બજેટ આવ્યું .. કેટલીક ચાંપલીઓ એ મેસેજ ફેરવ્યા કે હવે દેશમાં અર્થશાસ્ત્રીઓ વધી જશે..
ચાંપલી ,દોઢ છ્પ્પનીયા, આ ઘેર ઘેર અર્થશાસ્ત્રી ના હોત ને તો આ દેશ ક્યારનો રમણભમણ થઇ ગયો હોત ..!!
બાંધી મુઠ્ઠી એ ઘર ચલવવા એ કઈ ખાધા ના ખેલ નથી , અને પાછું એ જ મુઠ્ઠીમાંથી બે પૈસા બચાવવા પણ પડે છે , અચ્છા અચ્છા અર્થશાસ્ત્રી ને ફીણ ચડે , ક્યારેક એકાદી મધ્યમવર્ગ ની જિંદગીમાં ડોકિયું કરી ને જુવો તો ખરા..!!
ઠીક છે એ બધું તો ,નવરી બજારો ફેરવ્યા કરે, પણ આ વખતના લામ્બા બજેટ ભાષણમાં શું છે અને શું નથી એના માટે જેમણે અર્થ વિષય તરીકે લઈને સમજ્યા છે અને ભણ્યા છે એ લોકો પણ અટવાયા છે ને એ બધા ની વચ્ચે હવે એલઆઈસી નું આંશિક બજારીકરણ થશે એવા પાક્કા સમાચાર છે એટલે એના વિરોધમાં જન આંદોલન થશે એવું એક છાપા ની હેડલાઈન છે..!!
ભારત દેશ માં ગુજરાત પ્રદેશમાં એવું કેહવાય કે બચત એ બીજો ભાઈ છે ,
વેળા-કવેળા એ ભાઈ પડખે ઉભો રહે કે ના રહે પણ બચત ચોક્કસ ઉભી રહે , અને આ વાત ને સિધ્ધાંતરૂપે પ્રસ્થાપિત કરી અને દરેક બાળક ને નાનપણથી જ ગલ્લો પકડાવી ને બચત માટે ઉક્સાવવામાં આવે છે..
સ્કુલે જતી વખતે પચ્ચીસ પૈસા મમ્મી આપતી અને અમે રીક્ષા ની બદલે ચાલતા ત્રણ ચાર કિલોમીટર ઘરે આવી ને બચાવેલા પચ્ચીસ પૈસા ગલ્લામાં નાખતા અને એ પૈસા ના રૂપિયા પપ્પા પોતાના ખીસામાંથી કાઢીને અમારા બેંક ખાતામાં ભરવામાં આવતા એ એ પૈસા મમ્મી સાચવી ને મૂકી દેતા ,
અમારી એ બચતના પચ્ચીસ પચ્ચીસ પૈસા હજી હમણાં જ મમ્મીએ મારા સંતાનો ને બતાવ્યા હતા .. જુવો મારા સંતાનો ની આ પેહલી કમાણી છે..!!
બચાવેલા પૈસા ને કમાણી કેહવાય એનું ભાન કરાવવા …!!!
તમે કમાવા નથી જતા તો તમને મળતા વાપરવા ના રૂપિયા ને બચાવી ને કમાણી કરો..!!
ગળથુથી ના સંસ્કાર મધ્યમ વર્ગના ..
અને આ બજેટમાં આપયેલું ઓપ્શન તદ્દન વિપરીત .. અમેરિકન માઈન્ડ સેટ ..!
વાસી વધે નહિ અને કુત્તા ખાય નહિ..!!
ડીડકશન લેવા બચત નહિ કરો તો ચાલશે, એકપણ ડીડકશન નહિ અને સીધું ગણિત અને ટેક્ષ ભરી દો..!!
બોલો ભારતીય સમાજના પ્રહરીઓ શું કરવું છે ?
બચત ને બીજો ભાઈ ગણવો છે કે પછી વાસી વધે નહિ અને કુત્તા ખાય નહિ ?
નવી જૂની બધી જ સરકારો એકપછી એક કામ
પોતાના માથેથી કાઢી અને હાથ ખંખેરી રહી છે , પેહલા શિક્ષણ ને બજાર ને હવાલે કર્યું પછી હેલ્થ ને અત્યારે ધીમે ધીમે બજાર ને હવાલે કરી રહ્યા છે ,બીએસએનએલ અને એરઇન્ડિયા વેન્ટીલેટર ઉપર જ છે અને હવે ઇન્શ્યોરન્સ અને છેલ્લે બેંક ,રેલ્વે વગેરે વગેરે નો વારો આવશે..
સરકાર ના મુખિયા કોઈપણ હોય પણ દિશા આવી જ કૈક રેહવાની..
ડાબેરી અને જમણેરી ની વચ્ચેની વ્યવસ્થા ખત્મ થઇ રહી છે અને જબરજસ્ત મૂડીવાદ તરફની તેજ ગતિ પકડાઈ રહી છે..!!
પણ પણ પણ તો પછી જેની અપેક્ષા હતી એ વારસાઈ વેરો કેમ નથી આવી રહ્યો ?
સો ટકા કેપીટાલીઝમ તરફ જવું છે તો પછી ચાંદ સુરજ તપે ,આકાશે પાતાળે દશે દિશાઓની સાક્ષીએ ત્યાં સુધી ના ડાબેરી વચનો ને કેમ પકડી રાખ્યા છે ?
કોની સાડીબારી રખાઈ રહી છે એસ્ટેટ ડ્યુટી લાગુ કરવામાં એ સમજાતું નથી..
એક જમાનામાં સ્ટાન્ડર્ડ ડીડકશન કરીને સરકારો એ ફરજીયાત બચત કરાવી છે અને એની ઉપર વ્યાજ આપ્યું છે ,હવે સરકાર એ બધું કરવાથી બચી રહી છે ..
જો આવનારા વર્ષો માં સ્ટાન્ડર્ડ ડીડકશન બિલકુલ કાઢી નાખવામાં આવે તો એક ભય મોટો છે લોકોના મનમાં અને એ છે કે લોકો બચત કરતા બંધ થઇ જશે..
પણ બચત કરવી જોઈએ એ એક સંસ્કાર છે સમાજની જવાબદારી છે, આ સંસ્કાર આવનારી પેઢીમાં રોપવાની સરકાર ની જવાબદારીમાં બિલકુલ નથી આવતું અને આ સ્ટાન્ડર્ડ ડીડકશન નામની વસ્તુ જતી રહે તો એ સંસ્કારને થોડા આગળ વધારવા પડશે ,
આ જવાબદારી સમાજના પ્રહરીઓ ની આવશે..
આવનારી પેઢી ને એકલી બચત કરતા શીખવાડો એ નહિ ચાલે પણ રૂપિયા ને ક્યાં અને કેવી રીતે સ્માર્ટલી ઇન્વેસ્ટ કરવા એ પણ શીખવાડવું પડશે અને એના માટે કદાચ પેહલા પોતે શીખવું પડશે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ ..
આર્થિક જીવન હવે જૂની પેઢી જેટલું સેહલું નહિ રહે કે અમુક લાખ ની ફિક્સ ડીપોઝીટ કરી દીધી એટલે બેઠા બેઠા ખાઈશું ..
બેઠા બેઠા જો રૂપિયા સરખી રીતે ગોઠવેલા હશે બીજી ભાષામાં કહું તો સ્માર્ટલી ઇન્વેસ્ટ કર્યા હશે તો જ બેઠા બેઠા ખવાશે પણ મગજ ને સતત ચાલુ જ રાખવું પડશે નહિ તો ગયા કામથી..!
બચત એ બીજો ભાઈ અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ ત્રીજો ભાઈ છે હવે ના જમાનામાં..
હમણાં ક્યાંક એક સેમીનારમાં ગયો હતો એક સન્નારી સાથે સંસાર ગોષ્ઠી થઇ રહી હતી છવ્વીસ વર્ષે એક ના એક દીકરા ને પરણાવી દીધો હતો અને સેકન્ડ ઇનિંગ શરુ કરવી હતી એમને..
એમના સંસારની વાતો કરતા હતા, છોકરા વહુ નું બહુ ધ્યાન રાખવું પડે હજી …
મારા મોઢામાંથી સહજતાથી નીકળી ગયું બેન સેકન્ડ ઇનીગ ની ક્યાં વાત કરો છો હજી તમારી પેહલી ઇનિંગ પણ પૂરી નથી થઇ આજકાલ છોકરા આડત્રીસ ચાલીસ વર્ષના થાય ત્યાં સુધી “સાચવવા” પડે છે..!!
પેહલા કમાતા કરો પછી એમના રૂપિયા ને પ્રોપર ઇન્વેસ્ટ કરાવો , નજર રાખો..
જુના જમાનાની સીસ્ટમ હતી ,પેઢીએ થી મોટા અદા રીટાયર્ડ થયા નો ડોળ કરે પણ જુના મેહતાજી ને ઘેર બોલાવે અને ચાંપતી નજર રાખે ત્યારે ત્રીજી પેઢીએ રૂપિયો પોહચે બાકી તો ..
વાસી વધે નહિ ને કુત્તા ખાય નહિ ..
તમારો “અમન” અને એનો બ્રધર ફ્રોમ અનધર મધર
એવો મારો “ચમન”..
જય હો ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા