મોહેં જો દડો.. ના ભાઇ મોહેં જો દારો ..!
આશુતોષ”બેન” ગોવારીકરે મોહેં જો દડોનું અંગ્રેજી કર્યું, મોહેં જો દારો..
મોહેં જો “ડારો”..કે “દારો” અને એમાં પણ “ડારો” બોલવાનું કેવી રીતે તો પેલો ધોળિયો અંગ્રેજ બોલે ને એમ બોલવાનું દારો.. દ પણ નહિ, અને ડ પણ નહિ. કૈક નવું બોલવાનું..મોહેં જો દારો
આ આશુતોષ ”બેન” ગોવારીકરે અઢી વર્ષ સીચર્સ (રીસર્ચ)કર્યું અને પછી આ ફિલ્મ બનાવી..
સાચે જ હો, આ ડાકુઓ લુંટારા મરી ગયા, તો પણ આપણને લુંટનારા હજી પડ્યા જ છે..મારી મહત્મા ગાંધીની આખે આખી બે લાલ નોટ આ આશુતોષ”બેન” ગોવારીકર લુંટીને લઇ ગયા..!!
હવે તમને થશે કે આ આશુતોષ “બેન” “બેન” શું માંડ્યું છે..?
પણ યાર આખા મુવીમાં સિંધુ ને સિંધુ માતા, સિંધુ માતા કરી કરીને સંબોધન થયું છે..! મારા તો મગજની નસો ફાટી ગઈ..!
અલ્યા ભાઈ મારા જેવા નાના અમથા બ્લોગરને પણ સમજણ પડે છે કે સિંધુ “નદી” નહિ “નદ્ય” છે,
સિંધુ સ્ત્રીલિંગ નહિ પુલ્લિંગ છે ગોવારીકરજી..!
ભારતવર્ષની બે ભુજાઓ છે સિંધુ અને બ્રહ્મપુત્ર ..
આ બે નદી નથી નદ્ય છે..!
ગોવારીકરભાઈ સિંધુ માતા નહિ પિતા છે યાર..!
હશે ચાલો એને જવા દઈએ, પણ સ્ટોરી લાઈનમાં પણ કૈક દમ તો હોવો જોઈએને યાર..??
બાહુબલી,સુલતાન,અને બીજી જે યાદ આવે એ ફિલ્મો ભેગી કરી કરીને મોહેં જો દારો બનાવી કાઢી..અને આ ફિલ્મમાં સૌથી મજેદાર વાત એવી કે હ્રીતિકનું નામ શું પાડ્યું ખબર છે..? “સરમણ” ચાલો હીરોનું સરમણ નામ રાખ્યુ ત્યાં સુધી બરાબર, પણ વિલનનું નામ રાખ્યું “મુંજા”
લો કર લો બાત સીચર્સ(રીસર્ચ) કરી કરી ને આવું સીચર્સ..સરમણ મુંજા.. અલ્યા થોડું તો માપ રાખો..!
ખાલી ગુગલમાં જુવો તો પણ ખબર પડે કે હડપ્પા અને મોહેં જો દડો શું છે, અને કેવી સંસ્કૃતી હતી અને કેવી સભ્યતા..
વીકીપીડીયામાં લખ્યું છે અને મોહેંજો દડોમાં એક સ્વીમીંગ પુલ હતો એટલે પિક્ચરમાં કમ્પ્લીટલી મિસફિટ સ્વીમીંગપુલ દેખાડી દીધો, સિંધુખીણ સંસ્કૃતિ માટે જે સિમ્બોલ આપણને સાતમાં ધોરણની ચોપડીમાં દેખાડ્યો હતો એનો એ જ ઠોકી દીધો, જુનાગઢના અશોક ના શિલાલેખની નકલો સેટ્સની ભીંત પર ચોટાડી દીધી..!
આ ભાઈ એ જ છે ને જેમણે લગાન બનાવી હતી નહિ..?
મ્યુઝીક એ આર રેહમાન..
હે રામ.. ના ના ના ..હે મૌલા ..! એ આર રેહમાન પર આરોપ છે કે સુફી ઉપર વધારે જોર આપે છે..પણ આ પીક્ચરમાં તો યાર ક્યાં જોર છે અને ક્યાં તોડ છે એ જ ખબર નથી પડતી..
વચ્ચે વચ્ચે તો ઓપેરામાં એકદમ હાઈ પીચ પર જેમ ગાતા હોય એવા એવા પીસ ઠોકી દીધા છે..!
રેહમાન સાહેબ પાસેથી આવી અપેક્ષા નહોંતી..!
કોરિયોગ્રાફી ઠીક મારા ભાઈ ..
લોકેશન તો કહે નકલી હોય એવું લાગતુ હતુ , દેખાઈ આવતા હતા ગ્રાફિક્સ..!
અને એક્ટિંગ ..તો હ્રીતિક ભાઈ ઉમર વર્તાય છે અને પેલી નાની હિરોઈન ઠીકઠીક..બાકી તો મહાભારત ના ક્રષ્ણ ને બનવ્યા હ્રીતિકના કાકા અને બાકી બધા બીજામાં ,એક કબીર બેદી અને મુંજા એટલે અરુણોદય સિંગ..બધુ ચલે એવુ..
કબીર બેદીને આખા પીક્ચરમાં માથે ભેંસના શીંગડા પેહરાવીને ફેરવ્યા છે..અને કબીર બેદીએ હ્રીતિકની બે રાક્ષસો જોડે લડાઈ કરાવી.. નામ કેવા ખબર છે..? એકનું તમને “માર્ક” નામ લાગે અને બીજાનું “ઝુકરબર્ગ”..! એવા નામો છે કૈક..!!
ટોટલ આખા મુવીમાં નકરા સાંધા જ સાંધા..!
મુવી પત્યા પછી એક ભાઈ એ પેપ્સીની બોટલ માથે શીંગડા ની જેમ મૂકી અને બહાર આવતા હતા ..આખા મુવીનો બેસ્ટ સીન..!
આ ગોવારીકર સાહેબને એવું છે કે જેમ અડધા પિક્ચરમાં બધા લોક જેમ હાથમાં કે માથા પર જાનવર મોઢા કે શીંગડા ભરવીને ફરે છે એમ એમના નામ પર મારા જેવા માટે શીંગડાવાળા લોકો જ એમનું બનાવેલુ મુવી જોવા આવશે..?
મને તો ખરેખર કબીર બેદીની જેમ મારા માથે ભેંસના બે શીંગડા બાંધવાનું મન થઇ ગયું છે, સાલું લોકોને ખબર તો પડે કે આ મુરખો મોહેં જો દારો જોઈને આવ્યો છે..!
એવો અફસોસ થાય છે કે ના પૂછોને વાત, સારું થયું કે કાલે પણ હજી એક રજા બાકી છે નહિ તો મહામૂલા રવિવારની પથારી ફેરવવા બદલ આખું અઠવાડિયું ઘરવાળી અને છોકરાઓ મારે માથે માછલા ધોવત..
અને પેલા બધા એફેમ રેડીયાના આરજે જુઠ્ઠા પાંચ માંથી અઢી આપ્યા..
માઈનસ આપો અલ્યા માઈનસ..આને તો
આ બે હજાર રૂપિયામાં તો લોથલ જઈને છોકરાઓને નજરની સામે હડપ્પન સંસ્ક્રુતિ ના અવશેષો બતાડીને આવત, અને આટલી મસ્ત વેધરમાં લોંગ ડ્રાઈવ થઇ જાત એ જુદુ..ત્યારે શું હેં..!
અને છેલ્લે “મોહેં જો દડો” એટલે “મરેલાનો ટેકરો” પણ આમણે તો અઢી વર્ષના સીચર્સ પછી આખા નગરનું નામ જ “મોહેં જો દારો” કરી નાખ્યુ..
ભાઈઓ અને બેહનો આ અઠવાડિયામાં ઘણા તેહવાર અને રજા છે એટલે રૂપિયાની ઘાણી બોલાવવાના તમને ઘણા અવસર પ્રદાન થશે, તો મેહરબાની કરીને મેં જે ભૂલ કરી એ તમે ના કરશો બાપલીયા..!
આ ભાઈ લગાન અને બીજા ઘણા પિકચરોમાં સારા રૂપિયા કમાયા છે તો ભલે નુકસાન કરતા આ વખતે તો કદાચ આંખ ઉઘડે એમની અને બીજી વખત સીચર્સ થોડું સરખુ કરે
મરેલા ના ટેકરાના તે કઈ નગર હોતા હશે..?
નગર આખું એકસામટું મારી ગયું હશે અને એની ઉપર ટેકરો થયો એટલે એનું નામ મરેલા નો ટેકરો પડ્યું..!
હશે જવા દો..
સુ જવા દે, બે હજાર રૂપિયામાં તો અત્યારે સેલ ચાલે છે ખબર પડે છે કઈ અમારુ થોડું શોપિંગ થઇ જતે..રૂપ્પિયા તે કઈ ઝાડ પર ઉગે છે..?
અઠવાડિયું તો મારે આવું બધું સાંભળવાનું જ છે..
શુભ રાત્રી
શૈશવ વોરા