કોરોના કાળ ચાલી રહ્યો છે, ચારે બાજુ દુનિયાભરમાં લોકો છેલ્લા દોઢેક વર્ષથી ના વિચારેલી કે ના કલ્પેલી નિષ્ફળતાઓથી પીડિત છે,
કોઈ ની આજીવિકા બંધ છે ને બચત વપરાઈ રહી છે તો કોઈ ને બચતના પણ તળિયા આવી ગયા છે..!
હવે આગળ શું એ ઘણા બધાને સમજાતું નથી,
છેલ્લા દોઢ વર્ષથી મારા જેવી ઉડાઉ ,છેલ બટાઉ, બાપ લાખ છપ્પન હજાર , કોણ જાણે પોતાની જાત ને શું સમજે છે ? જક્કી , આવા બીજા ઘણા બધા વિશેષણો થી જેની નવાજીશ થઇ ચુકી છે એવા માણસે પણ એક નવું કપડું ખરીદ્યું નથી, ઘરમાં આવતા ધોબીકાકા એક સમયે ત્રીસ ત્રીસ કપડા લઇ જતા ઈસ્ત્રી માટે એ હવે દસ-બાર ની એવરેજ ઉપર આવી ને ઉભા રહી ગયા છે ,
બાળકો પણ હોટેલ કે બહારગામ જવાની જીદ નથી કરતા કે નથી મમ્મી કોઈ મંદિર દર્શન કરવા જવાની વાત ઉચ્ચારતા, એમ લાગે છે કે ડાકોર કે અંબાજી ગયે સદીઓ વીતી છે , ઘરની બાહર ઉભેલી ગાડીઓ નો થપ્પો છાતી ઉપર આવી ને ઉભો છે એવા ભાર લાગે છે , પેહલી તારીખ આવે અને પેટમાં તેલ રેડાય છે પગારો કરવાના આવશે એમ કરી ને..!!!
મહામારી છે , અને છેક સો વર્ષે આવી છે , દુનિયાભર ની સરકારો નિષ્ફળ છે એવી કોઈ વ્યક્તિ કદાચ જ બચી હોય કે જે ૧૯૨૦ ની મહામારીમાં જીવતી હોય અને તે અત્યારે જીવી રહી હોય..! અનુભવી મળવો મુશ્કેલ છે..!
હવે ?
પોતાની તમામ સફળતા-નિષ્ફળતા ને બાજુ ઉપર મૂકી અને દોષ બીજા ને માથે મઢી દેવા કે બીજાનું લોહી પીવું એના કરતા ઉભા થવું રહ્યું અને બધું જ ભૂલી ને એકડો ફરી ઘૂંટવા નો સમય ..!!
ગધા પચ્ચીસી ના સંઘર્ષ ના સમયે માતાપિતા હતા સાથે આજે પત્ની બાળકો છે ,
હૈયે હામ રાખવી રહી..!!
જીવનમાં દરેક વખતે બાપ કે પિતાતુલ્ય વ્યક્તિ જે રસ્તો દેખાડે કે હુંફ આપે એ મળવી મુશ્કેલ છે, ક્યારેક પરિસ્થિતિ અને આપણી સાથે જે થઇ રહ્યું છે તે અનુભવ જેની સાથે આપણી સાથે ની નજીક ની વ્યક્તિ ને યાદ કરી ને પણ ખેંચી કઢાય દિવસો..!!
પરિસ્થિતિ કે અનુભવ પોતે પણ બાપ હોઈ શકે છે , રસ્તો દેખાડી શકે છે..!!
આજે એક પારકી દીકરી ના બાપ બનવા નું આવ્યું એક મિનીટ માટે..!!
એક નાનકડો મિત્ર છત્રીસે પોહચેલો , પેહલા એના મોટાભાઈ નો ફોન આવ્યો શૈશવભાઈ પેલા ને શું થઇ ગયું છે કઈ સમજણ નથી પડતી ,રોજ કોઈ ને કોઈ રીપોર્ટ કરાવે છે ,બેહકી બેહકી વાતો કરે છે , હજી વાત ચાલતી હતી અને ત્યાં તો પેલા નો ફોન વેઈટીંગ માં દેખાયો ..મેં કીધું તું મુક પેલો લાઈન પર આવ્યો છે ..
એક ને કાપ્યો ને બીજા ને ઉપાડ્યો બોલ .. સુ છે ?
સામે છેડે થી ..મારી સ્યુગર વધી છે ,મેં કીધું કેટલી ?
૧૩૦ ..
મેં કીધું જમ્યા પેહલા કે પછી ? એમનેમ ..
મેં કીધું નોર્મલ છે… ત્યાં તો પાછળથી એની પત્ની ની બુમ આવી કોની જોડે વાત કરે છે ? શૈશવભાઈ છે ? લાવ મને આપ ..
ફોન ઝુંટવી લેવામાં આવ્યો ભ`ઈ ..ડૂસકું ..મારું લોહી પી ગયો છે ,મને ડાયાબિટીસ આવ્યો .મને બીપી આવ્યું .મને સાત દિવસથી ઊંઘ નથી આવતી ,મને ઊંડા શ્વાસ લેવા પડે છે ,મને ખાવું નથી ભાવતું ..આવું આવું બધુ રોજ દિવસમાં વીસ વાર કઈ ને કઈ બોલી બોલી ને મારું લોહી પી ગયો છે ભ`ઈ ..!
ધ્રુસકે ને ધ્રુસકે દીકરી રડી પડી ફોનમાં..
હું બોલ્યો બેટા ..દીકરા ..માં તું જરાક ચિંતા ના કર હું બેઠો છું ને રડ નહિ, પેહલા બેટા ચલ જોઉં રડવા નું બંધ કર તો દીકરા ..એક મિનીટ માટે હું એ દીકરી નો બાપ બની ગયો..!
ડુસકા લેતા લેતા બોલી ..ભાઈ કોને કહું બોલો ?, સાસુ સસરા ને કહું તો એ બિચારા કેવું ટેન્શન કરે અને મારા મમ્મી પપ્પા ને કહું તો એમનું તો જીવવું જ હરામ થઇ જાય ..!
મેં કીધું હા ..માં, મારા દીકરા ,તું ચિંતા છોડ હું એને સખણો કરું છું .. પછી તો પેલા ને જે લીધો છે ,જોર ગંદી ગંદી ગાળો આપી ..!
પણ અઘરું થઇ રહ્યું છે અત્યારે ..લોકડાઉન પછી માનસિક પરિસ્થિતિ કેટલાય લોકો ની બગડી ગઈ છે , અજાણ્યો ભય અને એ પણ મૃત્યુ નો કોરી ખાય છે , ગાંડા ની જેમ રીપોર્ટ કે બિલકુલ અનાડી જેવી વાતો કરનારા પુષ્કળ વધ્યા છે..!
મનના વિચારો ને પરાણે કાબુ કરવા પડે એવું છે અને ખાલી આપણાં નહિ પણ આપણી આજુબાજુના બધાના પણ ,
એક પ્રેરણાદાયી વાત ..!
એકવાર ૨૬ મી જાન્યુઆરીના ભૂકંપ વિષે ક્યારેક કૈક લખી નાખ્યું હતું એક ચોથી પાંચમી પેઢીના મિત્ર નો ફોન આવ્યો , શૈશવભાઈ તમારો બ્લોગ વાંચ્યો ,બે દીકરા ને પત્ની બન્ને દબાઈ ગયા હતા ,મને કોણ જાણે શું સુઝ્યું ને મેં ગેલેરીમાંથી જમ્પ માર્યો, હું બચી ગયો ,
ત્રીજા માળે થી કુદ્યો તો ..!
પણ કેમ કાઢ્યા હશે મેં દિવસો એ વિચારો , પણ એકવાર મન મક્કમ કરી ને નક્કી કરી લીધું કે જીવવું છે અને જીવાડવા છે ,ચાર જ મહિનામાં એવી મહિલા મને મળી ગયા કે જેમને બે દીકરીઓ હતી અને એમના પતિ દબાઈ ગયા હતા ,
મેં એમની સાથે લગ્ન કરી લીધા નવા ઘરમાં દીકરાઓ ને બદલે દીકરીઓ આવી ,
પતિ – પત્ની નો સબંધ પ્રસ્થાપિત થતા લગભગ ત્રણ વર્ષ લાગ્યા પણ ત્યાં સુધી એક છત નીચે એકબીજા ની હૂંફે જીવ્યા અમે ચારેય ..!!!
આજે બંને દીકરીઓ ને પરણાવી દીધી છે ,અમારો એક દીકરો પણ છે હવે એનો વારો છે, લીલીવાડી છે , પણ શૈશવભાઈ બસ અમારા બધાથી હજી પણ વર્ષમાં એકવાર આવતો એ ૨૬ મી જાન્યુઆરી નો એક દિવસ કાઢતા એક યુગ કાઢયો હોય એવું લાગે છે..!!
આટ આટલું વીત્યું હોવા છતાં વર્ષ ના ૩૬૪ દિવસ નોર્મલ જિંદગી જીવતા લોકો પાસેથી શીખવા જેવું છે..!
સમાજની મેન્ટલ હેલ્થ ઉપર કામ કરવું બહુ જરૂરી થઇ ચુક્યું છે ,
આજુબાજુ નજર ચાકચોબંધ રાખજો કોઈ ઢીલું પડતું દેખાય તો ઉપાડી લેજો ..!
લોકડાઉન ભલે ખુલ્યું પણ કાળ વધારે કપરો થતો જાય છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*