછી આપણી સીદી સૈયદની કાફેટેરિયા કેમની ખાલી જાય..!!
પાછી રાતે ત્રણ વાગ્યા સુધી પરમીશન લેવાની પછી ચાંદની રાતમાં જાળીનો નજારો કઈ ઓર જ હોય છે એવા માર્કેટિંગ કરવાના..
તમને એમ થાય કે આવા આઈડિયા ક્યાંથી આવે છે તને અલ્યા ?
ઉદેપુરથી..
બાપ્પા રાવલના વંશજોએ એમની લગભગ બધી પ્રોપર્ટીને નોન-પરફોર્મિંગ એસેટમાંથી સુપર-પરફોર્મિગ એસેટમાં ફેરવી નાખી છે..
બે ત્રણ વર્ષ પેહલા શિયાળાની એક સાંજે અમે સપરિવાર પીછોલા લેકની વચ્ચે આવેલી હોટલમાં ધોળિયાઓ ની જોડે બેઠા બેઠા મોંઘા માઇલી કોફીના “પાન” કરતા કરતા “અલ્હાદ” નો અનુભવ કરી રહ્યા હતા, અને સામે સીટી પેલેસથી લઈને બધી મહારાજા ઉદેપુરની જેટલી પ્રોપર્ટીનું ૩૬૦ ડીગ્રીમાં નિરીક્ષણ કરી રહ્યા હતા..
એવા સમયે મારી ઢબુડી (દીકરી) બોલી ડેડ આ સામે દેખાય એ સીટી પેલેસની આખી દિવાલ અને બીજા બધા પેલેસ અને બધું મહારાજ ઉદેપુરનું ..?
અમે કીધું હા બેટા..પણ કેમ તમારે આવું પૂછવું પડ્યું ?
વાણીયાની દીકરી તરત જ બોલી તો આ બધાનું વેલ્યુએશન કેટલું આવે ..? અને એમાં એન્ટીક વેલ્યુ એડ થાય.. તો તો ક્યાં જઈને અટકે..ડેડ ? આ બધી પ્રોપર્ટીની હોટલોની ઇન્કમ અને બધી ઇવેન્ટસ ની ઇન્કમ આ બધું જ મહારાજા પાસે જાય ??
સવાલ ઉપર સવાલ આવ્યા.. કો`ક ના નળિયા તો વાણીયાનું લોહી તરત ગણવા માંડે..અને એમાય આ તો સોના ના નળિયા, વાણિયાની દીકરીની આંખની બાહર કેમ જાય ..?!!
એટલે જ લાલ કિલ્લો કે તાજ મેહલ, ગયો એ પ્રોબ્લેમ નથી,આપણને પ્રોબ્લેમ છે યાર મફતના ભાવમાં ગયો..અમદાવાદમાં સરખેજ ચોકડીની નજીક પેલો એક પાર્ટી પ્લોટવાળો છે એ અઢી કરોડથી નીચેની ઇવેન્ટ લેવાની નાં પાડે છે અને આ તો દિલ્લી..
લાલકિલ્લામાં વીસ કરોડથી “ને`ચે” ની ઇવેન્ટ જ નહિ લેવાની..!!
બાર મહીને પાંચ પચ્ચીસ ઇવેન્ટના મળે ?? સુ વાત કરો છો યાર ??
ગમે તેવી અને ગમે તે ઇવેન્ટ લેવાની રોક શો, પોપ શો, જાઝ ,લગન અરે બેસણા ય લેવાય..
અને આવું બધું ય લાલ કિલ્લામાં થઇ ચુક્યું છે..ભૂતકાળમાં ,
અરે બે ડાંસબાર ખોલે ને તો ય એકાદા ઐયાશની “રૂહ” ને શાંતિ મળે..બધું ય થાય લાલ કિલ્લામાં.. કોઈ ની લાગણી ના ઘવાય..
અને હવે ઈતિહાસ સિવાય લાલ કિલ્લા કે તાજમહેલમાં બચ્યું છે શું ?
બંનેની ઓરીજીનાલીટી તો કેટલીય વખત લુંટાઈ..એકપણ કીમતી પત્થર ક્યાંય બચ્યો નથી,શાહજહાં પછી તો કેટલાય લોકો લાલ કિલ્લે અને તાજમેહલમાં હાથ ફેરો કરી ગયા તો હવે બચ્યું છે શું..? જેને જે હાથમાં આવ્યું તે ઠોકી ગયો છે..
હા એક પેલો પથરો બચ્યો છે.. જ્યાં મયુરાસન હતું એ ..!! એમ કહીએ તો ચાલે..
અત્યારે એ પથરો કોર્ડન કર્યો છે, એક જમાનામાં અમારા ડાયપર મોમ એ બદલ્યા છે એ પથરા ઉપર બેસીને..
નામ છે એનો નાશ છે જ…!!
ઐતિહાસિક ઇમારતોના રખરખાવ ભયાનક મોંઘા છે..
ખાલી પીછોલા લેકની વચ્ચે બેઠા સીટી પેલેસની દિવાલ અને પેલેસના બીજા ભાગો ને ધોળવાના ખર્ચાનો વિચાર કરીએ તો પણ ચક્કર ચડે એવા આંકડા આવે..પછી મા`રાજા હોટલ જ કરે ને બીજું શું કરે ?
અને મહારાજા હોટેલ કરતા હોય તો સરકારે પણ છેલ્લે તો એ જ કરવું પડે..
વેચો વેચો લાલકિલ્લો કોઈ પ્રોબ્લેમ નથી..
આપણી પાસે તો લાલ કિલ્લા માટે પણ મસ્ત આઈડિયા છે..
દીવાને આમ ને કંપનીઓની બોર્ડ મીટીંગ માટે ભાડે આપવાની..
પેલા મયુરાસન વાળા “પથરે” સીઈઓ બેસે અને ફરતે આખું બોર્ડ બેસે અને પાછું એ જ ફાઈવ સ્ટાર કેટરિંગ..
દીવાને ખાસમાં કંપનીઓની એજીએમ..
આમ વિચાર કરો કે દીવાને ખાસમાં રિલાયન્સની એજીએમ હોય અને “ઝીલ્લે ઇલાહી” મુકેશભાઈ એક એ એક બોનસ અને ત્રણસો ટકા (વિચારવામાં તો પાછું નહિ પડવાનું) બોનસ આપે અને બાજુમાં નીતાબેન એક જરુખમાં પાટણનું પટોળું પેહરીને બેઠા હોય, બીજા જરુખેથી નવા વહુ ડોકિયા કરતા હોય અને શાહજાદા સલીમ એજીએમની બદલે વારે વારે જરુખે જોતા હોય..
છેક પાછળ મોટા જરુખે કોકીલાબેન બેઠા હોય..
શેરહોલ્ડરો છેક મીના બાઝાર સુધી હકડેઠઠ ઉભા હોય…!!
બોસ જામો પડી જાય કે નહિ..???!!!
ગુજરાતી માણસ છું ભાઈ આપણને તો આપણા જ દેખાય…!
અદાણીની એજીએમ આગ્રાના લાલ કિલ્લે થાય..
અહા હાહા હા…
પત્તો કી પુડિયા ઔર પાની ઘી બન જાય બંદા ઝબોળ ઝબોળ કે ખાય..!!
એકે એક બોનસ અને ત્રણસો ટકા ડીવીડન્ડ..ઓહો હો હો ..!!
સીદી સૈયદની જાળી…યાર મોરે મન બસ ગઈ ..!!
જુગાડ ગોઠવોને યાર..
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા