અમદાવાદનો જન્મદિવસ..
ભૂતકાળ વિષે જેટલું લખવું હોય એટલું લખાય, એમાં પણ મારા જેવા આ જ શેહરમાં જન્મીને મોટા થયેલા..“શાહપુર બહાઈ સેન્ટર કે ડો. ઈન્દુમતી કે દવખાણે મેં જન્મેલા” અને કોટની રાંગ ઉપર ચડી ઉતરી અને મોટા થયેલા અમદાવાદીને પૂછો તો બધું બહુ લખાય પણ આજે ભવિષ્યની વાત કરાવી છે ..!
તો બોટમ લાઈનને ટોપ ઉપર જ આપી દઉં ..
*અમદાવાદ ગાંધીનગરને ગળી જવા બિલકુલ તૈયાર છે..!!*
કોટ વિસ્તાર જેને તળ અમદાવાદનો વિસ્તાર કહીએ ત્યાંથી શરુ કરીએ તો અમદાવાદે પેહલું ગળ્યું હોય તો મોજે શેખપુર-ખાનપુર ગામતળ ..
પશ્ચિમ અમદાવાદનો વિકાસ ત્યાંથી ચાલુ થયો અને ત્યાંથી શરુ થયેલી સમૃદ્ધિની વિકાસની યાત્રા હવે છેક શેલા ગામ સુધી પોહચી છે ..!!
બહુમાળી બિલ્ડીંગ ,અપનાબજાર પછી તરત ખાનપુરમાં હાઈરાઈઝ જ્યાં લોકો વસી શકે તેવા બન્યા ,જસ્મીન , રોયલ , ગગનવિહાર , બોરસ્સ્લ્લી, ધ્વની ,ધવલગીરી અને બીજા ઘણા બધા દસ માળિયા ફ્લેટ્સ બન્યા ..
પેહલું કોમર્શીયલ બિલ્ડીંગ પુષ્પક, કામા હોટલની બાજુમાં મિસ્ત્રી ચેમ્બર્સ પછી શરુ થયો આશ્રમ રોડનો વિકાસ, ત્યાંથી વિકાસ દોડ્યો સીજી રોડ ઉપર, આગળ વધ્યો નેહરુ નગર રોડ, ૧૩૨ ફૂટ રીંગ રોડ ..
એસજી હાઈવે અને બસ્સો ફૂટ રીંગરોડ બન્યા પછી વિકાસને પાંખો આવી અને વિકાસ ઉડ્યો..!
પૂર્વમાં મણીનગરથી આગળ વધતો વધતો નારોલ નિકોલ નરોડા અને હવે છેક બાકરોલ.. પ્રસરતું જ જાય છે અમદાવાદ ચારેકોર..!
અમદાવાદને મોટું કરવામાં માનો કે ના માનો પણ સૌથી મોટો ફાળો રહ્યો છે લાલ બસનો અને પછી બીઆરટીએસ..
હવે મેટ્રો ફુલ્લ ફલેજ ચાલુ થાય એટલે તરત જ અમદાવાદ બિલકુલ ગાંધીનગરને ગળી જવા તૈયાર છે..!
મારું માનવું એવું ખરું કે ૨૦૨૬ થી લઈને ૨૦૩૦ સુધીમાં કદાચ મુંબઈની જેમ અમદાવાદને બૃહદ અમદાવાદ મહાનગરપાલિકાનું બિરુદ મળી જશે ને હજી કૈક આજુબાજુના ગામડા અને એના લોકોને ગળી જશે આ શેહર..
અત્યારે જો અમદાવાદના સીમાડા બાંધવા હોય તો હું પૂર્વમાં મેહમદાવાદથી સીધી લીટી દોરું છેક સાણંદ સુધીની , ત્યાંથી લીટી જાય કલોલ અને ત્યાંથી લીટી પડે દેહગામ ને દેહગામથી લીટી પડે પછી મેહમદાવાદ ..!
હવે જો ભવિષ્યનું અમદાવાદ જોઉં તો એ અમદાવાદ નડીયાદથી શરુ થઈને વિરમગામ, વિરમગામથી મેહસાણા ,અને મેહસાણાથી હિંમતનગર ,હિમતનગર થી પાછા નડિયાદ આવી કૈક નવી લીટી પડશે અને અમદાવાદ મહાનગર પાલિકા એ બૃહદ અમદાવાદ મહાનગરપાલિકા બની શકે તેમ છે..!!
ધોલેરા,ગીફ્ટ સીટી, દિલ્લી-મુંબઈ ફ્રેઇટ કોરીડોર અને બુલેટ ટ્રેઈન નવા અમદાવાદ નું આ નડીયાદથી નડીયાદનું નવું ચોખંડું દોરવામાં ઘણો મોટો ફાળો આપશે..!!
ઘણા અડબંગો એમ કહે છે કે બુલેટ ટ્રેનની ટીકીટ પ્લેન કરતા મોંઘી હશે તો એમાં જશે કોણ ? તો અલ્યા પીત્તાળીયાબંબા સવારે સાડા પાંચથી એક્સપ્રેસ હાઈવે નંબર એક ઉપર વીસ લાખ ઉપરની કેટલી ગાડી એન્ટર થઇ એ ગણી લેજે .. એ બધા અમદાવાદીઓ બુલેટ ટ્રેનની રાહ જોઇને બેઠા છે..!!
જેમ આ શેહરની એકપણ ખાણીપીણીની હોટેલ ખાલી નથી રેહતી એમ આ શેહરની એકપણ પબ્લિક ટ્રાન્સપોર્ટની ફેસેલીટી પણ ખાલી નથી જ રેહવાની ..!!
એક સમય હતો કે જયારે દિલ્લી ,મુંબઈ, મદ્રાસ અને કલકત્તા પછી અમદાવાદનું નામ લેવાતું પણ વચ્ચે જે ઘોર ખોદાઈ છે એમાં અમદાવાદ પાછળ પડી ગયું અને હૈદરાબાદ-સિકન્દરાબાદ , બંગલોર અને પુના બાજી મારી ગયું અને આજે પણ હજી અમદાવાદ પાછળ છે જ એમાં કોઈ શક જ નથી ..
કોઇપણ શેહરને માપવાની મારી રીત જરાક જુદી છે .. હવાઈજહાજમાં રાતના સમયના લેન્ડીંગ વખતે જે ત્યે શેહર કેટલું પેહલા દેખાતું શરુ થઇ જાય છે એના ઉપરથી હું શેહરની સાઈઝનો અંદાજ મારી લઉં છું ..!
જેમકે મુંબઈ ,દિલ્લી કરતા કલકત્તા સો ટકા વધારે ફેલાયેલું છે તે જ રીતે શાંઘાઈ અને હોંગકોંગની સરખામણી કરું તો શાંઘાઈ મને મોટું લાગે છે જ્યારે યુરોપ અને જાપાનમાં આ નિયમ લગાડી શકાય તેમ નથી કેમકે એરપોર્ટ સીટીની બહુ જ બાહર રાખ્યા છે ..!
ટોકિયોથી નારીટા એટલું દૂર છે કે હવામાંથી તમે ટોકિયોનો અંદાજના લગાડી શકો..!
આજે દખ્ખણમાંથી હવાઈ જહાજ પકડીને હું અમદાવાદ જયારે આવું છું અને રાત્રે જોઉં નીચે અને વાતાવરણ ચોખ્ખું હોય તો મને એક્સપ્રેસ હાઈવેની દુમાડ ચોકડી , આણંદ અને પછી નડીયાદની ચોકડી તો બહુ જ સ્પષ્ટ દેખાય છે..!!!
પણ વસ્તી વસેલી છેક મેહમદાવાદથી દેખાય એટલે પછી ગાઈ લેવું પડે કે ..
“થાય સરખામણી તો ઉતરતા છીએ ..!!”
વસ્તી હજી સાહીઠ કે સિત્તેર લાખ વધુમાં વધુ મુકાય જે દોઢ બે કરોડે જવી જોઈએ ત્યારે બૃહદ મહાનગરપાલિકા થવાય ..!!
આજે અમદાવાદમાં ત્રીસ અને ચાલીસ માળિયા રેહણાકની પરમીશન આવી છે હજી સો સુધી પોહચવું પડે ..! શેહરોને હવે વધવું હોય તો ઉભા જ વધવું પડે અને ઉભા જ વધવા દેવાય જેથી તંત્ર કંટ્રોલ કરી શકે ..
સિત્તેરના દાયકામાં ખાનપુરમાં જયારે પેહલા પેહલા દસ માળિયા રેહણાક બિલ્ડીંગ બન્યા ત્યારે પપ્પા એને “ઉભી પોળો” કેહતા ..! રેહતા બધા ફ્લેટમાં પણ પોળોમાં જેવી રીતે રેહતા તેવી રીતે જ રેહતા .. દરવાજો બંધ ના હોય એકપણ ઘરનો અને જોરદાર પંચાતો ચાલ્યા કરતી ..!!
હા, એક આડવાત કહું .. ઉભી પોળોના ધાબાને તાત્કાલિક લોક કરવા પડ્યા હતા ,ધાબા “લફરાં સદન” માં ફેરવાઈ ગયા હતા ..!!
`મૈ તુઝ સે મિલને આઈ મંદિર (દેરાસર) જાનેં કે બહાને`..
બંને ધાબે ચડી જતા અને પછી કાંડ થતા ..!! એટલે તાત્કાલિક લોક કરવા પડ્યા હતા..!!
આજે અમદાવાદ ઇમિગ્રન્ટોથી છલકાઈ ગયું છે પણ દૂધમાં સાકર ભળી છે , નવા આવનારાએ અમદવાદનો અમદાવાદી મિજાજ અપનાવી લીધો છે..!!
આ શેહર રોટલો પણ આપે છે અને ઓટલો પણ આપે છે.. કોઈ ને ભૂખ્યું સુવા નથી દેતું, તો મારા જેવા કેટલાય રખડુંઓ રાતની રાત રખડે છે અને શેહર રેઢું ના રહી જાય એની ફુલ્લ તકેદારી રાખે છે ..!!
હોળી પછીથી અમદાવાદ ધખે, છેક રથજાત્રાએ ઇન્દ્રદેવ અમીછાંટણા કરે પછી ચાલુ થાય તેહવારોની રમઝટ ..
નવરાત્રી એ અમદાવાદનો પ્રાણ અને ઉત્તરાણ એ અમદાવાદ દિલ, જીગર ,જાન ..!!!
ઉત્સવો અને ઉજવણીઓનું આ નગર ..
ઝેર ખાય છે આજે ,પણ ઘેર ખાતું નથી..!!
મોહનદાસ કરમચંદ ગાંધી હોય કે ધીરજલાલ હીરાચંદ અંબાણી ..
સાબરમતીના પાણી પીવા તો આવવું જ પડે,
અને છેલ્લે કેમ ભૂલાય આપણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈને..!!
અત્યારે તો સાબરમતીનું આ પાણી ભલભલાને ભૂ પીવડાવી રહ્યું છે..!!
હેંડો `ત્તારે અસ્સલ અમદાવાદીમાં પૂરું કરું લ્યા .. બહુ ખેંચ્યું લ્યા શૈશવ્યા તેં તો ..!!
કયો છે ? એમ બોલને લ્યા ..
છેક દિલ્લી હુધી નહી લ્યા ..હવે તો ત્યાં વ્હાઈટ હાઉસ હુધી છેડા અડે, પેલા હિલ્લેરીબેન પણ આંટા ખાય હોં અમદાવાદના ..!
નરેન્દ્રભાઈ શું કહું છું સાહેબ ..આ અમેરિકા ,કેનડા ,ઓસ્ટ્રેલીયા અને યુરોપના કોન્સ્યુલેટ અહી તાણી લાવોને રીવરફ્રન્ટે તે અમારે આ મુંબઈ દિલ્લીના ધક્કા ઓછા થાય ..!!
અમિતભાઈ તમે કૈક `જેક` મારો બાપુ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*