એક પછી એક દિવસો જતા જાય છે અને કેશ ક્રંચ ક્યારેક ખુબ વર્તાય છે અને ક્યારેક બિલકુલ નહિ,ઉઘરાણીઓ ફરતી અટકી છે જેમને જૂની નોટનો વહીવટ હતો એ પૂરો થયો છે, અને હવે નવી નોટની કે ચેકની ઉઘરાણીની રાહમાં વેપારી આલમ બેઠી છે,
ગઈકાલે ખાલી ખાલી એમ જ સર્વે કરવા બે ચાર મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ઘુસ્યો હતો..સેલ્સના છોકરાઓ એ રીતસર પકડી લીધો આવો આવો સર શું જોઈએ? શું જોઈએ..?
ડિસ્કાઉન્ટ કરશો?પ્રોડક્ટ નક્કી કરો સર આપી દઈશુ..!
જબરજસ્ત પ્રેશર એ છોકરાઓના મોઢા પર દેખાતુ હતું અને આજે છાપામાં વાંચ્યું કે ફોર્બ્સએ ઝાટકી નાખ્યા..!
૩૦મી નજીક આવતી જાય છે,અને ધંધા તૂટતા જાય છે,રૂપિયાની તંગીમાં પેહલો માર હમેશા મોજશોખની ચીજ વસ્તુઓ પર આવે અને પ્રજા એટલી જલ્દી ખરીદી કરતી નથી, હા બ્રાંડ ફેક્ટરી જેવી કોઈ મોટી જબરજસ્ત ઓફર આવે તો લાઈનમાં ઉભા રહીને સસ્તી વસ્તુ લઇ લેવી,પણ એ સિવાયનો “ખોટો ખર્ચો” ના યાર ચાલશે ..
અને આ “ખોટા ખર્ચા” માટે ઉભા થયેલા મોલ અને શો રૂમના ભાડા અને પગારો શો રૂમ માલિકોના શ્વાસ ભારે કરી રહ્યા છે..! બાબા રામદેવની “બુદ્ધિવાળા” કોઈક લોકો એમ કેહશે કે સારું છે ને “ખોટા ખર્ચા” બંધ થઇ ગયા..! લગ્નો સાદાઈથી થાય તે શું ખોટું છે..? વસંત પંચમીના લગ્નોમાં જ્યાં ત્રણ ફંક્શન કરવાના હતા ત્યાં અત્યારે બે પ્રસગો કરીને ચલાવી લેવાય છે..
રૂપિયા બેંકમાં પડી રેહશે તો વ્યાજ મળશે..!
પણ જો રૂપિયા બેંકમાં પડી રેહશે તો શું બેંકો વ્યાજ આપશે..?
ક્યાંથી વ્યાજ આપશે બેંકો? બેંકો કોઈને લોન આપશે અને વ્યાજ લેશે તો તમને ફીક્ષ ડીપોઝીટ પર વ્યાજ આપશે ને?ગરીબ અને મધ્યમવર્ગને સપના દેખાડનારા લોકો આ દેશમાં પુષ્કળ છે,
ગરીબ અને મધ્યમવર્ગનો એક પાયાનો પ્રશ્ન છે..
ગરીબને ખબર જ નથી પડતી કે એ કેમ “ગરીબ” છે..?અને મધ્યમવર્ગને ખબર નથી કે એનો શેઠિયો કેમ “રૂપિયાવાળો” છે?
તવંગર અને ગરીબ બધાની પાસે એક સરખું શરીર છે, અને મધ્યમ વર્ગ અને તવંગર બંને પાસે એક સરખું દિમાગ છે..!
આવું દરેક ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ માનતો હોય છે..અને દરેક ગરીબ અને મધ્યમવર્ગ પોતાની રીતે પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તુક્કા મારતો રહે છે અને છેવટે હારી થાકી અને નસીબ ને દોષ આપીને છૂટી પડે છે..!
આવા જ એક તુક્કાએ અને બાબાજી જેવા લોકોએ ભેગા થઈને આખા દેશને લંગોટી પેહરાવી દીધી,અત્યારે પૈસાદારોની પીડા જોઇને ગરીબને આનંદ થાય છે,
રાહુલ ગાંધીની મેહસાણા ની સભામાં ઉમટેલી જનમેદની જોઇને કેટલાય કોંગ્રેસીઓના ઘેર અમદાવાદમાં લાપસીના આંધણ ચડી ગયા..અલ્યા આ ફેર તો ભાજપ ગયો..બહુ ચડી વાગ્યાતા દિ
યોરના.અને કેટલા બધાને મુખ્યમંત્રી બનવાના સપના આવવા લાગ્યા..!
આવુ ખરેખર થાય તો..?
કાબે અર્જુન લુંટીયો વહી ધનુષ વહી બાણ..!
દિલ્લીમાં લોકસભાની સાતે સાત સીટ આપ્યા પછી વિધાનસભામાં ત્રણ સીટ આપી ખાલી, અને એ પણ એ “જ” જનતાએ..!
આ બધું શું દિલ્લીમાં બેઠેલા લોકોને નહિ દેખાતું હોય..?
તો પછી બાદશાહ સલામત જેમ કેહતા રહ્યા કે દિલ્લી તો અભી બહોત દૂર હૈ અને નાદિરશાહ છેક લાલકિલ્લામાં આવી ને મયુરાસન લઇ ગયો ત્યારે ભાન થયું કે દિલ્લી લુંટાઈ ગઈ..!!
એવું થશે ત્યાં સુધી રાહ જોવામાં આવશે..?
ના રાહ નહિ જોવામાં આવે બિલકુલ રાહ નહિ જોવાય,હવે એ બધુ નહિ પોસાય.. તો શું કરશો..? આ મેહસાણાની ભીડનુ શું..?
મેહસાણાની ભીડ કહો કે જનમેદની કહો એ નરેન્દ્ર મોદી માટે જ આવેલી,
હા સંપૂર્ણ સાનભાનમાં લખુ છુ..રાહુલ ગાંધીની સભાની ભીડ નરેન્દ્ર મોદી માટે..?
હા, નરેન્દ્ર મોદી હવે એવું વ્યક્તિત્વ છે કે જેને ક્યાં તો તમે એને અનહદ પ્રેમ કરી શકો અને ક્યાં તો તમે એને હાડોહાડ નફરત..!
વચ્ચેની કોઈ જ જગ્યા નથી બચી..!
ઇન્દિરા ગાંધી પછી હિન્દુસ્તાનના ફક્ત અને ફક્ત બીજા પ્રધાનમંત્રી છે જે આ દબદબો ભોગવી રહ્યા છે,જનતા જનાર્દનમાં ઇન્દિરા ગાંધી માટે આજે પણ બે જ ભાગ છે એક ભાગ એમને નફરત કરે છે અને બીજો ભાગ એમને પ્રેમ કરે છે..!
અને કોઈની પણ નફરત કે પ્રેમ આ બેમાંથી તમારે કંઈપણ મેળવવું હોય તો તમારે એના દિલમાં ઉતરવુ પડે..!
નરેન્દ્ર મોદી લોકોના દિલમાં ઉતરી ગયા છે..!!
અને મેહસાણાની ભીડ નફરતની ભીડ હતી પ્રેમની નહિ..!
જે ઇન્દિરા ગાંધીને કટોકટી પછી હાડોહાડ નફરત કરી પ્રજાએ અને હરાવ્યા એ જ પ્રજાએ ઈન્દિરાજી જીવ્યા ત્યાં સુધી આંખ માથે રાખ્યા..!
બહુ નસીબવાળા નેતાઓને પ્રજાની નફરત કે પ્રેમ મળે છે..!
પેલુ કહે છે ને કે તમે મને પ્રેમ કરી શકો છો તમે મને નફરત કરી શકો છો પણ મને “ઇગ્નોર” તો હરગીઝ નહિ કરી શકો..!
બસ એકદમ આ પરિસ્થિતિમાં આવી ને ઉભા છે મોદીસાહેબ..રાહુલ ગાંધી ગમે તે બબડે પણ ઈન્દિરાજીનો અસલી વારસો તો નરેન્દ્ર મોદી એ અંકે કરી લીધો રાહુલ ગાંધી ફક્ત અને ફક્ત ઈન્દિરાજીના બાયોલોજીકલ વારસદાર થઇ ને રહી ગયા..
બિલકુલ ઈન્દિરાજીની જેમ દિલ્લીની “ટોળકી” થી ઘેરાયેલા અને જે કરે કે કરવા જાય એ ઊંધું જ વળી જાય..પણ સારું થયું તો પણ હું, ખોટું થયું તો પણ હું. અને ધીમે ધીમે એક પછી એક પોતાના માણસો ગોઠવતા જવાનુ..
પબ્લિક મીટીંગ આસુંડા અને જુઠ્ઠાની માં ને જુઠ્ઠો પરણે એ સિધ્ધાંત રાખીને આગળ નીકળતા જવાનુ અને ધીમે ધીમે પોતાની આસ્તિનમાં બેઠેલા ને અળગા કરવાના.!
મેહસાણા માનો તો એક સંકેત તો ખરો ગુજરાતની હાર્દિક પટેલના ઉદય પછીની રાજનીતિનો..
કોંગ્રેસ ખરેખર કમ્મર કસે અને બે ચાર વાક્પટુતા ધરાવતા નવા નેતા અને તદ્દન સાફસૂથરી છબી ધરવતા કોઈ એકદમ નવા જ નેતા “રીપીટ” તદ્દન સાફસૂથરી છબી ધરવતા કોઈ એકદમ નવા જ નેતા, ને મુખ્યમંત્રીના ચેહરા તરીકે ઉતારે અને છાપેલા કાટલાવાળા જુના ભાજપિયા કે જુના જનતાદળવાળા કે ગુંડા કોંગ્રેસી(હું માનું છું કે કોંગ્રેસ બે પ્રકારના લોકોની બનેલી છે એક જેઓ ખરેખર દિલથી જૂની કોંગ્રેસ હતી એવા કોંગ્રેસી છે,અને બીજો પ્રકાર ગુંડાઓ અને સત્તાના દલાલો એવા કોંગ્રેસી) એવા એકપણને ચુંટણી પ્રચારમાં ના ઉતારે તો ખરાખરીનો જંગ જામે..! પણ આવુ બધુ કરવામાં જુના કોંગ્રેસીઓ ભાગી જાય તો કોંગ્રેસ જે નામની પણ બચી છે એ પણ નામશેષ થઇ જાય..!
હવે આજે ૨૬મી તો ગઈ અને આડે રહ્યા ત્રણ દિવસ..!
જોઈએ શું થાય છે, ઉતરતો વૃશ્ચિક રાશીનો શનિ ફટકો માર્યા વિનાનો તો નહિ રહે..૨૬મી જાન્યુઆરીએ શનિ ફરશે અને ત્યાં સુધીમાં બધું ધમરોળશે..!
મહિનો બાકી છે તારીખ ફરે એ પેહલા બ્લોગ પોસ્ટ કરી દઉં..
શુભ રાત્રી
શૈશવ વોરા