નાસ્તો…
આજે નાસ્તા પુરાણ ..!
દરેક ગૃહિણી ની સળગતી સમસ્યા , ડબ્બો આજે ભર્યો ને કાલે ખલાસ …
સેવ, મસાલા ની પૂરી, કે પછી પૌઆ તળેલા, બાજરી ના વડા કે પછી પાક્કું અમદાવાદી પાપડ પૌઆ ,ચકરી કે સક્કર પારા ,મીઠાઈમાં હલવા ,સુખડી કે ક્યારેક માવા ની આઈટમ બને તો ?
પત્યું..!!
એક રાત ઉપર બીજી રાત ના ભાળે ..!!
દરેક ઘરમાં ખાવાના ખવાય એના કરતા નાસ્તાના ડબ્બા વધારે ખુલે ,
ખરું કે નહિ ..?
આપણને બાળપણથી આપણા અને લોકો ના ઘરના બનાવેલા નાસ્તા ઝાપટવાના બહુ શોખ અને ભગવાને પુરા પણ કરાવ્યા ..!
ઘરના બનાવેલા નાસ્તા ખાવા માટે ના “નસીબ” માટે નો એક કિસ્સો ..!!
હમણા લોક ડાઉન પેહલા જીમ ની એક પેહ્લવાન દીકરી મારા માટે બાજરી ના વડા લઈને આવી હતી ..
એકવાર વાત વાતમાં મેં એને કીધું અલી આ જીમમાં આવી ને બોડી બિલ્ડીંગના રવાડે ચડી છે તે તારા ધણી ને કઈ રાંધી કરી ને ખવડાવે છે કે નહિ છો
ડી ?
છોડી બરાબર બગડી .. એ કાકા ..પટેલ ની છો
ડી છુ ,હું રાંધુ ને તો તમે તમારી આંગળી કઈડી ખાશો ..!! આટલો ગજબ કોન્ફીડન્સ જોયો એટલે મેં કીધું હવે તો તારી કાકી ને લઈને તારા ઘેર ખાવા આવવું પડશે ..! છો
ડી બોલી આજે જ હેંડો..!
મેં કીધું ના પેહલા કૈક મસ્ત બનાવી ને ડબ્બો લેતી આવ..
કાલ ને કાલ ના લાવું તો હું પટેલ ની છોડી ન
ઈ ..!!
પટલાણી વટ ઉપર આવી ગઈ બાકી , અને પછી તો બીજે દિવસે જીમમાં હું એન્ટર થયો એ ભેગો મને બાવડે થી ઝાલી લઈને ખૂણા બેસી ગઈ ,હેંડો ચુપચાપ ખાઈ લો બાજરી ના વડા લાવી છું ,જો કોઈને ખબર પડી ને તો આ બધા સાંઢ તમારા ભાગે એક નંગ પણ નહિ આવવા દે ..!
પણ સાલું ગજ્જબ વડા બનાવી ને લાવી હતી છોકરી ,ભારોભાર મોણ નાખ્યું હતું એકલી મલાઈ અને માખણ નું ,એક વડું મોઢામાં મુક્યું એ ભેગું ઓગળી ગયું ..!
હું પ્રેમથી ખૂણામાં બેઠો બેઠો હજી બે વડા પુરા કર્યા ત્યાં પેલા બધા સાંઢમાંથી એક ની નજર પડી ગઈ ..
અને બુમ પડી …એ વડા આવ્યા છે પત્યું રીતસર ની ઝૂંટમ ઝૂંટ ..!!
દીકરી બોલી …કાકા આ નાલાયકો માટે તો ત્રણ કિલો લોટ ના બનાવવા પડે છે અને તો પણ દસ મિનીટથી વધારે નથી ટકતા , આ બધા માટે બનાવું ત્યારે તો મારે મારા સાસુ નણંદ અને પાડોશી ભાભી છે બધા ને કામે લગાડવા પડે છે ,
ત્રણ કિલો ઘઉં બાજરા ના લોટ ની સામે એટલું બીજું મોણ જાય ,આખો મોટ્ટા બે ડબ્બા બનાવું અને તો પણ આ જીમ ના બધા જંગલીઓ ને ઓછા પડે ..!! પાક્કી ચાર કલાક ની ખેતી થાય છે અમારે..!
મેં કીધું દીકરા એવું જ હોય ..ખરેખર તારી આંગળીઓમાં માં અન્નપુર્ણ વસી છે..!
દીકરી એ વ્હાલથી પૂછ્યું …ભાયા ને કાકા ? મેં કીધું ..દીકરી બનાવે ને એ તો કાકા ને મીઠે મોળા હોય ને તો પણ ભાવે બેટા , પણ આ તો ખરેખર એક્સેલન્ટ હતા દીકરા..! જીમ પત્યું અને હું ઘેર જવા નીકળતો હતો ત્યાં પછી એ દીકરી દોડતી આવી ..કાકા એક મિનીટ ઉભા રો
..
આટલું બોલી ને ફટાક કરતી એ લોકર રૂમમાં ગઈ અને એક ડબ્બો લેતી આવી ને બોલી ઝટ આ લઈને નીકળી જાવ ,કાકી અને છોકરીઓ ને માટે લાવી છું ,આ દુષ્ટો ને ખબર પડશે ને તો આ પણ અહિયાં પુરા થઇ જશે..! જાવ ભાગો કાકા ..!
પટેલ ની છોડી .. વેહવાર ના ચુકે .. કાકા ને માટે લાવી તો કાકી ને માટે પણ..! આવા અગણિત નાસ્તાના ડબ્બા આપણા નસીબમાં છે..!! નાસ્તાના ડબ્બા ની મજા એકદમ “ઓડ” ટાઈમે ખાવા ની છે , અને એ પણ સ્થળ નો વિચાર કર્યા વિના ખવાય ને તો એની મજા બેવડાઈ જાય , હવે કોઈ જીમમાં ખૂણામાં બેઠો બેઠો બાજરીના વડા ઝાપટતો હોય એવું વિચારી શકો ? બસ મજા ત્યાં છે..! કોઈ એમ પૂછે નાસ્તો ક્યારે કરાય ? મારા જેવા અમદાવાદી જીવડા ને પૂછો તો કહું કે એના માટે સ્થળ કાળ કશું જોવાનું જ ના હોય ..!! તો પછી ક્યારે ? મન થાય ત્યારે ? તદ્દન ખોટ્ટી વાત ..! કોઈ કરાવે ત્યારે ..!! મન થાય એટલે નાસ્તા થોડી થાય ? અમદાવાદી જીવડો ઝટ ખીસ્સે હાથ નાખી ને નાસ્તો ના કરે ..! નાસ્તો હોય કે બીજું કશું ખાવાનું મંગાવવાનું હોય તો આપણને થોડીક એવી ટેવ કે વધવું જોઈએ ઘટવું ના જોઈએ , એટલે “હેંતક” નું મંગાવું પણ એક પાક્કો પોળનો જન્મી ને મોટો થયેલો મિત્ર મને લોજીક આપી ગયો .. નાસ્તો છે ને શૈશવ્યા હમેશા ઓછો જ પડવો જોઈએ ,ખુટવો જ જોઈએ , જો નાસ્તો ખૂટે નહિ તો સમજવું કે એના પછી ના સમય નું જમવાનું બગડ્યું ..! મેં કીધું ઝૂમ કર ચકા આ વાત ને થોડીક ઊંડાણથી સમાજવી પડશે..! જો બકા એમાં એવું છે કે એક માણસ બે ટાઈમ જામે અને બે ટાઈમ ચા નાસ્તો કરે બરાબર ? અમે કીધું હા બરાબર ..આગળ .. જો જમવામાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જામે અને બહુ ભાવતું હોય તો ચારસો અને તારા જેવો
અકરાતીયોહોય તો વધી વધી ને પાંચસો ગ્રામ ખાય પછી વધારે ખાય એ રાક્ષસ જ હોય .. મેં કીધું આગળ બોલ.. જો બકા ચા નો કપ અને જોડે નાસ્તો , મોટેભાગે અમદાવાદી વાણીયો ખાખરા જ ખાતો હોય અને હવે તો તમારા વાણીયા ની જોડે રહી રહી ને અમે પટેલીયા પણ ખાખરા ખાતા થઇ ગયા છે .. આપણી ઉપર આવતી જોઈ ને છટકી... એ રેહવા દેજે તમે પટેલીયા એ અમને મઠીયા ખાતા કર્યા છે તો અમે તમને ખાખરા ખાતા તો કરીએ ને ..! મિત્ર મને કહે જાતીવાદી યુદ્ધ નથી કરવું પણ તમારા ખાખરા હોય કે અમારા મઠીયા બે ચાર ખાઈ જાય એટલે ટોટલ સવાર સવારમાં દોઢસો બસ્સો ગ્રામ પેટમાં જાય .. મેં કીધું કાઠીયાવાડી ગાંઠિયા .. મિત્ર બોલ્યો અલ્યા ગમ્મે તે હોય ગાંઠિયા હોય કે લોચો કે ખાખરા ,મઠીયા બધું થઈને દોઢસો બસ્સો ગ્રામથી આગળ ના જાય ટોટલ મારે ને તો આખા દિવસનું એક કિલોથી વધારે ખાવાનું પણ “ડોઝા”માં કોઈ સંજોગોમાં ના જાય..!! મેં કીધું ..ખરું હો વાતમાં દમ ..! એટલે તને કહું લ્યા ઓડ ટાઈમે પણ નાસ્તા મંગાવો ને ત્યારે હાથ થોડો બાંધેલો રાખવો નહિ તો જમવાનામાં લોચા પડે પછી “ઘેર” બે
હંભળાવે`,
“હવે તો મોબાઈલ છે તો પેહલા કહી દેતા શું જાય છે તે આ રસોડા આટલા લાંબા ના ચીતરીએ ને ..!!”
ગમે એવો ભાયડો છાતી કાઢી ને બજારે ફરતો હોય પણ ઘેરથી ફોન આવે એટલે પેહલા જોરથી બોલે ..શું છે ? અને બીજી લાઈન ધીમી ..અને ત્રીજી લાઈન એ તો ઢીલોઢસ .. હા હા હા .. સારું સારું સારું .. હા હવે એક ની એક વાત કેટલી વાર કરીશ ..સારું હા તો પાડી ..!!
બધા ને આવું જ હોય હવે ..!!
બોટમ લાઈન આપું તો નાસ્તા બહાર કોઈ કરાવે તો કરવો , પણ માપમાં અને ઘરના નાસ્તાના શોખ હોય તો વખાણ પેહલા કરવા ને ડબ્બો લઈને બેસવાએ બદલે પ્લેટમાં કાઢી ને બેસવું નહિ તો એક જ બેઠકે ખેલ ખલાસ ..!
નવરાત્રીના નાસ્તાની વાત કરું ..?
ના ના ..રડવું આવી જશે ..!
બળ્યો આ કોરોના..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)