નવરાત્રીના પાસીસ ..
નગરી અમદાવાદે નવરાત્રીના પાસના ભાવો એ માઝા મૂકી છે..!!
એક આરજેનો વિડીયો જોયો એમાં ચાર હજારનો એક દિવસનો પાસ અને “ફક્ત” બે હજાર પાસ જ અમે વેચવાના છીએ ..જલદી કરો અમે સોલ્ડ આઉટ છીએ ..!!
ફક્ત બે હજાર પાસ અને ફક્ત ચાર હજારનો એક દિવસનો એક પાસ …???????
એંશી લાખનો વકરો …!!!!! રોજ નો …!
ગુજરી જાવ સાલા ઓઢવ ,નરોડા ,વટવા ,રખિયાલના કારખાનાઓના માલિકો ગરબા કરો કરો .. આ અમે શું ધંધા ફેણ્યા હેં ?
મોટા મોટા શો રૂમો ખોલી ખોલીને બેઠા છો એ બધા જરાક વિચારો દસ દિવસનો ધંધો અને આઠ કરોડનો વેપલો ..!!
હજી કાન ઉપર જું નથી ફરતી તો આગળ કહું બિલ્ડરીયા .. દસ હજારનો એક પાસ એક દિવસનો અને જેન્યુઈન, બે હજારથી વધારે નહિ એટલે નહિ અને એ પણ જ્યાં આઠ હજાર માણસો ગરબા કરી શકે ત્યાં ફક્ત બે હજાર લોકો ગરબા ખેલશે ..!
સોચો ..સોચો.. ગરીબો સોચો ..!!
ફેણ ચડી ગયા યાર .. આવતા વર્ષે “ફલાણા ગરબા- ઢીંકણા ગ્રુપ” નો આઈપીઓ નાં આવે તો સારું..!!
અને કલાકારો ..?
લગભગ દરેકે એરિયા વેહચી લીધા છે ,કોઈક કે સુરત તો કોઈ કે વડોદરા કોઈકે રાજકોટ એમ બધું ભાગબટાઈ કરી લીધી છે પણ સુપરસ્ટાર બેહનો અને ભાઈઓના ભાવ ત્રીસ લાખ સુધી એક એક રાતના બોલાયા છે…!!
હે માં માતાજી…!
હેંડો હેંડો કરમદોં વેણીએ … આ કારખાને કારખાને ભટકવા કે દુકાને જવું કે પછી બીજા ધંધા કરવા એના કરતા તો સાલું ઘાંટા પાડી પાડીને દુહા સુરમાં કે અસુરમાં તાણ્યા હોત તો બે પાંદડે થયા હોત..!!
મુઆ મારા તો લોહી પી ગ્યા બધા … તાનપુરો મેળવ.. જોડનો ષડ્જ અડધો દોરો ઓછો છે અને તારો પંચમ એક શ્રુતિ નીચો છે ઉપર ..ઉપર ..!
કંટાળીને તાનસેનની બદલે કાનસેન બની ગયા..!!
હમણાં એક મિત્રને ત્યાં બેઠા હતા અને એક ગુજ્તારી સુપર સ્ટાર નો કોઈક પ્રોગ્રામ હતો અને એના માટે કોઈક આમન્ત્રણ આવ્યું .. હવે મોં ફટ, પેહલેથી એટલે કહી દીધું કે મારે એ બેસૂરાને નથી સાંભળવો ..!
ત્યાં બેઠેલા એકજણના ભંવા અધ્ધર ચડી ગયા આખું ગુજ્તારી મંડળ જેના ગુણગાન ગાય એને શૈશવ બેસુરો કહે …?????? એ જણ લેમ્બુડીના લીલા પીળા પાન અને મહીસાગરને આરે ઢોલ .. કરવા જાય નવરાત્રીએ ..!
ઘોર પાતક …આકાશ ગરજી ઉઠશે હમણાં પાપી ,અને ધરતી ફાટી કેમ ના ગઈ તને સમાવી લેવામાં શૈશવ ..???
પણ આપણે આપણા કાન ઉપર મુસ્તાક હતા અને સપોર્ટમાં મારી દિકરીઓ હતી જે નવી નવી કાનસેન થઇ છે એટલે સભાને અમે પોહચી વળ્યા..!
પણ દિકરીઓ કહે ડેડી બધામાં સૂર શોધશો તો પછી ગરબાની મજા નહિ લઇ શકો , વાત સાચી પણ જ્યારે બેફામ રૂપિયા તોડતા હોઉં ત્યારે સંગીત અને સૂર પ્રત્યે જવાબદારી ખરી …!
આ જ સુપર સ્ટારો જ્યારે ફિલ્મી ગીતો ગાવા જાય છે ત્યારે સામાન્ય શ્રોતા પણ પકડી પાડે છે કે નાં મજા આવી ..!!
અઘરું છે .. વેહતી ગંગામાંથી એક લોટો લઈને ગંગાજળ જીવનભર સાચવવું અને અંત સમયે એનું આચમન કરવું..!!
અહીં તો હોડ મચી આખે આખી ગંગા મારા ઘેર કેમ ના વહે ,જરૂર પડે તો મહાદેવને પકડી લાવો અને એની જટાને કન્ટ્રોલ કરો..!!!
સાલ ૧૯૮૮-૮૯ની આજુબાજુમાં ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ધરણીધર ગરબો પાર્ટીપ્લોટમાં ઘુસ્યો , સો રૂપિયાનો સીઝન પાસ શરુ થયું પછી .. સેપ્ટથી લઈને બીજા પાર્ટી પ્લોટોનું ચક્કર ..!
એ સમયે પેટ્રોલ ૯.૯૦ રુપયાનું લીટર એટલે સમજો કે લીટર પેટ્રોલમાં ગરબા ગવાય આજે આખું બેરલ ઓછું પડે ..!!!
શું થયું છે ?
એક રૂપિયાના ધોધ વહે છે અને વધારાના રૂપિયા અનહદ નવી પેઢી પાસે છે , દરેક ને પોશ થવું છે , પૂર્વ અમદાવાદને પશ્ચિમ સાથે તાલ મિલાવવો છે અને “ઇમિગ્રન્ટ” ને સીધા અમદાવાદના અપર ક્લાસમાં પગ મુકવા છે..
જ્યાં રૂપિયા આવે છે ત્યાં એકલતા જોઈએ છે , “ભિખારી” પબ્લિક લો ગાર્ડનના ચણીયાચોળી અને ઝભ્ભાવાળી પબ્લિક ખમાતી નથી , ડિઝાઈનરવેર વાળા જુદા પડી રહ્યા છે અને એનો લાભ ઇવેન્ટવાળા લઈને પાસના ભાવ અનહદ કરી મુક્યા છે..!
કેપિટલાઈઝેશન એની ચરમસીમાએ પોહચી ગયું છે ..!!
જેમ લગ્નોમાં થીમ બેઇઝ કપડા અને કલર્સ આવ્યા એમ હવે ગરબામાં પણ થીમ બેઇઝ કલર્સ આવ્યા ..!!!
ગરબો કોમર્શિયલ થયો હતો હવે પ્રોફેશનલ થી આગળ વધીને કોર્પોરેટ થયો છે…!
“ક્લાસ” ની “માસ” છૂટા થવાની મારામારી છે..!
શૈશવ બધ્ધે ઘૂમ્યો છે .. તળપદા ગરબા ભગતો દ્વારા ગવાતા અને ગવડાવવાતા ગરબાથી લઈને ચારસો માણસોના સ્ટ્રીક એન્ટ્રીવાળામાં પણ ..
દર વર્ષે કશુંક નવું આવે અને જુનું જાય છે ..
વડોદરાના રાજ્મેહલના ગરબાના પાસના ભાવ પણ સેહજ જાણી લેજો ..!!!
છતાંય મને ગમતો તેહવાર ,પ્રિય તેહવાર …
ગુજરાત અને ગુજરાતીનો માનીતો તેહવાર..
દરેક ગુજરાતીને જીવાડતો જગાડતો તેહવાર..
વધારાના હોય એટલા ખર્ચવા, બાકી રેડિયા ,યુટ્યુબ દરેક જગ્યાએ ગરબા વાગે જ છે..
અતિ સર્વત્ર .. ફરી શેરીઓમાં ગરબા કદાચ વળી જશે જો આમ ને આમ ભાવવધારા થયા તો ..!
તેજીમંદી ગરબામાં પણ આવી શકે ..
જોઈએ શું ખેલ પડે છે .. બાકી તેહવાર એટલે તેહવાર ..!
અને નવરાત્રિ એટલે નવરાત્રી ..!
માણજો .. કકળાટ ઓછો રાખીને મારી જેમ બહુ લાગે તો બખાળા કાઢી લેવા પણ પછી રમી લેવું અને રાત પડ્યે જમી પણ લેવું..!
અને હા ઝીલ્લે ઇલાહી લાલબાગના રાજાનું વિસર્જન કેટલા વાગે મુંબઈમાં થયું હતું અને ત્યારે ધ્વનીપ્રદુષણ કેટલું હતું ?
ગરીબ કી જોરુ ગુજરાતી સબ કી ભાભી ગણીને તૂટીના પડશો , બાકી તો વસ્તી કયા એરિયામાંથી નેકળે છ ઈની સિપાઈઓને ખબર જ છે તો ત્યાં જોર રાખજો એટલે નોરતા હેમખેમ પાર ઉતરે..!
બોલ મારી અંબે .. જય જય અંબે ..!!
બોલ મારી અંબે .. જય જય અંબે ..!!
બોલ મારી અંબે .. જય જય અંબે ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*