થોડાક દિવસોથી જેટલા લોકોને મળ્યો એમાંના પચાસ ટકા લોકોને અત્યારે ભરઉનાળે શરદી થઇ ગઈ છે ..અને એ પચાસ ટકામાં મારો પણ વારો છે..!!
બહુ વિચાર્યું કે આ ૪૫ ડીગ્રીના ધોમધખતા તાપમાં પણ શરદી ?કેમની થાય ..?
ઘરમાં ચારે બાજુ ડોક્ટર છે એટલે એક ગોળી તો પેહલા ખાઈ લીધી, પણ પછી કારણો શોધવા થોડી મેહનત કરી..
એક ખતરનાક કારણ હાથ લાગ્યું..
હું મારી જિંદગી લગભગ ત્રણ ચાર બંધ બોક્સ ઉર્ફે ખોખામાં જ જીવું છું..
પેહલું બંધ ખોખું એટલે મારું ઘર,લગભગ ચાલતું ચોવીસ કલાકનું એસી અને એમાંથી એસીની ઠંડી હવા બહાર ના નીકળી જાય માટે બારી બારણા ને સજ્જડ રીતે બંધ રાખવાના..
બીજું બોક્સ એટલે મારી ગાડી અને ત્રીજું બોક્સ એટલે મારી ઓફીસ..ચોથું બોક્સ મારું જીમ..
જીમથી ઘેર આવો એટલે બસ પત્યું,
રાત પડ્યે ફરી પાછા પેહલા ખોખામાં પુરાવા માટે આવી જાવ…!!
કુદરત અને ઋતુઓ જોડે ના કોઈ કનેક્શન જ નથી રહ્યા , જે કનેક્શન છે એ એસીની જોડે છે..ડ્રાય મોડ , સન મોડ ..
જીવનના ચોવીસે કલાક તમે ચાર પાંચ ખોખામાં જ કાઢતા હોવ તો પછી “શરદા” ના થાય તો જ નવાઈ છે..!!
એક જમાનામાં દરેક ઘરમાં ચોક રેહતો અને એ ચોકને કારણે કુદરત એકદમ સાહજિકતાથી આપણા ઘરમાં આવતી જતી રેહતી, હવે તો ચોક ને બિલકુલ આઉટ ઓફ ટ્રેન્ડ ગણવામાં આવે છે અને ક્યાંક કોઈક જૂની હવેલીમાં ચોક રહી ગયો હોય તો એને પણ ગ્લાસથી કવર કરી લેવાનો..!!
પેહલા કામ કરવાની જગ્યાઓ મોટેભાગે નોન એસી રેહતી અને બધાજ લોકો બજારની વચ્ચો વચ બેસીને ધંધા કરતા..
અત્યારે તો કોર્પોરેટ હાઉસ અને ઓફીસના નામે ખોખે-ખોખા ઉભા કરી દીધા છે..
અરે અમુક ખોખામાં તો ટોઇલેટ ની વાસ આખી ઓફીસમાં આવતી હોય ..
પછી એ વાસ દુર કરવા પાછા એરફ્રેશનર નાખે, પણ બે બારી ખોલીને ફ્રેશ એર અંદર ના આવવા દે..!!
મારા ઘરની આજુબાજુ આવેલા બધા જ દસ માળીયા બિલ્ડીંગમાં જ્યાં કોમર્શિઅલ છે ત્યાં ગેલેરી કવર કરાઈ છે,અને એલ્યુમિનિયમ સેક્શન કરી અને દરેક ઓફીસને જડબેસલાક બંધ કરી દેવાઈ છે
જેટલા રેસિડેન્શિયલ છે એમાં ગેલેરી ફક્ત અને ફક્ત કપડા સૂકવવા અને કપડા ફરી લેવા માટે ખુલે છે અને બંધ થાય છે બાકી તો એ જ વાત …
જડબેસલાક..!
ભૂલથી બાહરની હવા સુધ્ધા અંદર ના આવી જાય..!!
એકપણ ગેલેરીમાં હીંચકો લાગેલો નથી, અને જ્યાં ભૂલ ભૂલમાં હીંચકો લાગેલો છે ત્યાં કોઈને બેઠેલા જોયા નથી..
કેવી કરુણતા છે નહિ…!!!
અમારા એક વેપારી મિત્ર છે એમના આંગણે ઓડી બેન્ઝ ઝૂલે, પણ ગામડેથી આવ્યા ત્યારનો નિયમ ઝાલી રાખ્યો છે, સવારે સાડા પાંચથી સાડા છ પબ્લિક ગાર્ડનમાં જ ચાલવાનું, પછી ઘેર આવી અને એમના ઘરવાળા જોડે હિંચકે બેસી અને ચા-પાણી કરવાના છાપા વાંચવાના અને બારેય મહિના ઠંડા પાણીએ જ નહાવાનું..
એમના કારખાને એસી ફક્ત બપોરે એક વાગ્યે જ ચાલુ થાય અને ઘેર રાત્રે સાડા દસ વાગ્યા પછી અને મોડી રાતનું ટાઈમર મુકેલું જ હોય સવારે સાડા ત્રણે એસી બંધ ..
મને કહે અલ્યા ભાઈ આ એસી તો છે ને તમારા હાડકાને પોચા પાડી દે તડકા ખાવા પડે..!!
વાત તો સાચી ચોવીસ કલાક એસીમાં પડ્યા રહીએ એટલે વિટામીન ડી-૩ ની ઉણપ આવે અને પછી ગમે તેટલા દૂધ પીવો કેલ્શિયમ પચે જ નહિ, છેવટે ઢળતી ઉંમરે ઓસ્ટ્રીઓપોરોસીસ થાય ત્યારે હાડકામાં નામના કેલ્શિયમ રહ્યા હોય..!!
એક સર્વે ક્યાંક વાંચ્યો હતો સતત બંધ રેહતા ઘરોમાં માઈક્રો ફંગસ ડેવલપ થતી હોય છે અને એ માઈક્રો ફંગસ વાળી એસીની હવા જેને આપણે ફ્રેશ ચોખ્ખી હવા કહીએ છીએ એ બહારની કેહવાતી પ્રદુષિત હવા કરતા ૯ ગણી વધારે પ્રદુષિત હવા હોય છે..!
ઘરની એ જ માઈક્રો બેક્ટેરિયા અને ફંગસવાળી હવાને આપણે શ્વાસમાં ભરીએ છીએ અને પછી થાય શરદી અને અસ્થમા…
બાળકોને પણ આ જ કેહ્વાતી ચોખ્ખી હવામાં મોટા કરીએ અને પછી એમની સ્કુલબેગમાં અસ્થમાના પમ્પ મુકવાના…
એમાં પણ બાકી રહ્યું તો સેન્ટ્રલી એસી સ્કૂલો આવી ગઈ..
થોડુક વિચારવા જેવું તો ખરું , જીવનને કઈ બાજુ લઇ જઈ રહ્યા છીએ ..
એક મિત્ર એ એમનું સ્ટેટ્સ મુક્યું હતું કે અમદાવાદના બધા એસી બંધ રાખીએ તો તાપમાન બે ડીગ્રી એમનેમ ઘટી જાય..
વાત સાચી પણ હવે કુદરતની જોડેની હરીફાઈ એટલી આગળ નીકળી છે કે એ વાત શક્ય નથી…
થોડાક સમય પેહલા હું ટોક્યો ગયો હતો તમામ રોડ રસ્તા ઉપર કોઈપણ પ્રકારની એક્ટીવીટી જોવાના મળે એક ફેરિયો સુધ્ધા જોવા ના મળે ..
જીવનને લગતી તમામ એક્ટીવીટી મોલમાં જાવ ત્યાં જ જોવા મળે..બાળકો દોડતા હસતા રમતા એની પાછળ ફરતા એમના દાદા દાદી બધું જ બંધ મોલમાં..
અમેરિકામાં પણ આ જ પરિસ્થતિ છે બંધ બારણે જ જિંદગી જીવાય છે..
વિકાસના નામે ધીમે ધીમે કદાચ આપણે પણ બંધબારણામાં પુરાવા જઈ રહ્યા છીએ, હું નક્સલવાદી નથી પણ પશ્ચિમના આંધળા અનુકરણએ આપણને ફ્લેટમાં-ખોખામાં જીવતા કરી દીધા છે, આજે ભારતની લગભગ ૬૭ ટકા વસ્તી શેહરોમાં આવી રહી છે ,સ્લમ ડેવલપમેન્ટ ના નામે ઝુપડા ખસેડીને મોટા મોટા ખોખા-બોક્સ સ્ટ્રક્ચર ઉભા કરવા જઈ છીએ ,
વિકાસની ગતિ આવી તેજ રહી તો બે જ દસકામાં જમીન ઉપર નું ઘર એ સપનું થઇ જશે અને દેશનો દરેક માણસ ખોખામાં પુરાઈ જશે ..
આજે ખુલ્લામાં રહેલા બજારો તો ઓફીસના નામે બંધ બોક્સમાં આવી ગયા છે ,ધીમે ધીમે નાની નાની દુકાનો પણ મોલ નામના બંધ બારણા માં જતી થઇ જશે ..
અને અમેરિકા અને જાપાનની જેમ આપણે પણ બંધ બોક્સની જિંદગીમાં આવી જઈશું…
સમશીતોષ્ણ કટિબંધમાં જીવતા આપણે ખરેખર ઋતુઓની મજા લેવા જન્મ્યા છીએ, પણ ઋતુઓની મજા લેવાની બદલે ઋતુ ચક્રની સામા થઇને અકુદરતી વાતવરણ સિમેન્ટ લોખંડના ખોખામાં ઉભા કરી અને મજા લઈએ છીએ..
હશે ત્યારે ..
કર્યા ભોગવવાના છે ..
ખબર નથી પડતી કે એક રાતમાં બે વખત એસીના મોડ બદલતો હું નસીબદાર છું કે રસ્તા ઉપર ઊંઘેલો એક ઊંઘમાં સવાર કરતો મજુર નસીબદાર છે..!!??
તમે પણ વિચારો કેટલા ખોખામાં જિંદગી જઈ રહી છે તમારી ..??
અને નસીબ કેવું છે તમારું ?
ખુલ્લા આકાશે મધરાતે માથે આવતું તારલાનું કાંટીયુ જોયે કેટલા વર્ષ થયા..?
રે અભાગિયા શૈશવ ..
કર ડ્રાય મોડ એસીનો આજે ભેજ બહુ છે, અને ઉપરથી શરદી ..
ભૂલ થી બીજો કોઈ મોડ રહી જશે તો કાલે તાવ ચડશે અને તારા વિના તારા બે ખોખા ખાલી રેહશે..
મારી જેમ સિમેન્ટ લોખંડ અને માટીના ખોખામાં પુરાયેલા સર્વે ને શુભ રાત્રી
શૈશવ વોરા