બે દિવસ પેહલા સવારના આઠનો સુમાર થયો અને હજી ટીફીનો ભરાયા અને છોકરા નિશાળે પોહ્ચ્યા ના પોહ્ચ્યા ત્યાં તો મેઘો તૂટી પડ્યો, ઘેરથી નીકળેલા અને અડધે રસ્તે પોહચેલા “દહાડી કામદારો” ભીના ભીના તરબોળ થયા અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા એટલે ચારેબાજુ ટ્રાફિક જામ..!
હવે પોતાની જાતને મેનેજર ગણાવતા ટોપાઓ ને કેહવાનું કે તમે “દહાડી” કામદારોમાં જ આવો ,પેલી બાયોમેટ્રિક ચીપ જ્યારથી ઓફિસોમાં આવી છે ને ત્યારથી મેનેજર નામના પ્રાણીની ટાઈમ પર આવે કે ના આવે એવી “લક્ઝરી” ખતમ થઇ ગઈ છે એટલે ઘેરથી ટીફીન લઈને નીકળતી પ્રજાને દહાડી કામદાર જ કેહવાય..!
મસ્ત બે કલાકનું ઝાપટું આવી ગયું અને તંત્રની પોલ ખોલતું ગયું..
મને અહિયાં સવાલ થાય કે આ “તંત્ર” ની પોલ છે ખરી..? આ તો આખે આખો ઢોલ છે આમાં પોલ ક્યાંથી હોય..? વર્ષોથી છાપાવાળા લખે “તંત્રની પોલ ખુલી ગઈ ” તે આપણે પણ ઘચડી માર્યું,પણ ખરેખર હજી આટલા વર્ષે આ ડોબા છાપાવાળાને ભાન નથી થયું કે આ તંત્ર નામનું જે કઈ છે એ તો મોટો ઢોલ છે પોલ નહિ લ્યા..!
પ્રિમોનસુન પ્લાન તો ખાલી કાગળ ઉપર જ હોય અને પ્રેસનોટ બહાર પાડવા માટે હોય, બાકી તો બધું અંદર અદંર “સેટ” જ હોય.. કેટલાક “મૂરખા” જે પોતાની જાતને “જાગૃત નાગરિક” સમજે છે એ લોકો ફોન કરી કરીને કર્મચારીઓ ના ખૂન ચૂસે, પણ ભેંસ જેવા (ડોબુ એટલે ભેંસ જ થાય ને?) કર્મચારીઓનું ઇતરડી કેટલું લોહી પી શકે? અને બહુ થાય તો ભેંસ જતી રહે પાણીમાં (આપડે રજા ઉપર સમજવું) એટલે ઇતરડી નું તો પાણીમાં..સાલુ ખરેખર જે જવાબો આવે છે..પેલા જાગૃત નાગરીકોને તો “અરે સાહેબ વરસાદ વધારે છે એમાં અમે શું કરીએ થોડી રાહ જુવો વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે..!”
મારા જેવાને થાય કે..લે હાય હાય આપણને તો એમ કે આપણે નગીનાવાડીમાં રેહવા આવ્યા છીએ નહિ..? વરસાદ હોય કે ના હોય આપણી ચારેબાજુ તો પાણી જ રહે..!
બચારા પેલા જાગૃત નાગરીકો વરસાદ ને ગાળો આપે અને પછી લોકો બોલે વહુ અને વરસાદને જશ નહિ..સીધી વહુને જોડી દીધી વરસાદ જોડે, એની બદલે એમ બોલો ને સાસુ અને ગટર ક્યારેય મોટી ના થાય..સાસુ મનથી મોટી ના થાય અને ગટરો તનથી..સાસુ મન મોટું રાખે તો વહુને શાંતિ એની મેળે મળે અને તંત્ર ગટરો મોટી કરે તો વરસાદને જશ મળે..!
જો કે ઘોર કલિયુગમાં એકવાત તો સારી થઇ ગઈ છે કે સાસુઓના મન ઘણા મોટા થયા છે..હવે અંદર અંદરના ઝઘડા અને કકળાટ એ બધું ખાલી ટીવી સીરીયલોમાં જ જોવા મળે છે..પણ ગટરો..!!!
છેલ્લા થોડાક સમયથી વરસાદના મામલે કૈક ગડબડ થઇ ગઈ છે, દર વર્ષે ક્યાંક તો એક સાથે વીસેક ઇંચની ધબધબાટી તો બોલાવી જ દે છે..ક્યાંક વાંચ્યું હતું કે ગુજરાત હવે ચોમાસાની બાબતે આત્મનિર્ભર થઇ ગયું છે, ગુજરાત નૈરુત્યના ચોમાસા જેને અંગ્રેજો એ મોન્સુન નામ આપ્યું એની ઉપર ગુજરાત હવે ડીપેન્ડન્ટ નથી, ગુજરાતને પોતાની ચોમાસાની પેટર્ન ડેવલપ થઇ ગઈ છે..
“ભક્તો” આપો “જશરાજ”ને જશ..!
અલનીનો ફેક્ટર પણ ગુજરાત માટે હવે બાધ્ય નથી..!
અત્યારે ગાંધીનગરથી નીકળ્યો છું સાંજના પાંચ થયા છે અને રેડિયો બોલી રહ્યો છે કે અમદાવાદમાં કૈક “ભયંકર” પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે,દર ચોમાસે નગીનાવાડીમાં વસતા અમે સેહજ ગભરાઈ ગયા, એટલે ઘેર ફોન લગાડ્યો અને કન્ફર્મ થઇ ગયું કે સેટેલાઈટ વિસ્તારની ઘણી બધી સિસોટી (સોસાયટી) નગીનાવાડીમાં ફેરવાઈ ચુકી છે..નસીબ જોગે આજે ઉંચી ગાડી લઈને નીકળ્યા છીએ એટલે તરવાની જરૂર નહિ પડે, રેડિયો બોલી રહ્યો છે માણેકબાગ ચાર રસ્તા, સીજી અને સેટેલાઈટ આ બધું પાણી અને ટ્રાફિકમાં ગરકાવ થઇ ચુક્યું છે..
આપણને એકવાર તો એવો વિચાર આવે કે ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાનના એરિયામાં વસીએ છીએ, ત્રણ ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના બંગલા છે આ વિસ્તારમાં..પ્રધાનમંત્રીશ્રીના સગા ભાઈ બિલકુલ એક જ દીવાલે અડીને આવેલી સોસાયટીમાં રહે છે,દોઢ દોઢ બબ્બે લાખ રૂપિયા વારે ભાવ ચાલે, અને છાપાવાળા જેનો પોશ વિસ્તાર તરીકે જ ઉલ્લેખ કરે, અને છતાં પણ આપડા વિસ્તારના આવા હાલ થાય છે તો બિચારી સામાન્ય જનતાનું શું થતું હશે..?(મન મનાવા માટે અને આપડી જાતને પટાવવા માટે આવું લખવું પડે હો “બિચારી સામાન્ય જનતા”..બાકી તો આપડામાં અને સામાન્ય જનતામાં તંત્ર કોઈ જ ફર્ક ગણતું નથી..એમને માટે તો બધાય સરખા “કીડા” હોય કે “મકોડા”)
ટાઉન પ્લાનિંગ સ્કીમ ના નામે શેહરો ડીઝાઈન થાય છે પછી બિલ્ડરની “સગવડ” પ્રમાણે ફેરફાર થાય,કેમકે બિલ્ડરનો ભાગીદાર ગાંધીનગરમાં હોય અને એ “ફેરફાર”માં જનતા પીડાય..
આખા હિન્દુસ્તાનમાં જેટલા શેહરો અંગ્રેજ બનાવીને ગયા ત્યાં બધે જ આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઓછી છે, એઈ ..જો..હા ..મુંબઈનું નામ ના લેતા, એના ટાઉન પ્લાનીગની તો અંગ્રેજ ગયા પછી બિલ્ડરોએ માંબેન એક કરી નાખી છે, નેચરલ ટ્રોપોલોજી જેવી કોઈ ચીજની ટાઉન પ્લાનર નામના પ્રાણીને ખબર જ નથી..
સાલું આપણા કરતા આદિવાસી સારો, એને એટલી તો ખબર પડે કે ઉંચાણવાળા એરિયામાં ઘર બનાવાય..આપણે તો જેમ જેમ અમદાવાદ પશ્ચિમમાં વધતું ગયું તેમ તેમ આપણે પણ પશ્ચિમે ખસતા ગયા, સાણંદ સુધી અમદાવાદ પોહચી ગયું છે, લાગે છે પાછા વિરમગામ જતા રેહવું પડશે..!
આખો એસ જી હાઈવે કોરોધાકોર છે, છેક કર્ણાવતી ક્લબે વારો આવ્યો છે છાંટા નો..ખેતલાઆપા ખાલી પડ્યું છે..ટ્રાફિક ચિક્કાર છે જનતા રોડ પર આવીને ટ્રાફિક ક્લીઅર કરવામાં મદદ કરી રહી છે, ઘડિયાળ ૧૭:૪૦ દેખાડી રહી છે જેવા ૧૮:૦૦ થશે એ ભેગા જ બાર બાર માળિયામાં આવેલી ઓફિસો છૂટશે અને લીફ્ટો ભરાઈ જશે અને એક સાથે હજારો બાઈકો રોડ પર આવશે,પ્રહલાદનગરનો કોર્પોરેટ રોડ “ગંદા” ટ્રાફિકથી જામ થશે દરેક ચાર રસ્તા પર દરેકને જમણી બાજુ વળવું હોય અને પછી ચાલુ થશે હોર્ન .. પી પી..
રાધે રાધે ..
રોડની બંને બાજુ જબરજસ્ત પાણી ભરાયેલા છે અને ધીમી ધારે મક્કમતાથી વરસી રહ્યો છે..વાઈપર છેલ્લા મોડ પર આવી ગયું છે..! સો ફૂટ રોડ કમ્પ્લીટ જામ, ગલીઓ શોધો..ઈનોવા ના બોનેટ સુધી પાણી આવ્યું..!
અમારી નગીનાવાડી આવી ગઈ છે..લેટેસ્ટમાં મીઠાખળી પરિમલ અને અખબારનગર અન્ડરપાસ બંધ કર્યા..
અલ્યા “શંખો” વાસણા બેરેજના દરવાજા ખોલો અને રીવર ફ્રન્ટ ખાલી કરો તો બધા ગરનાળેથી નદીમાં પાણી જાય..!
શુભ રાત્રી
શૈશવ વોરા