હીટ એન્ડ રન ..!!
વાંચવામાં કેવું થ્રીલર જેવું લાગે ..!! મળ્યા છો ક્યારેય આરોપી ને ? ઓળખો છો એવી કોઈ વ્યક્તિ ને કે જેનું લાયસન્સ અદાલતે સસ્પેન્ડ કર્યું હોય ? બેઠા છો ક્યારેય રેસીગ ની ગાડીમાં ?
મીડિયા ટ્રાયલ થઇ ચુકી છે અનેક વાર હીટ એન્ડ રન આરોપીઓ ઉપર ,અને અદાલતો એમની રગશિયા ગાડે ટ્રાયલ્સ ચલાવતી રહે છે..!
બહુ અઘરું છે બંને બાજુ ,
પીડિત અને પીડા આપનાર બન્ને બાજુ ના પરિવારો માટેનું જીવન ,કોઈ જ વાંક વિના પરિવારો પીસાય છે, છોકરા કોઈક ને ઉડાડે એમાં ઘરમાં ઊંઘતા માંબાપ શું કરે ?
જો કે મીડિયા ટ્રાયલમાં તો ક્યા પક્ષ ની કેટલી ટણી અને કેટલો ખણખણ એ જ જોવાય લગભગ, ને અદાલતો શું જોવે એ તો એ લોકો જ જાણે..!!
પીડિત પરિવાર તો અમે જ છીએ, મારા મોટાકાકા ને રોંગ સાઈડમાં આવેલી ગાડી એ ૫૦ વર્ષ પેહલા અડફેટે લીધા અને અમે એમને ગુમાવ્યા , આજે પણ એ ઘા પુરાતો નથી..!!
વાત કરું આરોપીની ,તો એક ફ્લાય ઓવર ઉપર સેન્ટ્રો નામની ગાડી લઈને જઈ રહ્યો હતો અને છેક ધારેથી કાઢવા ગયો, “નાગપાડા કા ડ્રાઈવર હું ,કટ માર કે નીકળ જાઉંગા”
પત્યું ..અચાનક બે જણ સામે આવ્યા ચાલતા અને બંને વ્યક્તિનું મૃત્યુ..!!
આરોપી કહે ફ્લાયઓવર ઉપર ચાલો છો કેમ ? નીચે ફૂટપાથ છે તો ખરી ,અને મીડિયા કહે કે તમે ફાસ્ટ કેમ ચલાવો છો ? ખુલ્લો રોડ કહે તમે ધીમે કેમ ચલાવો છો ? પોલીસ કહે કયો કાયદો છે એ અમારે સમય સમય પર નક્કી કરવાનું બાકી છીંડે ચડો તો તમે ચોર ..!!
બરબાદ થઇ ગયો એનો બાપ એનો કેસ લડતા લડતા..!
હવે મારી વાત ..!!
મને બત્રીસ વર્ષ પેહલા ડ્રાઈવિંગ સ્કુલમાં ગાડી શીખવાડનાર એક ઘરડા ઈંસ્ટ્રકટર કાકા હતા, એ કાકા એ મને જીવનમાં પેહલીવાર સ્ટીયરીંગ વ્હીલ મને હાથમાં આપ્યું ત્યારે બ્રહ્મજ્ઞાન આપ્યું હતું ..
“સાધન જેટલું મોટું એટલો ગુન્હો મોટો”
આપણે તો આદત પ્રમાણે પૂછ્યું એટલે ?
બે પૈડા ચલાવો છો ? મેં કીધું હા ..
*“બે પૈડામાં કોઈ ને મારી નાખો તો નાનો ગુન્હો લાગશે અને ચાર પૈડા માં કોઈ ને મારી નાખશો તો મોટો ગુન્હો , કોરટ તો નક્કી કરતા કરે પણ બાકીના બધા તમને જીવવા નહિ જ દે..!! વાંક કોને એ કોઈ નહિ જોવે ,તમારો જ વાંક આવશે..!! એટલે ગાડી ને સેલ મારતા પેહલા ને ક્લચ છોડતા પેહલા દિમાગ ઉપર બરફ મૂકી દેવો અને પછી જ રોડ ઉપર નીકળવું તો ક્યારેય એક્સિડન્ટ નહિ થાય..!!!”*
મેં કીધું ઓકે કાકા બરફ મુક્યો હવે સેલ મારું ?
એક તો જીવનમાં પેહલીવાર ગાડી ચલાવવા બેઠા હોઈએ ,અત્યાર સુધી તો ખાલી ગાડી ને ધોવાનો જ વારો આવ્યો હોય અને કાકા એ જીવનમાં પેહલી વાર સ્ટીયરીંગ વ્હીલ હાથમાં પકડાવી ને ભાષણ ઠોક્યું..
કાકા હજી સેલ મારવા દેવાના મૂડમાં નોહતા …ના , હવે સમજો પેહલા સીધી નજર પછી ડાબા જમણા કાચ ઉપર અને પછી પાછળ નજર આ ઉપરના કાચમાંથી , ચારેબાજુ નજર અને કાન ખુલ્લા રાખવાના , આપણે ગાડી એવી ચલાવવાની કે કોઈને આપણી ગાડી નીચે પડી ને આપઘાત કરવો હોય તો પણ ના કરી શકે..!!
અઢાર વર્ષના શૈશવ માટે અસહ્ય હતી એ મીનીટો ..સેલ ઠોકી જ દીધો ..! અને ક્લચ છોડ્યો ધીમે ધીમે , તે આજ સુધી ચાલુ છે ..!!
જો કે આજકાલ હવે એ કાકા ખોટા લાગે છે કેમ કે જેટલી ગાડી મોટી રૂપિયામાં એટલો ગુન્હો મોટો ..!! હીટ એન્ડ રન જોડે માલેતુજાર શબ્દ ને પણ જોડી મુક્યો છે..!!
હીટ એન્ડ રન જોડે એક બીજો શબ્દ પણ જોડાયેલો છે રેસિંગ..!!
બહુ ગંદી ચીજ છે રેસિંગ..!!
કઈ કેટલા ગયા પણ જુવાની સમજવાનું નામ નથી લેતી ..!
રેસિંગ નો ભયંકર પરોક્ષ અનુભવ છે..!!
નિશાચર તો હું લગભગ કોલેજકાળથી થઇ ચુક્યો હતો ,
નગરી અમદાવાદની રાતના બાર નો સીન કોરોના કાળ પેહલા નો જુદો હતો , બાર સાડા બાર સુધી તો ફેમીલી ક્રાઉડ રખડતું હોય રોડ ઉપર , એક દોઢ થાય એટલે લુખ્ખી લાટો બજારમાં ઉતરે , લોગાર્ડન ત્રિપાઠી કે ટાઈમ્સ એવી બધી કીટલી અને પછી ભરાય પાંચ સિતારા હોટેલની કોફી શોપ્સ..!!
ત્રણ થાય એટલે નવા સીન સપાટા ચાલુ થાય ,એસજી ઉપર પચાસ લાખ ઉપરની ગાડીઓ ની અને બાઈકો ની રમઝટ ચાલુ થાય ..!!
ત્રીસેક વર્ષ પેહલા એક પાંચ સિતારાની કોફી શોપમાંથી મિત્ર અને એનો નો મિત્ર જેમનું સ્વર્ગારોહણ થઇ ચુક્યું છે , મારા મિત્ર નું પણ અને એના મિત્ર નું પણ ..!!
એ બધા એ ભેગા થઈને મને એક જર્મન મેઇકની ગાડી, અત્યારે એ ગાડી લેવામાં લગભગ એક ખોખું (કરોડ) આખું જાય, કદાચ પાંચ પચ્ચીસ વધારે નાખવા પડે, એમાં મને નાખવામાં આવ્યો , ચલ એસ જી ..!!
ટોટલ અમે ચાર ગાડીમાં .. ત્રણ તદ્દન ફાટેલી નોટો કે જેમાંથી બે મદિરાપાન કરેલા હતા એમણે શરત લગાવી સ્ટીયરીંગ વ્હીલ વાળ્યા વિના અમદાવાદ પાછુ આવવાનું ..!!
એટલે મને એમ કે લાંબો આંટો થશે છેક ભાટ થઇ ને પાછા આવશું એટલે પરોઢ નક્કી, થોડીક બીક પણ લાગી કે જો સવારના પાંચ થઇ ગયા ને પપ્પા ઉઠી ગયા તો ગયો કામથી ,પણ કશું બોલવાનો મતલબ નોહ્તો .ગાડી ફુલ્લ સ્પીડ પકડી ચુકી હતી..!!
વીસેક કિલોમીટર થઇ ચુક્યા હતા ..અચાનક જેના હાથમાં સ્ટીયરીંગ હતું એણે કીધું રેડ્ડી ..ચેન ખુલી કી મેન ખુલી (સત્તે પે સત્તા પિક્ચર નો ડાયલોગ)
અચાનક એણે જબરજસ્ત શોર્ટ બ્રેક મારી દોઢસો બસ્સો ની સ્પીડ અને ગાડી એક જ જગ્યા ઉપર ઉભી ઉભી બે ત્રણ રાઉન્ડ ગોળ ગોળ ફરી ગઈ , મને કઈ સમજણ ના પડી અને રીતસરની રાડ ફાટી ગઈ મારી , ટાયરના ચિચિયારા એ કાન બેહરા કરી મુક્યા હતા..! મારી હાલત અર્ધ બેભાન જેવી અને પેલા ત્રણ રીતસર હશે અને બોલે ધત્ત તેરી કી ગાડી તો સીધી ઉભી રહી ફરી એકવાર ..!!
ત્યારે મારી અક્કલમાં આવ્યું કે સ્ટીયરીંગ વાળવા નું નહિ એટલે ગાડી ફુલ્લ સ્પીડમાં સીધા રસ્તે દોડાવવાની અને બ્રેક મારી ને જેમ પિકચરોમાં ગાડી ગોળ ગોળ ઘુમાવે છે એમ ઘુમાવવાની અને પાછા વળી જવાનું ..!
એ જમાનામાં એસજી હાઈવે ફોર લેન માંડ હતો અને એ પણ અડલજ પછી નહિ..!!
મેં પાછળ બેઠા બેઠા હાથ જોડ્યા એ નહિ પ્લીઝ મને ઘરે મુકો ,દયા કરો.. ત્રણે રાક્ષસો હસે..!!
અરે કઈ નહિ થાય .. ટેન્શન ના લે ..!! (ગાળ ગાળ ગાળ ગાળ )
લગભગ ત્રીજા ટ્રાયલ એ ગાડી નું મોઢું અમદાવાદ તરફ ઉભું ..
નહિ નહિ તો પણ પાંચસો છસ્સો મહામૃત્યુંજયના જાપ મનમાં કરી લીધા હશે ..ચલ તું રડે છે એટલે વેહલા પાછા..!! સિલ્વરલીફ ઉપર પાછા આવતા સાડા ચાર થયા હતા..!!
પાંચ પેહલા ઘેર પોહ્ચ્યો ,પણ હ્રદય ના થડકારા ઓછા થતા બે દિવસ થયા હતા..!!
એક અતિશય જ સિગારેટ પીવાને લીધે હાર્ટએટેક થી મર્યો હમણાં જ લોકડાઉનમાં , એક લીવર ફેઈલ થી અને જેના હાથમાં સ્ટીયરીંગ હતું એ વર્ષો પેહલા લોનાવાલા આગળ ક્યાંક એક્સિડન્ટમાં મર્યો ..!!
ત્યારે પણ એ જ સવાલ ઘુમરાતો હતો મગજમાં અને આજે પણ એ જ સવાલ છે ..
જિંદગીની કિંમત કેમ આ લોકો ને નથી ? જિંદગી પોતાની હોય કે બીજાની ? માંબાપ વિષે લગીરે વિચાર નહિ આવતો હોય ?
પણ એક વાત કહું દુનિયામાં બધા નશા ની ઉપર એક બીજો નશો છે , જેને હું રાત નો નશો કહું છું , બહુ કુત્તી ચીજ છે આ રાત નો નશો ..!!
મેં બહુ કર્યો છે આ રાત નો નશો નવરાત્રી કે પછી સપ્તક કે પછી જીમ બડીઝ કે પછી પરીક્ષા છે અને વાંચવાના નામે કે પછી ડ્રાઈવ ઇન ના છેલ્લા શો ..
બસ બહાનું જોઈએ કે કેમ રાતના ત્રણ વાગે..!!
જાત નો કન્ટ્રોલ જોઈએ , બાકી તો નસીબ પાધરા હોય ત્યાં સુધી ઠીક છે નહિ તો ઝાડ નીચે ઉભો કોઈ ફૂંકણી મારતો હોય અને તમે ખાલી ને ખાલી કંપની આપતા હો ત્યારે ઉપર ઊંઘતું વાંદરું બેલેન્સ ચુકે ને નીચે આવે , માથે પડે, તો પણ ઉકલી જવાય..!!
સો વાત એક વાત સ્પીડ નહિ જ ,સુપર બાઈક હોય તો પણ શું થયું ? પાવર સાચવી ને જ રાખવો રહ્યો..!!!!
સેલ મારતા પેહલા ને ક્લચ છોડતા પેહલા દિમાગ ઉપર બરફ મૂકી દેવો..!!
સાચવજો યારો ,નહિ એટલે નહિ જ ..
કોઈ ને પણ આંટો સુધ્ધા નહિ આપવાનો ઇટાલિયન ઘોડા નો..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*