કાશ્મીરમાં હત્યાકાંડ થઇ ગયો, રાજનીતિના તમામ ઘૃણાસ્પદ ચેહરા સામે આવ્યા..
પ્રજાનું મોત એ દરેક રાજનેતા માટે એમને એમની “ખીચડી” પકવવાનો મોકો મળ્યો હોય એવું લાગ્યુ..ચલો ચાલો હેંડો મો`એં થવા ફોટા પડાવવા અને ટીવીમાં દેખાવા, મેહબુબા મુફ્તી “મગરના આંસુ” પાડી આવ્યા, રુપાણી સાહેબે “વીરતા” પુરસ્કાર જાહેર કર્યો..કેન્દ્રીય ગૃહમંત્રીએ “કડી નિંદા” કરી, તો કોઈએ ભત્યસના કરી..!
વિરોધી પત્રકારોએ એવી દલીલ મૂકી કે રાત્રે બસ એકલી કેવી રીતે આવી ?અને તરફેણમાં એવી દલીલ આવી કે કેમ રાત્રે એકલી બસ આવે તો શું થઇ ગયું ?
આ બધાની વચ્ચે પ્રધાન સેવક મૌન રહ્યા..
મોરારીબાપુના શબ્દોમાં કહીએ તો “રાજનીતિ બાજુ પર ગઈ પણ મને નરેન્દ્ર મોદીની રાષ્ટ્રભક્તિ વિષે શંકા નથી..!”
હવે વારો “પણ” નો..
બાપુને શંકા નથી,તો મને શંકા પણ નથી..!
“પણ” તો પછી આ બધાની વચ્ચે ત્રણ ત્રણ વર્ષ થયા કાશ્મીર સમસ્યાનું સમાધાન કેમ ક્ષિતિજે “પણ” કેમ દેખાતું નથી..?
કાશ્મીરની સમસ્યાને “માપવા”માં અને “નાણવા”માં સંઘ પરિવાર અને ભાજપ થાપ ખાઈ ગયો ?અધધધ પુસ્તકો છાપ્યા કાશ્મીર ઉપર ભૂતકાળ અને ભવિષ્યની રણનીતિ ઉપર, કેટલી બેઠકો , બૌદ્ધિકો અને ચર્ચા વિચારણા કર્યા અને એકવાર સત્તા હાથમાં આવે એટલી જ વાર..બસ ચપટી વગાડતા બધું થઇ જશે..!!
“પણ” આજે શું પરિસ્થિતિ છે ? આગળીઓ થીજી ગઈ હોય એમ લાગે છે, ચપટી વગડવાની વાત તો દુર રહી પણ બંદુકની ટ્રીગર દબાવવા માટે પણ કોઈની “પરમીશન”ની જરૂર હોય એવું કેમ લાગે છે..!!
ચપટી વગાડવા તો એક આંગળી અને અંગુઠાની જરૂર પડે “પણ” ઓટોમેટીક રાયફલની ટ્રીગર તો એક જ આંગળીથી દબાવાય..
રાજનાથસિંહના મોઢા ઉપર ચોખ્ખી લાચારી વર્તાય છે,ક્લીન શેવવાળા સંરક્ષણમંત્રીશ્રી મૂછો કેમ ચાવવા લાગે છે ?અને “મહાપરાક્રમી” ડોભવાલ સાહેબ મહાભારતના વિદુરજી જેવા કેમ લાગે છે..?
શું થયું છે..? શું ચાલી રહ્યું છે..?
ફરી એકવાર નરેન્દ્ર મોદી કે રાજનાથસિંહની રાષ્ટ્રભક્તિ કે કાશ્મીરના ઉકેલ માટેની નિયત માટે શંકા કરીએ તો ધરતી ફાટી જાય, તો પછી તકલીફ ક્યા છે..?
એક એરિયા છે દિલ્લીમાં,અને એનું નામ છે “લુટીયેન્સ દિલ્લી” અહિયાં રેહતા લોકો પોતાની જાતને “સમથીંગ” સમજે છે અને ખરેખર એ લોકો સમથીંગ નથી પણ “એવરીથિંગ” છે..!
નરેન્દ્ર મોદી પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં આ “લુટીયેન્સ દિલ્લી”નો ઉલ્લેખ કરી ચુક્યા છે..ગુગલ કરો કે દિલ્લીના લોકોને પૂછો તો પોતાની અક્કલ પ્રમાણે જવાબ આપશે..
કાલે કે પરમદિવસે યુપીમાંથી દિલ્લી આવેલો ભૈયો એમ કેહ્શે કે વો ક્યા હોતા હૈ..? એકાદ બે પેઢી થી દિલ્લીમાં રેહતો કેહશે “બાપ લોગ કા એરિયા હૈ”..અને ચાર પાંચ પેઢીથી દિલ્લીમાં વસેલો એમ પૂછે કે આપ કો વહાં કૌન જાનતા હૈ..? અને જો ભૂલ ભૂલમાં “લુટીયેન્સ દિલ્લી” નો કોઈ રેહવાસી તમને ઓળખતો હોય તો પેલો અડધો અડધો થાય..!
કાશ્મીર ને અને “લુટીયેન્સ દિલ્લી” ને શું સબંધ..?
અરે કાશ્મીર તો છોડો હિન્દુસ્તાનની તમામ સમસ્યાના મૂળ આ “લુટીયેન્સ દિલ્લી”માં પડ્યા છે, અને એ પણ આજકાલ ના નહિ પેઢીઓથી પડ્યા છે..બહુ થોડાક લોકો અહિયાથી બહાર જાય છે અને બહુ જ થોડાક “નવા” લોકોને આ એરિયામાં “વસવા” મળે છે..!
એમ કે ગાંધીને પણ અહિયા “લુટીયેન્સ દિલ્લી”માં આવતા પેહલા મહાત્મા થવુ પડ્યું હતુ..પછી એન્ટ્રી મળી હતી..!!
લોકો એમ માને છે કે “લુટીયેન્સ દિલ્લી”નો “પાવર” એડવીન લુટીયેન્સ એ દિલ્લી વસાવ્યું પછી આવ્યો..ખોટી વાત છે અંગ્રેજ આવ્યા એ પેહલા મોગલકાળમાં પણ આ “લુટીયેન્સ દિલ્લી”નું અસ્તિત્વ હતું, અને એક સત્ય એ છે કે માનો કે ના માનો “લુટીયેન્સ દિલ્લી” આજે પણ ભારત નહિ આખા ઉપમહાદ્વીપ ઉપર રાજ કરી રહ્યું છે, અને એનું નાનકડું ઉદાહરણ છે રાહુલ ગાંધીની ચીન અને ભૂતાનના રાજદૂતની મુલાકાત..!
બધાની જીભડી સિવાઈ ગઈ છે, કોઈને સાંધો મળતો નથી કે શું ચક્કર હતું કે રાહુલ ગાંધી ચાયનીઝ અને ભુતનીઝ એમ્બેસેડરને મળવા કેમ ગયા..
ભૂતાન અને નેપાળ આ બે રાજવંશ બિલકુલ નેહરુ ગાંધી વંશના આશ્રિત રાજવંશ છે , નેપાળ નો ખતમ થઇ ચુકેલો રાજવંશ રોટી બેટી થી લઈને બધી જ રીતે ભારત જોડે જોડાયેલો હતો..નિઝામ પાગલ નોહતા કે હૈદરાબાદ હાઉસ “લુટીયેન્સ દિલ્લી” બનાવીને બેઠા હતા..આપણને ખબર નથી કે રાહુલની મધ્યસ્થતા કેટલી અને કેવી રીતે કામ કરી ગઈ છે ભૂતાનમાં ચીનના પગપેસારા મામલે પણ “લુટીયેન્સ દિલ્લી”માં જન્મેલા અને પેઢીઓથી વસેલા ગાંધી પરિવારના આ ફરજંદને બોલાવીને ચીને પોતાનો રસ્તો અને સ્ટેન્ડ ક્લીયર કર્યું લાગે છે..!
દિલ્લીમાં સત્તાના કેન્દ્રની આજુબાજુ રેહતી પ્રજા દેશની ઘણી સમસ્યાના મૂળમાં રહી છે, એમના ઠેકાણા હંમેશા રાજદરબાર અને રાજ્મેહલની ખુબ નજીક રેહતા કે કામ કરતા અને નવી દિલ્લી બન્યા પછી આ બધું “લુટીયેન્સ દિલ્લી”માં ગોઠવાયુ, છેક મોતીલાલ નેહરુ થી ચાલી આવતી નેહરુ ગાંધી ડાયનેસ્ટી એ સત્તા ગઈ હોવા છત્તા પણ એમની મહત્તા સાબિત કરી દીધી..!
કાશ્મીર સમસ્યાનો ઉકેલ કદાચ કાશ્મીરમાં છે જ નહિ, કાશ્મીરી આતંકવાદ નામના રાક્ષસનો જીવ છે “લુટીયેન્સ દિલ્લી” માં રેહતા પોપટોમાં અને જો આપડે “લુટીયેન્સ દિલ્લી” રેહતા પોપટની ડોક મચડી નાખીએ તો જ કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવે..
“લુટીયેન્સ દિલ્લી”માં વસતા કાશ્મીરીઓ અને “સવાયા” કાશ્મીરીઓને જ્યાં સુધી ત્યાંથી તગેડી મુકવામાં નહિ આવે ત્યાં સુધી આવા એક નહિ અનેક હત્યાકાંડ થતા રેહશે..
નરેન્દ્ર મોદીએ આ બધાનો એક “ટોળકી” સ્વરૂપે પણ ઉલ્લેખ કરેલો અને એ ટોળકીની તાકાત પર ક્યાંક કાપ મુકાઈ રહ્યો છે,કેમકે કોંગ્રેસ ક્યારેક એવું બયાન આપે છે કે સંસ્થાઓ ખતમ થઇ રહી છે અને પાવર સેન્ટર ફક્ત ૭ રેસકોર્સ રહ્યુ છે..
જો આ વાત સત્ય હોય તો કઈ ખોટું નથી..!
ગઈકાલે સાંજે હું ઘરે પોહ્ચ્યો અને હિંચકે બેઠો હતો ત્યારે અચાનક દસ પંદર કાબરો નું ટોળું ધસી આવ્યું મને થોડું અચરજ થયું કે ક્યારેય નથી ને આજે કેમ અચાનક આટલી બધી કાબરો કેમની આવી ?પણ સેહજ ધ્યાનથી જોયું તો ઘરની બહાર કમ્પાઉન્ડની ગટરોમાંથી વંદા બહાર આવતા હતા અને કાબરો એક પછી એક એ વાંદાઓને લઈને ઉંડી જતી હતી..!
બપોરે ઘેર પેસ્ટીસાઇડવાળો આવ્યો હતો,અને બાથરૂમની અંદરની ગટરોમાં દવા રેડી હતી એટલે વાંદાઓ બહારની ગટરમાંથી બહાર આવી રહ્યા હતા..અને કાબરો એમના ભાવતા ભોજનને લઈને ઉંડી જતી હતી..અમારા શ્રીમતીજીને વાંદાઓ ઉપર દયા આવી એટલે એમણે ઘરમાં બાથરૂમની ગટરોમાં જ દવા નાખવી અને કમ્પાઉન્ડની અને સોસાયટીની ગટરો છોડી દીધી..!
મેં શ્રીમતીજીને કીધું ઘરની અંદરની ગટરોમાં પેસ્ટીસાઇડ નાખ્યા તો કમ્પાઉન્ડની અને બહારની સોસાયટીની ગટરોના ઢાંકણા ખોલીને પણ દવા નખાવી દેવી`તી ને.. બધે જોડે પેસ્ટીસાઇડ નાખો તો જ કાયમ નો ત્રાસ જાય નહિ તો આ તો પાછા આવશે..!
એકલા કાશ્મીરમાં “ઓપરેશન શિવા” ચાલુ કર્યે મેળ નહિ પડે “લુટીયેન્સ દિલ્લી”માં પણ અભિયાન છેડી અને આ વાંદાઓને મારવા પડશે નહિ તો પાછા આવતા વાર નહિ લાગે..! અને મેહબુબા મુફ્તીના આજના બયાન પ્રમાણે ચીન પણ ક્યાંક કાશ્મીરમાં છે ..
હા ચીન છે પણ એનો રોલ પેલી કાબરો જેવો છે વંદા લઈને ઉડી જાય છે અને પછી ચટ્ટ કરી જાય છે..
આજે આટલું જ ..
શુભ રાત્રી
શૈશવ વોરા