સ્ટાર્ટ અપ પર મોદી સાહેબ ઓવારી ગયા.. મોજે મોજ કરાવી દીધી બસ બુદ્ધિ લડાવો અને રૂપિયા કમાવ, અને ટેક્ષ નહિ ભરવાનો એ લટકામાં..ત્રણ વર્ષ સુધી તો ચોપડા પણ નહિ રાખો તો ચાલશે..!
મને ઘણા સમયથી આ સ્ટાર્ટઅપ નો સવાલ પજવતો હતો કે આ ચક્કર શું છે? બુદ્ધિ લડાવી અને રૂપિયા કમાવાના અને એ પણ આપણે રૂપિયા નહિ રોકવાના ખાલી બુદ્ધિ લડાવવાની અને રોકડી કરવાની..!
મારું બેટુ અઘરું લાગે મારા જેવાને ખાલી બુદ્ધિ લડાવાની અને રૂપિયા ઘેર લઇ જવાના..? પણ હા એનું નામ જ સ્ટાર્ટઅપ
બીજી રીતે કહું તો જે કોઈ એ ના કર્યું હોય એ મારે કરવાનું અને એના મારે રૂપિયા લેવાના એનું નામ સ્ટાર્ટઅપ..!
ઉદાહરણ તરીકે “ઉબેર” ટેક્ષીવાળો, એક એપ્લીકેશન બનાવી અને ડ્રાઈવર ટેક્ષી બધાને મેનેજ કર્યા,
અમદાવાદમાં મળતી માહિતી પ્રમાણે ટેક્ષીવાળા પાસેથી દસ ટકા ઉબેર લઇ જાય છે અને મુંબઈ જેવા મેટ્રોમાં વીસ ટકા..!
હવે બીજો દાખલો ફ્લીપકાર્ટ ,વધારે કેહવાની જરૂર નથી..! સિર્ફ નામ હી કાફી હૈ..!
સ્ટાર્ટ અપ ઘણા પ્રકારના હોય એક કોઈ ફીઝીકલ પ્રોડક્ટ ઘર સુધી પોહચાડે અને બીજું કોઈ સર્વિસ આપે..
હવે મારે જો સ્ટાર્ટ અપ ચાલુ કરવું હોય તો હું એક ખતરનાક ઉદાહરણ આપું..
એક ઉદ્યોગકાર તરીકે હું તો ફીઝીકલ પ્રોડક્ટનું જ સ્ટાર્ટઅપ ખોલું ,
મારે જો ફીઝીકલ પ્રોડક્ટનું સ્ટાર્ટ અપ ચાલુ કરવું હોય તો શું કરવાનું..?
પેહલું કામ આઈડિયા હોવો જોઈએ અને એ આઈડિયા રોજીંદી જીંદગીમાંથી જ આવવો જોઈએ ,જેમ કે મારે બારે મહિના બટાકા ખાવા જોઈએ છે તો એક બટાકાનું સ્ટાર્ટ અપ ચાલુ કરું..
પેહલા તો મારે બટાકા ક્યાં ઉગે તો કહે ખેતરમાં અને ખેતરમાંથી જાય કોલ્ડ સ્ટોરેજમાં તો શું કરું ચાલો કોલ્ડ સ્ટોરેજવાળા આપણા ઓળખીતા એક કાકા એમને ચકલાસી ગામે ફોન લગાયા જાય ..
એ જે શ્રી ક્રષ્ણ કાકા .. બોલો બોલો શૈશવભાઈ બહુ દિવસે યાદ આવી અમારી.. હા કાકા મજામાં..? હા બોલો ..કેવી રહી સીઝન કાકા..?ઠીક રહ્યું આ વરહ ના નફો ના નુકસાન સરભરમાં નીકળ્યા..!
કાકા બટાકાનો હાલનો ભાવ શું ?૧૮૦ રૂપિયે મણ જાય સારી જાત હોય તો દસ રૂપિયા વધારે મળે,કેમ હવે તમારે બટાકા વેચવા છે ? ના કાકા ખાલી સર્વે કરું છું..
કરવો હોય તો તમે પણ એકાદવાર કરી લો બટાકાનો ધંધો એટલે શોખ પૂરો થાય..સીધો ફૂલટોસ આવે ..ના ના કાકા એવું નથી આ તો એક ભાઈબંધને જાણવું હતું ..સારું સારું ક્યારે આવો છો ચકલાસી..?આવતે મહીને..એ ભલે પધારો ચકલાસી અને ટીફીન ના લાવતા તમારા કાકી હજી સારું જમવાનું બનાવે છે .. હા કાકા ચોક્કસ જમીને જઈશ ..
હવે ધંધો એટલે સેલ્સ માઈનસ પરચેઝ ઘરવાળીને પૂછો બટાકા શું ભાવે લાવો..? અઢાર થી વીસ રૂપિયે કિલો ..
ઓત્તારી નવ રૂપિયાના બટાકા અઢાર રૂપિયે કિલો વેચાય છે દોઢસો ટકા નફો.. ખોલો સ્ટાર્ટ અપ..
કોલ્ડ સ્ટોરેજમાંથી કાકાને કહી દો રોજની પચીસ ગાડી બટાકા જોઇશે પણ તમારે મને પેકિંગ પાંચ કિલોનું કરી આપવું પડશે અને એ પેકિંગ ના જે રૂપિયા થાય તે જુદા લઇ લેજો ..
પછી પોહચી જાવ તમારા એરિયાના નાકે જ્યાં ટેમ્પા પાર્ક થયા હોય , બધા ટેમ્પા ડ્રાઈવરોને પકડો ચકલાસીથી અમદાવાદનું ભાડું નક્કી કરો અને એમને કહો કે બટાકા તમારે જ વેચવાના,
એટલે ટેમ્પા ડ્રાઈવર નામે ધનરાજસિંહ ઊછળશે ..ના સાહેબ એ ધંધો અમને ના ફાવે તરત જ ધનરાજસિંહને કિલોએ બે રૂપિયા બાંધી આપો એટલે ટેમ્પો ડ્રાઈવર ધનરાજસિંહને રોજના પાંચ ટન બટાકા વેચાય તો ભાડા સિવાય ધનરાજસિંહ ને દસ હજાર રૂપિયા મળે..!
પત્યું ધનરાજસિંહ ,ધનરાજબકરા,ધનરાજઘેંટા ,ધનરાજગધેડા એવા બધા ડ્રાઈવરોની ગાડી સાથે તમારે ત્યાં લાઈન લાગે..ફાયદો મારા સ્ટાર્ટઅપને એ કે ઇન્વેન્ટરી રાખાવની નહિ ,કોઈ ગોડાઉન નહિ જે ગણો એ બધું ધનરાજની ગાડી..
હવે પકડો એકાદા વીસ વર્ષના સોફ્ટવેરવાળા પોપટને,
પોપટને કહો કે તું મને એપ બનાવી આપ,જેમાં દરેક ટેમ્પાવાળો ધનરાજ ક્યાં રખડે છે એની મને ખબર પડે અને એક મશીન લાવ જે સીધું કનેકટેડ હોય મારા સર્વર રૂમ જોડે જે ધનરાજની ગાડીમાં લાગે..અને ધનરાજ જેટલો માલ વેચે અને બીલ ફાડે એટલે મને તરત જ ખબર પડે ..!
સોફ્ટવેર અને એપના પોપટને બે ત્રણ લાખ પકડાવો અને એ પોપટ ને જ સર્વર મેનેટેન્સ પકડાવો..!
હવે ચકલાસીથી ધનરાજ બટાકા ભરે એટલે કાકાને ત્યાંથી એક આઉટવર્ડ એન્ટ્રી થાય એ પણ સીધી મારા સર્વર પર આવવી જોઈએ ,અને પછી ચકલાસીથી સીધો ધનરાજસિંહ જાય સેટેલાઈટ માનસી ચાર રસ્તા ,ધનરાજબકરા જાય સીધો નિકોલ ,ધનરાજઘેંટા જાય રાણીપ ..
આવી રીતે પચાસ ધનરાજ પોતાની ગાડીઓમાં પાંચ ટન બટાકા ભરીને અમદવાદના ખૂણે ખૂણે વેહ્ચાઈ જાય..નવ રૂપિયાના કિલો બટાકા પંદર રૂપિયે કિલો ધનરાજ વેચતો જાય, બજાર કરતા ત્રણ ચાર રૂપિયા સસ્તા પડે એટલે માલ ચપોચપ વેચાઈ જાય,અને રાત પડે ધનરાજ મારી ઓફિસે એના કમીશન અને ભાડાના રૂપિયા કાપી અને બાકીના રૂપિયા જમા કરાવતો જાય..બીજે દિવસે સવારે પાછો ધનરાજ ચકલાસી પોહચી જાય ..!
બસ આવી રીતે ગુજરાતના ખૂણે ખૂણે પચાસ એ પચાસ ધનરાજને ફેરવ્યા કરો અને રૂપિયા કમાવ..હા ધનરાજ પાસેથી એડવાન્સ પચાસ હજાર રૂપિયા લેવાનું ભૂલતા નહિ .. નહીતર બટાકા અને ધનરાજ પેહલા દિવસે લઈને ગયા એ ગયા ફરી પાછો એકે ધનરાજ કે બટાકું કશું દેખાશે નહિ ..!!
હવે આમાં મેં શું કર્યું તો કહે બધું મેનેજ કર્યું અને એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા..! મેં જે કર્યું એનું નામ સ્ટાર્ટ અપ..!
પછી આગળ વધવાનું રીંગણ ટામેટા જે વેચવું હોય તે વેચો અને પછી સ્ટાર્ટઅપ ની ખાલી પાંચ ટકા મૂડી વેચવા કાઢો અને બે કરોડ કમાવ પછી ફરી પાછા આગળ વધો અને બીજા પાંચ ટકા વેચો અને પાંચ કરોડ કમાવ અને છેલ્લે પબ્લિક ઇસ્યુ લાવો અને સીધો બસ્સો કરોડનો ઝાટકો મારો ..!
કર લો દુનિયા મુઠ્ઠીમેં,
પાંચ વર્ષમાં તો ઘેર સોનાના નળિયા ..! આંગણ ઝૂલે ઓડી ને બેન્ઝ..! શૈશ્વ્યામાંથી શૈશવ ..શૈશવભાઈ..શૈશવભાઈ શેઠ..!
કેવું લાગ્યું સ્ટાર્ટ અપ નું સપનું ? પરફેક્ટને ?
પણ હકીકત એવી છે કે અમદાવાદ જેવા નાના શેહરમાં અત્યારે ઓછામાં બસ્સો છોકરા આવા સ્ટાર્ટઅપના પ્રોજેક્ટ લઈને રખડે છે અને મારી જાણ પ્રમાણે એક હજાર કરોડ ઓલ રેડી ઇન્વેસ્ટ થઇ ચુક્યા છે ખાલી અમદાવાદમાંથી જ,
મોકાણ ત્યાં છે કે સ્ટાર્ટઅપનો ફેલીયોર રેશિયો બહુ જ ઉંચો છે, નેવું ટકા સ્ટાર્ટઅપ ના બાળમરણ થાય છે અને દસ ટકા ઉભા થાય છે અને એમાંથી કદાચ પાંચ ટકા જોરદાર રીતે ચાલી જાય છે,
બહુ જ રિસ્કી ગેઈમ છે આ સ્ટાર્ટઅપ,એટલે મોટાભાગના ઇન્વેસ્ટરોને આ પોષ મહિનાના પાણીથી નહાવું પડે છે..!
પણ પેલા પાંચ ટકા જે દોડી ગયા એ સ્ટાર્ટઅપ માં કમાણી એટલી જબરજસ્ત છે કે અચ્છો અચ્છો લાલચમાં આવી જાય..!
હવે મોદી સાહેબની આ જાહેરાત પછી બહુ બધા ગેલમાં આવી ગયા છે અને દે ધનાધન સ્ટાર્ટઅપ ખુલશે , જો કે થોડાક તો કાળા નાણા ને ધોળા કરવા માટે પણ ખુલી જશે ..
ત્રણ વર્ષ ટેક્ષ ભરવાનો નહિ ,અને ચોપડા રાખવાના નહિ,મારા જેવાને તો એ વાતની જ એટલી હાશ લાગે કે ના પૂછો ને વાત ..આવ્યા એટલા નફા ખાતે અને ગયા એટલા ખર્ચ ખાતે પત્યું કોઈ લીફો,ફીફો ની ઝંઝટ નહિ..!
લાગે છે કે મોદી સાહેબે જે મેડીસન સ્ક્વેર પર બફાટ કર્યો હતો ઇન્ડીયન ઈકોનોમીને ત્રણને બદલે સાત ટ્રીલીયન ડોલરની ગણાવી હતી અને સીધી એકવીસ ટ્રીલીયન ડોલર પર જવાની વાર્તા થઇ ગઈ હતી..
એમાંથી જો આ સ્ટાર્ટઅપ જેવી બેચાર છૂટછાટ આપી દે તો પેરેલલ ચાલતી બ્લેકમની ને સફેદ કરે તો કશો પણ ગ્રોથ કર્યા સિવાય સાત ટ્રીલીયન ડોલર સુધી આરામથી પોહચી જવાય..!
અને એ બહુ મોટું “એચીવમેન્ટ” કેહવાય પાછું ..!!
રવિવારની સાંજ આપ સર્વેને આનંદ આપે અને મિત્રો ને મળો તો એકાદું સ્ટાર્ટઅપ ખોલી નાખો..
મને પ્રપોઝલ ચોક્કસ ના મોકલતા..આપણે તો પંડ રળે ને પેટ ખાય એમાં સુખી છીએ ..!
શુભ સંધ્યા
શૈશવ વોરા