સોશિઅલ મીડિયા ઘેર આનંદ ભયો..! જનતા એટલી બધી ખુશ ખુશ થઇ ગઈ અને અનંત અંબાણીના સવારથી એટલી બધી વાર ફોટા શેર કર્યા કે ના પૂછો ને વાત,
જો કે સાચું કહું તો મને પણ સવાર સવારમાં છાપામાં અનંતના ફોટા જોઇને ખુશી થઇ, યાર ખરેખર એક ભગીરથ કાર્ય કર્યું કેહવાય આ છોકરાએ..!!
શાબાશીને પાત્ર છે અનંત અંબાણી,અને એનું આ કૃત્ય, જોઈને ભારત આખાના મનુષ્યકુળમાં અવતરેલા અને પોતાની સ્વાદેન્દ્રીયના ગુલામ થઈને ગજેન્દ્રકુળમાં સ્થાન પામેલા લાખો ગજરાજો ને ફરી એકવાર મનુષ્ય થવાની પ્રેરણા મળે એવું કામ કર્યું છે..!!
મારા ઘણા બધા મિત્રો જન્મે મનુષ્ય છે પણ અઢાર વર્ષના થયા પછી એમની સ્વાદેન્દ્રીયનો એકદમ જ વધારે પડતો વિકાસ થયો અને છેવટે અત્યારે ગજેન્દ્રકુળ માં જીવી રહ્યા છે એ બધાને માટે આજ નો બ્લોગ લખું છું..!
અનંત અંબાણીની આ વજન ઘટાડવાની યાત્રા ખરેખર ખુબ જ યાતનામય રહી હશે, એનું કારણ છે.. રૂપિયા તમારી પાસે ભલે ગમે તેટલા હોય પણ વજન ઘટાડવા માટેની જે મેહનત કરવી પડે એ તો આપણે જાતે જ કરાવી પડે,એમાં આપણે આપણા શરીરને એમ કહીએ કે એઈ ચલ વજન ઓછુ કરી નાખ તને ખબર છે મારો બાપ કોણ છે ?
હિન્દુસ્તાનનો સૌથી વધુ રૂપિયાવાળો માણસ છે મારો બાપ ..! તો એ ટણી તમારુ શરીરના માને..એમાં તો જાતે જ જાતરા કરવા જવું પડે, કોઈ આપણા બદલે કઈ જ ના કરી શકે..!!ડાયટ અને એકસરસાઈઝ જાતે જ કરાવી પડે, ભીમ ખાય અને શકુની હંગે એવુ બિલકુલ ના ચાલે..!
એક વખત સોશિઅલ મીડિયામાં હાંસીને પાત્ર બનેલ અનંતને આજે એ જ સોશિઅલ મીડિયાએ વધાવ્યો..!!
મારા ગજપતિઓ ..જુવો . સીખો..!
જો કે આ વધામણા પાછળ એક બીજું પણ કારણ મને દેખાય છે,
સોશિઅલ મીડિયા પર ચોંટી રેહતી આજની જનરેશન જેને ફીઝીકલ એકસરસાઈઝ બિલકુલ નથી બે હાથની આંગળીઓ અને અંગુઠાનો જ દિવસ આખો ઉપયોગ કરતી અત્યારની અડધી જનતા લગભગ ઓવર વેઇટ છે અને ઓબેસિટીમાં ઘુસી ગઈ છે..
ઓવર વેઇટ અને ઓબેસિટી (મેદસ્વીપણું ) એ બંનેમાં ફર્ક છે ,તમારા આઈડીયલ વજન કરતા +૫ થી +૭ કિલો બહુ બહુ તો દસ કિલો વજન વધારે હોય તો એને ઓવર વેઇટ કેહવાય અને એના પછી જે હોય એને ઓબેસિટી જ કેહવાય..!!
મારો એક સપ્લાયર મિત્ર પાંચ છ વર્ષના ગાળા પછી યુરોપથી આવ્યો હતો, એ પોતે યુરોપિયન છે,અમે બંને પુના એરપોર્ટ પર બોર્ડીંગ માટે રાહ જોતા બેઠા હતા
મેં સ્વાભાવિક રીતે એને પૂછ્યું કે તને આ છેલ્લા પાંચ વર્ષમાં મારા દેશમાં શું ફર્ક લાગ્યો..?પેહલા તો એ કઈ બોલ્યો નહિ પછી એણે કીધું શૈશવ તને ખરાબના લાગે તો એક વાત કહું મેં કીધું બોલ ને ભાઈ બોલ નહિ લગાડુ ખરાબ..એણે જવાબ આપ્યો ઇન્ડીયા ઈઝ મોર ફેટી નાવ અ ડેઝ..!! તમે લોકો ખુબ જાડા થઇ ગયા છો..! અને ઉદાહરણમાં એણે કીધું તું અહિયા એરપોર્ટ બેઠેલી બધી જ સ્ત્રીઓને જો કોઈપણ સ્ત્રી તને પતલી નહિ દેખાય..!!
અને ખરેખર એરપોર્ટ પર બેઠેલી સ્ત્રીઓમાં નેવું ટકા ઓબેસ હતી..!!અને પુરુષોના પણ એ જ હાલ દેખાયા..! યંગસ્ટર્સ જે મોબાઈલ જોડે ચોંટેલા હતા એ પણ ઓબેસ હતા..!
બસ એટલે આજે અનંત અંબાણીમાં દરેકને પોતાનું રૂપ દેખાયુ કે હું પણ ક્યારેક પાતળો થઈશ અને આવો હેન્ડસમ લાગીશ..!અને અનંતના ફોટા ફેરવી કાઢ્યા.!
ખાલી વિચારોથી નહિ ગજગામિની મેહનત કરીશ અને મોઢા પર કંટ્રોલ કરીશ તો ખરેખર સુંદર લાગીશ..! શક્ય છે..!
ઘણી વખત હું વિચારું છું કે આપણે કઈ જ ખાતા નથી અને તો કેમ જાડા થઇ જઈએ છીએ..? પણ પછી સવારથી રાત સુધીમાં શું શું ખાધુ એનુ લીસ્ટ બનાવુ અને એ બધાની કેલેરીનું ટોટલ મારું એટલે પછી ખબર પડી જાય કે જેને હું કઈ જ ખાધુ નથી એવું ગણું છુ, એ ઘણુંબધું થઇ જાય છે ..!!
ઓવરઓલ છેલ્લા બે દસકામાં આપણે લોકો એ જે એમાઉન્ટમાં પેકેટ ફૂડ અને જેને આપડે જંક ફૂડ કહીએ છીએ ,એ ખાધુ છે એ કદાચ માનવજાતના હજારો વર્ષોના ઈતિહાસમાં સૌથી વધારે છે..!
અને આ જ છેલ્લા બે દસકામાં જેને કસરત કહીએ એવું કોઈ જ કામ આખી માણસ જાતે નથી કર્યું..!
આપણા બાપદાદા (બાપા ને બાદ કરતા એની પેહલાના બધા જ )જે રીતે અને જે વસ્તુઓ ખાતા, એ બધી જ રીત અને વસ્તુઓ લગભગ આપણે છોડી દીધી છે અને અત્યારે તૈયાર (હોટલો) અને પડીકા ફૂડના રવાડે ચડ્યા છીએ..!
હું ચોક્કસ માનુ છુ કે કોઈ પણ ફૂડ પર જેટલી પ્રોસેસ ઓછી થાય એટલુ ફૂડ સારું અને હેલ્ધી,અને પ્રોસેસ થયા વિનાનું ફૂડ એટલે કાચુ..ખવાય એટલું કાચું ખાવ બિલકુલ નહિ નડે..
મહાદેવજીના પોઠિયાએ ભૂલ કરી ત્રણ વાર ન્હાય એકવાર ખાય એની બદલે એ બોલી ગયો કે એક વાર ન્હાય અને ત્રણ વાર ખાય..પણ આપણે તો એમાં પણ આગળ નીકળી ગયા..ખાલી ત્રણ વાર હોય ? જેટલીવાર હાથમાં ખાવાનું આવે એટલી વાર ખાવ..ઓહિયા કરી જ નાખવાનુ..! અને એ ખાવામાં પણ કોઈ માપ જ નહિ.. જે મળ્યું એ ઠોકારો તમતમારે ..
તેલ, ઘી,ખાંડ,ચીઝ,બટર,આઈસ્ક્રીમ..ચોકલેટ પછી પરિણામ ?
ફેસબુક પર ફોટા ખાલી અડધા જ મુકવાના ..ક્રોપ કરી કરીને મુકવા પડે નહિ તો પેન્ટના બેલ્ટની ઉપર થઈને બહાર આવતું મોટું પેટ અને નીચેથી બહાર આવતા કુલા..આખા પ્રોફાઈલ પિક્ચરની પથારી ફેરવી નાખે..!
પણ ખરેખર યાદ કરો કે ઘરની બહાર જઈને હોટેલમાં પંજાબી અને ચાઇનીઝને બદલે ફ્રુટ ડીશ ક્યારે ખાધી હતી ?ફ્રુટ જ્યુસ ક્યારે પીધો ?
નહિ યાદ આવે..! ખાધી હોય તો યાદ આવે ને ? લગ્નોમાં પેલા સલાડના કાઉન્ટર શોભાના જ હોય ભીડ ક્યાં હોય ? ફરસાણ અને ડેઝર્ટના કાઉન્ટર પર..!!
ઘરમાં પણ એ જ હાલ છે, જેને પૌષ્ટિક આહાર કેહવાય એ બધુ જ લગભગ ઘરના રસોડાની બહાર જતું રહ્યું છે અને રસોડામાં જે આવે છે એ પૌષ્ટિક રહ્યું નથી, લગભગ રોજ સાંજનો રસોડાનો કકળાટ શું બનાવું ?છોકરાઓ કઈ ખાતા જ નથી..!એટલે ચીઝ બટર અને બેકરી આઈટમ..!!
દરેક ઘરમાં ફ્રુટને તો કોઈ અડતું જ નથી. સડી જાય છે પણ સફરજન કોઈ ખાતુ નથી, લગભગ બધી મમ્મીનો પ્રોબ્લમ..!
ગઈકાલે ફેક્ટરીએ વાંદરાનું ઝુંડ આવેલું કારીગરોએ પાર્લે ના બિસ્કીટ ખવડાવ્યા, મેં રોક્યા અલ્યા રેહવા દે એને આ બધાની ટેવ ના પાડો, મને જવાબ મળ્યો સાહેબ રોજ આવે છે આ જ ટાઈમે અને ટેવ ના શુ પાડીએ પડી ગઈ છે કેળા અને પાર્લેના બિસ્કીટ બેઉ આપીએ છીએ તો મારા બેટા બિસ્કીટ ખાય છે..! લો પત્યું
હું તો લોકો ને એમ કેહતો ફરતો કે હેલ્ધી રેહવુ હોય તો વાંદરા જે ખાય એ ખાવ..!આપણે તો વાંદરાને પણ વટલાવી નાખ્યો..!
પૂરું કરતા પેહલા મારા જાડિયા મિત્રોને નામે એક વાત લખું છું..
મારા વ્હાલા જાડિયા..તારુ નામ નથી લખતો કેમકે તારા સાઢુ, સાળા અને તારા બધા સાસરિયા મારા ફેસબુક ફ્રેન્ડ છે એટલે તારી આબરૂ રાખું છું..!
હવે તુ મને સામુ ના બોલતો કે મને જાડિયો કહે છે તો એ શૈશાવ્યા તું વળી કયો પાતળો છે..? તો તને કહી દઉં કે હું ઓવર વેઇટ છું ઓબે નહિ..!! હું ફીટ છું,અને તું જાડિયો છે.!
જાડુ બકા તને યાદ હોય તો એક જમાનામાં આપણે બંને જાડિયા હતા..! આપણને બંને ને ધમકી મળતી કે આવતી રથયાત્રા સુધીમાં વજન ઘટાડો નહિ તો તમને પણ રથયાત્રામાં જોડી દઈશુ.! સોળ ભેગા અઢાર હાથી..!!
પણ હવે કદાચ હું થોડી વધારે મેહનત કરું તો હું રથયાત્રાના પાછળના ભાગમાં અખાડામાં હોઈશ અને તારી જગ્યા તો હજી ત્યાં જ છે..સૌથી પેહલી ગજરાજોની જોડે..!!
જાડુ બકા, પપ્પા તને અને આખા ખાનપુરને કહે છે જાડુ શરીર એટલે બધા રોગની માં અને આપડા જ એક ફ્રેન્ડને હાર્ટએટેક આવી ચુક્યો છે દસ વર્ષ પેહલા..!
તને અત્યારે બ્લડ પ્રેશર છે,અને ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલ બોર્ડર પર છે,અને તને જીમમાં ખેંચવાની મેં ઘણી કોશિશ કરી પણ તારો જવાબ એક જ હોય છે , જો આ એક ગોળીથી કામ ચાલતું હોય ત્યાં મારે તારી જેમ મજુરી નથી કરવી,આ જીમમાં જઈને મણિકા ઊંચકે છે ને એના કરતા મારી ફેક્ટરી આવી જા રોજ એક ગાડી ખાલી કરવાની જ હોય છે , બહારથી મજુર લાવું તો એને ટને એશી રૂપિયા આપું છું તને સો રૂપિયા આપીશ ..એમ કરીને તું વાત ઉડાવી દે છે..
પણ જાડુ જો આ બધું જ બ્લડ પ્રેશર ,કોલેસ્ટ્રોલ ,ડાયાબીટીસ એક જમાનામાં આજથી અગિયાર વર્ષ પેહલા મને પણ હતુ, અને વધારામાં અનંત અંબાણીની જેમ મને પણ અસ્થમા હતો અને મેં પણ ભૂતકાળમાં સ્ટીરોઇડના ઇન્જેક્શન લીધેલા છે, તું અને હું હજી પણ એક સરખા જ છીએ પણ આજે અગિયાર વર્ષથી લગભગ રેગ્યુલર જીમ કરવાથી તારી અને મારી વચ્ચે નો ફર્ક બ્લડ ટેસ્ટના રીપોર્ટમાં આવી ગયો છે..!
મારા જીમના ફેસબુક ડીપી ઉપર તારી લાઈક દિલથી હોય છે,મને ખબર છે પણ તારા ફોટાને લાઈક હું કચવાતે મને કરુ છું..!
હમણા જ પાપાના એક ફ્રેન્ડને મળવા ગયો હતો ,ખુબ એકલતાથી પીડાતા હોય એવુ લાગ્યુ ,મને કહે શૈશવ મારે ખુશ થવું કે દુખી થવું ?મારા અડધા મિત્રો મરી ગયા અને અડધા જીવે છે ..હવે જે જીવે છે એની સાથે હું પણ જીવું છું એનો આનંદ લઉં કે મર્યા એ બધા મને છોડીને જતા રહ્યા એનું દુઃખ કરું મને તો એ જ સમજાતું નથી..
જાડુ આપણે અડધે તો આવી ગયા છીએ અને હું તો નહિ મરુ જલ્દી મારા જીમ ના છોકરા કહે છે અંકલ આપ તો જીમ મેં હી મરોગે..એટલે હજી કહું છું સુધર..મારે આવો અફસોસ નથી કરવો આપણે જોડે અને બહુ મોડે મરવુ છે જાડુ..!
અને ભાભી તને પણ કહી દઉં વાંક તારો પણ એટલો જ છે આને જાડિયો કરવામાં..તીખા અને તળેલા અને ગળ્યા રાંધવાના બંધ કર..ભલે રેહતો ભૂખ્યો જાડિયો ,ઘરમાંથી તેલના ડબ્બા કાઢી નાખ પાંચ પાંચ કિલો છૂટક લાવ એટલે તને પણ તેલ વાપરતા અને બજારમાં લેવા જવાનો કંટાળો આવશે..
ભાભી તું તેલ વિનાનું રાંધીશ અને બે ચાર દિવસ નહિ ખાય તો મરી નહિ જાય આ જાડિયો.. દુનિયામાં ભૂખથી મરે છે એના કરતા વધુ લોકો વધારે પડતુ ખાઈ ખાઈને મારે છે ,
ભાભી તું પણ રાત પડે જે ખાવાનું વધે છે એને સીધું ગટરમાં નાખ, તું વધેલુ ખાય અને પછી એમાંથી તેલ અને ઘી ,ચીઝ અને બટર તારા શરીર પર રહી જાય છે,અને બાકીનું વધેલુ તુ છેક સવારે ગટરમાં નાખે છે..!
તો પછી રાતે જ એ વધેલાને ગટરમાં નાખને ..! શું કરવા એ ખાવાનાને ગટર સુધી પોહચાડવા તારા પેટના રસ્તે થઈને લઇ જાય છે ? તારા પેટને તારા રાતના વધેલા ખાવાના ગટર સુધી પોહાચાડવાનો રસ્તો નાં બનાવ..
ભાભી મારો જાડિયો જીમમાં તો નહિ આવે ગમે તેટલુ કહીશ તો પણ ,તું એક કામ કર એને લઈને તારા ઘરેથી થોડે દુરનુ એકાદુ મંદિર પકડ અને એ મંદિરની બાધા રાખ ચાલતા જવાની, અને એને જોડે લઈને જવાની..ટેવ પાડ પેહલા ચાલવાની..!!
બહુ થયુ પણ યાર જાડિયા ,હવે સમજ ઉતારી નાખ વધારાની ચરબી બકા..અને મદનીયામાંથી માણસ થઇ જા..!
છેલ્લી ધમકી
તારું નામ લખી ને ટેગ કરીશ પછી તને..અનંત અંબાણીના જુના ફોટામાં..!!
શૈશવ વોરા