
મૃત્યુ પછીના જીવનની કલ્પના..
“કલ્પના” શબ્દ જ વાપરવો રહ્યો કોઈ જ નક્કર પુરાવા મળતા નથી એટલે “કલ્પના” શબ્દ જ વાપરવો રહ્યો..
ગઈકાલે રાત્રે ટીવી ખોલ્યું અને દરેક ચેનલ પર પેલા અગિયાર જણના કમોત ની ચર્ચા ચાલી રહી હતી અને એમાં ક્યાંક મૃત્યુ પછીના સારા “જીવન”ની કે મોક્ષની અભીલાષાએ અગિયારે અગિયાર જણાએ જીવન ટૂંકાવ્યા ની થીયરી પોલીસને હાથ લાગી રહી છે..પોલીસ અત્યારે આ અગિયારે અગિયારને મૃત્યુ પછી “મોક્ષે મોકલનાર” બાબા ની શોધમાં ફરી રહી છે..
અત્યંત ભયાનક અને દર્દનાક કિસ્સો છે,
અને જો સમજીએ તો આંખ ઉઘાડનારો પણ ખરો..
હું આ કિસ્સા ને આતંકવાદથી એકદમ નજીક નો કિસ્સો માનું છું, આતંકવાદી ને એવું “ઝેર” પીવડાવવામાં આવે છે કે તારે બીજાને મારી અને મરવાનું છે અને આટલું કામ કર્યા પછી તને જન્નતમાં હૂર મળશે અને બીજા બધા પર્કસ ,
જયારે આ કિસ્સામાં તમારે જાતે મરવાનું છે અને મર્યા પછી મોક્ષ કે પછી બીજું બધું વગેરે વગેરે મળશે..
અરે યાર જિંદગીની કિંમત કેમ કોઈ સમજતું નહિ હોય ..?? એ ભલે પોતાની હોય કે બીજાની ..?
કેમ મૃત્યુ પછીના જીવનની કલ્પનામાં માણસો લાગી જાય છે ? અને જે નથી લાગતો એને ધર્મના નામે બીવડાવી બીવડાવીને કેમ ઘુસાડી દેવામાં આવે છે ?
અચ્છા ખાલી બીક ઘુસાડીને અટકતા નથી, પેહલા બીક ઘુસાડવામાં આવે છે અને પછી એ બીક કાઢવાના રસ્તા બતાડવામાં આવે છે ..
રસ્તા ઘણા બધા હોય છે એમાં સૌથી પેહલો રસ્તો ઉપવાસ એકટાણું પછી જેવી જેની કેપેસીટી એ પ્રમાણે એને દુઃખ માથે મારવામાં આવે..
અને જે દુઃખ ઓછું સહન કરી શકે એને બીજા “રસ્તા” બતાડવામાં આવે છે ,અને એ દરેક “રસ્તો” ખિસ્સાને ખંખેરનારો હોય છે..
અધિક જેઠ મહિનો ગયો અને નિજ જેઠ મહિનો ચાલી રહ્યો છે,હમણાં અષાઢ બેસશે અને ચાતુર્માસ ના ઉપવાસ એકટાણા ના “ખેલ” ચાલુ થશે ..
હું “ખેલ” કહું છું , એટલા માટે કે મારા જેવો હટ્ટોકટ્ટો ત્રણ મહિના ભૂખ્યો રહે ને તો પણ ચાલે પણ આજકાલના કેહ્વાતા ઈશ્વરના એજન્ટો એ ઉપવાસમાં રોજની દવાઓ લેવા ઉપર પણ “પ્રતિબંધ” મુક્યો છે ..
અને એ એજન્ટોની ગાઈડ લાઈન ની અન્ડરમાં મૃત્યુની નજીક આવેલા સાહીઠની ઉપર પોહચેલા ઘરડા જીવ જયારે ઈશ્વરને પામવા માટે ઉપવાસ અને એકટાણું કરે છે ત્યારે એમની બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની દવાઓ પણ લેવાનું બંધ કરી દયે છે ,
હવે કોઇપણ ડોક્ટર ને પૂછો કે આવો ખેલ કરાય ..?
સાલું ડોસા કે ડોસી ઘરમાં કોઈને કીધા કર્યા વિના મર્યા પછી મોક્ષ લેવા જીવતે જીવ એમની `સેટ` થયેલી દવાઓ ખાવાનું બંધ કરી દે એટલે એમના છોકરા-વહુ કે દીકરી-જમાઈ ને ભાગે તો નરક જ આવે ..
અઠવાડિયાના ઉપવાસ પછી દસ દિવસ હોસ્પિટલ ..
ખાય ધક્કા દીકરો-વહુ અને જમાઈ-દીકરી..
એકેય ધર્મ ના ડોસા ડોસી બાકી નથી આ કાર્યમાં ..અધિક માસમાં ,રમજાનમાં એટલા જ લોકો માંદા પડ્યા છે અને પર્યુષણમાં પણ..
સો વાતની એક વાત ધર્મ ગમે તે પાળતા હો પણ ઉપવાસ એકટાણાના નામે જીવન ટકાવી રાખનારી દવા ને તો નાં જ બંધ કરાય..
બે દિવસ પેહલા મારી સાથે એક ઘટના ઘટી ગઈ..
એક નજીક ના મિત્રના મમ્મીએ છેલ્લા ઘણા સમયથી ખાટલો “પકડી” લીધેલો, અને શરીર પણ વૃદ્ધાવસ્થાએ ક્ષીણ કરી નાખ્યું હતું, અચાનક સમાચાર આવ્યા એ કોમાંમાં છે અને વધારે નહિ ખેંચે..
હું રવિવારે સાંજે છ એક વાગ્યાના અરસામાં હોસ્પિટલ પોહ્ચ્યો ખબર કાઢવા માટે, રૂમમાં ગયો ખાસ કઈ હોય એવું લાગુ નહિ, પલ્સ બીપી બધું ડાઉન હતું , મારા મિત્રએ મને પૂછ્યું શું લાગે છે ? મેં કીધું ભઈલા ઈશ્વરે આજ વાત તો એની પાસે રાખી છે જે લખ્યા હશે એ શ્વાસ પૂરા કરશે..
હું અને બીજા બે ત્રણ જણ રૂમની બહાર નીકળી અને નીચે આવ્યા, અને ત્યાં જ મોબાઈલ રણક્યો જલ્દી ઉપર આવો અમે દોડીને ઉપર ગયા..શ્વાસ લગભગ થંભી ગયા હતા ,નાડીઓ છૂટી ગઈ હતી અને સેહજ ધબકારા ચાલુ હતા એટલે મેં તરત જ આંખ બંધ કરી અને બધાને હાથ જોડાવ્યા અને બધા પરિવારજનો પાસે ઈશ્વરનું નામ સ્મરણ કરાવ્યું અને ત્રણેક મિનીટમાં કાર્ડિયોગ્રામ સીધી લીટીનો થઇ થઇ ગયો…
બધી જ બુદ્ધિ, જ્ઞાન, વિજ્ઞાન ઘણું બધું હતું મારી પાસે ,જીવ અને શિવ ,નર અને નારાયણ..
કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે.. તુટશે જીવનદોર ..
પણ બેહર મારી ગયું મગજ ..એકદમ ..?? અચાનક ..?? નજર સામે મૃત્યુ ને જોઈ લીધું બે મિનીટ પેહલા બધું નોર્મલ અને બે જ મિનીટ માં ખતમ…
છોડ બધું અને કામ પુરા કર … પ્રેક્ટીકલ મગજ મારી ઉપર હાવી થઇ ગયું ..ફાઈલ તૈયાર કરવો બિલીંગ સેક્શન અને અંતિમવિધિ ક્યારે કરવી એ નક્કી કરાવો અને એ પ્રમાણે ના બધા વહીવટમાં લાગ્યો..
આઠ સાડા આઠે મિત્રના મમ્મીમાંથી બોડી બનેલા ને મોર્ગમાં મુક્યું અને મેં પત્નીજીને ફોન લગાડ્યો તું તૈયાર થજે આપણે રીશેપ્શન જવાનું છે ,ભલે મોડું તો મોડું જઈ આવીશું..
એ જ દિવસે મારા સ્ટાફના એક સીનીયર ના દીકરાના લગ્નનું રીશેપ્શન હતું ,અત્યંત આગ્રહ હતો અને મારી ફરજનો એક ભાગ પણ, આટલા વર્ષથી આપણે ત્યાં હોય એટલે જવું જ પડે અને અમે સજીધજીને લગ્નના રીશેપ્શનમાં ..
વૈરાગ્ય સમાપ્ત..!!
આપણી હિંદુ જીવનશૈલીમાં તો લગભગ બધા જ તેહ્વારો ઋતુઓને અનુસરી અને જીવનને વધુ સારી રીતે જીવી અને પછી મોક્ષે જવા માટે ની છે,
તો પછી કોણ આવા અર્થઘટનો કરી કરીને ખેલ પાડી રહ્યું છે..?
હમણાં જ ગયેલું વટસાવિત્રીનું વ્રત જેમાં પતિના લાંબા આયુષ્યની કામના છે, એવું જ કૈક કડવા ચોથ છે, તો પછી અચાનક પોતાનું કે બીજાનું જીવન ટૂંકાવી અને મોક્ષની કામના કેમ ..?
ખોટી વાત છે જીવનને ટૂંકાવી ને શરીરને કષ્ટ આપીને મોક્ષ કે પુણ્ય મેળવવાની..
જે ઉપવાસ એકટાણું કરવું હોય તે કરજો, પણ આનંદ મેળવવા કરજો, ખોટા પોતાની કાયા ને કષ્ટ અને બીજાને હેરાન કરવા ના કરશો ,એકટાણું કર્યું છે એટલે ત્રણ ચાર કલાક પાટલે બેસીને ભચડ ભાચડ ના કરાય..આ લાવ પેલું લાવ..આમ બનાવજે, પેલું બનાવજે ..
સ્વર્ગ સીડી કોઈની આવતી જોઈ નથી ,એટલે જ્યાં અને જેની જોડે વસો એને જ સ્વર્ગ બનાવીએ બાકી તો ..ભૂતળ ભક્તિ પદારથ મોટું..
આપણે તો..
કે હરીના જન તો મુક્તિ ના માંગે
માંગે જનમ જનમ અવતાર રે
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ
નીરખવા નંદ કુમાર રે ..
ભૂતળ ભક્તિ પદારથ મોટું ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા