તેહવારો ની સીઝન આગળ ધપતી જાય છે ,કોવીડ પાછા પગલે હોય એવો આભાસ થઇ રહ્યો છે , ભગવાન કરે ને બધી કોવીડ હોસ્પિટલો ને નોરતા એ તાળા મારી દઈએ ..!!!
ટીવી અને સોશિઅલ મીડિયા લગભગ અફઘાનોથી ભરેલું છે, મધ્યયુગ ની કટ્ટરતા આજે પણ જીવી રહી છે , જો કે કટ્ટરતા કરતા બર્બરતા શબ્દ વધુ યોગ્ય રેહશે ..!!
તાલિબ વિષે દુનિયા થોકબંધ લખી રહી છે , સરખામણી ધરાર નથી કરવી તો પણ થઇ જાય છે ..!
મારે કેવું જીવન જીવવું કે કે કેવી રીતે જીવવું એ બીજું કોઈ નક્કી કરી નાખે અને જો બીજી વ્યક્તિ કહે તેમ ના કરું તો મને મોત આપવા નો એ જાત્તે અધિકાર લઇ લે .. આવી કૈક વ્યાખ્યા થઇ છે મારા મનમાં તાલિબ ની અને એના આતંક ની..!!
ઉપયોગ થાય એમાં મર્યા પછી ની મારી જિંદગી ની કે પછી આવતા જન્મ નો..!!
કેટલો બધો પ્રભાવ છે બેચાર પુસ્તકો નો દુનિયા આખી ઉપર ,
બળવો કરવાનું મન થાય ,પણ જવું ક્યાં ?
મંગળ શનિ હજી કુંડળીમાં જ ફરે છે, વસવાટ ને યોગ્ય થયા નથી , ગુફાઓ બચી નથી અને ભૌતિક જગત ની માયા છૂટતી નથી..!
બે અઠવાડિયા પેહલા માઉન્ટ આબુ હતો ત્યાં ભમતા ભમતા એક ખતરનાક વિચાર આવ્યો કોઈ એક નાનકડા ધાર્મિક સ્થળના ટ્રસ્ટી બની જાવ અને એમાં “સેવા” આપવા ની ચાલુ કરી દો..
પૂછો કયું ? તો કહે આવક નો બહુ ઇસ્યુ નહિ ધાર્મિક જગ્યા હોય એટલે અને ટ્રસ્ટી હોઈએ એટલે રેહવાને એસી રૂમ મળે એ પણ મફતમાં પેટ્રોલ ડીઝલના ખર્ચામાં દર મહીને પહાડોમાં ફરી લેવાય..!!
બોલો કેવા કેવા ખતરનાક વિચાર આવે છે..!!
મિત્રો જોડે આવો વિચાર શેર કર્યો તો બે ચાર બોલ્યા અરે જુનું છોડ નવું ટ્રસ્ટ ખોલીએ , આપડે ઇન્વેસ્ટ કરી દઈએ બોલ તું અવાજ કર ..ભાષણ ઠોકતા તો આવડે જ છે અને ચાલીસ પચાસ ને તો એક સામટા તું અડધો પોણો કલાક બાંધી રાખે છે તો તો લીમીટ થોડી એક્સ્ટેન્ડ કર ..!
રીટર્ન જોર મળે અમને તો અમારા ઇન્વેસ્ટમેન્ટ નું ..!
દુનિયા આખી ના ધર્મ ની પાછળનું જે મોટું અર્થ નું કારણ રહેલું છે ..! સામાન્ય આંખ ,આંખ-મગજ બધે પાટા બાંધી ને આ જન્મમાં ખોટું ના થઇ જાય અથવા ખોટું કર્યું છે તો એને સુલટાવી દેવા કરવામાં આવતા પુણ્યકાર્યમાં વ્યસ્ત છે અને અનહદ સંપત્તિના સ્વામી બની ને બેઠી છે ધર્મ ની ઠેકેદારી..!!
હું ક્યારેક સાવ નાસ્તિક થઇ ને પણ વિચારું છું , મારા ખુદ ના “ના હોવા” સિવાય દુનિયા માં તમામ વસ્તુ કે વ્યક્તિ વિનાની દુનિયા ની કલ્પના કરી લઉં છું..!!
મારા પોતાના “ના હોવા” પછી ની દુનિયા ની કલ્પના કરવા પાછળ નો કોઈ મતલબ જ નથી `આપ મુઆ ફિર ડુબ ગઈ દુનિયા`..
એટલે ક્યારેક દુનિયામાં એકેય ધર્મ ના હોત તો શું થાત એવી કલ્પના પણ કરી લઉં છું..!!
ઘણા બધા સૈકાઓ ધર્મ નામની સંસ્થાઓ વ્યવસ્થાઓ માનવજીવન ઉપર હાવી થઇ ને રહી છે અને અત્યાર ની પરિસ્થિતિ જોતા એવું લાગે કે હજુ વધુ સદીઓ રેહશે પણ ખરી..!!
પણ વાત કરું એક એવા બાળક ની કે જેને ધર્મ નો સ્પર્શ બહુ ઓછો થયો હતો..!
એક જીમ નું બાળક છે બાવીસ ચોવીસ વર્ષનું ,આજકાલ હું એને મારી જોડે મંદિર લઇ જાઉં છું , એક ભયંકર શોકિંગ વાત કરી એણે મારી જોડે,
હું તમારી જોડે મંદિર આવ્યો એ પેહલા મારા જીવનમાં એક કે બે વાર જ મંદિરમાં ગયો હોઈશ..
મને એકદમ આઘાત લાગી ગયો ,કેમ કે મારા જેવાને જયારે મંદિર ના મળે તો દેરાસર અને એ પણ ના મળે તો ગીરીજાઘર પણ ક્યાંક જવા તો જોઈએ જ ..!
અને આ આઈટમ ચોવીસ વર્ષમાં મંદિર નોહતી ગઈ ? મેં ખોતર્યો જરાક .. મેં કીધું જીવનમાં ક્યારેય દુ:ખ નથી આવ્યું ? ના આમ તો કોઈ દુ:ખ જ નહિ ..
મેં કીધું પેલી તને મૂકી ને બીજે પરણી ગઈ , ચાર ચાર વર્ષ તે એની ગુલામી કરી તો પણ તને કઈ દુખ ના થયું ?
થયું ને .. રડી લીધું એકવાર ,પછી શું વારેઘડીએ થોડી યાદ કરવાની હોય ..!
અને હવે તો હું મોટો થયો તો મારા લગ્ન કરાવશે ને ઘરવાળા પછી શું છે ?
સાલું મને તો એનામાં સલીમ ની અનારકલી દેખાય .. મેં કીધું કોઈ વસ્તુ તારે લેવી હોય અને ખીસામાં રૂપિયા ના હોય કે નવું મસ્ત બાઈક લેવું હોય અને તું ના લઇ શકતો હોય ત્યારે પણ દુ:ખ ના થાય ..
એમાં શેનું દુ:ખ વળી ? રૂપિયા નથી તો નથી લઇ શકતા અને રૂપિયા આવશે તો લઇ લઈશું , કમાવાની મેહનત તો કરીએ જ છીએ ને વળી, કઈ ઘેર થોડા બેઠા રહ્યા છીએ ..!!
સાલો કેમેય કરી ને હાથ ના લાગે ..ભણવામાં નાપાસ થયો હોઈશ ત્યારે ના ના હું તો નાપાસ થયો જ નથી ..!!
કોઈ કરતા કોઈ વાતે દુ:ખ જ નહિ, સવાર પડે કામધંધે અને સાંજે જીમ બસ દુનિયા આટોપાઈ જાય ..! છતાય મેં પ્રયત્ન ના છોડ્યા એના જીવનમાં દુઃખ ને શોધવાના..!
તારા દાદા દાદી મરી ગયા ત્યારે ..? એમાં શું થઇ ગયું દાદા દાદી તો મરે જ ને..! છેલ્લે હું નાગઈ ઉપર આવ્યો મેં કીધું હું તને મારી મારી ને ઢોર બનાવી દઉં તો ? મારા ભાઈઓ ને બોલાવીશ.. મારા કાકા ના અને માસી ના થઇ ને અમે અગિયાર ભાઈઓ છીએ..!!
અરે યાર ..ત્રાસ થઇ ગયો .. મેં કીધું આટલા વર્ષ ધર્મ કર્મ નથી કર્યા એકેય તો આવતે જન્મે કીડા મકોડા નો અવતાર મળશે .. એટલે તમે મને મસળી નાખશો એમ ને ? અત્યારે જ મસળો ને લો ,આમ પણ ગમે ત્યારે મને કારણ વિના મારો તો છો જ .. મારી એક ટેવ ખરી ,જીમમાં કોઈ મજબુત સાંઢ હાથમાં આવે તો પ્રેમપૂર્વક એને ચારપાંચ ધબ્બા ધોલ મારું અને લગભગ બધા સાંઢ ને ખબર કે જેને ડોહાએ કે કાકાએ જેને ઝાલ્યો એની ઉપર એમનો હાથ ચચરે નહિ ત્યાં સુધી મારશે..!! અને છોકરા પ્રેમથી માર ખાય છે પણ ખરા..!
બોલો હવે આ નોટ ને કરપ્ટ કરવી કેમની ? ધર્મ ના રવાડે ચડાવવો કેમનો ? ના આ જન્મ ની ફિકર ,ના આવતા , મરવાવાળા મરી જવાના છે અને કમૈશું તો મોજ મજા કરીશું બાકી જે છે એમાં જીવી લો..!!
પછી કીટલીએ બે ત્રણ મારી ઉંમરના ડોહાઓ જોડે એની વાત કરી કે સાલો આવો અનાડી એક ઝલ્લાયો છે..એક ઘણો અનુભવી ડોહો બોલ્યો રોજ મંદિર જતો થઇ જશે એકવાર લગન થવા દે..! આટલી સીધી ગાય હોય ને એના બૈરા બહુ ખતરનાક ભરાડી આવે ..! બીજો કહે સાચ્ચી વાત છે ..!!
એટલે બધી નજરો “સાચ્ચી વાત” તરફ તંકાઇ..!
આવું છે … નિશાળે થી નીસરી ને પાંસરા ઘેર જવું હોય તો કઈ બહુ મોટી ઝંઝટ નથી પણ ચારેબાજુ ની કુટવી હોય તો પછી ઘણી ઝંઝટ ..!!
આ જુવો તેહ્વારો ત્યાંથી અફઘાન , આબુ ,શનિ ,મંગળ થી ફરી ને મંદિર અને ત્યાંથી જીમ ને કીટલી કેટલું ફેરવ્યા તમને..!!
ચાલો ત્યારે છેલ્લે અનારકલી..એક કબુતર ઉડી ગયું તો પૂછ્યું કે કેવી રીતે ઉડ્યું ? તો બીજા હાથ નું કબુતર પણ છોડી દીધું એસે ઉડ ગયા..
જો કે એવું કેહવાય છે કે જહાંગીર તો મોસ્ટ પિયક્કડ હતો અને સર ટોમસ રો ઉર્ફે અંગ્રેજ ને અનારકલી એ જ દેશમાં ઘાલ્યા હતા .. “ભોળી” દેશ આખો ચલાવતી..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*