- છેલ્લા થોડાક દિવસોથી એક એસોશિએશનની માથાકૂટમાં પડ્યો હતો.. ઘણા મનોમંથન થયા પણ છેવટે મારા વૈચારિક મિત્ર હરેનભાઈ કહે છે એવી પરિસ્થિતિમાં જ ફસાઈ જવાય છે..
- હરેનભાઈનું કેહવુ એવું છે કે આ ભારત નામનો આખો દેશ કોઈ એક વ્યક્તિની રાહ જોઈ ને બેઠો છે, કે જે આવે અને મને પકડી,ઊંચકી અને મારે જ્યાં જવું છે ત્યાં લઇ લઇ જાય..
- મારો કાઉન્ટર સવાલ એવો હતો કે આ જ્યાં જવું છે ત્યાં .. એ નક્કી ખરું ..? તો કહે ના બિલકુલ નક્કી નહિ..!!!!
- જવું છે ક્યાં ..?
- તો ખબર નથી પણ જવું છે, અને બહુ જ રૂપિયા કમાવા છે અને પછી મજા કરવી છે..
- પણ ભઈલા ક્યાં જવું એની પણ એકવાર ખબર પડે તો એનો રોડમેપ તૈયાર થાય અને એની પર આગળ વધવાની ખબર પડે..
- પણ જવું ક્યાં છે..? એ હા આ તો યક્ષ પ્રશ્ન છે
- મને ઘણા બધા લોકો એવા મળે છે કે જેમને ફક્ત રૂપિયા જ કમાવા હોય છે,બીજા “કોઈક” ના જેવું થવું છે, હવે આ “કોઈક”ના જેવું થવામાં એ પાર્ટી પોતાની પાસે જે હોય છે એને પણ ગુમાવી દે છે..
- હકીકત એ છે કે એમને એમની માનસિક દરિદ્રતામાંથી બહાર આવવાની જરૂર છે, પણ સવાલો હમેશા બીજા “કોઈક”ના અને “કઈ” બીજુ પૂછે છે..!!
- એમના દરેક સવાલ હમેશા સાપેક્ષ હોય, બીજાનો સંદર્ભ લઈને જ પૂછે અને પછી પોતે અને પોતે અટવાય..
- જીવનના કામ કરવાના કલાકો એમની પાસે ફીક્ષ હોય છે, કામ કયું “નહિ” કરવું એ પેહલેથી નક્કી જ હોય છે,અને છતાં પણ કયુ કામ નહિ કરે તું એવું પૂછીએ તો એનું લીસ્ટ એની પાસે ના હોય, અહો વિચીત્ર્મ..!
- પણ જેમ જેમ આપડે પૂછતાં એને જઈએ કે તને આ કામ ફાવશે કે પેલું ? એમ પૂછવાનું ચાલુ કરો એટલે આપણને ખબર પડે કે એ જન્મ્યો ત્યારથી આજ દિન સુધી એના બાપે એને બે લાખ વાર જે “ના” પાડી હતી એ બધી જ “ના” એની પાસે તૈયાર હોય..
- પેહલા ક્યારેક લખી ગયો છું કે પુરૂષ જન્મે પછી એનો બાપ મરે નહિ ત્યાં સુધીમાં ધરતી પર જન્મેલો પુરુષ સરેરાશ એના બાપ પાસેથી સરેરાશ બે લાખ વાર “ના” સંભાળતો હોય છે..
- આપણા મોટાભાગના નાના નાના એસોસિએશનની એજીએમ એટલે ચકલા, કબુતર,કાગડા,કે કાબરનો મેળો..!
- મીટીંગમાં દરેક ચકલો એની જાતને ગરુડ સમજતો હોય અને દરેક કાગડો પોતાની જાતને હંસ સમજે..
- કબૂતરો અને કાબરો મોટેભાગે એસોસીએશનની મીટીંગમાં એમનુ ચેંચે પે પે કરીને પોતાના કામે વળગી જાય..!
- જો કે આવી મીટીંગોમાં હાજરી હંમેશા કાબરો અને કબૂતરોની જ વધારે દેખાય.. વચ્ચેના સર્કલમાં કબૂતરો અને કાબરો હોય, કાગડા ધારીએ ધારીએ વ્યવસ્થામાં ફરતા હોય, અને ચકલા અંદર બહાર ચારેબાજુ ઉપર નીચે થાય, અને અંદર અંદર ઝઘડે થોડીવાર થાય તો પાછા બધા ચકલા એક થઈને કોઈ કાગડાની પાછળ પડે..
- કોઈક એકાદો એગ્રેસીવ કાગડો હોય તો એકાદો હોલો પછી એ એગ્રેસીવ કાગડાનો હવાલો લઈલે અને એ હોલો પેલા એ કાગડાની પાછળ ઉડ્યા કરે..!
- થોડીક કાબરોનું સમૂહગાન ચાલુ થાય એટલે બધાનું ધ્યાન ત્યાં જાય, પણ જલ્દી પૂરું થાય..
- પણ મજા ક્યારે આવે જયારે એકાદો ખરેખરો ગીધડો આવે, અને દુર દુરથી એ ગીધ્ધ્ડાની જેગુઆર દેખાય એટલે આખી સભા શાંત થાય અને બધાના મગજમાં કીડો ભરાય કે આવી જેગુઆર આપણે લેવી..!
- આ ગીધ્ધ્ડો લાંબી જેગુઆરમાં આવ્યો માટે જુઓ લોકો કેવા શાંત થઈને એને સાંભળે છે, અને મને તો સાવ ચકલામાંજ ગણે છે..!!
- છેવટે મીટીંગ પૂરી થાય એટલે ચકલો છેક આગળ જાય અને ગીધ્ધ્ડા જોડે “કેમ છો સાહેબજી..!” કરીને આવે અને સંતોષ મેળવે કે આપણને કોઈક ગીધ રાજા ઓળખે છે..!
- જમણવાર ચાલુ થાય અને ગુજરાત બહાર જો એજીએમ રાખી હોય તો પછી છાંટોપાણી ચાલુ થાય અને બે ચાર પેગ ઉતારે અને પછી જે ચકલા અને કાબરોની મજા ચાલુ થાય બાકી.. લગભગ હાથોહાથ આવવાનું બાકી રાખે..!
- છેવટે અડધી રાત્રે બધો ખેલ પૂરો થાય અને મનમાં જેગુઆરનો કીડો ભરીને ને પંખીડું પોતાને ગામ પાછો જાય..!
મહિના દિવસ સુધી એનાલીસીસ કર્યા કરે આપડે સાલા ક્યાં પાછા પડ્યા બીજા કરતા..! જવાબના મળે
ભારતના મધ્યમ વર્ગની આ મનોદશા મારે ક્યાંક જવું છે, અને કોઈક મને ક્યાંક લઇ જાય અને આવું વિચારીને જીંદગી પૂરી કરે જાય છેલ્લે સીએનજીની ભઠ્ઠીમાં..! ઘરરરર કરતુ ભઠ્ઠીનું બારણું બંધ થાય અને ક્યાં પોહચ્યો એની એને કે એના છોકરાને પણ ખબર ના હોય…!
હકીકત એ છે કે મારે શું જોઈએ છે..? એ મેળવવા માટેની મારી પાસે યોગ્યતા અને પાત્રતા છે કે નહિ..? પેહલા એટલું નક્કી કરે, હવે યોગ્યતા નથી તો કરવી રીતે મેળવી શકાય..? મોટેભાગે દરેક ફિલ્ડમાં એકેડેમીશિયન હંમેશા ઝડપભેર આગળ વધતો હોય છે..
એટલે જયારે એટલું નક્કી થઇ જાય કે આ એક મારો ગોલ લક્ષ્ય છે અને એના તરફ મારે આગળ વધવું છે પછી રોડમેપ બને અને જેમ જેમ એ રોડમેપ પર આગળ વધીએ તેમ તેમ જીવન સરળ થાય..!
હું માનું છું કે ફક્ત અને ફક્ત રૂપિયા કમાવા એ ગોલ લક્ષ્ય જયારે જયારે રાખીએ છીએ ત્યારે ત્યારે પાછા પડવાના ચાન્સીસ વધી જાય છે, રૂપિયાને હંમેશા બાય પ્રોડક્ટ તરીકે રાખનારા લોકો વધારે આગળ જતા હોય છે..!
જેગુઆરમાં બેસીને સાદગી રાખવી અને બે પૈડાની સાયકલ પર કાલુપુરથી લાલદરવાજા જવું એ સાદગીમાં બહુ ફેર છે..!
દરેકને ઓટો કન્ટ્રોલ એસીવાળી ગાડીમાં બેસીને સાદગી રાખવી છે..પણ નસીબમાં બે પૈડાની સાયકલ છે અને પછી એમ કેહવું પડે છે કે ઠંડી અને ગરમી એ તો માનસિક અવસ્થા છે..!
પ્રધાનમંત્રી અને નાણામંત્રી પ્રજાને ધમકાવે છે જો જો હો બે નંબરના રોકડા રૂપિયા હોય તો જાહેર કરી દેજો નહિ તો ૩૦મી સપ્ટેમ્બર પછી તમારી ખેર નથી..!
લો કર લો બાત કઈ કેહવા જેવું ખરું..? લોનો લઈને જીવતી થઈ ગયેલી પ્રજાને કહે છે કે રોકડા રાખ્યા તો તમારી ખેર નથી..!
લાગે છે ૨૦૧૯નું ઈલેક્શન ૧૦૦ ટકા સફેદ નાણાથી લડાશે..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા