બે ચાર દિવસ પેહલા જ પેલા પોસ્ટરનો ફોટો વોટ્સ એપ મેસેજમાં આવી ગયો, નગરવધૂ ના ફોટા સાથે સંદેશો છે “આ નવરાત્રી એ રમો પણ પ્રેમથી ..”
બોલો હવે તમે કેહશો કે અમારે “કેમ” રમવું..!?
જો કે પેહલા તો મારે તમારું સંબોધન જ બદલી નાખવું પડશે, “નગરવધૂ” એ હવે “રાષ્ટ્રવધૂ” નો દરજ્જો મેળવી લીધો છે,
જે રીતે એમની એક ઝલક જોવા માટે ભીડ ઉમટે છે અને એ પણ દેશના સૌથી વધારે શિક્ષિત ગણાતા રાજ્ય કેરળમાં એ જોતા હવે તેઓ “નગરવધૂ” મટીને “રાષ્ટ્રવધૂ” થઇ ગયા કેહવાય..!
બોલીવુડની માર્કેટિંગ સ્ટ્રેટેજી ની “કમાલ” છે..!!
પેહલા તો આ જાહેરાત જોઈ ત્યારે જ કમાન છટકી હતી પણ લખતા અટકી ગયો, પૂર્વજો કહી ગયા કે વૈદ,વકીલ અને વેશ્યા આ ત્રણથી દુર સારા..!
અને પછી એમ પણ થયું કે જવા દો ને આને “મોઢે” કોણ લાગે..??
પણ આજે સવાર સવારમાં સમાચાર વાંચ્યા કે સંસ્કાર નગરી વડોદરામાં નગરવધૂ ના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા..એટલે આપણને લાગ્યું કે આપણા સિવાય બીજું કોઈક પણ “જાગે” છે ખરું..
આ જાહેરાત બનવવા પાછળ ભેજું કોનું ..? પેલી બિલ્લા નંબર ૭૮૬ વાળી ગેંગનું..? બચ્ચનદાદા મંદિરમાં ના જાય પણ ૭૮૬ નંબરનો બિલ્લો પેહરી રાખે, વર્ષો સુધી બોલીવુડમાં ભગવાન નામની “વસ્તુ” ની મજાક ઉડાવાઈ પણ તો ય આ દેશમાં હિંદુઓ “વટલાયા” નહિ..!!
નવરાત્રી ની સાથે નગરવધૂ ને જોડી દેવાઈ અને “રમવું” જેવા શબ્દ ને “કામક્રીડા” સાથે..
વિકૃતિ કે બીજું કઈ ..?
માં ની સાથે નવ દિવસ ગરબો લેતો ગુજરાતી..
“અમને રમતા ન આવડે.. અમને રમાડો તો રમીએ
અંબા આવો તો રમીએ બહુચર આવો તો રમીએ..”
આ “રમીએ” શબ્દ નવરાત્રીના દરેક ગરબામાં કેવી સુંદર રીતે વપરાય છે અને આ જાહેરાત બનવાનારાએ ..???
છી..ગંદકી..!!!
હાક થું…
એક જગ્યાએ એક “સંત” પણ મંચ પર ચડીને ભાષણ ઠોકતા હતા,
આ નવરાત્રીમાં તો “શું” “શું” થાય છે એની તમને ખબર નથી, ડોકટરોને પૂછો કે નવરાત્રી પછી એબોર્શનના કેટલા કેસ વધી જાય છે..? તમારા છોકરા છોકરીને જવા જ ના દેશો..!!
વાહ રે વાહ …
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને સમજી અને મોક્ષને પામવા નો પ્રયત્ન કરતા “બાપજી” તમે જ “કામ” ના ચશ્માં ઉતારી ના શક્યા..સંસાર “છોડ્યો” પણ “કામ” ના છૂટ્યો, ખોટી જગ્યાએ છો બાપજી, ડેરો ખાલી પડ્યો છે..!
વર્ષોથી નવરાત્રીના નામે આવા ચટપટા “સમાચારો” વેચાય છે, સમાચાર પત્રો હાથે કરીને લોકોના મગજમાં વર્ષોથી વિકૃતિ ઘાલતા આવ્યા છે, એવું કેહવાય છે કે સમાચાર પત્રોમાં ત્રીજી સૌથી વધારે વંચાતી કોલમ હોય તો “પેલી” છે..
ટીવી, રેડિયા બધે જ આ ધંધા ચાલે છે,પેલી “પવિત્ર રિશ્તા”…કશું જ પવિત્ર ના મળે,રેડિયામાં અડધી રાત્રે પેલો “ગુરુ” એના અવાજમાં બેઇઝ વધારીને ઇકો ઘાલે, અને એના અવાજમાં એટલી ભીનાશ નાખે કે સાંભળનારા પાણી પાણી થઇ જાય, બિલકુલ રજનીશની સ્ટાઈલ ,જોકે રજનીશના અવાજમાં કુદરતી રીતે એ તત્વ હતું પણ આજ કાલ તો બધું સ્ટુડિયો “મેનેજ” કરી આપે છે..
નવરાત્રીમાં “આમ” થાય અને “તેમ” થાય એવું કેહનારા અદેખા અને વક્રદ્રષ્ટાઓને ૩૬૫ દિવસ ચાલુ રેહતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટરો નથી દેખાતા..?
અરે હદ તો ત્યાં થઇ ગઈ કે એક સ્પાવાળા નરેન્દ્ર મોદી ની અમદાવાદની મુલાકાતની ખુશીમાં બસ્સો રૂપિયાનું “માતબર” ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું..!! (આ જાહેરાતનો વોટ્સ એપ એટલો ફર્યો હતો કે ના પૂછોને વાત )
પોતાની પ્રોડક્ટ વેચવા વેચવા માટે કોઈપણ હદ પાર કરવી, અને એમાં પણ હિંદુ તેહવારો કે દેવ દેવીઓ ને સામેલ કરી દેવાના,હિંદુ ધર્મ એ આપેલા લચીલાપણા નો ખોટો છે..
પેલા બાપજી ને પણ મેસેજ આપવાનો નવરાત્રી પછી નહિ પણ શરદ ઋતુ પછી ચોક્કસ એબોર્શન વધી જાય, ઘણા સર્વે થયા છે અને એક હકીકત પણ છે કે ઓગસ્ટ,સપ્ટેમ્બર ,અને ઓકટોબરમાં દુનિયાની મેકસીમમ પ્રજા જન્મે છે અને ભારતમાં પણ..નવ મહિના નો ગર્ભધારણ સમય ગણીએ તો લગભગ શરદઋતુ નો “વાંક” આવે..!
અને હા આજકાલના જુવાનીયાને એબોર્શન સિવાય ઘણા રસ્તા આવડે છે,કોઈ લખે છે કે નવરાત્રી દરમ્યાન કોન્ટ્રાસેપ્ટીવ ના સેલ્સમાં ઉછાળો આવે છે..
આટલા વર્ષમાં મને તો કોન્ટ્રાસેપ્ટીવ નવરાત્રીમાં ખરીદતા “વીર” પુરુષો મળ્યા નથી, આપણા ઘણા તેહવારને “કામ” સાથે જોડ્યા છે પણ નવરાત્રી તો પ્યોર શક્તિ ઉપસના અને આરાધના નો તેહવાર છે.. કદાચ ક્યાંક એવો વર્ગ હશે કે જે રાત્રીના અંધકાર નો “લાભ” લેતો હશે ,પણ ગામ હોય ત્યાં ઉકરડા હોય ક્યારેક કોઈક ગાડીમાં નવરાત્રી દરમ્યાન આવા નંગો અમે જોયા છે પણ એવું તો ભરબપોરે રીવરફ્રન્ટ પર એક બુરખામાં બબ્બે ભરાયેલા ને પણ જોયા છે..!
આપણા માટે તો નવરાત્રી એટલે
મોજ,મસ્તી અને આનંદ નો તેહવાર..
ગીત,સંગીત અને નૃત્ય નો તેહવાર..
સૂર,તાલ અને શબ્દો નો તેહવાર..
આસ્થા, ભક્તિ અને પરંપરા નો તેહવાર..
ઉસ્માન મીર નો કેવો સરસ ગરબો
“માં દીલડે દ્યો ધબકાર આશાપુરા મઢવાળી
મા`ડી દુ:ખીયે દીધા કાજ કચ્છ દી` ધણીઆણી
હે માડી સુણ તું અસાનજી તવા કચ્છ દી` ધણીઆણી ”
હે ખમ્મા ખમાં મારી માં ને.. ચંડી ચામુંડને,
ભલે ભલે..ચોસાઠે જોગણી ઉતરતી ધરણી ગરબે ઘુમવા..મારી મા`ત ભવાની ..
હે અંબા માં પાલખડી ઉતારો મારે દર્શન લેવા છે..
માંડલ સંઘ આવે માંડવડી લાવે…
તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો ભક્તો દુઃખ હરનારી..તું તો ચારે જુગમાં..તું તો ભસ્માસુરને હરનારી માં..
કેટ કેટલા ગરબા, હૈયે અને હોઠે રમે,ધીન ધીન કરતો ઢોલ ગરજે..
કાલથી નવ નવ રાત માં રમશે અને જોડે જોબનીયા હેલે ચડશે..
હે માં તારી ઓઢણી રાતી ચોળ..ઉડે રંગછોળ..!!
હે માડી ગરબે રમે સજી સોળ શણગાર, માડી તારા પગલાથી પગથાર..
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળમાં રે લોલ
માં તું ચૌદ ભુવનમાં રેહતી છોરુંડા ને ખમ્મા કેહતી મોગલ માં
લળી લળી પાય લાગુ એ દયાળ માં હે મોગલ માં ..
મેળો છે માંને વા`લો માડી ચૌદ ભુવનમાં રેહતી હે માં..
સમરણ રેળાય વેલા આવજો જી રે
મારો સાદ સુણી ને વેલા આવજો જી રે ચંડી ચામુંડા માવલડી
હે મારી ચંડી ચામુંડ માવલડી..
સુતેલા હો તો જાગજો રે ભગતો ના દુઃખ રેળાય..
હે ગરબે રમઝટ મચાવે માં બહુચરા ..ચાચર ચોક ને ગજાવે માં બહુચરા..
રાતની રાત નીકળે લખતા અને વર્ષો ના વર્ષો જાય એટલા ગરબા માની કૃપાએ સ્ફૂર્યા કરે..તારી આવી અપરંપાર કૃપા માં વરસાવતી રે`જે માં..!!
સહુ નું કલ્યાણ કરજે માં
જય દુર્ગે ભવાની
શુભ રાત્રી
શૈશવ વોરા