મંદી ..મંદી ..મંદી …
દિવસમાં કેટલીવાર આ શબ્દ સાંભળવા મળે છે ? અને કેટલીવાર વાંચવા મળે છે ?
થાકી ગયા સાંભળી સાંભળી ને ..
આજે તો હદ ત્યાં થઇ કે પાર્લે-જી બનાવતી પાર્લે ને વેચાણ ઘટ્યાની વાત આવી , ઓટોમોબાઈલ તો ધબાય નમઃ છે જ..
પણ એક ઇન્ટરેસ્ટીંગ સર્વે આવ્યો હતો કે પુરુષોના અન્ડર ગારમેન્ટ ના વેચાણમાં પણ મંદી આવી છે..!!
આ નવું હો ..!
અમે નાના હતા ત્યારે ખાનપુરમાં રેહતા હતા ત્યારે એક પાડોશી નવું સ્કુટર લાવ્યા એટલે અમે અમારાથી છ-સાત વર્ષ ઉંમરમાં મોટા એક “ગુરુ” ને કીધું..
પાર્ટી તેજીમાં લાગે છે નહિ ..?
“ગુરુ” ઉવાચ્યા ના `બે “કાંધિયો” (કંજૂસ ને અમદાવાદીમાં આવી રીતે બોલાવાય..) ..છે ..!
મેં કીધું ..તને કેવી રીતે ખબર પડી `બે ..?
`અરે ફાટેલા જાંગીયા પેહરે છે ?`
અમારી આંખો તો કપાળ કુદાવી ને અમારા માથાના તે સમયે મસ્તિષ્કની અનેરી શોભા એવા અમારા કાળા ઘના વાળમાંથી બહાર આવી ગઈ.. અને જીભ થોથવાઈ ગઈ ..
એ`ઈ… બે`… તું.. ક્યા ..રે જો..`વા ગયો, એ કાંધિયા નો ..જાં..ગી..!!!!!!!
એટલે અમને એક સટ્ટાક કરતી ટપલી “ગુરુજી”ની માથામાં પડી…(ગાળ ,ગાળ ,ગાળ ) સડેલા દિમાગ, ગટર ગંદકી જો એ કાંધિયાની ગેલેરીની બાહર તાર ઉપર જો ,એનો ફાટેલો ચડ્ડો સુકાય જો કાણા-કાણાવાળો ( ગાળ ,ગાળ ,ગાળ ) ..
આપણે તો તરત જ ગુરુ ના શરણે અને ચરણે પડી ગયા..ધન્ય ધન્ય થયા ,ઓબ્ઝર્વેશન આનું નામ ગુરુજી..!!!
પણ હવે ક્યારેક ક્યારેક જ્યારે અમે ગુરુપદે બિરાજીએ છીએ ત્યારે આવું જ લોજીક આપીએ છીએ..
અમારો એક `પાળેલો` પર્સનલ જીમ ટ્રેઈનર છે, એને આખા ગામની પર્સનલ ટ્રેનીંગ લેવામાં બહુ રસ ..થોડોક મારા જેવો `ચાલુ` પણ ખરો એટલે આપણે સારું ગોઠે..
ઘણીવાર બીજા લોકો એમ પણ કહે કે એ તમારો સેઠ છે અને તમે એના ટ્રેઈનર છો ..
એક દિવસ જીમમાં એક ચાલીસ ઉપરના નવા મેમ્બરની એન્ટ્રી થઇ,
એ નવા આગંતુક એ બ્રાન્ડેડ ટ્રેક ટીશર્ટ પેહર્યાં હતા ,રીમલેસ ચશ્માં હતા ,શુઝ પણ ચારેક હજારના હતા..
ટ્રેઈનરે મને કીધું ભાઈ `બકરો` આવ્યો ..
મેં કીધું નહિ લે તારી પર્સનલ ટ્રેનીંગ ..
પેલો પૂછે કેમ ?
મેં કીધું મારા જેવો કડકો છે,પર્સનલ ટ્રેનીગ એ એફોર્ટ નહિ કરી શકે ..
ટ્રેઈનર બોલ્યો ભાઈ બધું જ બ્રાન્ડેડ પેહર્યું છે..
મેં કીધું ના પુલપ્સ મારતો હતો ત્યારે એનો અન્ડરવેર દેખાઈ ગયો .. સિત્તેર રૂપિયાવાળો છે, મતલબ દેખાડો કરવો ગમે છે, પણ કંજૂસ છે ,જ્યાં બચાવાય ત્યાં રૂપિયા બચાવી લ્યે છે .. જા ટ્રાય કર ..તારે તારું કર્મ તો કરવું જ રહ્યું..!!
પેલો ટ્રેઈનર દસ મિનીટમાં પાછો આવ્યો અને ચરણ-શરણમાં આવી ગયો .. ભાઈ પરફેક્ટ ,મફતમાં જેટલું પુછાય એટલું બધું પૂછ્યું રૂપિયા છૂટે એમ લાગતું નથી..!!
આવું લોજીક અમે શીખ્યા છીએ અન્ડરગારમેન્ટનું તો..!
એટલે આ તો સાલું અન્ડર ગારમેન્ટની મંદી તો બહુ કેહવાય..!!
ખરેખર સરકારે કૈક કરવું રહ્યું હો ભૈશા`બ..!!
પણ સર્વે થોડોક ડીટેઇલમાં કરાવવો જોઈએ.. ક્યા સેગમેન્ટવાળામાં મંદી છે..?
કેમકે અમે તો એવી નોટો ને પણ ઓળખીએ છીએ કે જે અન્ડરગારમેન્ટ પણ સાલા અઢી-ત્રણ હજારના પેહરતા હોય છે..!!
એટલે મંદી સિત્તેરવાળામાં છે કે પછી અઢી-ત્રણ ચાર હજારવાળામાં પણ છે ..
ઓટોમોબાઈલના આંકડા મંદી બોલે છે પણ પેલી નવી ૪-જી વાળી નવી કૈક લોન્ચ થઇ એમાં તો આવતા સપ્ટેમ્બર સુધીનું વેઈટીંગ બતાડે છે ..કિંમત વીસેક પેટી ઉપરની છે..!
ઓન સીરીયસ નોટ..
બજારનો એક મોટ્ટો વર્ગ એવો છે કે જે સેઈફ થઇ રહ્યો છે પોતાના ઇન્વેસ્ટમેન્ટ ને ચેક કરી રહ્યો છે, સાચવી રહ્યો છે.. નવું ઇન્વેસ્ટ કરવાથી બચી રહ્યો છે એ પછી સરબજાર હોય , બુલિયન કે પછી જમીન-મકાન..
ઉદ્યોગમાં નવા પ્રોજેક્ટ દેખાતા નથી અને એસએસઆઈ ઉર્ફે એમએસએમઈમાં પણ કરંટ નથી , પેહલા એવું કેહવાતું કે ચૂંટણી ને લીધે બધું અટક્યું છે પણ હવે તો ચૂંટણી એ જૂની વાત થઇ ગઈ છે ..
ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે અને ઉધારીના ધંધાથી દરેક માણસ દુર ભાગી રહ્યો છે , પોતાની ધીરવાની લીમીટ બાંધી રહ્યો છે..
બેંકોના મેનેજરો ને લોન આપતા સખ્ખત ડર એહસાસ થાય છે, સિબિલ રીપોર્ટમાં જરાક પણ આઘુપાછું દેખાય એ ભેગા બેંકવાળા ભાગી જાય છે ..
પેલા લોકો.. સાહેબ ફોટો પાડી અને લોન આપવાવાળા નોન બેન્કિંગ ફાયનાન્સ ના છોકરાઓ પણ મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ઓછા થઇ ગયા છે..
સાચ્ચું કહું છું ..વર્ષ એક પેહલા એક નાનકડું ટીવી લેવું હતું તે સર્વે કરવા નીકળ્યો હતો બધા સ્ટોર્સમાં ,ઓનલાઈન તો જોઈ જ લીધું હતું છતાય એમ થયું કે લાવ સ્ટોર્સમાં આંટા તો મારીએ..
ત્યારે સ્ટોરમાં જસ્ટ એમ જ ટીવી ઉપર લખેલા ભાવ ઉપર ડિસ્કાઉન્ટ કેટલું એટલું પૂછતાં તો ત્રણ ચાર છોકરાવ એ મને ઘેરી લીધો હતો અને સાહેબ ખાલી તમારો ફોટો પાડવા દો અને હું લોન પાસ કરી દઈશ સાહેબ નાનું નહી સાહેબ પેલું મોટ્ટું ટીવી લઇ લો સાહેબ..
મને અચરજ થયું કે તું મારો ફોટો પાડી ને લોન આપીશ ? એવું કેમનું ?
સાહેબ તમે બે પીડીસી તો આપશો જ ને બાકીની ડીટેઇલ તમારી બેંકમાંથી લઇ લઈશું અમે ..
મેં કીધું બેંક આપે તમને ..?
છોકરો હોશિયાર હતો સાહેબ બધી બેંકમાં આમારા છોકરા હોય જ છે..!
ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા.. આપણે માનીએ કે આપણી બધી ડેટા ડીટેઇલ ફક્ત આપણી જોડે છે અને આપણી બેંકમાં સુરક્ષિત છે.. પણ ..ના ફૂટેલા દરેક જગ્યાએ રેહવાના ..
અત્યારે માનનીય નાણામંત્રીશ્રી એ એમની કોન્ફરન્સ પૂરી કરી છે ,થોડાઘણા એનાઉન્સમેન્ટ થયા છે અને આવતા અઠવાડિયે ફરી એકવાર આવા બીજા પગલા લેવાના વાયદા સાથે આવીશ એવું કીધું છે..
આર્થિક ચેનલો જોઈ રહ્યો છું , મોટા મોટા માધાંતાઓ અત્યારે દિવાળી આવી ગઈ એમ બોલી રહ્યા છે ..
એક ચેનલ એવું કહી રહી છે કે સોમવારે નિફ્ટી બસ્સો અઢીસો ઉપર જ ખુલશે..
શું વિચારો છો તમે હે ભાઈ ? દૂરબીન લઈને ફ્લેટોની ગેલેરીના કાણાવાળા .. કેટલાની ગેલેરીમાં સુકાય છે એનો સર્વે કરવાનો ..?
ભાઈ મારા, આવા ખોટા ખોટા રિસ્ક હવે આ ઉંમરે ના લેતા હો , મારા ભાભી કઈ ઊંધું ચત્તું સમજશે અને પછી ઘરમાં જંગ ખેલાઈ જશે..તેજી મંદી તો આવતી રેહશે ઘરમાં કંકાસના બીજ ના વવાય ..
અત્યારે આજે નાણામંત્રીશ્રીના એલાન પછી આર્થિક ચેનલો તો ફુલ્લ ફોર્મમાં આવી ગઈ છે એટલે તમે પણ કાંધિયા વેડા કરતા હો તો પછી આ રજાઓમાં ખરીદી કરી જ લેજો..
હા હવે આપણે ખરીદી કરીએ તો જ મંદી જાય .. એટલે જોડે જોડે થોડા પાર્લે-જી પણ લેતા આવજો..!!
બહુ સેવા કરી છે આ પાર્લે-જી એ તો દેશની કૈક ભૂખી આંતરડી ને ઠારી છે ..
એને “ઉઠવા” ના દેવાય ..
શુભ રાત્રી
શૈશવ વોરા