શ્રીદેવીના અકાળ મૃત્યુથી આખો દેશ સ્તબ્ધ છે…!!
અને ક્યાંક એવા મેસેજ ફરે છે કે સરહદ પર જવાન મરે છે તો કોઈ આટલા સંદેશા મોકલે છે ..?
લોકો પણ “અઘરા” હોય છે,
સરહદના જવાનના મૃત્યુને તમારે એક અભિનેત્રી ના મૃત્યુ સાથે સરખામણી કેમ કરવી પડે છે ??
શું તમારા જીવનની દરેક વાતને તમે સરહદના જવાન સાથે જોડી શકો છો ?
તદ્દન “ફાલતું” સરખામણી થઈ રહી છે..!!
રવિવારે હોટેલોમાં “ભચડવા” જઈએ ત્યારે સરહદ પર ઉભેલો જવાન યાદ આવ્યો ..?
અરે રે પેલો બિચારો સરહદ પર ભૂખ્યો ઉભો હશે ..??
રાત પડ્યે એસી ચાલુ કરીને નસકોરાં બોલાવો ત્યારે સરહદ નો જવાન યાદ આવ્યો ??
અરે રે પેલો બિચારો આખો રાત નો થાકેલો ક્યાં ઊંઘ્યો હશે ??
તદ્દન ખોટી વાતો અને તદ્દન ખોટી સરખામણીની ભાવનાત્મક વાતો..અને ઘડી બે ઘડીના ઉભરા..!!
દરેક પોતાના કામમાં ઈમાનદારી રાખે અને રાષ્ટ્રહિતને જેટલું સમજ્યા છે, એટલી મર્યાદામાં રહીને વર્તે એટલે બહુ છે ,દર વખતે સરહદના જવાન અને શહીદ થયેલા સ્વતંત્ર સેનાનીઓ ને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે..??!!
પણ ગમે તે વાતને નાની કરી નાખવા કે ડાયલ્યુટ કરી અને પોતાનો ઈગો સંતોષવાનો કે હું બીજા કરતા જુદો છું..
હજી આગળ પૂછું ..
તે કેટલા રૂપિયા કોઈ શહીદ જવાનની વિધવાને આપ્યા લખોટા..? કે પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવ્યા દેશ માટે..?
અલ્યા ટાઈમસર ઇન્કમટેક્ષ અને જીએસટી ભરે તો ય બહુ છે..!!
મંદિર અને દેરાસરમાં ઉછામણી બોલતી વખતે તને જવાન યાદ આવે છે ??
આવા તો કેટલા બધા પોઈન્ટ છે, પણ દંભી સમાજને દંભ ફેલાવતા મેસેજ વધારે ગમે અને સત્ય કઠે..
શ્રીદેવીના મૃત્યુ માટે આઘાત લાગવો સ્વાભાવિક છે, કારણ કે હમણાં હમણાં આવેલા તેમના હીટ પિક્ચર્સ અને હિન્દી સિનેમાની કદાચ પેહલી સુપર સ્ટાર ..પ્લસ આ મરવાની ઉંમર ચોક્કસ નહિ..
એમાં પણ સૌથી વધારે આઘાત એટલે લાગે કે ૫૪ વર્ષ એ મરવાની ઉંમર નથી..
પોસ્ટમોર્ટમ રીપોર્ટ હજી ઓફીશયલી રીલીઝ નથી થયો, અને પાર્થિવ શરીરને ઇન્ડીયા લાવવામાં વાર થઇ રહી છે, ઓટોપ્સીના રીપોર્ટ ને આવતા ચોવીસ કલાક અને અમુક કેસમાં ૪૮ કલાક પણ થતા હોય છે,કોઈપણ ફોરેન સીટીઝન ના મૃત્યુના કેસમાં મોટાભાગની સરકારો ઓટોપ્સીના રીપોર્ટ આવે નહિ એ વિના બોડી હેન્ડઓવર નથી કરતી હોતી, કારણ એટલું જ કે પાછળથી કોઈ કોન્ટ્રોવર્સી ઉભી થાય તો સૌથી મોટું સબુત એવું પાર્થિવ શરીર એ એમની જ્યુરીડીકશિયરીની બહાર જતું રહે છે, અને પછી જે તે સરકાર કશા પગલા લેવા અસમર્થ થઇ જાય છે..
આપણે પણ ફોરેન સીટીઝન ના કેસમાં આવું જ કરતા હોઈએ છીએ…ઓટોપ્સી રીપોર્ટ “મસ્ટ” છે
મૃત્યુના કારણની ચર્ચાઓ એ જોર પકડ્યું છે..
કોઈક એન્ટી એજિંગ ટેબ્લેટસ ને જવાબદાર ઠેરવે છે ,કોઈક દારુ, અને કોઈક ૨૩ કોસ્મેટીક સર્જરી ને..
ઓવરઓલ નાની ઉમરનું કાર્ડિયાક એરેસ્ટ ઘણા બધા સવાલો ઉભા કરે છે, અને ઉપર દર્શાવેલા દરેક કારણ અકાળ મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે..
જુવાની ટકાવી રાખવા મથતા ઘણા બધા લોકો માટે આ અકાળ મૃત્યુ એ ચેતવણીથી ઘંટડી છે,
આજે બજારમાં વેચાતી સ્લીમીંગ ટેબ્લેટસના કન્ટેન્ટ વાંચીએ તો ગભરામણ થઇ જાય છે, એટલું બધું કેફીનનું પ્રમાણ તેમાં હોય છે, અને છતાં પણ એ બધી ટેબ્લેટસ આ દેશમાં ધડ્લ્લાથી ઓવર ધ કાઉન્ટર વેચાય છે..
મોટાભાગ ના આજકાલના હીરો અને હિરોઈન પોતાના શરીર જાળવી રાખવા જે ગોળીઓ અને ઇન્જેક્શન (વાંચી વાંચીને કોઈ રવાડે ના ચડે એટલે એ દવાઓ ના નામ કે એમના ગ્રુપ નથી લખતો બાકી અમદાવાદના દરેક જીમમાં તમને ખીસામાં કેટલા “કુકા” છે એ “પ્રમાણે”ની વસ્તુ મળી રેહશે) ખાતા હોય છે એ બધા જ એક સમય પછી પ્રાણઘાતક હોય છે..
જુવાની નો નશો બહુ જ “કુત્તી” ચીજ છે, કોઈને આ દુનિયામાં ઘરડું થવું જ નથી ઇન્ક્લુડીંગ માય સેલ્ફ..
ગઈકાલે એક સેમિનારમાં બત્રીસ વર્ષના બાળકે મને એના જેટલો જ ગણી અને તું ,તું કરીને બોલાવતો હતો પછી કોઈકે ટપાર્યો કે આ અંકલ તો ૪૮ વર્ષના છે..પણ એક મિનીટ માટે તો મારા દિલમાં આનંદ આનંદ છવાયો હતો ,અને એ આનંદને વધુને વધુ માણવા જાઉં તો શૈશવ વોરામાંથી “બોડી” થતા વાર ના લાગે..!
સ્લીમીંગ ટેબ્લેટ કે એન્ટી એજિંગ ટેબ્લેટ આ બધા શરીરને જુવાન રાખે છે,પણ પછી સમસ્યા આબે છે “મન” ની ,અને “મન” ને જુવાન રેહવા માટે પાછી બીજી જરૂરીયાત ઉભી થાય છે..
એના માટે પછી…તો …હા એ જ..
ઉંમર અને સમયની સાથે જ્યારે શારીરિક મર્યાદા સાથે માનસિક મર્યાદા પણ આવે છે ત્યારે એને ઓવર કમ કરવા મદિરાપાન ઉપર આવીને વાર્તા અટકે..!!
એક લેવલથી વધારાનું મદિરાપાન મસલ્સને વધારે પડતા રીલેક્સ કરીને મૂકી દે છે,અને એમાં આપણું કહ્યું કરતા મસલ્સ અને નાં કહ્યું કરતા બને પ્રકાર આવી જાય.. સાદી ભાષામાં એને “ટુંન્ન” થઇ ગયો કેહવાય..
આપણું “કીધું કરતા” મસલ્સ જો વધારે રીલેક્સ થઇ જાય તો ભાઈબંધો ટીંગાટોળી કરીને ઘેર નાખી જાય, અને આપણું “કીધું ના કરતા” મસલ્સ જો રીલેક્સ થઇ જાય તો પણ એ જ ભાઈબંધો કામ લાગે અને એ ભાઈબંધો આપણને એમના ખભે ઊંચકીને મસાણે નાખી જાય..!!
આ વખતે પણ રિશી કપૂર સાહેબે જનતાને ખખડાવી છે શું “બોડી” “બોડી” કરો છો ?
આ પેહલા વિનીદ ખન્નાના મૃત્યુ પછી એમણે જનતાને ખખડાવી હતી ,અને ત્યારે આપણે એક બ્લોગ લખ્યો હતો અંતિમ યાત્રાણ અંતિમ દિવસો ..લાખ્ખો લોકોમાં ફર્યો, બહુ ચાલ્યો, અને હજી ફરી રહ્યો છે..!!
એક વાતની મને શાંતિ થઇ કે હાશ કમ સે કમ આ એક મુદ્દો મેં ઉપાડ્યો અને જનતા મારા વિચારો સાથે કન્વીન્સ છે..!!
અત્યારે સોશિઅલ મીડિયા બીજી પણ એક હદ વટાવી ગયું છે,બોની કપૂરના પ્રથમ પત્નીના અંતિમસંસ્કારની વિડીઓ વાઈરલ કરી રહ્યું છે..!!
શું કરવું અને કોને કેહવું બાપલીયા..!!!
“હરખપદુડો” શબ્દ પણ આપણે ના વાપરી શકીએ કોઈ નવો શબ્દ સુઝે તો કેહજો..!!
મીડિયા અને સોશિઅલ મીડિયા કોઈ માપ જ નથી ક્યાય..
મરણના મલાજા છૂટતા જાય છે..!!
હેંડાડો ત્યારે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા