ગાંધી મોહનદાસ કરમચંદનો જન્મદિવસ…
એક આખી પેઢી ઝેર પીવડાવીને ઉછેરી કે જે ઘણી બધી વાતે ગાંધીને ગાળો આપે છે આજે , ગાંધી એ શું કરવું જોઈતું હતું અને શું નોહતું કરવું જોઈતું હતું તે અભાગીયાઓ એને મર્યાને પંચોતેર વર્ષે બોલ બોલ કરે છે અને એમના જીવનના ગુણદોષને પૂરું વાંચ્યા વિના ઠોકાઠોક કરી રહ્યા છે..!
કરવા દો ,
આમ પણ નિષ્ફળ સંતાનો વાતે વાતે માતાપિતાને જ દોષ આપતા હોય છે ,જીવતા હોય ત્યારે માતાપિતાને સલાહો ઠોકે, તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ..અને એમના મૃત્યુ પછી એમને ગાળો આપે..
જીવનની કમબખ્તી છે કે મડદા ઉભા થઇને પોતાની જાતને ડીફેન્ડ નથી કરી શકતા..!
એટલે દેવાય મરેલાને ગાળો દેવાય , એવું કરવાથી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા શાહમૃગ વૃત્તિને પોષાય..
ભગવાન પરશુરામે ક્રોધિત થઈને ધરતીને એકવીસ વખત નક્ષત્રીય કરી પણ હવે શું આજ ના જમાનામાં શક્ય છે કોઈ એક ચોક્કસ વર્ગ વિનાની ધરતીની કલ્પના કરવી ?
અને જો કોઇપણ વર્ગ એમ સમજતો હોય કે આતતાયી કે કાફિર વિનાની ધરતી હોય તો એ આજ ના સંજોગોમાં શક્ય નથી, કારણ હું બહુ સ્પષ્ટ માનું છું કે સંહારના તમામ શસ્ત્રો ઉપર આજે પણ પશ્ચિમનું જ આધિપત્ય છે..
ગઈકાલ રાતની ઘટનાને લઇ લઈએ કે ઈરાને ઈઝરાઈલ ઉપર ૨૦૦ થી ૪૦૦ મિસાઈલ્સ માર્યા ,બે હજાર કિલોમીટર દૂરથી મિસાઈલ્સનું સંધાન કર્યું ,અને ઈઝરાઈલ દાવો કરે છે કે મોટાભાગના હવામાં જ તોડી પડાયા ,
કોણ છે આ કિમિયાગર ? જેણે મિસાઈલ્સ આપ્યા ?અને કોણ છે જેણે મિસાઈલ્સ તોડી પાડ્યા ?
શું કોઈ ધર્મમાં રહેલા મંત્રો ઉચ્ચારણોથી આ મિસાઈલ્સ ઉડ્યા અને તોડ્યા ?
ગાંધી કદાચ આ વાત જાણતા હતા , હિરોશીમા અને નાગાસાકી આઝાદી પેહલાની ઘટના છે , ભારત દેશ ચૂસાઈ ચુક્યો હતો અને છોડી જનારા જેમના ઉપર સૂરજ દેવતા પણ ભરોસો ના કરે (The Sun Never Sets On The British Empire )એવા લોકો દુનિયાની તમામ જગ્યાએ ભાગલા પાડી , પડોશીઓને ઝઘડતા રહે એવી જ વ્યવસ્થા ગોઠવતા ગયા ,
તમે અંદર અંદર પણ ઝઘડતા રહો , જો કોઈ વ્યક્તિ ભલે સરમુખત્યાર કેમ નાં હોય પણ પોતાના દેશમાં રાષ્ટ્રવાદ ફેલાવે અને એને મજબૂતીથી એક દસકો આગળ ખેંચે તો પછી એ દેશના પડોશી જોડે હુમલો કરાવાઈ અને ત્યાં રણભૂમી સર્જન કરાવી જે તે વ્યક્તિ અને દેશને સંપૂર્ણ વિનાશને આરે લાવી અને મુકે ..
છેલ્લા પંચોતેર વર્ષમાં આપણી સાથે “આઝાદ” થયેલા દેશોના ઘટનાક્રમ ઉપર નજર મારજો..પછી ગાંધીને વાંચજો આજે પણ એની તાત્પર્યતા એટલી જ લાગશે..!
વોટ્સ એપ યુનિવર્સીટીના પ્રોફેસર્સ લિખિત નહિ મોહનબાપાએ જાત્તે જે લખ્યું છે તે..!
એક વાત છે ડીકોલોનાઈઝેશનની ,બસ્સો વર્ષમાં તો ધરતી આખી બદલી નાખી કેટકેટલી સદીઓ જૂની પરંપરાઓનો ખો બોલાવ્યો ,
અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલીયા સુધીના સંહાર તો એવા કર્યા કે વિચારીને કમકમાટી આવે, મોટાભાગનો સંહારનો ઈતિહાસ દબાવી દીધો અને આજે જે આંકડાની રમતો ચાલે છે કે આટલા લોકો મર્યા અને આટલા ઘાયલ એવા આંકડા તો સાવ બોલાય કે લખાય એવી પરીસ્થિતિ ના રાખી , પ્રજાને નકરી “સુખ” “સગવડ” આપી અને તમારા બાપદાદા મૂર્ખ હતા એવું પેઢીઓથી ઠસાવી દીધું..!
એ જ પરંપરાના ભાગ રૂપે આજે પણ મોહનબાપાને ગાળો આપી રહ્યા છે એવા લોકો કે જે કોલોનાઈઝેશનમાંથી મુક્ત થવા ઈચ્છે છે..
પોતાના ખરા સુખ અને સગવડ ક્યા છે એ ભૂલવાડી દીધું..
મારા એક મિત્રના દાદી જેમણે ગાંધીજી અને ગાંધી યુગને બિલકુલ પોતાની સગ્ગી આંખે જોયો , જે દિવસે મો. ક.ગાંધી અમદાવાદ આવ્યા અને જે સોસાયટીમાં ઉતર્યા એ જ સોસાયટીમાં એ રહે ,બિલકુલ કોચરબ આશ્રમની સામે જ ..
એ દાદી એક વાત બોલે આપણે દેશ પણ છોડ્યા અને વેશ પણ છોડ્યા .. રબારીઓએ દેશ છોડ્યા પણ વેશના છોડ્યા..!
ત્રીસ વર્ષ પેહલા રબારી સમાજ આટલો “સુધર્યો” નોહ્તો પોતાનો વેશ પકડી રાખ્યો હતો..!!!!
મને ગર્વ થાય છે જયારે હું પરંપરાગત વેશમાં મારા દેશબાંધવનો જોઉં છું ત્યારે અને અફસોસ પણ થાય છે કે હું મારા બાપદાદાનો વેશ ધારણ કરીને હું મારા કામધંધે જતા શરમાઉ છું ..!!
આજે ભૂતાન એક જ એવો દેશ છે જ્યાં એમની પરંપરાગત વેશભૂષા જળવાઈ રહી છે..!!
વડદાદા અને દાદાજીનો આંટીયાળી કાઠીયાવાડી પાઘડીવાળો ફોટો જોઉં છું તો ગમે છે..!
આજે પરદેસના “વિજા” મળે છે ને ત્યારે GJ-1 થી લઈને GJ-38 બધું મલક ઘેલું ઘેલું થઇ જાય છે , મોહનબાપાને કઈ સાલમાં “વિજા” મળ્યા હતા જરાક ચેક કરજો અને એ બેરિસ્ટરી મૂકીને અહીં લમણાં લેવા આવ્યા હતા..
તમારાને મારા કેટલા આવ્યા પાછા ?
ત્રણ ચાર અઠવાડિયા માટે આવે તો કેવો ત્રાસ વર્તાવે છે ? અમારે ત્યાં તો આમ અને અમારે ત્યાં તો તેમ કરી કરીને ..
એમ નહિ કે મોહનબાપાની જેમ પાછા આવીને સીસ્ટમ સુધારવા લાગી જઈએ..!!
આપણા થતું નથી અને જે કરી રહ્યો છે અને કરી ગયા એને ગાળો આપવી..!!
છવ્વીસ સત્યાવીસ વર્ષ પેહલા લગ્ન માટે એક કન્યા જોવા જવાનું થયું હતું અને કન્યાએ સાડી પેહરી હતી મને લાગ્યું કે ઘણી અનકમ્ફર્ટેબલ છે એ સાડીમાં એટલે મેં સેહજ પૂછ્યું કે મમ્મીએ એ પેહરાવી છે તમને સાડી ??? તો એકદમ ભડકી મને કહે મેં જાત્તે પેહરી છે મને તો આવડે છે પણ તમને ધોતિયું પેહરતા આવડે છે ???
મારો પૂછવાનો આશય એટલો જ હતો કે પરાણે તો સાડી નથી પેહરાવીને તમને પણ ગાડી બીજા પાટે ચડી ગઈ એટલે એક લાંબો શ્વાસ લઈને મેં કીધું હા આવડે છે , ખેડૂતની જેમ ,ચોબાજી ની જેમ બંને બાજુ પાટલીવાળીને અને બીજી છ-સાત રીતે ધોતિયું પેહરાય અને એ બધ્ધી રીતે ધોતિયું પેહરતા આવડે છે અને નવરાત્રીમાં હું ધોતિયું પેહરીને ઉપર કંદોરો પણ રાખીને જાઉં છું , તમને નવવારી સાડી પેહરતા આવડે છે ?
બકરી બરફ ખાઈ ગઈ..!!
બીજું કશું થાય કે ના થાય આ ગરમીમાં વકીલોને કોટથી મુક્તિ આપો અને જ્યાં ડ્રેસ કોડ છે ત્યાં સાડીઓને તમે એલાઉડ કરી છે જરાક ધોતિયાને ચલણમાં લાવો..!
આપી ને સલાહ મેં કઠયું ને ..?????
બસ આવું જ છે મારાથી થતું નથી, પણ ગાંધીએ એ આમ કરવું જોઈતું હતું અને મોદી સાહેબે તેમ કરવું જોઈએ..!
વ્યંગ અને કટાક્ષ કરીને જીવવું એના કરતા કશુક કર્યાનો સંતોષ લઈને જીવવું મને તો ગમે..
વચ્ચે મારે શું કરવું જોઈએ એવું કેહવા થોડાક લોકો ભેગા થઇને આવ્યા હતા રીતસર કાઢી મુક્યા મેં ,એટલે મારે શું લખવું કે શું કરવું એવી સલાહ સાંભળી લઉં પણ પછી આગળ નહિ ..હું મોહનદાસ કરમચંદ ગાંધી નથી અને સત્તરસો જન્મ લઇ લઉં તો પણ થઇ શકું તેમ નથી..
ચર્ચા અને કોમેન્ટ અસ્વીકાર્ય ..આ બ્લોગ લખવા જેટલો જ મારી પાસે સમય છે બાકી મારે મારી ગૃહસ્થી છે અને મેં બ્લોગમથી એક રૂપિયો આજ સુધી લીધો નથી , કે નથી મેં સમાજસેવાનો ભેખ ધર્યો..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*