આજે સવારે મંદિરેથી બહાર નીકળતા એક લગભગ પાસઠ વર્ષની આજુબાજુની ઉંમરના કાકા નવું નક્કોર એકટીવા લઈને આવ્યા અને મંદિરના મહારાજ જોડે એકટીવાની પૂજા કરાવતા હતા..!
કાકાને જોઈને મને વિચાર આવ્યો કે આ કાકા એકટીવા લાવ્યા છે તો મસ્ત, અને આ એકટીવાના નવા મોડલની રોડ ગ્રીપ પણ સારી છે,પણ ભગવાન કરે કે કાકા એકદમ સેઈફ્લી ચલાવે..કેમકે આ ઉંમરમાં જો કાકા પડ્યા કર્યાને તો હાડકું રીપેર થતા બહુ સમય લાગશે..અને આવા વિચારો ચાલતા હતા ને કાકાની સામે મારી નજર મળી ગઈ,કાકા સેહજ આંખોથી હસ્યા એટલે મેં તરત જ બ્રોડ સ્માઈલ આપી દીધું..અને કાકાને કીધું કોન્ગ્રેચ્યુલેશન ડ્રાઈવ સેઈફ.. કાકા મુક્ત મને બોલ્યા થેંક યુ.. કાકાના મોઢા ઉપર નવા એકટીવાનો હરખ મા`તો નોહતો.. પૂજા પૂરી થઇ અને કાકાએ મહારાજની થાળીમાં સો રૂપિયાની પૂરી નોટ મૂકી..મને ફરી હસવું આવી ગયુ..
ઠીક છે કાકા એમના જમાનામાં જીવતા હશે એટલે સો ની નોટ ઘણી મોટી હશે એમના માટે..
પણ હજી મંદિરની બહાર નીકળ્યો અને સામેથી એમની જ ઉંમરના બીજા એક કાકા બે મોટા મોટ્ટા બોક્ષ એકટીવા પર મૂકી અને એ બોક્ષ પર એમના ટાંટિયા જેમ તેમ ગોઠવીને નીકળ્યા..
હજી એક કાકાને ડ્રાઈવ સેઈફ કીધું નથી અને ત્યા તો બીજા કાકા સામેથી સર્કસનો ખેલ કરતા હોય એમ બે મોટા મોટા ખોખા એકટીવા પર લઈને નીકળ્યા..
મેં મનમાં કીધું હરે ક્રિષ્ણ..હરે ક્રિષ્ણ..
કોઈ સુધરવા જ માંગતુ નથી..!
કોઈપણ કામ કાઢી લેવાની ઉતાવળ બહુ જ ખરાબ રીતે આપણા લોહીમાં વણાઈ ગઈ છે, અને એમાં આપણે આપણી જાતને ક્યારે જોખમમાં મૂકી દઈએ કે પછી બીજાની જિંદગીનું જોખમ કશું જ વિચારતા નથી.. ચલને ભઈ કઈ નહિ થાય નીકળને યાર..!
અને ખરેખર મોટાભાગના કિસ્સામાં કઈ થતું પણ નથી..! ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ કે છાપરું ,એસટી ,શટલિયા ..બધું લોલમ લોલ ચલ્ય કરે છે..!
પણ શટલિયા રીક્ષાની પાછળ જમણી બાજુ પર લગાડેલા સળિયા ઉપર જયારે જનતા બેસે અને એમાં જનતાનું પોણું શરીર રીક્ષાની અંદર હોય અને એના અધમણીયા “કુલા” બહાર “કેન્ટીલીવર” લટકતા હોય..મને આવા રીક્ષાની બહાર લટકતા કુલા જોઇને ઘણીવાર એક ઘાતકી ઈચ્છા થઇ જાય છે..એક લાકડી લઈને ઠોકું એ લટકતા અધમણીયા પર..!
કેમકે એક તો પેલો રીક્ષાવાળો બેફામ રીક્ષા ચલાવતો હોય એ આમ તેમ આમતેમ કરીને સાપોલિયાંની જેમ રસ્તા કાઢતો જતો હોય અને તમે એની પાછળ હો તો તમારે એની રીક્ષા પ્લસ પેલા બહાર લટકતા “કુલા” આ બધું સાચવીને તમારું વાહન હંકારવું પડે..!
રીક્ષા, સ્કુટર અને બાઈક આ ત્રણ વેહિકલ જયારે હાઈવે પર રમરમાટ જતા હોય અને ત્યારે હું એમના પતલા પતલા ટાયરને પાછળથી જોઉંને ત્યારે મને ઘણીવાર સખ્ખત બીક લાગી જાય છે..
આપણે ત્યાં બાઈકના ટાયરોની વીડથ (જાડાઈ) એટલી બધી ઓછી રાખવામાં આવી છે કે સ્પીડમાં જતા બાઈકને ગમે ત્યારે આગળ કોઈ મોટું ઓબ્સ્ટ્રેકલ આવે અને જો ચલવનાર સેહજ પણ નજર ચુક્યો તો એના રામ રમી જાય..
ઈનફેક્ટ મેં એક ભયાનક કેસ જોયો પણ છે..હૈયું સાબૂત રાખજો વાંચતા પેહલા..
વર્ષો પેહલાની વાત છે હું અને મારો એક મિત્ર ગાડીમાં ચિલોડા ચોકડી વટીને ગાંધીનગરના પેલા એઈસીવાળા સાબરમતી નદીના બ્રીજ પર એન્ટર થયા,
મારો મિત્ર ગાડી ચલાવતો હતો અને હું બાજુની સીટ પર બેઠો હતો અમારાથી લગભગ બસ્સો એક મીટર આગળ એક ચાલીસ ફૂટનું મોટ્ટું કન્ટેનર લઈને એક ટ્રેલર જતું હતું, બ્રીજ આખો ખાલી હતો અને ટ્રેલરની સ્પીડ સેહજે પચાસ સાહીઠ કિલોમીટરની હતી અને અમારી ગાડી અને પેલા ટ્રેલરની વચ્ચે એક મોટરસાયકલ વાળો ત્રણ સવારીમાં રમરમાટ જતો હતો, જેમાં પાછળ એક લગભગ વીસેક વર્ષની છોકરી અને એક સાડી પેહરેલા ત્રીસેક વર્ષના બેન બેઠેલા હતા..
બાઈકને ચલાવતો એ છોકરો ટ્રેલર કરતા વધારે સ્પીડમાં ચાલવે અને ટ્રેલરને ઓવર ટેઈક કરવા આઘોપાછો થાય પણ બ્રીજ પર સામેથી વાહનો આવે એટલે એ પાછો પડે..
હવે પેલું ચાલીસ ટન માલનું વજન પ્લસ ટ્રેલર અને ખાલી કન્ટેનર એમ મળીને ટોટલ લગભગ પંચાવન સાહીઠ ટનનું વજન લઈને ટ્રેલરનો ડ્રાઈવર એકદમ સીધી લીટીમાં બ્રીજના છેડે પોહચી અને બ્રીજ વાટીને રોડ પર આવી ગયો..
પેલા બાઈકવાળાને એને ઓવર ટેઈક કરવાનું શૂરાતન ચડ્યું અને એની બાઈકને ટ્રેઇલરની ડાબી બાજુએથી એક ગીયર ઉંચે નાખી અને ફૂલ સ્પીડમાં ઓવર ટેઈક કરવા ગયો પાછળ ગાડીમાં બેઠો બેઠો હું આખો સીન જોઉં..!
બાઈકવાળા એ ટ્રેઇલરને ઓવર ટેઈક કરવા રોડની સાઈડ પરથી ટ્રેઇલરની લગોલગથી બાઈક કાઢ્યું..
વચ્ચે એક મોટો પત્થર આવ્યો..મારી નજર સામે આખું બાઈક ગયું ટ્રેઇલરની નીચે જોરદાર અવાજો આવ્યા…મારા મોઢામાંથી ચીસ પડી ગઈ અને આંખ બંધ થઇ ગઈ.. હિમત કરીને આંખ ખોલી..
બાઈક ચલાવનારો છોકરો રોડ પર પડ્યો હતો અને બાઈકનો ટ્રેઇલરની નીચે કચ્ચરઘાણ નીકળી ગયો હતો, અને બંને સ્ત્રીઓ ટ્રેઇલરની ચેસીસ અને ટાયરની વચ્ચે કમ્મરેથી ફસાઈ ગઈ હતી.. અડધી મિનીટમાં તો લોકો ભેગા થઇ ગયા પણ એ બે સ્ત્રીઓના શરીર ટ્રેઇલર અને ટાયરની વચ્ચે ફસાયેલા હતા અને તડપતા હતા એમના મોઢામાંથી લોહી ઉલટીઓ થઇ રહી હતી ટ્રેઇલર ઉભુ રહી ગયું હતું..
એ બે સ્ત્રીઓને બહાર કાઢવા માટે ટ્રેઇલરને આગળ કે પાછળ લઇ જવું જરૂરી હતું.. ડ્રાઈવર તો ટ્રેઇલર મૂકીને ભાગી ગયો..પેલી બાઈક ચલવાનારો માથા પછાડે અને બુમો પાડે કોઈ મારી ભાભીને અને બેહનને બહાર કાઢો..
છેવટે બીજા એક ટ્રક ડ્રાઈવરે હિમત કરી અને ટ્રેઇલરને આગળ લીધું પણ એ બે સ્ત્રીઓના ચપટ થઇ ગયેલા ફક્ત બે શરીર જ બહાર પડ્યા..પ્રાણ જતા રહ્યા..હું આ દ્રશ્ય જોઇને લગભગ બેહોશ જેવો થઇ ગયો હતો..પેલો બાઈક ચલાવનારો નદીની તરફ દોડ્યો લોકો એ એને પકડી લીધો એ નદીમાં પડતુ મુકવા જતો હતો..૧૦૮ આવી,પોલીસ પણ આવી..
ઉતાવળ અને એક પત્થર બે જીવને મારી સામે લઇને ગયો..!
આજે અત્યારે પણ ખોડિયાર ફ્લાયઓવર જામ છે નક્કી કઈ ગડબડ હશે..જ્યારથી આઈસીડી(ઇનલેન્ડ કન્ટેનર ડેપો) ખોડિયાર આવી છે ત્યારથી કન્ટેનર મુવમેન્ટ રીંગરોડ પછી ખુબ વધી ગઈ છે અને મને જયારે જયારે કન્ટેનર લઈને જતી ટ્રકની નજીકથી ફૂલ સ્પીડમાં બાઈક વાળો જતો જોઉં છું ત્યારે ત્યારે પરસેવો છૂટી જાય છે..!
જુવાની ના જોશમાં ક્યારેક અમે પણ ગાંધીનગર સરગાસણ ચોકડીએથી બાઈક ઉપર રેસ લગાવતા રાજપથ ક્લબે રેસ પૂરી કરતા.. સોળ મિનીટ અને સાડત્રીસ સેકંડનો “રેકોર્ડ” કર્યો હતો મેં અને આલોક એ..!
અત્યારે યાદ આવે છે અને થાય છે, નર્યું ગાંડપણ હતું, આ પતલા ટાયર પર ભરોસો મુકીને અમે નીકળ્યા હતા..?
આજે તો હાર્લી ની પાછળ પણ એક જ શરતે બેસુ છુ સિત્તેર ઉપર નહિ જવાનુ..
તું ડોહો થઇ ગયો છે, સામે એવી કોમેન્ટ આવે છે
ભલે આવતી ડોહો તો ડોહો..!!
અને હા કોઈના સુપર બાઈકની પાછળ બેસવાનું પણ આગળ બેસીને એક્સીલેટર તો ભૂલથી પણ હાથમાં નહિ જ લેવાનું, એટલે નહિ જ લેવાનું..!
જીવતો નર ભદ્રા પામે..
આપની સાંજ શુભ રહે
ડ્રાઈવ સેઈફ એન્ડ બી હેપ્પી..!
શૈશવ વોરા