સ્ત્રીઓના માસિક ધર્મ વિષે એક વોટ્સ એપ મેસેજ આવ્યો..! તમને પણ કદાચ આવ્યો હશે, સદીઓથી ચાલતા આવતા માસિક ધર્મ વિષે સ્ત્રીઓ પર ઠોકી બેસાડેલા રીતરીવાજો અને જુદા જુદા દેશોમાં ભુલાઈ ચુકેલી પરંપરાના હવાલા આપવામાં આવ્યા હતા..!
પેહલા તો થયું કે લાવ ઝૂડી નાખું બે ચાર હજાર વર્ષ પેહલાની કોઈક ખોવાયેલી સદીમાં જીવતા આ પ્રાણીને,પણ પછી એમ વિચાર આવ્યો કે કદાચ એનો ઉછેર “બંધનપ્રિય” સમાજની માનસિકતાની વચ્ચે રહીને થયો હશે એટલે અત્યારના જમાનાની પોતાના વિચારો અને માન્યતા ધરાવતી સ્ત્રીઓ ને જોઇને એમને બહુ “લાગી” આવ્યું હશે માટે આવા લવારા એમણે ફોરવર્ડ કર્યા હશે..!
ખુલ્લાપણુ,આઝાદી,મુક્તતા,સ્વતન્ત્રતા..આવા બધા શબ્દો પ્રેક્ટીકલ લાઈફમાં આપણે ઘણીબધીવાર ચુકી જઈએ છીએ અને ઘણીવાર તો જાણી કરીને ઇગ્નોર કરી દઈએ છીએ..!
હમણા ક્યાંક “ગરીબ” ની વ્યાખ્યા સાંભળી
“ગરીબ એ હોય છે કે જેનો હક્ક બીજી કોઈ વ્યક્તિ લઇ ગઈ હોય છે”
હવે આ વ્યાખ્યામાં ક્યાય રૂપિયા પૈસાનો તો ઉલ્લેખ જ નથી,અને આ વ્યાખ્યા પ્રમાણે તો આપણે લગભગ આખો દેશ જ “ગરીબ” છીએ કેમ કે આપણે દરેક વસ્તુ નો કે ક્રિયા કરવાનો હક્ક તો કોઈના વગર કીધે આપણે હંમેશા બીજા કોઈને લખી આપ્યો છે..
“દારુણ ગરીબી” માં જીવતા આપણી વચ્ચે જેવો કોઈ એકાદો “અમીર” પેદા થયો કે જેને પોતાનો હક્ક બીજાને કોઈને નથી આપવો, એવો એક પણ જણ હાથમાં આવે કે જે વ્યક્તિ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે તો તરત જ એને આપણે “સ્વચ્છંદી”નું ઉપનામ આપી દઈએ છીએ..!
અને પાછુ એમાં પણ પુષ્કળ દંભ રાખીએ છીએ, ક્યારેક ચાન્સ મળ્યે સમય આવ્યે આપણે પુરુષો “સ્વછંદી” થઇ જઈએ છીએ,પણ એક વાતનું હંમેશા ખુબ જ ધ્યાન રાખીએ કે ઘરની કે આપણા સમાજની સ્ત્રી સેહજ પણ “સ્વછંદ” ના થાય..!
સ્ત્રીના “ચોકીદાર”ની જેમ પુરુષ વર્તે છે..!
મનથી નબળા પુરુષને પોતાની માનસિક ગરીબીને મીટાવવા માટે એણે કોઈકનો હક્ક મારી લેવો બહુ જરૂરી થઇ જાય છે અને એના માટે સ્ત્રીની ઉપર જાત જાતના નિયમો સદીઓથી લાદતો આવ્યો છે..અને એવા જ એક નિયમનું નામ એટલે માસિકધર્મ “પાળવુ”..!
પોતાની માનસિક સ્વતંત્રતા કોઈની પાસે ગીરવે મુકીને આવ્યો છે,એટલે બીજાની પણ એ ગીરવે મુકાવ્યે જ છૂટકો કરે..!
સ્ત્રી “સ્વચ્છંદ” ના થઇ જાય એટલે એનું માનસિક શોષણ સદીઓથી પરંપરા રીતરીવાજના નામે પુરુષ બહુ બુરી રીતે કરતો આવ્યો છે..!
મારા માટે એકવીસમી સદીમાં જીવતો અને માસિકધર્મ પાળવા માટેના આગ્રહ રાખતા પુરુષો જોર જોરથી ઢોલ નગારા વગાડીને પતિની ચિતા સુધી ઢસડી જતા જલ્લાદ પુરુષ …આગળ નથી લખાતું..!
સ્ત્રીને શું કરવું એ નક્કી કરનારો પુરુષ કોણ .?
અને માસિકધર્મનું પાલન કરવું કે ના કરવું એ તો ભયંકર ઈન્ડીવિજ્યુઅલ મામલો થઇ જાય છે ,કપડા કેવા પેહરવા કે નહિ એના કરતા પણ વધારે ઈન્ડીવિજ્યુઅલ.. પણ અમુક લોકોને બીજાના મામલામાં ઘુસી અને મજા લેવાની ટેવ હોય અને સેહજ ઢીલું દેખાય એટલે તરત જ પોતાની આંગળી ખોસી દે..!
પ્રિયંકા ચોપરા એ ટુકું ફ્રોક પેહરી અને નરેન્દ્ર મોદી જોડે ફોટો પડાવ્યો એમાં કેટલાયના ભવાં ચડી ગયા..અલ્યા શંખ તને શું ફેર પડ્યો..?
એવી જ રીતે જર્મન ચાન્સેલર સાઉદી ગયા ત્યારે ખુલ્લા માથે ગયા એમાં કકળાટ મચી ગયો..અલ્યા સો ભાયડા ભાંગીને ભગવાને એક સ્ત્રી બનાવી છે એવી જોરદાર પર્સનાલીટી છે જર્મન ચાન્સેલર, અને તમારે એમને માથે ઓઢાડવું છે ? અને જગત જમાદારના ઘરવાળા મલાનીયા ભાભીએ સાઉદીમાં માથે ના ઓઢ્યું અને પોપને મળવા ગયા ત્યાં માથે ઓઢી લીધું એમાં હોબાળો મચ્યો..!
બિચારા જગત જમાદાર ટ્રમ્પ સાહેબને એમના જ ઘરવાળાનો હાથ પકડવા ગયા અને જે રીતે મલાનીયા ભાભીએ હાથ પકડવાની બદલે જે મસ્ત ટપલી મારી જાહેરમાં.. બસ અભિવ્યક્તિની સ્વતંત્રતા એને કેહવાય..
તું અમેરિકન પ્રેસિડેન્ટ રહ્યો તો શું થઇ ગયું મારો ઘરવાળો છે અને મારે તને અત્યારે હાથ નથી પકડવા દેવો જા ચુપચાપ ચાલ અને તારું કામ કર..!
હું નથી માનતો કે પોપને મળવા ગયા ત્યારે અમેરિકન ફર્સ્ટ લેડીએ કોઈના દબાણમાં માથું ઢાંક્યું હોય..!
શા માટે કોઈના દબાણને વશ થવુ..? સ્થળ કાળ અને સમય પ્રમાણે સ્ત્રીને જે કરવું હશે તે કરશે અને માસિકધર્મ જેવી વાત તો યાર..
હું તો જન્મ્યો ત્યારથી ભણેલી ગણેલી સ્ત્રીઓની વચ્ચે રહીને મોટો થયો છું અને નાનો હતો ત્યારે આડોશ પાડોશમાં “ટાઈમ” માં “બેઠેલા” ને કોઈ અડકે નહિ અને આવું કશું મેં મારા ઘરમાં જોયું જ નોહતુ એટલે બહુ વર્ષો સુધી આ શું પ્રક્રિયા છે એનાથી હું અજાણ હતો ,સાતમા ધોરણમાં સાયન્સના એક ચેપ્ટરમાં સ્કુલમાં મને આ વિષય પર સમજણ આપવામાં આવી અને પછી એ જ દિવસે મમ્મીને ચોખ્ખે ચોખ્ખું પૂછી લીધું અને સમજી લીધુ..
પછી તો આ “પાળવા” ના રીવાજ ને કુરીતિ ગણીને મારી રીતે દલીલો કરતો રહ્યો છું અને ઘણીવાર તો અડવાની નાં પાડે તો હાથે કરીને અડી અને એમના આખા ઘરને હું અડતો .. લ્યો ધોવો બધુ અને છાંટો ગૌમૂત્ર ઘરમાં..!
ખુબ ઝઘડા કર્યા છે આ વિષય ઉપર અને ક્યાંક જીત્યો અને સફળ પણ થયો,
હું માનુ છું કે શારીરિક મર્યાદાને ગામ આખાને બતાડવાનો જમાનો નથી, એકબીજાની સાથે સમજણથી રેહવાનો અને જીવવાનો સમય છે નહિ કે ખોટી ખોટી વાત અને પરંપરાના હવાલા આપી અને તારા કરતા હું ચડિયાતો કે હું બ્લેસ્ડ એવું સાબિત કરવાનો..!
માસિકધર્મને પાપ અને પુણ્યના દાયરામાંથી હટાવી લેવાનો સમય થઇ ચુક્યો છે કોઈ ઝાઝી ચળવળ કરવાની જરૂર નથી બસ જેમ ચાલે છે એમ ચાલશે અને કોઈ મન થી બુઢ્ઢો ઘૂસડ આવનારી પેઢીના દિમાગમાં ડ્રીલીંગ ના કરે તો બે ત્રણ દસકામાં આ ત્રાસમાંથી તમામ વર્ગની સ્ત્રીને જરૂર મુક્તિ મળશે..!
ખોટી ચર્ચા આ વિષય પર મારે કરવી નથી, કોઈ તરફેણ કે વિરોધમાં કોમેન્ટને ડીલીટ ચોક્કસ કરીશ..!
શુભ રાત્રી
શૈશવ વોરા