આજે સાંજે મને અચાનક મારું બાળપણ યાદ આવી ગયું, જ પડ્યે એક મિત્રની ઓફીસ ની બહાર નીકળ્યો અને છ-સાત ટેણીયા મલ્લા માતાની તૈયારી કરતા હતા, (ફોટો મુકું છું બ્લોગ અને ફેસબુક ઉપર..!)એ નાના નાના બાળકોની મલ્લા માતાની તૈયારીઓ જોઈ ને હું જીવનમાં ચાલીસ વર્ષ પાછળ જતો રહ્યો..
મારા ખાનપુરના નાના નાના મિત્રો મને યાદ આવી ગયા,કોના પપ્પા શું કરે છે ? કોણ છે ? સ્ટેટ્સ કોને કેહવાય ?કોની જોડે વાત કરાય ના કરાય ?,કોની જોડે રમાય ના રમાય..!
કોઈ ગતાગમ નહિ બસ જોડે રમે એ મિત્ર..
કેવી સુંદર દુનિયા હતી મારી એ,બસ હાથ પકડીને રમે એ ભેરુ..!સાત આઠ વર્ષ નો હું..શેનાથી રમવું કે નહિ રમવું એની પણ તમાં નહિ..
ક્રિકેટ ના બોલ-બેટ બાજુ પર રેહતા અને ધૂળ માટીથી પણ રમી લેતા..અને નવરાત્રીના આગલા દિવસો તો ખાસ ધૂળ માટીમાં જ રમતા..
મલ્લા માતા..
ખાનપુરના એ મલ્લા માતાની “તડામાર” તૈયારીઓ, નવરાત્રીના આડા ત્રણ ચાર દિવસ રહ્યા હોય ત્યારે સાંજના ચાર-સાડા ચાર થાય ને અમારી આખી ટોળી નીકળે સોસાયટીની બહાર, લગભગ વીસ પચ્ચીસનું ટોળું હોય, હું પણ એ ટોળીમાં લાપતો છુપાતો એમાં ભળી જતો, ત્યારે મને હંમેશા ડર લાગતો કે પપ્પા ના ચમચા આખા એરિયામાં રખડતા હશે અને એકાદો “ચાડી” ખાઈ જશે કે દાકતર નો છોકરો ભરબપોરે નદીમાં ઉતર્યો હતો..
મારા માથે હમેશા ડોકટરના છોકરા નું લેબલ ચોંટેલું રહ્યું છે,અને બાળપણ અને કિશોર અવસ્થામાં તો બહુ જ ચીપકેલું રહ્યું..અરે યાર લોકો મને ગાળ ના બોલવા દે,મારે કોની સાથે રમાય કે ના રમાય એ જનતા નક્કી કરી લેતી.. ડોક્ટર માંબાપ ના મોટા છોકરા તરીકે દુનિયાના તમામ સંસ્કારો નો “ઠેકો” મને જનતા દ્વારા આપવામાં આવ્યો હતો..!
મારા માંબાપ તો મને ધમકાવતા ધમકાવે, એ પેહલા તો લોકો મને ધમકાવી જતા ડોક્ટરના છોકરાથી “આમ” ના થાય..!
ખેર જવા દો એ વાત, પણ હકીકતે મને આજે પણ મારા એ મિત્રોની વચ્ચે જવું અને ઉભા રેહવું અને બેસવું દિલથી બહુ જ ગમે છે, એ સમયે અમારી એ આખી ટોળી જેમાં મોટામાં મોટી ઉંમરના છોકરા બાર વર્ષ અને નાનામાં નાના પાંચ વર્ષ ના રેહતા,
પચ્ચીસેકની ટોળી એમના નાના નાના પગલાં ભરતી ભરતી છેક કામા હોટેલ સુધી જતી,પણ કામા હોટેલ આવે એટલે મારી વધારે ફાટે,કેમ કે કામા ના પારસી માલિક થી લઈને વેઈટર સુધી બધ્ધા જ પાપાના પેશન્ટ, અને લગભગ હું જ્યારે જ્યારે નદીના ભાઠામાં ઉતરતો એટલી વાર કોઈ નું કોઈ ચાડી કરી આવતુ..!
અમને નાના છોકરાઓને નદી ના ભાઠામાં જવા ઉપર સખત પ્રતિબંધ હતો કેમકે ચોમાસા પછી સાબરમતી નદીમાં પાણીના ખાડા ભરાઈ રેહતા અને ખાડામાં અમે ડૂબી જઈએ એવો દરેક મમ્મીને ભય રેહતો છતાં પણ અમે જતા..
એ જમાનામાં કામા હોટેલ પછી પાકી સડક પૂરી થઇ જતી, અને એક ઉભો ઢાળ આવતો, નાનકડી ભેખડ જ કેહવાય, એ ઉભા ઢાળ ઉપરથી અમે આખી ટોળી એક બીજાના હાથ પકડી અને ધીમે ધીમે નદીના પટમાં નીચે ઉતરતા..ગધેડા ઉપર રેતી ભરી અને લઇ જતી ગધેડાવાળી અને એના ગધેડા એ બનાવેલી એકાદી કેડી અમે શોધતા અને પછી એ કેડી ની ઉપર અમે ચાલવાનું ચાલુ કરતા.અને નદીમાં ઊંડા ઉતરતા.. .
અમારો ટાર્ગેટ રેહતો નદીમાંથી એકદમ ચીકણો કાંપ શોધવો..
અમારા બધાના નાનકડા નાનકડા હાથ અને નજરો સાબરમતીની રેતીમાં કાંપ શોધતી..ત્યારે એ જમાનામાં મને સાબરમતી નો પટ “અફાટ” લાગતો, સાબરમતીનું પાણી ત્યારે મોટેભાગે શાહપુરથી આગળ આવતા એનું વેહણ સામે ની બાજુ આશ્રમ રોડ તરફ વેહતું,સાબરમતી ત્યારે લગભગ ઝીગઝેગ વેહતી એટલે અમને કામા હોટેલથી ખાસ્સું એવું ત્રણસો ચારસો મીટર ના કોરા પટ પર ચાલવા મળતું..
ઘણી બધી વખત કાંપ શોધવાની લાહ્યમાં અમને ગધેડાની “પોટ્ટી” પણ હાથમાં આવી જતી, લગભગ કલાક એક સાબરમતીના પટમાં ચાલ્યા અને શોધખોળ કર્યા પછી અમારા હાથમાં એકાદી એકદમ ચીકણા કાંપની “ખાણ” હાથ લાગતી, અને પછી એ “ખાણ” ને અમારા હાથો થી “ઉત્ખનન” કરી ઊંડી કરતા અને કાંપ ઉલેચીને બહાર લાવતા..
ટોળીના અમે નાના નાના છોકરાઓ કાંપના મોટા મોટા લડવા બનાવતા અને એ કાંપના લાડવા હાથમાં પકડી ને આખા માટી થી રગદોળાયેલા અમે અમારી નદીમાંથી રીટર્ન જર્ની ચાલુ કરતા, જ્યારે ટોળીના “મોટા” છોકરાઓ ગધેડાવાળીઓ એ ફેંકી દીધેલા કંતાનમાં કાંપ ભરતા અને બે-બે ,ત્રણ-ત્રણ એને ખેંચી અને નદીની બહાર લાવતા..!
વીસ પચ્ચીસ ટેણીયા ભેગા થઈને એક સિમેન્ટની થેલી જેટલો કાંપ એક ખેપમાં બહાર કાઢી લાવતા..! પછી ચાલુ થતો પથ્થરો ભેગા કરવાનો ઉદ્યોગ..નાના નાના પથ્થરો ભેગા કરવાના અને એને એક નાના ડુંગરાના આકારમાં ગોઠવવાના ,પછી એની ઉપર નદીએ થી આણેલો કાંપ લગાડવાનો, અને પછી મારું સ્પેશિઅલ કામ આવતું..
મમ્મી પાપાના દવાખાનેથી ગ્લુકોઝના બોટલ ચડાવવાનો સલાયન સેટ “ચોરવા”નું.. એમાં મને સાથ આપતો અમારો કમ્પાઉન્ડર મકવાણા..!
મારી જિંદગીના શરૂઆતના દિવસોમાં મારા ઘણા બધા ક્રાઈમમાં મને મકવાણા સાથ આપતો..પપ્પાથી છુપાવીને રોડ ઉપર સાયકલ શીખવાડવી પછી ત્રીજા ચોથા ધોરણમાં હું એનું મોપેડ ચલાવતો,મકવાણા પાછળ બેસે અને બેલેન્સ કરે અને હું સ્ટીયરીંગ પકડું અને એક્સીલેટર આપું ,હાથની બ્રેક મારી પાસે, પગ ની બ્રેક મકવાણા મારે કેમકે મારા ટાંટીયા પગ ની બ્રેક સુધી પોહ્ચતા જ નોહતા..આવા નાના નાના ક્રાઈમ..
મકવાણા પાસે થી સેલાઈન સેટ “ચોરી” અને નવરાત્રીના એ બનાવેલા ડુંગર જેને અમે “ગબ્બર” કેહતા એમાં એ પાતળી પાઈપ પસાર કરતા, અને કોટ ઉપર એક ડોલ ભરી અને પાણીમાં સેલાઈન નો એક છેડો રાખતા અને બકનળીના સિધ્ધાંત પ્રમાણે અમે એ ટીપે ટીપે પડતા પાણી નો “ધોધ” અમે ગબ્બર પર પાડતા..
સલાયન સેટના ડ્રોપ્સને અમે “ધોધ” માની લેતા…!!
કેવી મસ્ત મજાની જિંદગી હતી, ચાર ફૂટનો “ગબ્બર” અને એક ડોલ પાણી નો ત્રણ કલાક ચાલતો “ધોધ”..!
પછી વારો આવતો ઇંટોનો, ગબ્બરને ફરતે ઇંટો ગોઠવો ,વચ્ચે પાડેલી જગ્યામાં દીવા અને અમાસને દિવસે કાંપમાંથી માતાજીની મૂર્તિ બનાવો અને એને કોડીની આંખો લગાડો..!
આખી નવરાત્રી ની સાંજ અમારી પેહલા કાંપના બનાવેલા ગબ્બર ને હળવે હળવે કાંપ ઉખાડીના જાય એવી રીતે પાણી પીવડાવવામાં ,ઘેર ઘેર ફરીને તેલ ઘી ઉઘરાવવામાં દીવા કરવામાં,આરતી અને પછી પ્રસાદ વેહ્ચાવાનો ..
અને છેલ્લે વારો આવતો લહાણી નો..
બપોરના ચાર વગ્યાથી તે સાંજના આઠ વાગ્યે લહાણી..બીઝી બીઝી બીઝી..!
અમારા કનુકાકા રમકડા માર્કેટથી એક ગ્રોસ સિસોટીઓ (એ જમાનો ગ્રોસ નો હતો ૧૪૪ નંગ નો) ,પીપુડા, ચકરડી અને એવા જાત જાતના રમકડા લાવે અને અમે ત્રણે ભાઇબેન અમારા ઓટલા ઉપર બેસીને લહાણી કરીએ..!
મસ્ત મસ્ત જિંદગી અને બાળપણ..
કામા હોટેલની એક વાત પણ બહુ યાદ આવી છે શેર કરી લઉં છું..!
કામા નો એક વેઈટર હતો ગજ્જુ ,બાળપણથી મારો પાળેલો કદાચ હું એનો પાળેલો..મારી જુવાનીની ઘણી બધી “ઐયાશી” નો સાક્ષી ગજ્જુ..નાનપણ થી નદીમાં હું ક્રિકેટ રમતો હોઉં તો ઉપર રહ્યે રહે ગજ્જુ મારી ઉપર નજર રાખતો, એને માટે હું દાકતર સા`બ કા બેટા હતો..કોલેજમાં આવ્યો ત્યારે ભવન્સ મારી કોલેજ, અને ત્યાંથી સૌથી નજીક સિલ્વર લીફ અને કામા સિવાય બીજી કોઈ મોટી હોટેલ અમદાવાદમાં બહુ હતી નહિ..એટલે કોલેજ પૂરી થઇ પછી પણ રાતની રાત સિલ્વર લીફ માં કાઢી,,અને ત્યારે પણ ગજ્જુ ખડે પગે હાજર હોય “બાબા” ની સેવામાં..પછી તો અમે પરણ્યા એટલે પ્યારા લાડીના થયા, સિલ્વર લીફ લગભગ ભુલાઈ , હમણાં એકાદ વર્ષ પેહલા મારી દીકરીઓને લઇ ને સિલ્વર લીફ ગયો હતો, ગજ્જુ ત્યાં જ હતો..મારી વધેલી દાઢીને લીધે એ મને ઓળખીના શક્યો મારે ઓળખાણ આપવી પડી..ગજ્જુની મૂછો સફેદ થઇ હતી, મારી દીકરીઓને જોઈ ને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા ..” બાબા આપ કિતને બડે હો ગયે..” અચાનક કિચનમાં જઈને એક નાનું પાર્સલ લેતો આવ્યો ગજ્જુ.. બંને દીકરીઓ માટે પેસ્ટ્રી હતી.. મેં પરાણે રૂપિયા ચૂકવી દીધા..!
બાળપણ થી આજ નો દિવસ ,
માટી થી રમતા એ રૂપિયે રમ્યા ,
કૈક ખેલા કર્યા ,પણ હજી એ સાબરમતીની માટી ની અને કાંપની સુગંધ નાકમાંથી નથી જતી, કદાચ એ સુગંધ માટે તરસું છું..
નવી નવી આછી આછી મૂછો વાળો ગજ્જુ પણ છેડે ઉભો ઉભો મને જોઈ રહ્યો હોય એવું લાગે છે બાબો ક્યાય નદીમાં..
ક્યાં ગયા મારા મિત્રો ,એ સાબરમતીની માટી અને સાબરમતીનો અફાટ લાગતો પટ..મલ્લા માતાની આરતી,લહાણી, મારો નાનો ભાઈ અને બેન ..?મન થાય છે કે ફરી એકવાર કનુકાકા પાછા આવે અને ત્રણે ભાઇબેન લહાણી કરવા ઓટલે બેસી જઈએ..!
પણ પેસિફિક ને પેલે પાર ગયેલો મારો ભાઈ ને બેન …!
સમય અને રીવર ફ્રન્ટના વેહણમાં બધું ય ડૂબ્યુ..
કો`ક ઘડીએ તો ખરેખર જીવતર કરડે..
શુભ રાત્રી
શૈશવ વોરા