રાષ્ટ્રપતિની ચુંટણી ના રણશિંગા ફૂંકાઈ ગયા છે વિપક્ષ ડીપ્રેશનમાં છે આંકડા ફેવરમાં નથી આવતા એટલે સત્તાપક્ષ બિલકુલ ધીમે ધીમે સાચવીને ચૂપચાપ બેઠો છે..અત્યાર સુધી પત્તા છાતીએ દાબીને બેઠો રહ્યો..
હાથણી કોને માથે કળશ ઢોળે એની કોઈને ખબર નોહતી પણ આજે કળશ ઢોળાઈ ગયો શ્રી રામનાથ કોવિદ બિહારના રાજ્યપાલને માથે કળશ ઢોળાયો છે, હવે ના આવનારા પાંચ વર્ષની એમને મોજ છે એ નક્કી..રાયસીના હિલ્સમાં કે રાજભવનમાં બેઠા બેઠા મોટેભાગે કોઈ કામ કરવાનું હોતું નથી, બધું કામ તમારા નામ પર થયા કરે અને તમારે મહામહિમ થઇને જે ચાલતું હોય તે જોયા કરવાનુ..!
અત્યાર સુધીના રાષ્ટ્રપતિના ગ્રાફ બહુ ટીપીકલ રહ્યા છે મોટેભાગે જે તે સરકારોને વફાદાર રહીને નિષ્ક્રિય રહીને કામ કર્યા કરયા છે, અને જો એમના કાર્યકાળના છેલ્લા એકાદ બે વર્ષ રહ્યા હોય તો થોડું ઘણું માથુ ઊંચું કરે બાકી તો તમે જેમ કહો તેમ..
રાયસીના હિલ્સ ખરેખર કેટલી તાકાત ધરાવે છે એના સાચા ખોટાના પારખા હજુ સુધી થયા નથી,રાજ્ય સરકારોને પદભ્રષ્ટ કરવામાં ઘણીવાર બદનામ થઇ ચુકી છે પણ કેન્દ્રમાં અત્યાર સુધી જ્ઞાની ઝૈલસિંહ સિવાય બીજું કોઈ બહુ નામક્કર ગયું નથી..!
હાલના મહામહિમએ એક “ખૂબી ભાલો પુરુષ“ની છાપ મૂકી છે, કોઈ ખોટી કનડગત એમની તરફથી લગભગ નથી થઇ કે જેથી વિવાદો ઉભા થાય..જો કે મોદી સરકાર પણ ઘણું સાચવી અને અંતર રાખી રાખીને ચાલી છે,વિવાદ ઉભો થાય એવા એકપણ બીલ રાયસીના હિલ્સ સુધી પોહચાડતી જ નથી,
પણ આવનારા મહામહિમ માટેના દિવસો કપરા હશે હવે તો ૩૭૦થી લઈને બંધારણમાં પાછળથી ઘુસાડેલો “સેક્યુલર” શબ્દ કાઢવો,આવા ઘણા બધા કામ બાકી છે અને એની ઉપર સહી કરવાની આવે ત્યારે હાથ થોડાક ધ્રુજે તો તકલીફના પાર ના રહે..!
હું તો અત્યારે એવું માનીને બેઠો છું કે નવા મહામહિમ આવતાની સાથે જ ૩૭૦ કલમ ઉડાડી નાખવામાં આવશે..! અને “સેક્યુલર” શબ્દને પણ કાઢી નાખવામાં આવશે..
રાજ્યસભા ટીવી ઉપર બંધારણ સભાનું નાટ્ય રૂપાંતરણ જોયું હતું અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણે “સેક્યુલર” શબ્દ વાપરવાની જરૂર જ નથી, આ શબ્દ ક્રિશ્ચીયાનીટીનો છે..મૂળ ક્રિશ્ચયન પ્રજાને બીજા નવા બનેલા ક્રિશ્ચિયન સાથે જયારે “ડીલ” કરવાનું આવ્યું ત્યારે એમણે કહી દીધું કે ઓકે “વી વિલ ટોલરેટ યુ..!”
ગુજરાતી કરું તો ઠીક છે અમે તમને “સહન” કરી લઈશુ..અને સેક્યુલરનું ગુજરાતી કરું તો “સમભાવ”..!
આપણી સંસ્કૃતિ તો સ્વીકારની રહી છે,જે નવું આવ્યું અને સારું લાગ્યું એનો સ્વીકાર કર્યો છે,તો સહન કરવાની વાત ક્યાં આવી ?અને સહન નથી કરવાના તો પછી સમભાવ કેળવવાની વાત જ ક્યાં આવી..?
જેનો “સ્વીકાર” છે એને માટે તો “પ્રેમભાવ” હોય “સમભાવ” શું કામ ?
પણ બંધારણના ઘડવૈયાઓની આ પ્રેમભાવવાળી ભાવના ને સાહીઠ અને સિત્તેરના દાયકાના વામણા નેતાઓ સમજી શક્યા નહિ,અને એમની ખીચડી, રોટલી,શાક બધું પાકતું રહે અને મજા ચાલુ રહે એનો બંદોબસ્ત કરવા “સેક્યુલર” શબ્દ બંધારણમાં પાછળથી ઘુસાડી દીધો..!
હિંદુ પ્રજા તો મધ મરનારી પ્રજા છે એને ઝેર આપો તો એ ના મરે..!
અહિયાં “હિંદુ” શબ્દ ઉપમહાદ્વીપમાં રેહતા દરેક વ્યક્તિ માટે વાપરુ છું..!
આ પ્રજાને બે મીઠા શબ્દો બોલો એટલે ઓળઘોળ, સરહદે માથા વાઢી લ્યે એની જોડે ક્રિકેટ રમે,અને ગમે તેટલા સત્ય દેખાડો તોય કહે ના ભાઈ ના હશે જવા દો..
અને હારી જાય તો દુઃખ દુઃખ અને તો પણ સામેવાળો કેપ્ટન બે શબ્દો સારા બોલે તો પાછો મરવા તૈયાર થઇ જાય..! અને આ સ્વીકાર અને પ્રેમની રમતમાં પોતાની અસલ આઇડેન્ટિટી ખોઈ ચુક્યો છે “હિંદુ”..
લગભગ પોણા બે અબજની વસ્તીવાળો ઉપમહાદ્વીપ જે ઇન્ડિયા તરીકે ઓળખાતો એ આજે પોતના રીતરીવાજો અને જેને સંસ્કાર,સંસ્કૃતિ કહીએ છીએ એ ભૂલી ગયો છે..
પાકિસ્તાન અને અડધું બંગાળ અને આજના ભારતના બીજો મોટો ભાગ અરબ સંસ્કૃતિના રંગે રંગાયા..ભૂતાન,લેહ,સિક્કિમ, મિઝોરમ,લડાખ અને તિબેટ બુદ્ધના રંગે રંગાયા, જોકે બુદ્ધને કોઈપણ રીતે પારકા ના કહેવાય..!
લગભગ આખો ઉપમહાદ્વીપ ઘણા જુદા જુદા રંગે રંગાઈ ચુક્યો છે..અને એક રંગ બીજા ઉપર હાવી થવાની કોશિશ કરતો દેખાય છે અને એમાં ને એમાં પેલી સ્વીકાર અને પ્રેમભાવવાળી વાત ક્યાંક ખૂટે છે ..
તું મારું “કીધું કર” નહિ તો હું તને “મારી નાખું”..આ “મારી નાખું” ને અને બીજા શબ્દોમાં કહું તો આતંકવાદ..આ એ જ ભૂમિ છે જ્યાં શાસ્ત્રાર્થ થતા ગમે તેને ગમે તે “લોજીક” અને “વાત” લઈને આવવાની છુટ્ટી હતી અને પંડિતો જોડે શાસ્ત્રાર્થ થતા, જીવનના દરેક સમય અને કાળ માટેની એક પર્યાવરણને જોડે રાખીને કેમ વર્તવું એની ગાઈડલાઈન્સ તૈયાર થઇ હતી..કશું કોઈની ઉપર થોપવાની વાત નોહતી થતી..કોઈને કીધું નાં કરે એટલે પકડીને મારી નાખવાની વાત ક્યારેય નોહતી થતી..!
મૂર્તિપૂજા કે એકેશ્વરવાદ કે પછી નાસ્તિક ઘણા બધા રસ્તા ખુલ્લા હતા..અને આજે છેલ્લા ત્રીસ વર્ષમાં લગભગ ધરતી રસાતળ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે..
અટલ બિહારી વાજપાઈ બોલ્યા હતા કે હિમાલય કો હમ યુદ્ધ ભૂમિ કભી નહિ બનને દેંગે અને આજે પરીસ્થિત એવી છે કે નાગાધિરાજના એક એક શૃંગ ઉપર સૈનિક છે અને એક એક કંદરામાં એક આતંકવાદી છુપાયેલો છે..!
ખરો કસોટીનો કાળ ચાલી રહ્યો છે ઉપમહાદ્વીપ માટે,ઝી ન્યુઝ ઉપર એક લખોટો પોતાને ના ભારતીય ના પાકિસ્તાની બસ હું કાશ્મીરી છું એવું રટ્યા કરતો હતો..!
આવનારા સમયમાં અત્યાર સુધીની મોદી સરકારની નિષ્ક્રિયતાને એક સમજી વિચારેલી ચાલ ગણી લઈએ તો શ્રી રામનાથ કોવિદના ખભે બહુ મોટી તોપ મુકાઈ છે..!
“અખંડ ભારત” ના સંઘ પરિવારના જોયેલા અને નરેન્દ્ર મોદીની આંખે આંજેલા સપનાના આંજણ એમની વિદેશયાત્રાઓ વખતે મોઢું ધોતા ઉતરી નહિ ગયા હોય તો ચોઘડિયા સારા છે,
૨૧મિ જુને શનિ મહારાજ વક્રી થઈને વૃશ્ચિક રાશીમાં આવી રહ્યા છે, મીન લગ્નની ભારતની આઝાદીની કુંડલીમાં આવનારા દિવસોમાં દિવાળી સુધી ઉથલપાથલના યોગો કરે છે, સિંહ રાશીનો છઠ્ઠે પડેલો રાહુ પણ હવે ત્યાંથી ખસવાની તૈયારીમાં છે અને કન્યાનો ગુરુ લગ્ન સ્થાને પૂર્ણ દ્રષ્ટિથી જોવે છે એટલે મેચ હાર્યા તેમ બીજું કશું હારવાની શક્યતા નથી..!
મીન લગ્નવાળાને કન્યાનો ગુરુ અને એના પછી તુલાનો ગુરુ ખોટું ફળ તો ના જ આપે..!
રાજના ખજાના પણ એવા ખાલી નથી, હિમાલયને બળપ્રયોગ કરીને ખાલી કરાવવાનો “સાચો” એવો એકાદ પ્રયત્ન તો થવો જોઈએ..!
જોઈએ નવા મહામહિમ રાયસીના હિલ્સ પર આરામ ફરમાવે છે કે પછી બાણું વર્ષના રાણી એલીઝાબેથ જેમ દરેક હુમલા પછી ઘાયલોની ખબર પૂછવા પોહચી જાય છે તેમ પ્રધાનમંત્રીને રાજકાજમાં મદદ કરે છે..!
સમય જ કેહશે કે ભારતના નવા ભાગ્યવિધાતા શું કરશે,અને વિધાત્રી એમની જોડે શું કરાવશે..!!!!!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા