આજે માતૃભાષા દિવસ..
સવાર સવારમાં રેડિયા પર આરજે એ યાદ કરાવ્યું..!!
અત્યારે તો કચ્છની ધણીઆંણીના ચરણે માથું નમાવવા જઈ રહ્યો છું,સામખીયારી ક્રોસ થયું છે..મને કચ્છી માંડુના મોઢે “સામખીયારી” સાંભળવું બહુ ગમે છે..!!
“સા” અડધો,“મ” ખોડો અને પા,“ખી” સવાયો,“યા” અને “રી” આખા..!! અને આખો શબ્દ એક શ્વાસે આવી રીતે બોલે “સામખીયારી”,
ગુજરાતી ભાષાની મજા એના ગામ નામ લેવામાં પણ છે..સામખિયારી જેવી જ મજા “ધ્રાંગધ્રા”ની છે..મોટેભાગે “ધાંગધ્રા” જ લગભગ દરેકના મોઢે નીકળે પેહલો “ધ્ર” નો સીધો “ધ” જ થઇ જાય..!!
એક જમાનાનું પ્રખ્યાત અને મહાભરાડી ગામ એવું અમારું “વિરમગામ” એ અમે બોલતા શું “વિરંગગામ”..!
સાયલા તો ભગત નું ગામ, એવું કેહવાય કે સાયલા બોલો તો ભૂખ્યા રે`વું પડે..!
લીંબડી કેમ બોલાય..? “લીમડી”
ભાવનગરવાળા ને ચીડવવા શું કેહવાનું “ભાનવગર”..
સુરત તો હુરટ
હિંમતનગર ને મૂળ હિંમતનગર વાળો ઈહિમતનગર બોલે..સાલું ઈ+હિ કરીને ગળાની નીચે અને નાભીની ઉપરથી ક્યાંકથી એવો જોરદાર અવાજ કાઢે..
વડોદરા ને તો વડોદરે જ્યો તો કરે..
એક બીજું ગામ “સમઢીયાળા”.. બિલકુલ “મ” ની કત્લેઆમ થઇ જાય અને “મ” ને આખે આખો “સ“ માં ઘાલીને “ઢી” ઉપર ભાર મૂકીને બોલી નંખાય..
“વલસાડ” ને “વલહાડ” અને “દમણ” ને “ડમન” , “આણંદ” નું “ઓણંદ”
મજા આ મારી માતૃભાષાની..!!
એક એક શબ્દનો આનદ લઇ શકીએ અને માણી શકાય..!! એના માટે લાંબી બુદ્ધિ કે જ્ઞાનની જરૂર જ નહિ..ગામના નામ ને પણ જુદા જુદા લોકો જુદી જુદી રીતે બોલે,અને બોલાવે ને પોતાનાપણું વ્યક્ત કરે, આનંદ લ્યે..!!
મારા માટે માતૃભાષા એટલે માં નું ધાવણ..જેમ બાળક જરાય વિચાર્યા વિના અમ્રતના પાન કરે એમ બિલકુલ નિશ્ચિંત મનથી બોલી શકાતી ભાષા એટલે માતૃભાષા..!!
બીજી વ્યાખ્યા કરવી હોય તો એકદમ સહજતાથી મોઢામાંથી નીકળે અને મોટાભાગના વિચાર જે ભાષામાં આવે તે ભાષા માતૃભાષા..!!
ક્યારેક મને એમ લાગે કે માતૃભાષા અને સાહિત્યને કોઈ લેવાદેવા ખરું..?
ના..
માતૃભાષા એટલે જે ભાષામાં વિચારો આવે ,જે ભાષામાં સપના આવે એ ભાષાને માતૃભાષા સમજવી..!
હા એટલું ખરું કે માતૃભાષામાં વિચારોની અભિવ્યક્તિ સારી રીતે થઇ શકે, પણ આ પેહલા પણ હું કહી ચુક્યો છું કે ભાષા એ વેહતી નદી છે..પર્વત ઉપરથી નીકળેલી નદી સમુદ્રને મળે ત્યાં સુધીમાં એનું પાણી અનેક વખત બદલાઈ જાય છે, કાયમ રહે છે તો એનો પ્રવાહ,
નદીની જેમ વેહતી-જીવતી ભાષાના શબ્દો બદલાઈ શકે છે, અને જેમ વરસાદના પાણી નદીમાં ભળી અને નદીનો ભાગ થાય છે તેમ બીજી ભાષાના શબ્દો પણ વેહતી (જીવતી) ભાષામાં ઉમેરાઈ જાય છે..
આજે ઘણી બધી ફેસબુકની વોલ પર મારી માતૃભાષા ગુજરાતી ભાષા કેટલું જીવશે એની ચિંતા થઇ છે..
અસ્થાને છે એ ચિંતા..કેમ કે નિયતિ નક્કી છે..!
ગુજરાતી ધીમે ધીમે મારવાડીની જેમ બોલચાલની ભાષા રહી જશે..અને કોઈ બહુ જ એક્સ્ટ્રા ઓર્ડીનરી સાહિત્યનું સર્જન થાય તો જ પરદેસના લોકોને તમારી ભાષા શીખવાનો રસ જાગે બાકી તો ઘંટારવ ચાલી જ રહ્યો છે કોઈને સંભળાય તો..!
દોષ અંગ્રેજી માધ્યમમાં અપાતા શિક્ષણને આપવામાં આવી રહ્યો છે..
બધો વાંક એને અપાય તેમ નથી, મૂળે ગુજરાતી માણસને જ્યાંથી અર્થ ઉપાર્જન ના થતું હોય એવી કોઇપણ પ્રવૃત્તિમાં રસ ઓછો..!!
જેમાં રૂપિયા ખર્ચીને આનંદ લેવાની વાત આવે ત્યાં ગણતરી પાકી કરવામાં આવે, એટલે આનંદ લેવા માટે કોઈ ચોપડી (પુસ્તક) ખરીદવામાં રસ થોડો ઓછો..!
વત્તા વાંચવામાં તો મેહનત કરવી પડે એના કરતા કોઈ વાર્તા મોઢામોઢ કરી નાખે તો પત્યું..
મને ઘણીવાર કેહવામાં આવ્યું છે કે યાર શૈશવ, ઘેર ભોયરામાં એક નાના સ્ટુડિયો જેવું ઉભું કરીને બોલવાનું ચાલુ કરી દે ને,તું રેકોર્ડ કરીને કલીપ મોકલ, અમે કલીપ સાંભળી લઈશું ,આટલું લાંબુ લાંબુ વાંચવાનો કંટાળો આવે છે..!!
ખાલી આઠસો શબ્દો..!! અને એ પણ વાંચવાની આળસ, કંટાળો, હવે આ પ્રજા લાખ લાખ શબ્દોની નવલકથા ક્યાં વાંચે..? અને એમાં પણ બે લીટી વચ્ચેની વાત..એ તો ભાઈ અપેક્ષા જ ના રખાય..
જુના જમાનામાં પોળોમાં અમુક “આઈટમ” છાપા પણ ના મંગાવે, રોજ સાંજે બાજુવાળાનું સવારનું છાપું વાંચી લ્યે,
ક્યાં ખર્ચા કરવા..??
અને વાર્તાની ચોપડી..?!! કોઈની પાસે ગઈ એ ગઈ પાછી ક્યારેય ના આવે..!
આપણા ગુજરાતી ઘરોમાં બાર (દારૂ નો) તમને ક્યારેક જોવા મળી જશે, પણ લાઈબ્રેરી જવલ્લેજ જોવા મળશે..!! ગમે તેટલા મોટા મહાલયો બનાવે, એમાં સ્વીમીંગ પુલ, ફીશ પોન્ડ.બે ચાર ડ્રોઈંગરૂમ ઓસ્ટ્રેલિયન-ઇટાલિયન માર્બલના ફલોરિંગ,મોટા ગાર્ડન હોય ,પાંચ પાંચ લાખના બાથરૂમ હોય પણ એમાં લાયબ્રેરી ના હોય, ગાર્ડનની ફૂલ ઝાડની નર્સરીની ખરીદી કરવા બેંગ્લોર જાય .ફર્નીચર માટે છેક ચાઈના જઈને બે ચાર કન્ટેનર તાણી લાવે,દસ કરોડનો બંગલો અને પાંચ કરોડનું ઇન્ટીરીયર કરાવે પણ ભૂલથી પણ લાખ રૂપિયાના પુસ્તકો ના વસાવે..
છોકરાને યુરોપ, અમેરિકા અને અઢારનો થાય પછી બેંગકોક બતાડે, પણ હરામ છે ક્યારેય ક્રોસવર્ડ કે ગુર્જર ગ્રન્થ કે બીજા કોઈ પુસ્તક ભંડારમાં લઇ ગયો હોય..!
બાળકને કલા,સાહિત્ય કે સ્પોર્ટ્સ ક્યાંક તો વાળવું પડે,
અમદાવાદના ભદ્ર વર્ગના સંતાનોમાં આજકાલ ફૂટબોલનો બહુ મોટો ક્રેઝ થઇ ગયો છે,પણ હું એવા પંદર સત્તર વર્ષના દસ બાળકોને ઓળખું છું કે જેમને ફૂટબોલમાં લીગમેન્ટ ઇન્જરી કે લંબર પેઈન કે પછી સાયેટીકા ખસી ગઈ હોય..
અલ્યા દાળભાતિયાના કામ નહિ ફૂટબોલના,એ પેલા કાળિયા અને ધોળિયા રમે..!! મરઘા-બતકાં ખાઈ ખાઈને એમના મસલ્સ અને હાડકા મજબુત થયા હોય, અહી તો તિથીઓ પાળતા હોય ક્યાં મેળ બેસે..??
બચ્ચાને સ્પોર્ટ્સની બદલે સાહિત્ય તરફ વાળો તો કમ સે કમ શારીરિક ઇન્જરી તો નાં જ થાય..! જે ભાષામાં વાંચે એ ભાષામાં..
મેં બે જગ્યાએથી મારું ગ્રેજ્યુએશન કરેલું છે, એકમાં વિષય હતો કેમેસ્ટ્રી અને બીજામાં વિષય હતો ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત..
હવે કેમેસ્ટ્રીના મોલેક્યુલ્સ મિથાઈલ ઈથાઈલ આલ્કોહોલ નું શુદ્ધ ગુજરાતી શક્ય નથી, એમ જ શાસ્ત્રીય સંગીતમાં વપરાતા મુરકી,કણ સ્વર,મીંડ કે ઘસીટના અંગ્રેજી કરવા શક્ય નથી..
એક જમાનામાં આપણે શોધખોળ કરીને નવી વસ્તુઓ શોધતા માટે આપણા નામ પડ્યા, અને પછી એ લોકોએ શોધખોળ કરીને નવી નવી વસ્તુઓ શોધી તો એમણે એમના નામ રાખ્યા..
એટલે કેહવાનું તાત્પર્ય એટલું જ છે કે વધારે પડતી ચોખલાઈ કે સૂગ રાખ્યા વિના જે છે એને શક્ય હોય તો બચાવો,
બાકી તો નામ છે એનો નાશ છે,
તો નામ નો પણ વિનાશ નક્કી છે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા