છેલ્લા બે દિવસથી વિપક્ષની સંપૂર્ણ ગેરહાજરીમાં સંઘ નું એક ઘટક લઘુભારતી પોતે સક્રિય વિપક્ષનું ભૂમિકા ભજવી રહ્યું છે…!!!
કેવી આશ્ચર્યની વાત છે નહિ ..??
કોંગ્રેસ ફક્ત અને ફક્ત કાદવ ઉછાળવામાંથી નવરી નથી પડતી અને સંઘમાં પોતાના જ ઘટકો એની કમી પૂરું કરી રહ્યા છે..
*આજ નો મારો મુદ્દો છે MSME ની નવી વ્યાખ્યા કરવામાં આવી છે ,
તે છે..!!*
એક નાના ઉદ્યોગકાર તરીકે મોટેભાગે તમે હમેશા એવું ફિલ કરો કે તમે નધણીયાતા છો, તમારી જોડે તમારી મુસીબતમાં ક્યારેય કોઈ ઉભું નથી રહ્યું ,અને રેહવાનું નથી ..
આઝાદી પછીની જેટલી સરકારો આવી એ બધ્ધી સરકારો એ ખેતી ,ખેતી કરી ઉદ્યોગને હમેશા કોરાણે મુક્યો છે, અને સ્મોલ સ્કેલ એટલે કે લઘુઉદ્યોગ હમેશા પોતાના કાંડાના કૌવત ઉપર મુસ્તાક રહી ને આગળ વધ્યો છે…
અચ્છા કોઈને એમ થશે કે આ શૈશવભાઈ કેમ આજે પાણી પી પી ને સરકારોને કોસી રહ્યા છે ? તો કહી દઉં કે સ્મોલ સ્કેલ ઉદ્યોગને માટે છેક અટલ બિહારી બાજપાઈના સમયમાં એક મંત્રાલય ઉભું કરવામાં આવ્યું અને એનું બજેટ છે ૧૭-૧૮નું ફક્ત ૬૪૩૮ કરોડ ..!!
આઝાદી પછી ની દરેક સરકારો એ લઘુઉદ્યોગના ગુણગાન ગાયા છે, પણ જયારે સહાયતા કરવાની કે પડખે ઉભા રેહવાની વાત આવે ત્યારે બધું ય પાછળ ખસી ગયું છે..છેક બાજપાઈ સરકારમાં મંત્રાલય બન્યું અને ગુજરાત સરકારમાં હજી લઘુઉદ્યોગ મંત્રાલય નથી હો સાહેબો…!!
જે લઘુ ઉદ્યોગ આજે દેશ ની લગભગ ૭૮ ટકા રોજગારી આપી રહી છે એને માટે ફક્ત ૬૪૩૮ કરોડ રૂપિયા ..
કેવી હાલત થાય ..?
ભાદરવાની ભેખડે ભરાયેલી ચારપાંચ કુતરીઓ દિવાળી ઉતરે છ સાત ગલુડિયા જણે, અને પછી એમાંથી બેચાર કુતરી ગલુડિયા મૂકી ને મરી જાય ,ત્યારે બાકીની કુતરીને પેલી મરી ગયેલી કુતરીના બચ્ચા ધવડાવવા પડે અને ત્યારે જે સીન ઉભો થાય એવો ઘાટ છે MSME નો..!!
જીવતી રહી ગયેલી એક એક કુતરીના ભાગે દસ દસ ને વીસ વીસ બચ્ચા આવે ધવડાવવાના, અને દરેક ગલુડીયાને હોળી શેકી જવું હોય અને એના માટે ધાવણ જોઈએ, અને બાપડી કુતરી કેટલું ધાવણ પેદા કરે..?
૬૪૩૮ કરોડની સહાયતા ઉપર આખા દેશ ની ૭૮ ટકા રોજગારી નભે..
૬૪૩૮ કરોડ રૂપિયામાં દેશના નાના નાના કરોડો ઉદ્યોગકારોને કેટલા રૂપિયાની સબસીડી તમે આપી આપી અને કેટલા ને આપો ..?
ખેતી માટેની ની સબસીડી હમેશા લાખ કરોડમાં રહી છે, જયારે અહિયાં તો દસ હજાર કરોડ નો આંકડો પણ પાર નથી થતો ,અને ઉપરથી પાછું બેંકો લોનો અને સબસીડી આપવામાં દાંડાઈ કરે ,
પેહલા કો લેટરલ લાવો અને પછી બાય લેટરલ લાવો અંતે થાકેલો ઉદ્યોગકાર બચ્ચન દાદાના શરણે જાય..
કોણ જાણે બચ્ચનદાદાને પણ આ ઉંમરે શું સુઝ્યું છે કે લોકો ને બૈરા ના ઘરેણા ગીરવે મુકવી ને લોનો આપવાની જાહેરાતો કરે છે…!! અને એ પણ “ધંધા” કરવા માટે ..!! એના કરતા દારુ સિગારેટની જાહેરાત કરો દાદા ..!!
બેક ટુ પોઈન્ટ ..
MSME ની નવી વ્યાખ્યા ટર્નઓવર ઉપર કરવામાં આવી છે, અને એના માટે એવી દલીલ કરવામાં આવે છે કે ઘણા બધા ઉદ્યોગ એવા છે કે જેમના ટર્નઓવર વધારે પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછા છે માટે એ બધા ને પણ લાભ મળી શકે…
અરે ભાઈ અત્યારે જે વ્યાખ્યા છે તેમાં લગભગ દેશના એશી ટકા MSME નો સમવેશ થઇ ચુક્યો છે તો બાકી રહી ગયેલા ને લેવા જતા કુતરીના બચ્ચા ની બદલે મોટા વરુઓ ધાવી જાય એવો ઘાટ થયો છે…થોડો ફોડ પાડું જૂની વ્યાખ્યા અને નવી વ્યાખ્યા માટે
Plant and Machinery ના મૂડીરોકાણ આધારિત જૂની વ્યાખ્યા પ્રમાણે
માઈક્રો એટલે રૂપિયા ૨૫ લાખનું રોકાણ,
લઘુઉદ્યોગ 5 કરોડ સુધીનું રોકાણ,
મધ્યમ ઉદ્યોગ દસ કરોડ સુધીનું રોકાણ,
MSME Bill -2018 ની જોગવાઈ પ્રમાણે,
micro તરીકે પાંચ કરોડ ટર્નઓવર,
small તરીકે ૭૫ કરોડ ટર્નઓવર,
medium તરીકે અઢીસો કરોડ ટર્નઓવર ,
સુધીની દરેક કંપની ને ગણવામાં આવશે.
અઢીસો કરોડના ટર્નઓવરને મીડીયમ …!!!??? અને ૭૫ કરોડ ના ટર્નઓવર ને સ્મોલ..!!!???
કેવી રીતે બને આવું તો ..? અને અઢીસો કરોડના ટર્નઓવર વાળો મધ્યમ ..!!??
હવે અત્યારે હાલત એવી છે કે જેને માઈક્રો એટલે કે કીડા-મકોડા ગણવામાં આવે છે એ જ બધા સૌથી વધારે રોજગારી પૂરી પાડે છે અને એનાથી મોટા એવા ગરોળીઓ અને કાચિંડા બાકીની રોજગારી પૂરી પાડી રહ્યા છે .. રોજગારી પૂરી પાડવામાં મોટા મગરમચ્છો તો ક્યાંય પાછા પડ્યા છે..
અને પેલી મોટા મોટા દરિયામાં તરતી વ્હેલ માછલીઓ જેમના છાપામાં ફોટા રોજ જોઈએ એ લોકો તો રોજગારી આપવામાં સાવ છેલ્લે નંબરે આવે છે..
ચોક્કસ એવા ઘણા ધંધા છે કે જેમ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય છે અને ટર્નઓવર ઓછું એ લોકો ને કદાચ આ નવી વ્યાખ્યા થી ફાયદો થશે પણ એવા ધંધા કેટલા ..?
અને બહુ પ્રેમ હોય કે જરૂરત હોય તો બીજી બધી ઘણી સ્કીમ્સ અને પેકેજ કોઈ પર્ટીક્યુલર ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર લાવી શકે અને સરકારો લાવતી રહી પણ છે ..
પણ આ રીતે એક જ લાકડીએ બધાને હાંકશે તો પછી નાના નાના બચરવાળ ભૂખ્યા રહી જશે અને મોટા વરુઓ બધું સાફ કરી જશે..
સરકારી ઇન્કમટેક્ષની વ્યાખ્યા પ્રમાણે અઢી કરોડના ટર્નઓવર સુધી તો તમારે ઓડીટની પણ જરૂર નથી અને એમાં પણ છ ટકા કે પછી આઠ ટકા નફો દેખાડી દયો તો ચોપડા પણ નહિ રાખવાના એવા અભય વચન સરકાર આપી રહી છે..
હવે એ જ વ્યાખ્યા પ્રમાણે અઢીસો કરોડના ટર્નઓવરવાળો કેટલો નફો કરતો હોય ..? ચાલો આઠ ટકા નફો નાં હોય ,પણ એક ટકો તો હોય ને ..?
તો પછી પંચોતેર કરોડ અને અઢીસો કરોડવાળા ટર્નઓવર ને ક્યાં આ નાના નાના ગલુડીયા માં ઘાલવા ની જરૂર છે..??
અચ્છા બીજી એક હકીકત એ છે કે પ્રોડક્શન એટલે પ્રોડક્શન ..
એક સાંધે અને તેર તૂટે…
જે કારખાના ચલાવતા હોય એને પુછજો ..ભૂલ થી બીજી શિફ્ટ ચાલુ હોય તો રાત પડ્યે કેટલી વાર કારખાને દોડે શેઠિયો ..? નાના કારખાનાની વાત કરું છું હો ..
હવે આ MSME ની નવી વ્યાખ્યામાં ટ્રેડર ને પણ મેન્યુફ્રેકચરર ગણવામાં આવ્ય્યા છે ..
ટ્રેડર એટલે દલાલ અને અમારા કનકકાકા જે જીવતા હોત તો અત્યારે બાણું વર્ષ ના હોત જ,
એ હમેશા બોલે કે દલાલ ને તે વળી દેવાળા હોતા હશે ..?
કારખાનાવાળો જ દેવાળું ફૂંકે ..દલાલ શેનો દેવાળું કાઢે ?
ટ્રેડર એટલે રોજ રાતે નફો નુકસાન ગાંઠે બાંધી ને ઘેર જાય ,રોજ ના ઓળિયા રોજ સુલટે એને શું છે વળી ..?
સાચી વાત છે .. આ જમાનામાં પણ એટલી જ લાગુ પડે છે અને હવે તો ટેલી ના સોફ્ટવેરમાં જો રોજની ખતવણી રોજ થતી હોય તો ટ્રેડર કોપ્યુટર નું એક બટન દબાવી ને એનો નફો રોજ સાંજે ગણીને ઘેર જાય..
અને મેન્યુફ્રેકચરર ને ..?
મશીનોના ઘસારા થી લઈને દુનિયાભરના ખર્ચા ૩૧ માર્ચે પડે પછી આઘીપછી કરે ત્યારે નફો દેખાય..!!
નવી નવી વ્યાખ્યાઓ કરવામાં જુના ના ખો નીકળી રહ્યા છે..ક્યા રસ્તે છીએ એ ખબર પડતી નથી સ્વાવલંબન લઘુઉદ્યોગથી જ આવશે,
આ દેશનું લીવર છે આ લઘુ ઉદ્યોગ , જે તમામ ચીજ વસ્તુ ને પચાવે છે અને એકદમ સાઇલેન્ટલી પોતાનું કામ કરે છે.. ક્યારેક લઘુઉદ્યોગકારે હડતાલ પાડી એવું સાંભળ્યું છે તમે ..?
ક્યારેય છાપામાં કોઈ લઘુ ઉદ્યોગકારે આત્મહત્યા કરી એવું સાંભળ્યું છે ?
કાંડાના કૌવત અને નાની નાની સબસીડી ઉપર ઉભી થયેલી આખી આ એક જમાત છે…
હું તો હમેશા નાના ઉદ્યોગકારો ની વચ્ચે જ જીવું છું, છેલ્લા પચ્ચીસ વર્ષમાં ગુજરાતની તમામ જીઆઇડીસી ના પાણી પી લીધા છે..પાંચસો થી બે હજાર વારના શેડમાં કામ કરતા ઉદ્યોગકારો એ જે પ્રગતિ કરી છે ને એ એકય મોટા નથી કરી…
ધીરજલાલ હીરાચંદ પણ નરોડા જીઆઇડીસી ની પેદાઈશ છે..
અને એમ કે ગાંધી કેહતા કે દરેક ગામ કે શેહરને પોતાની જરૂરિયાતની વસ્તુ વીસ કિલોમીટરના એરિયામાંથી મળી જવી જોઈએ..
આપણે આ મૂળભૂત સિધ્ધાંત ને ભૂલી ગયા અને શેહરો ઉભા કર્યા..આજે ભારતની ૬૫ ટકા વસ્તી શેહરોમાં આવી ગઈ..ગામડા તૂટી રહ્યા છે લઘુ ઉદ્યોગ ભાંગી રહ્યા છે ..
ભારતનો આત્મા (લઘુ ઉદ્યોગ અને ગામડા ) કલેવર બદલી રહ્યો છે ..
પણ બીક એક જ છે આત્મા ની જોડે શરીર (શેહરો) કલેવર નહિ બદલે તો શરીર વિના નો આત્મા અને આત્મા વિનાનું શરીર કામમાં આવશે …?
નાના કારખાનેદારો ને બચાવજો ..
સબસીડી વિના ઘણી તકલીફ થશે..
કોઈક ને સંભળાય અને સમજાય તો આગળ મોકલજો, હાક પાડજો..
શુભ રાત્રી
શૈશવ વોરા