રાતના અગિયાર થયા છે, ઊંઘવાની કોશિશ કરી રહ્યો છું ,પણ ઊંઘ નથી આવતી છેવટે લેપટોપ ખોલી ને લખવા બેઠો છું..
આજ ના દિવસમાં એક નાનકડી એકવીસ-બાવીસ વર્ષની હોનહાર દીકરીની સાથે થયેલી વાતો મને ઊંઘવા નથી દેતી..
કલ્પનિક નામ આપું છું એ દીકરીનું `રાજવી` ..
રાજવી ને ધંધાકીય કામે મારે એક ઓફિસમાં જવાનું થયું અને ત્યાં છેલ્લા પંદર દિવસમાં જીવનમાં મારે બે ત્રણ-વાર મળવાનું થયું છે..પણ રાજવી રેગ્યુલર મારા બ્લોગ્સ વાંચે છે એટલે એકદમ આત્મીયતાથી તરત જ મારી સાથે કનેક્ટ થઇ ગઈ છે..
આજે હું રાજવી ને ત્રીજી કે ચોથી વાર મળ્યો..
એ દીકરી મારો પેલો જ્યોતિષ પર આધારિત બ્લોગ વાંચી ગઈ હતી..
હું રાજવીના બોસની કેબીનમાં એકલો બેઠો હતો,એના બોસ બોર્ડ મીટીંગમાં હતા અને અડધો કલાક જેવી રાજવી ના બોસ ને મને મળવા ને વાર લાગવાની હતી..
એટલે રાજવી મારી પાસે આવીને બેઠી, રાજવી એ કંપનીના ડીરેક્ટરની પર્સનલ સેક્રેટરી છે, નાની એવી ઉંમરમાં ઘણી જવાબદારીઓ કંપનીમાં રાજવીએ ઉપાડી લીધી છે..
રાજવી એ પેહલા તો મારા માટે કોફી અને બિસ્કીટ મંગાવી લીધા ,અને પછી એણે બોલવાનું શરુ કર્યું.. શૈશવભાઈ તમે જ્યોતિષ જાણો છો ને ?
મેં પેહલા તો નાં પાડી ,
પણ અચાનક રાજવીનું મોઢું સખ્ખત દયામણું થઇ ગયું અને એની આંખમાં દર્દ આવી ગયું ..
એટલે મેં કીધું શું વાત છે બેન..?
મને કહે શૈશવભાઈ પ્લીઝ મને `જોઈ` આપોને મારે બહુ જ ટેન્શન છે..
મેં કીધું બેન હજી તો તું ઉગીને ઉભી થાય છે ત્યાં વળી તારે શેના ટેન્શન ?
રાજવી બોલી ..પપ્પા મમ્મી એક વર્ષમાં લગ્ન કરાવનું કહે છે ,મને બાવીસ વર્ષ થયા છે હજી ..
મને ખબર નહિ પણ એ દીકરી માટે અચાનક `ફાધરલી ફીલિંગ` આવી ગઈ એટલે મેં કીધું દીકરા ત્રેવીસ વર્ષ થાય પછી તો દરેક માંબાપ દીકરી માટે શોધે અને વિચાર તો કરે જ ને ..
રાજવી દયામણા મોઢે બોલી ..હા એ વાત બરાબર છે ભઈ, પણ હું લગ્ન કરી લઈશ તો મારા માંબાપ નું કોણ ..?
મેં પૂછ્યું તારે ભાઈ નથી બેટા ?
ના એક નાની બેહન છે ,અમે બે બેહનો છીએ ..
મેં પૂછ્યું પપ્પા શું કરે છે ?
એક નાની શોપ છે અને એ પણ બરાબર નથી ચાલતી, પપ્પા મારી પાસે આમ તો ક્યારેય રૂપિયા નથી માંગતા પણ ક્યારેક બહુ ભીડમાં હોય તો પચાસ હજાર લઇ જાય છે ..
મેં કીધું તારા મમ્મી કોઈ કામ નથી કરતા ..
રાજવી બોલી..ના પણ અમને બધાને મારી મમ્મી જ મેનેજ કરે છે, અત્યાર સુધી પપ્પા ને મમ્મી એ જ ટકાવી ને રાખ્યા છે..હવે તમે મને જોઇને કહો કે મારું ફ્યુચર શું છે ? કેમકે હું ધારો કે હું લગ્ન કરીને સાસરે જાઉં પછી પણ જો હું નોકરી કરું તો પણ આવી રીતે મારા પપ્પા ને મદદ ના કરી શકું , મારી પાસે મારા પોતાના રૂપિયા હોય તો પણ મારે મારા વર ને પૂછી ને જ મારા પપ્પા મમ્મી ને આપવા પડે ને ? મારે લગ્ન ચોક્કસ કરવા છે પણ મારા ઘરની પરિસ્થિતિ જોઇને મને લાગે છે કે મારે લગ્ન ના કરવા જોઈએ…
એ દીકરી એક શ્વાશે બોલી ગઈ અને એની આંખમાં સેહજ પાણી આવી ગયા ..
મારે કાળજે એક ધારદાર ઉભ્ભો ચીરો પડ્યો ,
મારા પેટ નો એસીડ ગળામાં આવી ને અટકી ગયો…
*બાવીસ વર્ષની કોડભરી દીકરી અને પરણવું નથી ,કેમ ?તો કહે મારા માંબાપ નું કોણ ?ભાઈ નથી અને બેહન નાની છે..!! પપ્પાની કમાણી પુરતી નથી…!!*
મારી પાસે એના માટે જવાબ નોહતો …
આ આખ્ખી ભરી દુનિયામાં હું ફક્ત એક જ કેસ એવો જાણું છે કે જેમાં વહુ ફૂલ ટાઈમ નોકરી કરતી હોય સાસુમા એ ઘર સાચવ્યું હોય અને વહુ નો તમામ પગાર વહુ ની વિધવા માં અને ફિઝીકલી ચેલેન્જડ એવી બેન ને મોકલાવ્યો હોય ..
આવો બીજો એકપણ કિસ્સો આજસુધી મારી જાણમાં નથી આવ્યો..
*બાકી દરેક કિસ્સામાં વહુ ની કમાણી પિયર મોકલવાની આવે ત્યારે ઝઘડાના ઘર થતા હોય છે અને ઝઘડા ના થાય તો પણ ક્યાંક હસબંડ વાઈફ વચ્ચે એક નાનકડી અંટસ અને અંતર તો પાડી જ દેતી હોય છે…*
રાજવી ની વાતમાં સંપૂર્ણ સચ્ચાઈ હતી …એની બે લીટી ઉપરથી એટલી તો ખબર પડી જ ગઈ હતી કે એના પગારની એના ઘરમાં તાતી જરૂરીયાત છે ..
મારી પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી થઇ..
*ત્રેવીસ વર્ષની કોડભરી કન્યા ને તું ના પરણીશ એમ પણ ના કેહવાય અને બેટા તું તારે પરણી જા પછી તારા માંબાપ નું જે થવું હોય તે થશે એમ પણ ના કેહવાય..*
*આજ ના જમાનાની નરી અને કડવી વાસ્તવિકતા…!!*
*દીકરો કમાય અને માંબાપ ને આપે એ ચાલે ,પણ વહુ કમાય અને પોતાના માંબાપને આપે એ ના ચાલે ક્યાંક દીકરી ની કમાણી ખાવા નું આળ આવે..!!!*
બેટી બચાવો બેટી પઢાવો ના જમાનામાં બે દીકરીઓ કે એક જ દીકરી ના માંબાપ અને દીકરીની સામે આવી ને પડેલો આ સળગતો પ્રશ્ન છે ..
*આજના જમાનાના કેટલા ટકા છોકરા એવા છે કે જે પરણ્યા પછી પોતાની પત્ની ને નોકરી કરવા દે અને પત્ની નો પગાર પત્નીના માતા પિતા ને આપે ..?*
જો તમારો જવાબ બહુ ઓછા છોકરા એવા છે તો પછી સમાજે બેટી બચાવો અને બેટી પઢાવો પછી એક નવી ઝુંબેશ શરુ કરવી રહી કે દીકરી જમાઈની કમાણી ઉપર પણ સાસુ સસરાનો હક્ક છે , આજે કાયદાએ દીકરાના માંબાપને તો ભરણપોષણ અપાવ્યું છે પણ દીકરીના માંબાપને ભરણપોષણ કદાચ નથી અપાવ્યું અને જો એવી કોઈ જોગવાઈ છે તો એવી જોગવાઈ ની સામાજિક સ્વીકાર્યતા હજી નથી આવી..
દુનિયાભરના લોકો ને પ્રેક્ટીકલ રસ્તા બતાડતા મારા જેવા `દોઢડાહ્યા` લોકોને જ્યારે આવા સવાલ સામે આવે ત્યારે મૂંગા મંતર થઇ જવાનો વારો આવે છે..
જેમ દીકરાના માંબાપ મર્યા પછી મિલકતો “મુકી”ને અને દીકરાને આપી ને જાય છે તેમ દીકરીના માંબાપ પણ કઈ “જોડે” લઈને નથી જતા..
રાજવી માટે મારો એક જ જવાબ હતો, ગોળ ગોળ જવાબ.. બેટા દીકરા ધીરજ રાખ ,ઈશ્વર પર શ્રધ્ધા રાખ ,તને જેવું જોઈએ છે એવું ચોક્કસ મળી જશે કદાચ ક્યાંક દેખાવ કે બીજા કશાકમાં થોડીક બાંધછોડ કરવી પડે તો કરી લેજે.. પણ સમય આવ્યે પરણી ચોક્કસ જજે ..!!
મારો જવાબ સાચો હતો કે ખોટો એની મને નથી ખબર ,પણ રાજવી આજે મને ઊંઘવા નથી દઈ રહી..
કેટલી બધી દીકરીઓ હશે રાજવી જેવી કે ચોરીના ચાર ફેરા ફરતી વખતે મારા માંબાપ નું કોણ ..? એવી ચિંતા લઈને ફેરા ફરતી હશે ?
રસ્તો આપણે જ કરવો રહ્યો અને ચીલો આપણે જ ચીતરવો રહ્યો ..સાસરે જઈ ને થોડા માનપાન ઓછા માંગી અને સાસુ સસરા જોડે સગ્ગા માંબાપ જેવો વ્યહવાર કરવો રહ્યો જેથી આવનારી પેઢી જોઈ જોઈ ને શીખે , વારતેહવારે નહિ પણ રેગ્યુલર રીતે ઘરવાળા ને એમના માંબાપ ને ત્યાં `ધકેલવા` જ રહ્યા ,જેથી `બોન્ડીંગ` જળવાઈ રહે..
હજી પણ રહી રહી ને રાજવી નું દયામણું મોઢું યાદ આવે છે અને એનો સવાલ…
“કેમકે હું ધારો કે હું લગ્ન કરીને સાસરે જાઉં પછી પણ જો હું નોકરી કરું તો પણ આવી રીતે મારા પપ્પા ને મદદ ના કરી શકું , મારી પાસે મારા પોતાના રૂપિયા હોય તો પણ મારે મારા વર ને પૂછી ને જ મારા પપ્પા મમ્મી ને આપવા પડે ને ?”
નથી કોઈ જ્યોતિષની ચોપડીમાં એનો જવાબ ..
સમાજે જ આપવો રહ્યો ..
શું શુભ રાત્રી લખું ..? ક્યા મોઢે લખું ?
ક્યાંક તો ક્યારેક હું પણ ખોટો રહ્યો છું જીવનમાં…રૂપિયામાં નહિ તો સમયમાં ..!!!
શૈશવ વોરા