આજ ના બ્લોગ નો હેતુ એક ઓનેસ્ટ ઓબ્ઝરવેશન ને સમાજની સામે મુકવાનો છે ,ખોટી ટીકા ટીપ્પણી કરી અને મારી મે`થી ના મારશો…
છેલ્લા થોડાક વર્ષોથી ઉનાળુ વેકેશનમાં ઉદયપુર અને એની આજુબાજુના વિસ્તારમાં આવેલી પાંચ સિતારા હોટેલો સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરતી હોય છે અને મારા જેવા વાણીયા જીવને આ આટલું બધું ડિસ્કાઉન્ટ જોઇને લલચાઈ જાય, અને પછી ડિસ્કાઉન્ટ ઉપર પણ સેહજ વધારે બારગેન કરવા મળે એટલે પોતાનાબિસ્તરા પોટલા લઈને ઘુસી જાય એ પાંચ સિતારાની લક્ઝરી માણવા…
ગઈ સાલ અમે ઉદયપુરની એક મસ્ત મસ્ત પાંચ સિતારામાં આવી જ રીતે ઘુસી ગયા હતા..
એ હોટેલમાં પેલું “યે જવાની હૈ દીવાની” ફિલ્મ નું શુટિંગ થયું હતું..
હવે આવી મોંઘી દાટ હોટેલ પણ માતબર ડિસ્કાઉન્ટ એટલે મારા જેવી બીજી ઘણી બધી પ્રજા બધી એમાં ભરાય..
લગભગ બધી જ ત્યાં ગાડીઓ GJ પાસીંગની..!!
અમે બપોર પડ્યે ચેક ઇન કર્યું..
અમારા રૂમ પુલ સાઈડના હતા (સ્વીમિંગપુલ દેખાય એવા) સાંજે પાંચેક વાગ્યે સ્વીમીંગ પુલમાં કાઉ કાઉ ના અવાજો આવ્યા , કાગડા, કુતરા, કાબર, ચકલા બિલાડા બધું સામટું બોલતું હોય એવું લાગ્યું ,અને બધું જ પાછું દેસી ગુજરાતીમાં બોલે…
આપડે રૂમમાંથી સેહજ પડદો આઘો કરીને સ્વીમીંગ પુલ પર નજર માંડી…
ચાર દેસી ગુજરાતી કપલો એમના છૈયા છોકરા સહીત, સ્વીમીંગ પુલ જોઇને લગભગ પાગલ થયેલા હતા..
ચારેય પુરુષો પ્રેક્ટીકલી જાંગીયા અને ટીશર્ટ અને એમાંથી બે એક તો નીટેક્ષના ધોળા ગંજી પેહરીને પુલમાં પડ્યા હતા..
અને એમના રસોડાના રાણીઓ પંજાબી પેહરીને સ્વીમીંગ પુલમાં “ભુચકા” મારે..એમનો બધો “બચરવાળ” નાકમાંથી લેંટ કાઢતો પાણીમાં જાય અને બહાર નીકળે..
એવામાં અચાનક પાંચ સિતારા હોટેલ નો સ્ટાફ દોડતો આવ્યો અને બધાને બહાર નીકળવા વિનવણી કરવા લાગ્યો.. સર પ્રોપર સ્વીમીંગ કોશ્ચ્યુમ વિના સ્વીમીંગ પુલમાં એલાઉડ નથી.. પ્લીઝ સર બાહર આઇએ ,મેડમ પ્લીઝ આપ પંજાબી સ્યુટ પેહ્ન કે નહિ જા સકતે સ્વીમીંગ પુલ મેં…
સાલું જે સીન હતો..
ગુજરાતી માટીડા પાંચ સિતારા હોટેલની બહારથી આણેલી બીયરો ઠોકારી ને ફૂલ મૂડ માં હતા અને બૈરા પાણી જોઇને…!!
બૈરાઓ ના કાનમાં ઝૂમખાં, ને પગમાં પાયલ, ગળામાં મંગળસૂત્ર, હાથમાં બંગડીઓ ને વીંટી, પગની આંગળીઓમાં વીંછિયા..વત્તા પંજાબી સુટ પેહરીને પુલમાં પડ્યા હતા..!!
જરાક પણ ડ્રેસિંગ કોડ જેવી વાત નહિ..
પેલો સ્ટાફ સમજાવે કે તમારા ઘરેણા પાણીમાં જતા રેહશે માવ`ડી ,પણ છાકટી થયેલી અને ઘરમાંથી છુટેલી ભુંરાંટી થયેલી ગુર્જર ગાવ`ડી અરરર ..
સ્ટાફની અડધા પોણા કલાકની મેહ્નતે બધી આઈટમો સ્વીમીંગ પુલમાંથી નીકળી અને રૂમમાં ગઈ..!!
અને સાંજ પડ્યે એ જ આખું ટોળું…
ભાઈઓ ની ચુમ્માલીસની કમ્મર પણ આડત્રીસની સાઈઝની ચડ્ડી અને હતી ડબલ એક્સેલ સાઈઝ એમની, પણ એક્સ એલ સાઈઝના ટીશર્ટમાં એમના શરીરને ઘાલ્યા હતા..
બિલકુલ એવી જ પરિસ્થિતિ બેહનોની..તડુંમ તડુંમ જીન્સ અને ટીશર્ટ અને પેલા બધા ઘરેણા ઉપરથી કપાળે મોટા ચાંલ્લા અને સેંથામાં લીપ્સ્ટીકથી સિંદુર…
ઓ માડી રે… સુ ડ્રેસિંગ હતું.. મને તો એમના કપડાના દોરા બનવાનારી કંપની ઉપર માન થઇ ગયું કે આટલું બધું પ્રેશર આ બાપડા સિલાઈના પતલા દોરા ખેંચી જઈ રહ્યા છે…!!
આખું ટોળું ડીનર માટે આવ્યું.. મારા મોઢાનો અણગમો મારી મમ્મીએ જોઈ લીધો..
મમ્મી એ તરત મને ઝાલ્યો શું છે તા`રે ..?
મેં કીધું મમ્મી આ બધાનું ડ્રેસિંગ તો જો પણ ..
મમ્મી બોલ્યા ઘરમાં આ બધું પેહરવાનું એલાઉડ ના હોય એટલે બહારગામ ફરવા નીકળ્યા હોય ત્યારે બધું પેહરી લે..
મેં કીધું મમ્મી પણ કઈ માપ જેવું પણ હોય ને .. આ જ બધા ને બપોરે હોટેલના સ્ટાફે પકડી પકડીને સ્વીમીંગ પુલમાંથી બહાર કાઢ્યા હતા..
મમ્મી બોલ્યા હોય બેટા ..આ બધા ઘરમાંથી છુટ્યા છે એના ચાળા છે .. તું હવે ગામ ના બૈરા જોવાનું બંધ કર નહિ તો તારી તને નહિ મુકે…!!
ગઈસાલ જે પરિસ્થિતિ હતી એ આ વર્ષે પણ થઇ …
આ વર્ષે અમે કુમ્ભ્ભ્લ ગઢ ગયા… રિસોર્ટમાં પંજાબી પેહરીને અને ચડ્ડી ટીશર્ટ પેહરીને ભાઈઓ..
સાજે અમે ગઢ ચડવા ગયા ત્યાં નવું જોણું જોયું ત્રણ ચાલીસ વર્ષ ઉપરના બેહનો જેમની હાઈટ સારી એવી એવા બેહનો ટૂંકી ટૂંકી ચડ્ડીઓ પેહરીને કુમ્ભ્ભ્લ ગઢ ચડે ..
હવે સાલું સાવ અડધા ફૂટની ચડ્ડી ત્રણે બેહનો એ પેહરી હતી ..અને ઉપર ટીશર્ટ .. મોટો જાડો ધોકેણા જેવો ચોટલો બીજા ઘરેણા તો ખરા જ..
હવે હું એ ત્રણ ને ધારીને ઓબ્ઝર્વ કરતો હતો, ત્યાં મારી મોટી દીકરી મારી પાસે આવી ગઈ એ ફર્સ્ટ એમબીબીએસમાં ભણે એટલે મેં એને એની ભાષા માં કીધું આ બેહન નું ફીમર તો જો કેવડું મોટું છે ..?
દીકરી મારી, એટલે એ સમજી ગઈ કે બેહને વિચિત્ર ચડ્ડી પેહરી છે એ ડેડીને નથી ગમ્યું એટલે તરત બોલી મમ્મા પાછળ જ છે ,તમારી એકાદી રીબ (પાંસળી) તૂટી જશે….
છોકરા ને તમે ગમે તેટલા સાચવો પણ છેવટે તો એમની માં ના જ થઇને રહે..
એટલે આપણે ચુપચાપ ત્યાંથી આગળ વધ્યા પણ મગજમાં કીડો ભરાઈ ગયો ..
કે આવા વિચિત્ર કપડા લોકો બહારગામ જાય ત્યારે શા માટે પેહરતા હશે ..?
આટલા વર્ષોમાં અનેકો અનેક વેકેશન કર્યા ,કાશ્મીર થી કોલંબો અને થીમ્પુ થી દ્વારિકા આખો ઉપમહાદ્વીપ લગભગ બેત્રણ વાર ધમરોળ્યો…
પણ અમુક ગુજરાતી પુરુષો અને બૈરા એવા એવા વેશ કાઢે કે આપણને એમ થાય કે આવું કેમ કરો છો..?
શા માટે જેવા છીએ તેવા અને રોજ પેહરતા હોઈએ એવા કપડા પેહરીને આપણે ના ફરીએ ?
સ્વીમીંગ પુલમાં પ્રોપર કોશ્ચ્યુમ પેહરીને કેમ ના પડીએ ? બેહનો માટે પણ બધા જ અંગ ઢંકાઈ જાય એવા કોશ્ચ્યુમ બજારમાં ચોક્કસ મળે છે, તો પછી પંજાબી સુટ પેહરીને કેમ ? અને એમાં પણ થોડાક આછા કલરનો પંજાબી સુટ પેહરીને સ્વીમીંગ પુલમાં જયારે કોઈ મહિલા પડે છે ત્યારે ખરેખર બીભ્ત્સ્ય દ્રશ્ય સર્જાય છે એના કરતા પ્રોપર આખું શરીર ઢંકાય એવું સ્વીમીંગ કોશ્ચ્યુમ શા માટે નહિ ?
બહારગામ ગયા છીએ માટે જીન્સ ટીશર્ટ જ પેહરવા એવું કેમ ? અરે ઘરમાં પણ પેહરો…
આ તો ચાર પાંચ વર્ષ પેહલા જીન્સ ટીશર્ટ લીધા હોય, અને બાહરગામ જાય ત્યારે જ એ જીન્સ ટીશર્ટ પેહારાય, એટલે વસુલ કરવા તાણી તાણી ને બટનો બંધ થાય અને પછી એ જ જીન્સ ટીશર્ટમાંથી એમના અંગ ઉપાંગો ચીસો પાડી પાડીને બાહર આવવા મથે…
થોડુક બંને બાજુએ વિચારવાની જરૂર છે , એકવીસમી સદીમાં ઘરમાં જીન્સ ટીશર્ટ ના પેહારવા દેવાય એ પણ એક ક્રાઈમ છે અને ઘરમાં પેહરવા નથી મળતા માટે જે છે તે સાઈઝ કે ફીટીંગની પરવા કર્યા વિના પેહરવું એ ક્રાઈમ ની ઉપર થતો બીજો સુપર ક્રાઈમ છે..
વિચારજો અને યાદ કરજો તમે જ્યારે બહારગામ ફરવા જાવ છો ત્યારે આવું કૈક વિચિત્ર પેહરતું કે કરતુ પ્રાણી તમારી આજુબાજુમાં તો નથી હોતું ને ..
બાકી તો લોકશાહી છે ભાઈ જેને જે કરવું હોય તે કરે ..આ ગામના બૈરા જોવામાં ડર વખતે ઝલાઈ જઈએ છીએ અને એક જ બીક આપણને બતાડવામાં આવે છે ..અને આપણે પાછા બી`એ પણ ખરા..
ભાઈ બી`વા માં જ સાર છે..નહિ તો સંસાર અસાર થઇ જાય
શુભ રાત્રી
શૈશવ વોરા