મંદિર કે હોસ્પિટલ ?
આજકાલ મીડિયા અને સોશિઅલ મીડિયા ખોલો એટલે બાબા જ આવી જાય છે ..
જબરું ચાલ્યું છે બધું અચાનક ..!
પણ એક વાત તો ખરી હોં.. ધીરેન્દ્રબાબા છે સખ્ખત ક્યુટ , એકદમ માસુમિયત છલકે છે વાણી અને વર્તનમાંથી , દેખાવડા તો ચોક્કસ પણ અવાજ પણ હજી હમણાં તાજો તાજો હૈડિયો ફૂટ્યો ના હોય એવો એટલે એકવાર શું બોલે છે અને શું કરે છે એ જાણવાની ઉત્કંઠા તો રહે જાણે ..
વિરોધી અને તરફેણ બધાની પોસ્ટ અને રીવ્યુ વાંચ્યા પણ કંઈ ઝલાતું નથી પણ એટલી વાત ખરી કે દરેક પૈસાદારને એક બાવો હોય અને ગરીબને દસ ..!!
પૈસાદારને પોતે જે કરે છે અને કર્યું છે એનું એન્ડોર્સમેન્ટ જોઈતું હોય અને ગરીબને ચમત્કાર ..!
બાકી તો પેહલા પણ લખ્યું છે અને આજે ફરી એકવાર કે આખો દેશ કોઈકની રાહ જોઈને બેઠો છે કે કોઈક આવે અને મને ક્યાક્ક લઇ જાય અને મારા બધા દુઃખ દૂર કરી ને જાય ..
આ “કોઈક” આવે , એ કોણ ? તો કહે ખબર નથી .. ક્યાં લઇ જાય ?તો કહે એ પણ ખબર નથી.. પણ મારા દુઃખ દૂર કરી જાય ,કે દુ:ખ દૂર થાય ..!
બહુ ખતરનાક પરિસ્થિતિ છે .. જાત્તે જવું જ નથી કોઈક લઇ જાય ..!
ઈશ્વર નામની સંસ્થા માટે પણ હું ક્યારેક પ્રશ્નાર્થ મુકું છું .. ઈશ્વરે મને બનાવ્યો કે મેં ઈશ્વર ને ? કે પછી હું ઈશ્વરને બનાવી રહ્યો છું કે ઈશ્વર મને ?
નાની ઘટના ,
કદાચ પેહલા શેર કરી છે આજે ફરી એકવાર .. એકવાર મહાદેવના મંદિરે ગયો હતો ત્યાં શિવલિંગથી થોડે દૂર એક ઝાંપલી કરવામાં આવી હતી ઝાંપલી હંમેશા બંધ રહે અને દૂરથી જ બધા દર્શન કરે ..
હું પોહચ્યો ત્યાં એક વડીલ આવ્યા અને ઝાંપલી ખોલી અને શિવલિંગની નજીક ગયા હું પણ પાછળ ગયો .. વડીલ કાકા બોલ્યા .. તમારાથી નાં અવાય તમે બાહર રહો .. મેં કીધું ..કેમ ? તો વડીલ બોલ્યા અમે પ્રાણપ્રતિષ્ઠા વાળા છીએ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અમે કરી છે …!
મારી ખ`ઈ ગઈ .. મેં સેહજ ઊંચા આવજે કીધું.. એટલે ? તમે આ પથ્થર છે તેમાં પ્રાણ પૂર્યો છે એમ ?
વડીલ બોલ્યા અમે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બેઠા હતા ..
મેં સામે ફરી ફૂંફાડો માર્યો .. તમે આ પથ્થરમાં પ્રાણ પુરવાની તાકાત ધરાવો છો એમ કેહવું છે તમારું ?
વડીલ સેહજ ખચકાયા અને બોલ્યા ..તમે ઘણું ભણેલા લાગો છો ..
મેં કીધું .. તમે જો આ પથ્થરમાં પ્રાણ પૂરી અને તેને ઈશ્વર બનાવી શકતા હો તો પછી અહિયાં શું ઉભા છો ? ચાલો વીએસ હોસ્પિટલ ત્યાં વેન્ટીલેટર ઉપર જે ડચકા ખાય છે એમના પ્રાણ ને ખાલી પકડી જ રાખો ..બીજું કશું જ નથી કરવાનું ..!
વડીલે ઝાંપલી બંધ કરી દીધી અને ઊંધું વાળીને જાય ભાગ્યા …
મને ત્યારે લાગ્યું હતું કે હું જીતી ગયો મેં એ કાકાને સીધા કરી મુક્યા પણ છેક સાવ એવું પણ નોહ્તું ..
કાકાએ સામે જો મને ગુગલી નાખ્યો હોત કે પત્થર જ સમજો છો તો અહી મંદિર સુધી શું કામ આવો છો રસ્તામાં ઘણા પથરા પડ્યા છે એમને જ હાથ જોડી લ્યો ને ..
તો મારું આવી બનવાનું હતું …જવાબ આપતા ફીણ પડી જાત ..!
બહુ જૂની ચર્ચા છે ઈશ્વરની અને પત્થરની, સદીઓથી ચાલી આવે છે ..
મારે ઘરમાં પણ પપ્પા મમ્મી સાથે આ બાબતે લમણાકૂટ થતી ..
પપ્પા-મમ્મી રોજ સવારે ઉઠીને મંગળા કરવા મંદિર દોટ મુકે પણ રૂપિયા મંદિરમાં દસ વીસથી વધારે ના મુકે, દવાખાને કોઈ જરૂરતમંદ હોય તો એને આપે કે પછી આઈ બેંકમાં આપે અને હું રોજ રાત પડ્યે મંદિર જાઉં અને હું ક્યારેય કોઈ માણસને રૂપિયા ના આપું કે કોઈ સંસ્થાને નાં આપું પણ મંદિરમાં રૂપિયા મુકું ..!!
અહિયાં સ્પષ્ટતા … રૂપિયા મુકવા એટલે હજારમાં જ સમજવું એવા કોઈ મોટા દાનેશ્વરી અમે નથી એ નક્કી જાણજો ..
પપ્પાને અને મારે કાયમ સારો એવો ઝઘડો રેહતો રૂપિયા મુકવાની બાબતે ..એમાં પણ નાથદ્વારામાં મનોરથ દેવાનો હોય કે પછી સોમનાથમાં કોઈ પૂજા તો બોલવાનું થાય, થાય, ને થાય જ ..
એમનું કેહવું હતું કે માનવ સેવા એ ઉત્તમ સેવા છે અને મારું કેહવું હતું કે હું પણ એ જ કરું છું ..પણ તમે રોજ સવારે મંદિરે દોડ્યા જાવ છો ,, કેમ ?
તો એ કેહતા કે આજના થનારા બધા જ કાર્ય એને અર્પણ કરવા જાઉં છું એટલે એ કોઈ ખોટું કામ જ ના કરાવે મારી પાસે ..
મારો પોઈન્ટ હતો કે મંદિરે જાવ છો તો ઈશ્વર ત્યાં છે એટલું તો કબુલો છો ને ? તો પછી ત્યાં મેન્ટેનન્સ પેટે તો કૈક મુકો ..
જવાબ આવતો કે ઈશ્વર ક્યાં છે એની ક્યાં કોઈ ને ખબર છે, આ તો આપણા મનથી માની લીધું છે કે અહિયાં ઈશ્વર છે ..પણ મને તો આંધળાઓ ને આંખ આપવામાં મંદિર કરતા વધારે ઈશ્વર દેખાય છે ..
મને પોતાને પપ્પાની આઈબેંક અને ચક્ષુદાન પ્રવૃત્તિથી થોડી નહિ ઘણી સૂગ .. એટલે હું કેહતો કે મને મંદિરમાં ઈશ્વર દેખાય છે એટલે હું ત્યાં જ પૈસા મુકીશ ..
છેવટે મમ્મી વચ્ચે આવતા ..
દરેક બાપ દીકરા ના ઝઘડાનો સોલ્યુશન મમ્મીઓ જ લાવતી હોય છે ..
મમ્મી એમ કહીને છુટા પાડે કે .. તમે બન્ને જે કરો છો તે બરાબર છે .. મંદિર એક એવી જગ્યા છે કે જ્યાં હજ્જારો લાખ્ખો લોકો આવે છે અને જાય છે , આવે છે તે કોઈક ને કોઈક આશા ,ઈચ્છા લઈને અને પાછા જાય છે પણ આશા અને ઈચ્છા લઈને,
પણ મંદિર આવે છે માણસ ત્યારે તેને કોઈક કાર્ય કરવાનું પ્રેરણાબળ મળે છે અને જે કાર્ય કરવાનું હોય છે તે તેને દૈવી શક્તિ કરાવી રહી છે તેની પાસે એવો વિશ્વાસ લઈને જાય છે , એટલે જે તે કામ ડબલ જોરથી કરે છે અને માટે તે સફળ થાય છે ..
મમ્મી આગળ કહે ..બીજું એવું કે ઘણા બધા લોકોને ઘણા બધા સવાલોના જવાબ નથી મળતા જેમ કે..સ્વજનનું મૃત્યુ.. તો એનો જવાબ એક જ છે કે ઈશ્વર તારા શરણ લેજે અને એમ કરી ને મૃત્યુનો સ્વીકાર કરી લ્યે છે.. આવી ઘણી બધી વાતો છે કે જેનાથી પબ્લિક મંદિર તરફ આવે છે અને ખુશી ,સુખ ,શાંતિ અને આશા લઈને પાછા જાય છે ..
અને સામે પક્ષે હોસ્પિટલ, દવાખાનું અને આઈબેંક પણ એ જ કામ કરી રહી છે..પણ જરૂર સમાજને બંનેની છે એકલી હોસ્પિટલ કે એકલું મંદિર કશા કામના નહિ ..! મન ને સ્વસ્થ રાખવા મંદિર અને તનને સ્વસ્થ રાખવા દવાખાનું હોસ્પિટલ આઈબેંક .. તો શ્રીમાન ડો હર્ષદરાય વોરા જેમ તમારી આઈબેંક અને દવાખનું ચલાવવા રૂપિયા જોઈએ તેમ મંદિરને પણ ચલાવવા રૂપિયા જોઈએ ..માટે હવે તમે બંને બાપ દીકરો જે કરો છો તે કરતા રહો …
ડો મુક્તાબેન વોરાનું આવું ફાઈનલ જજમેન્ટ આવી જતું…!!
આજે પપ્પા નથી , તો હવે પપ્પા પણ મારે બનવું પડે છે બેલેન્સ કરી લઉં છું ..!
મન સ્વસ્થ હશે તો શરીર આપોઆપ સ્વસ્થ રેહશે અને શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રેહશે ..!!
“મન ને સ્વસ્થ રાખવા મંદિર અને તન ને સ્વસ્થ રાખવા દવાખાનું, હોસ્પિટલ, આઈબેંક..”
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*