લાઈક બિઝનેસ ..
એક નવું ડીંડક ચાલ્યું છે આજકાલની નવી પેઢીમાં .. રોજના દસ બાર સેલ્ફા લ્યે અને પછી એકબીજાને પોસ્ટ કર્યા કરે, જરાક સારા ફોટા લાગે તો સ્ટોરી નાખે ..!
બે ચાર અઠવાડિયાથી થોડાક નાના નાના બચુડીયા મિત્રો જોડે આપણે પણ આ ધંધો ચાલુ કર્યો છે, પાંચ સાત સેલ્ફા લેવાના દિવસના અને એમને મોકલવાના ..!
થોડાક ઇન્ટરેસ્ટીંગ લાગે એવી રીતે લેવાના .. જો કે પેહલા તો શરુ શરુમાં અભ્યાસ કરવો પડે રીતસરનો અને પછી એમની જેવા સેલ્ફી પાડીને મોકલવા પડે તો જ સામો બીજો ફોટો આવે બાકી .. તરત જ કહી દે એ ડોહા .. રેહવા દે .. તારું કામ નહિ..!!
એકલા સેલ્ફા ના ચાલે જોડે જોડે રીલ્સ પણ મોકલવા પડે ..!!
પણ મજાનું છે .. મારે સમજવું હતું કે ..
આ દિવસના દસ સેલ્ફા કેમના લેવાય અને કેમ મોકલાય છે ..
તો “સુજ્ઞજનો” દિવસની લેવાતી દસ સેલ્ફી એ રોગ નથી, પણ પોતાના મૂડને દર્શાવવાનો એક પ્રયત્ન છે અને *મિત્રોમાં હુંસાતુંસી હંમેશા રેહતી જ હોય છે ,હુંસાતુંસી વિનાની મિત્રતા મરેલી હોય, ઘરડી હોય .. મરવા પડેલી હોય*
પોતાની જાતને ઉંચી, સારી અને મૂડને બતાડવાનો એક બહુ જ સભાન પ્રયત્ન કરી રહી છે આ પેઢી દિવસના દસ સેલ્ફી લઈને મિત્રોમાં પોસ્ટ કરી કરીને..એકબીજાની પંચાત કરવાનો એ મોકો છે ,એ પોતાના મિત્રોને બતાવે છે કે હું ક્યાં છું અને હું શું કરી રહ્યો છું કે કરી રહી છે , એ જુવાનીયો અને જુવાનડી બતાવે છે કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે ..
કારણ ફક્ત અને ફક્ત એવું છે કે સ્કૂલોના છુટા પડી ગયેલા કે કોલેજના છુટા પડી ગયેલા મિત્રો સાથે સંપર્કમાં રેહવાની આ એક રીત નવી ડેવલપ થઇ છે અને મજાની છે આ રીત..!! કરી જોવા જેવી છે ..!!
ઘણા “સુજ્ઞજનો” ને પબ્લિક હોટેલોમાં જુદું જુદું ખાવા જતા પેહલા લેવાતા ફોટાથી વાંધો હોય છે પણ મને નથી ..
આજકાલ તમે સારી રેસ્ટોરન્ટમાં જાવ છો તો પેહલા તો જીભડીને સરખી રીતે વાળીને બોલતા શીખવું પડે એવા એવા કુઝાઈન કે કુઝીન ઉર્ફે ખાવાની વસ્તુઓના નામ હોય છે, પણ એ જ વસ્તુની જ્યારે પ્લેટ ટેબલ ઉપર લાવવામાં આવે છે ત્યારે જે પ્રેઝન્ટેશન હોય છે ડીશનું એ ખરેખર અદ્દભુત હોય છે ..!!
એક નજર મારવા જેવી હોય છે અને ફોટો લેવા યોગ્ય હોય છે..!
બીજાને મોકલવા યોગ્ય પણ ખરી ..!
ખૈર.. મને પોતાને પણ પેહલા શરુ શરુમાં આવી ચીડ ..
એક ભાઈ મારા ફ્રેન્ડ લીસ્ટમાં કદાચ હતા કે છે કે રોજ એમની થાળી દિવસમાં બે વાર અપલોડ કરે , થાળીની સજ્વાટ ખરેખર સારી, પણ પછી મને અબખે પડી ગયું એટલે અનફોલો કરી દીધા..!
*લોગાર્ડનના એક સમયે નવા નવા આવેલા ભાજીપાંવ અને મ્યુનીસીપલ માર્કેટ નવરંગપુરાના પિત્ઝાથી શરુ થયેલી ઝેર ખાવાનું પણ ઘેર નહિ ખાવાની સફર હજી અટકતી નથી ..!!*
આજે વિચારું છું કે જો ખરેખર જેટલી “ડીશીશ” ખાધી છે જીવનમાં એ બધાના ફોટોગ્રાફ્સ લીધા હોત તો ..?? કેટલા `ટેરા` નો ડેટા ભેગો થયો હોત ?
હમણાં ફોન બદલવાનો વારો આવ્યો ,જુના ફોનને અકસ્માત નડ્યો ઘાયલ થઇ ગયો એટલે ખાટલે પડ્યો એ એટલે નવો લેવો પડ્યો ..
પાંચસોબાર જીબીવાળો પરાણે લેવો પડ્યો..!
સાત હજાર ઉપરના ફોટોગ્રાફ્સ છે જૂનામાં ..!
ફોન વેચવાવાળો છોકરો ચક્કર ખાઈ ગયો ..અને અહોભાવથી બોલ્યો ..
શૈશવભાઈ તમારી ઉંમરના લોકોના ફોનમાં આટલા બધા ડેટા નથી હોતા જનરલી ..!
શૈશવે સેહજ મારા અવાજમાં ભાર લાવીને કલર મારતા મારતા કીધું.. હું તો *“જીવું”* છું બકા..!
આખી ફોન વેચતી દુકાનના બધા વેચાણ કરતા છોકરાંવ (સેલ્સમેન)ના મોઢા ઉપર સરસ મજાનો “અહો” —- ભાવ પ્રકટ થયો અને દસ બાર ફોલોઅર્સ વધી ગયા ..!
મારી સાથે જીવવા આવી ગયા..!
ફોટોગ્રાફ્સ જયારે સમજણપૂર્વક અપલોડ થાય છે ત્યારે એ તમારી સાથે બીજાને જીવતા કરી દયે છે, હમણાં બે દિવસ પેહલા મીન રાશીમાં ચંદ્ર ,ગુરુ અને શુક્ર ભેગા થઇ ગયા અને એનો ફોટો અપલોડ કર્યો હતો તો સામે જવાબમાં બહુ બધા ફોટોગ્રાફ્સ આવ્યા ..!
સખ્ખત ગમ્યું ..લગભગ અડધી દુનિયા આકાશ જોતી થઇ ગઈ..!!
જીવવાની મજા જ સાથે જીવવાની છે, બાકી એકલો એકલો તો ઢોર પણ રખડે..!!
જો કે આ જ સેલ્ફી “બીઝનેસ” માં ઘણીવાર બહુ સમસ્યાઓ પણ પેદા થતી હોય છે અને એ સમસ્યાની શરૂઆત ક્યાં થાય છે જયારે આ દિવસની દસ સેલ્ફી લઈને કઈ સેલ્ફી મુકવી આખા ગામ માટે અને એનું સિલેકશન કરવામાં વિતાવવામાં આવતો સમય અને પછી સેલ્ફીની અને ફોટોગ્રાફ્સની લાઈકો ગણવામાં..!!
બહુ ખરાબ છે ..! આ લાઈક બીઝનેસ .. !
ઝુકરીયાએ એવા રવાડે ચડાવી દીધા છે કે ના પૂછોને વાત ..!
વોટ્સ એપ ,ફેસબુક ,ઇન્સ્ટા કે પછી સ્નેપ દરેક જગ્યાએ લાઈક બીઝનેસ ફુલ્લ ફોર્મમાં ચાલી રહ્યો છે ..
મારા `આટલા` ફોલોઅર્સ છે અને તે પણ જો હજારોમાં હોય તો તો બોલતા બોલતા મોઢું એવું ગોળ ગોળ (ખાવાનો ગોળ સમજવો) થઇ જાય જાણે આખું દડબું ગોળનું મોઢામાં હોય અને જવાબ આપવો પડતો હોય પરાણે એવું લાગે ..!!
બોલતા બોલતા લાળ પડતી જાય અને ઉપરથી નમ્રતાનો ડોળ થાય ..!!
ઘણા સમયથી ત્રીસ હજારથી આગળ ઝુકરકાકા જવા જ નથી દેતા મારા ફોલોઅર્સની સંખ્યા.. રૂપિયા માંગે છે..!
હવે જ્યાંથી રૂપિયા પેદા જ ના થતા હોય એવી જગ્યાએ રૂપિયા નાખતા આપણો જીવ તો ના ચાલે .. એટલે પછી જે થવું હોય તે થાય ત્રીસ હજાર થાય કે ત્રણ શું ફેર પડે છે..?
પણ ઘણા લોકોને બહુ ફર્ક પડી જાય છે ..
મોટા ચાંલ્લા કરી કરીને જ્ઞાન આપતા ,ડોળા કાઢી કાઢીને બોલતા બેહનો કે પછી લટકા મટકા કરતા ભાઈઓને ફર્ક પડે .. કેમ કે એમને રૂપિયા આ લાઈક બીઝનેસમાંથી કમાવાના છે..!
બીજો આ રીલ્સ બીઝનેસ પણ ગજ્જબ ચાલ્યો છે .. ટીક્ટોકને ભારત દેશે આર્યાવર્તેથી કાઢ્યું પછી ઝુકરકાકા એ જ રીલ્સ બનાવવાની સગવડ આપી દીધી, અને હવે તો પ્રજા જે અપલોડ આપે છે.. મા`ડી રે ..!!
બહુ ગજ્જબ ચાલી રહ્યું છે .. કાનમાં ભૂંગળું ભરાવેલું હોય અને હાથમાં મોબાઈલ..! માટીડો માંડ્યો જ હોય આગળ ના જોવે કે પાછળ ,રીતસર ખૂંપી જાય અંદર ..
કોઈને બીજું કશું સુઝતું જ નથી ..!!
આઠસો શબ્દો થઇ ચુક્યા છે મારી લીમીટ છે આઠસોથી હજાર શબ્દોની એટલે પૂરું કરવાનો સમય થયો છે..
લેજો લેજો દસ બાર દિવસની સેલ્ફી અને મોકલજો મિત્રોને પરિવારને કે પછી છાનગપતિયાને..!
બોલ્યા કે લખ્યા વિના ફક્ત અને ફક્ત ચેહરાના ભાવથી વાતો કરવાની મજા આવશે..!!
તમારી બાજુમાં જ બેઠેલી છે વ્યક્તિ એવો એહસાસ થશે..!
અરે હા ડોહા ખાલી પોતાના સેલ્ફા નહિ મોકલવાના સામે આવેલા ના સેલ્ફી ઉપર ચોક્કસ રીએક્શન મોકલવાનું .. પેલા ઈમોજીસ વાપરવાના ડોશી , અને હા પેલું હાર્ટનું અને કીસ્સીનું ઈમોજી છૂટથી વાપરવાનું કોઈ તને..
સડેલું મગજ ..!
ચલ લાઈક કરીને ફોરવર્ડ કર તો ..પેલું હાર્ટવાળું ઈમોજી કે વાઉ (WOW) સારું ચલ સેડ (SAD) બસ ..!
રીએક્ટ કર..નહિ તો નજીક જ જાણજે દૂધેશ્વર કે સપ્તર્ષિનો આરો..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*