વિડીયો ગેઈમની અસરો..
કદાચ આ સબ્જેક્ટ પર ગુજરાતીમાં બહુ ઓછું લખાયું છે અને એના કારણે ગુજરાતી માંબાપ તદ્દન અજાણ છે આ “વિડીઓ ગેઈમ” નામની બલા થી..
હા પોકર અને બીજા જુગારના નાના મોટા હથકંડાથી થોડા પરિચિત છે ગુર્જર નર-નારીઓ,પણ વિડીઓ ગેઈમ નામની ચીજ એમના સંતાનોને કેવી રીતે બરબાદ કરી રહી છે એના વિષે તદ્દન અજાણ છે..
તો શરુ કરું,
આજકાલ ચાલી રહેલી લેટેસ્ટ “હોટ” વિડીઓ ગેઈમ ..
જેનું નામ છે જીટીએ ..
ગ્રાન્ડ થેફ્ટ ઓટો ..વર્ઝન 5 પણ આવી ગયું છે..
આ રમતમાં તમારે ઓનસ્ક્રીન એક હીરો પસંદ કરવાનો હોય છે જે તમે પોત્તે છો, અને રમત નો હીરો જે દેખાવે હટ્ટોકટ્ટો હોય છે,જે તમે નથી…
તમારી ગેઈમની આભાસી દુનિયામાં તમારી એન્ટ્રી એ હીરો થકી થાય છે, પછી એ હીરો અમેરિકાના એક શેહરના રસ્તા ઉપર ફરવા નીકળે છે ..
રસ્તા ઉપર ફરતા ફરતા કોઈપણ કાર તમને ગમે એટલે એ કારને હીરો ઉર્ફે તમે કાર ચલવનારને મારી અને લઇ લો ,તફડાવી લ્યો છો , અમુક કેસમાં એ કારવાળા ને હીરો ઉર્ફે તમે મારી પણ નાખો..ઢીશકાંઉ
હવે કાર ચલાવતા માટે પણ તમારે કોઈની તમાં નહિ રાખવાની, રસ્તામાં તમારે જે આવે તેને મારી નાખવા હોય તેને મારી નાખવાની છૂટ.. અને લોકોને કાર નીચે કચરતા કચરતા જ આગળ જવાનું..
તમારી પાસે બંદુકો અને એકે ૪૭ કરતા પણ વધારે લેટેસ્ટ વેપન્સ પણ હોય એટલે પોલીસ આવે તો મસ્તીથી સમરાંગણ ખેલી લેવા નું..અને આગળ વધતા જવાનું.. ગેઈમમાં તમને એક પછી એક નવા ટાસ્ક આપવામાં આવે જે તમારે પૂરા કરતા જવાનું..
પછી ગેઈમમાં રાત પડ્યે આપ સાહેબને આપની શારીરિક “જરૂરિયાતો” જાગે એટલે તેની સંતુષ્ટિ કરવા માટે રોડ પર કોલગર્લ પણ હાજર હોય..અને તે પછીની બધી જ “પ્રક્રિયા” ઓન સ્ક્રીન થાય..ગ્રાફિક્સ અને અવાજો તદ્દન રીઅલ લાઈફમાં હોય તેવા જ હોય..
હવે આગળના વર્ણન નથી કરતો…
એક લેવલ ક્લીયર કરવા અસંખ્ય લોકોને ઓનસ્ક્રીન મારવાના હોય છે અને બીજા તમામ પ્રકારના ગેરકાયદેસર કામ કરવાના હોય છે..
જેમની પાસેથી મેં આ જ્ઞાન લીધું આ રમત વિષે એ બાળકો એમ કહે છે કે જે દિવસે તમારા મગજ નો (ગાળ) થઇ ગયો હોય એ દિવસે ગેઈમ ખોલવાની અને લોકોની માંબેન એક કરતા જવાની..
આવી જ બીજી ગેઈમ સીએસ..કાઉન્ટર સ્ટ્રાઈક સર્વર પર જોઈન્ટ થવાનું હોય અને પ્રો પ્લેયર્સની ગેઈમ ગોઠવાય અમદાવદ વર્સીસ બરોડા અને “બેટ” લાગે..
લાખ્ખો રૂપિયાની હાર જીત થાય છે..
અને સાદા પ્લેયરમાંથી પ્રો પ્લેયર બનવા માટે ઘેર નહિ પણ ગેમિંગ ઝોનમાં જ જવું પડે..
ગેમિંગ ઝોનમાં કલાકના વીસથી લઈને સો રૂપિયા સુધીના ભાવ હોય છે..
હવે જો બાપા કે માં પોકેટ મનીના રૂપિયા સરખા ના આપતા હોય તો બિન્દાસ્ત ઘરમાંથી ચોરી કરવાની પણ ગેમિંગ ઝોનમાં તો જવાનું જ..
સીએસ ઘણી બધી રીતે રમાય ,સોલો કોમ્પ્યુટરની સામે રમાય અને સામ સામે પાંચ પાંચ જણની ટીમ પડે, અને બધાજ એક બીજાને મારી નાખવા માટે મથતા હોય,એક વોર ગેઈમ છે સીએસ ..ઘણીવાર વીસ વીસ જણની પણ ટીમ હોય..
આ તમામ રમતો રમતી વખતે તમારું છોકરું કાનમાં હેડફોન રાખતું હોય છે, હેડફોનમાં ધડાકા અને ભડાકા બિલકુલ અસલીના થતા હોય એવી “સુંદર” ઈફેક્ટ આપવામાં આવેલી હોય છે, અને ગેમિંગ ઝોનમાં રમતા હોવ તો પછી સામસામે ખુલ્લે આમ જેટલી ગોળીઓ ચાલે ગેઈમમાં એટલી જ ગાળો બોલાતી હોય છે..
માર માર માર … કવર કવર .. એની બેન ને તારી માં ને ..
બધું જ ખુલ્લું ..
અને ગેઈમના હાર કે જીતના સ્ટ્રેસ ને દુર કરવા ફૂંકણીઓ બિન્દાસ્ત મરાય છે..ક્યારેક કોઈક ગોળી પણ અંદર ઉમેરાઈ જાય..હવે “ભોળા” ગુર્જર નરનારી એમ ના પૂછતાં કે સિગારેટમાં ગોળી શેની નાખવામાં આવે છે..?
હેં મારા “ભોળા” ગુર્જર નરનારીઓ..તમે મને એમ ચોક્કસ પૂછી શકો કે તમે આ જ્ઞાન ક્યાંથી લાવ્યા..
મારો એક મિત્ર એક જમાનામાં ગેમિંગ ઝોન ચલાવતો હતો અને અમે “ઘરડે ઘડપણે” ત્યાં જતા અને “બાળકો” જોડે “બાળક” થઇ જતા..
જીવનનો એ એક બે કલાકનો “અપ્રિતમ આનંદ” અમને દિવસભર બીજા કોઈ જ કામ કરવાની હાલતમાં નોહતો રાખતો..પણ ઉંમર અને જવાબદારીને કારણે અમે ઝટ બાહર આવી ગયા ..જયારે પેલા આઠમાં ધોરણથી લઈને કોલેજમાં જતા બાળકો માટે વિડીઓ ગેઈમ ની લતમાંથી બહાર આવવું અશક્ય છે..
વોર ગેઈમ જેટલી વધારે સમય હું રમતો એટલો વધારે સમય મને દિવસ દરમ્યાન ચારેબાજુ એ જ વોર ના ગ્રાફિક્સ દેખાતા..
કોપ્યુટર પર ગેઈમ રમવાનો ચસ્કો મને આજકાલનો નથી, લગભગ સાલ ૧૯૮૪માં હું કોપ્યુટર શીખ્યો અને પછી પેહલી ગેઈમ પેલી પોકેમોન આવી ..
એક ચોખંડામાં કાઉ કાઉ કરતુ પોકેમોન ફરે અને બધું ખા ખા કરવાનું..
પછી પ્રિન્સ ઓફ પર્શિયા ..એના નવા નવા વર્ઝન પછી મુઓ મારિયો અને સુપર મારિયો અને પછી તો ઈન્ટરનેટ એ બાપ નખ્ખોદ વાળી દીધું..
મોબાઈલ આવ્યા અને મેજિક બ્રિકસ થી લઈને ટેમ્પલ રન અને આજકાલ લૂડો..
ચા ની કીટલી કે રાત પડ્યે સાડા દસ અગિયાર પછી એસજી હાઈવેના બંધ શોરૂમના ઊંચા ઓટલા ..
ગંજી ફરાક અને ટૂંકા ચડ્ડા પેહરેલા બે છોકરા અને બે છોકરી, આઈપેડ કે મોટા મોબાઈલમાં લૂડો રમે, બીજા એક નો મોબાઈલ બ્લ્યુટુથ સ્પીકર જોડે કનેક્ટ થાય ,હળવું સંગીત વાગે અને પછી ધુમાડા ઉડતા હોય .. ચા આવે..
સવારથી સાંજ એક જ વિચારમાં જાય ક્યારે ગેઈમ રમવા જાઉં…દિમાગ બીજું વિચારવાની શક્તિ ખોઈ બેસે..જબરજસ્ત ચસ્કો છે,આ વિડીઓ ગેઈમ નો ..મગજમાં બીજું કશું જ ચોવીસ કલાક દરમ્યાનમાં આવવા નથી દેતું ,વિડીઓ ગેઈમ રમવા ની લતે ચડેલાને બીજું કોઈ જ કામ કાજ સૂઝતું નથી…
ક્યાંક નેટ ઉપર વિડીઓ ગેઈમના ફાયદા પણ ગણાવાય છે..
છોકરું મલ્ટી ટાસ્કર થાય છે, જુદી જુદી રીતે એની વિચારવાની શક્તિ ખીલે છે, વોર ગેઈમ રમવાથી એનામાં હિંમત ખુલે છે અને જીવનમાં ડીસીશન લેવાને સક્ષમ બને છે,મગજ અને હાથના કોમ્બીનેશન પરફેક્ટ આવે છે , ફટાફટ વિચારે છે અને ત્વરાથી નિર્ણય લે છે,બાળકની એન્કઝાઈટી ક્યાંક કપાય છે જો બાળક હાયપર હોય તો ,જીવનને જુદા ડાયમેન્શન થી જોવે છે, અને આ બધા પોઝીટીવ પોઈન્ટ પછી ..
નેગેટીવ ..
લત્ત લાગે છે બીજું કશું સૂઝતું નથી અને બાળક ફક્ત અને ફક્ત પોતાનું જ વિચારતું થાય છે આજુબાજુની દુનિયા એના માટે કોઈ જ અસ્તિત્વમાં રેહતી નથી , એકલપંડે જીવતું થઇ જાય છે .. વધારે પડતી વોર ગેઈમ રમવાથી બાળક હિંસક થઇ જાય છે..
મને તો કોઈ જ પોઝીટીવ પોઈન્ટ દેખાતા નથી ભાઈ , અમેરિકાના સ્કૂલોમાં થયેલા બધા જ શૂટ આઉટ માટે જીટીએ ને જવાબદાર ત્યાનું સોશિઅલ મીડિયા ઠેરવી રહ્યું છે..
અમેરિકાની જેમ અહિયાં બંદુકો એટલી સેહ્લાઈથી મળતી નથી પણ સમય સમય પર આપણે સ્કૂલોમાં બાળકોને હિંસક થતા જોઈ લઈએ છીએ…
આ બધાથી છોકરાને બચાવવા માંબાપના ભાગમાં એટલું જ આવે છે.. કે ઘરમાં કોમ્પ્યુટર ડ્રોઈંગ રૂમમાં મુકો ,બાળકના બેડરૂમમાં હરગીઝ નહિ..
આપણા ઘરોમાં ડ્રોઈંગ રૂમ ક્યારેય નધણીયાતો નથી હોતો કોઈક ને કોઈક તો ડ્રોઈંગ રૂમમાં હાજર હોય જ ..
અને જે ગેઈમ બાળક રમતું હોય તે સાથે આપણે રમવી જ .. સમય કાઢવો અને આપવો જ રહ્યો..
પરોપદેશે પાંડિત્યમ નથી કરતો ..મારી દીકરીઓ સાથે રમું જ છું ..
એકમાત્ર રસ્તો બાળકને વિડીઓ ગેઈમની આડઅસરોથી બચાવવા..
વિચારજો અને ફોરવર્ડ કરજો ક્યાંક કોઈના છોકરા અને માંબાપ ને હૈયે રામ જાગે અને કોઈક નો સંસાર બચી જાય..સાય્ક્યાટ્રીસ્ટ સુધી જતા ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા