મોબાઈલ ઈન્ટરનેટના ઉપવાસની અઠ્ઠાઈ થઇ ગઈ ..
અમુક લોકોને જૈનની અઠ્ઠાઈ થઇ ગઈ અને મારા જેવા ને વૈષ્ણવની અઠ્ઠાઈ થઇ ..મારે ઘરે પ્રાઈવેટ કંપનીનું બ્રોડબેન્ડ છે એટલે મને વોટ્સ એપ અને ફેસબુકનું ફરાળ ઘરમાં હોઉં ત્યારે જમવા મળી રેહતું ,ફરાળ એટલે કહું છું કે એકલો હું ઓનલાઈન થઇ ને શું કાંદા કાઢી લઉં ..? સામે કોઈ જોઈએ તો ખરુંને ભાઈ ..
ખાલી એટલો સંતોષ કે મારે સાવ નકોડા ઉપવાસ ના થયા … જયારે અમુક બિચારાને આ આઠ આઠ દિવસના નકોડા ઉપવાસ પડયા ..કેટલા બધાને આઠ આઠ દિવસમાં એક પણ વાર ફેસબુક અને વોટ્સ એપના દર્શન નથી થયા .. ધરા ગુર્જરીની જનતા દુ:ખી દુ:ખી છે આ નકોડા ઈન્ટરનેટના ઉપવાસથી..
થોડોક ધંધાદારી લોકોનો પણ વિચાર કરવો જોઈતો હતો ગુજરાત સરકારે ,એસએમએસ સેવા ને પણ અટકાવી ..!! ગાંધીનગરમાં બેઠેલા માડી ને એટલી ખબર નોહતી કે હવે ઇન્કમટેક્ષના રીટર્ન ભરવામાં પણ એસએમએસ જોઈએ છે , કેટલા બધા પેટ્રોલ પંપે ક્રેડિટકાર્ડ સ્વીકારવાના બંધ થઇ ગયા , કોઈને નેટ પર ટ્રાન્ઝેક્શન કરવું હોય તો OTP વન ટાઈમ પાસવર્ડ ના આવે અને ટ્રાન્ઝેક્શન પૂરું ના થાય ..
ભારત સરકાર થોડું સમજી એટલે ૩૧ ઓગસ્ટવાળાને ઇન્કમટેક્ષનું રીટર્ન ૭મી સપ્ટેમ્બર સુધીમાં ભરવાની છુટ્ટી આપી …
બેંકો ના SMS આવતા બંધ થઇ ગયા ,બેંક ખાતા લગભગ આપણને એમ લાગે કે અનસિક્યોર થઇ ગયા , મહિનાના છેલ્લા છેલ્લા દિવસો હતા વોટ્સ એપ અને SMS વિના ઘણી તકલીફો પડી છે ..
જો કે ગાંધીનગરવાળા માડી ને તો આ બધા સાથે કઈ લેવાદેવા જ નહિ .. મારે તો તોફાનો ને કંટ્રોલ કરવાના બાકી બધું પછી …
ઘણા બધા છોકરાઓ અત્યારે મોબાઈલ ઈન્ટરનેટને સહારે ધંધો કરતા હોય છે સ્પેશીયલી આઈટી વાળા બધા છોકરા, એ બધા બાપડા ચારે બાજુ માર્યા માર્યા ફરતા થઇ ગયા આ તઘલખી પ્રતિબંધ ને લીધે , મારી જ વાત કરું તો એક વાર્તા લખી ને મૂકી છે પણ અપલોડ નથી થતી …
મોબાઈલ કંપનીઓ એસએમએસ બંધ હતા એટલે ફોન રીચાર્જ બંધ કરી નાખ્યા હતા ,છ છ દિવસ સુધી પ્રીપેઈડ મોબાઈલમાં બેલેન્સ રીચાર્જ થયા નહિ , લોકો તો હેરાન થયા પણ જોડે જોડે સેલ્યુલર સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને કેટલું નુકસાન થયું…
હવે વારો સવાલ નો ..ગાંધીનગરવાળા માડીને આવું કરવાની જરૂર કેમ પડી ..?મારી આદત પ્રમાણે થોડા અવળા એન્ગલથી વિચાર કરું તો ..
પેહલો સાદો સીધો નિયમ એવો છે કે જે ચોરે ચોરી કરી હોય એ બરાડી બરાડી ને બુમો મારે .. તમારી પોલીસે દમન કર્યું અને છુપાવવા માટે લોકો ને ઈન્ટરનેટથી દુર કર્યા..
બીજું આપણામાં ના જ ડફોળો જેને હમેશા રજ નું ગજ કરવામાં મજા આવે છે અને સોસીઅલ મીડિયામાં તો સેહજ પણ માપ કે પ્રમાણભાન નથી રાખતો …સેહજ પણ કયાંક કઈ થયું અને અફવાઓ ના પડીકા ફેરવે ..અને વાણીસ્વતંત્રતાના હક્કનો ભરપુર ઉપયોગ કરે …જ્યાં અને ત્યાં જેમ ફાવે તેવી ભાષા વાપરે બીજા ના ઉપર એની શું અસર પડે એ ના જોવે …
એક ભાઈ રોજ મારા બ્લોગ માટે ગાળો લખી લખી ને કોમેન્ટ કરે છે અને હું એને રોજ ડીલીટ મારું છું …છેવટે મારે એને બ્લોક કરવો પડ્યો
ત્રીજું લાગણીઓ અને અતિશય ભાવુકતા .. જે કદાચ મારામાં પણ છે ,વહેણમાં તણાઈ જઈએ છીએ અને એક એવો મોટો જવાર ઉભો કરી નાખીએ છીએ કે પછી સરકારી સંપતિઓ એમાં હોમાઈ જાય છે એનું દુ:ખદ ઉદાહરણ CTM પાસે ફાયર બ્રિગેડનું એક ફાયર ફાઈટર સળગાવાયું ..
બસો તો સળગવા માટે જ હોય છે એવું ગુજરાતી વર્ષોથી માને છે …!!!!
ચોથું કારણ હું હમેશા સાચો જ છું બસ મેં કીધું ને એ ફાઈનલ … આ ટણી બંને બાજુથી પુષ્કળ છે ..અને ખેંચ પકડ મુઝે જોર આતા હૈ ..
ધમકી ઉપર ધમકી …આજે દિલ્લીમાં મીટીંગ તો કાલે સુરતમાં પરમદિવસે રાજકોટ અને સરકારની ચોરી ઉપરથી સીનાજોરી ..જે થાય તે તોડી લો …!!
અને ભોગ બન્યું ઈન્ટરનેટ ..!!
સામાન્ય માણસના તો બેઉ બગડ્યા …
ધમકીઓ અને બેફામ ગાળો લખનારાની અને બોલનારાની એક મોટી જમાત ઉભી થઇ છે નેટ પર જેમ ફાવે તેમ લખે છે , પછી ઉશ્કેરાટનો માહોલ ઉભો થાય અને છેવટે નવાણીયા કુટાઈ જાય છે ..
સામી બાજુએ ગાંધીનગરવાળા માડીએ ગજબ મૌન ધારણ કર્યું છે ચર્ચા માટે દ્વાર ખોલતા જ નથી ને…
હવે માઈ તમે દર્શન દ્યો અને ગુર્જર જનો ને ઈન્ટરનેટ ઉપવાસનું પારણું કરાવો.. હાથમાં કવર નહિ આપો તો ચાલશે .. મગનું નહિ તો સાદું પાણી પીવડાવજો ..
એક ઝાટકે ૩જી નહિ તો ૨જી તો ખોલો … લોડીંગ ટાઈમ વધારે થશે તો જનતા એમનેમ થાકશે …
શૈશવ વોરા