સતત વાતો કરવાની આદત કે જરૂરીયાત..
એક બહુ જ ગંદો રોગ છે ,પણ કોઈ એને રોગ અને એના ઈલાજ તરીકે સ્વીકારવા બિલકુલ તૈયાર જ નથી ..!!
દરેક બીજા ઘરમાં આજે આવો રોગી છે પણ એની તરફ જરાક પણ કોઈ લક્ષ્ય આપી નથી રહ્યું , ખરેખર ટ્રીટમેન્ટની જરૂર છે પણ પેહલા તો કોઈ આ રોગને ઓળખી નથી શકતું અને બીજું કે રોગી પોતે પણ એને આવો કોઈ રોગ છે એવું સ્વીકાર નથી કરતો..!
ઓળખવા માટેની હિન્ટ આપું .. એવા કેટલા લોકો છે તમારા જીવનમાં કે જેમના ફોન આવે તો તમને ચોક્કસ ગમે, પણ ફોન મુકો પછી તમને હાશ થાય ?
બસ .. અહિયાં સમજી જાવ કે તમારી સામે રોગી તૈયાર છે અને હવે તમારે એને કેહ્વાનું છે અને સમજાવવાના છે કે તમને રોગ લાગી ચુક્યો છે..
અમારા એક સીનીયર સીટીઝન ફેમીલી ફ્રેન્ડ કપલ છે દીકરીઓ પરદેસ પરણાવી છે, બંને દીકરીઓએ નક્કી કર્યું છે કે સવારે એક કલાક તું વાત કરજે અને સાંજે તું ..
હવે વિડીઓ કોલ કરે .. શરૂઆતમાં વાતો કરી,
પછી અહિયાં કાકી ઉછળ્યા આ રોજના શું ધખારા માંડ્યા છે ? મારે નથી કરવી વાતો ખોટા લોહીના પીવો ..
ફરિયાદ પરદેસથી આપણી પાસે આવી કે તમે મમ્મી ને સમજાવો વાતો કરવા..
મારો પોઈન્ટ એ હતો કે કાકી હજી રસોઈ અને ઘરના કામ જાત્તે કરે છે અને કાકા દવાખાને જાય છે, અને તમે બંનેને પરણ્યે પંદર સત્તર થયા એમણે એમનો રસ્તો તમારા વિના કરી લીધો છે હવે શાંતિથી જીવવા દો ને ,અઠવાડિયે એકવાર કે બે વાર વાત કરો તો ઘણું ..
સામે છેડે સ્વીકારાઈ દરખાસ્ત ,
પણ કાકીને એમાં આડું પડ્યું ..શૈશવ બેઉને કહી દે ભેગી થઈને એક જ સમયે ફોન કરે વારાફરથી કરે, અને તો પણ મારે અઠવાડિયામાં ચાર દિવસ બે કલાક ચોંટી રેહવું પડે , હું ઓનલાઈન કશું નથી વાપરતી, ચાલતી જઈને બધું કરિયાણું શાક જાત્તે લાવું છું , એને કહે કે ખાટલે પડીએ ત્યારે એર એમ્બુલન્સ કરીને તમારે ત્યાં આવી જઈશું પછી કરજો સેવા અત્યારે લોહી ના પીવો ,મારે દેરાસર ,અપાસરો બધું કેટલુંય છે..અને શૈશવ સાચું કહું બંને ફોન મુક્તી જ નથી..મને કંટાળો આવે છે ,મારે ઊંઘવા ઊંઘની ગોળીઓ નથી લેવી પડતી આ છોકરીઓ ખાય છે..
પ્રોબ્લેમ ડિટેકટેડ..અહિયાં નહિ ,ત્યાં છે ,
અને એકલતા અને પેલો સતત વાત કરવાવાળો રોગ ત્યાં હતો, અહિયાં ઘરડાને નહિ જુવાનીયાને હતો..!
મધ્યસ્થી હતી અને ઉકેલ લાવવો જ પડે તેમ હતો , કાકીની વાત સો ટકા સાચ્ચી હતી પણ દીકરીઓ માને નહિ.. મેં કીધું તમને પ્રોબ્લેમ શું છે ? તો કહે અમારે મમ્મી પપ્પા જોવા હોય અમને બીક લાગે છે કે બાથરૂમમાં પડી ગયા કે કઈ એમને થઇ ગયું તો ?
મેં કીધું એનો સાદો રસ્તો છે નીચેના બેડરૂમમાં ,સીડી ઉપર, ગાર્ડન ,ડ્રોઈંગરૂમ એમ છ એક પોઈન્ટ ઉપર કેમેરા નાખી દઈ અને તમને એક્સેસ આપીએ જોયા કરજો..
બંને દીકરીઓ તૈયાર.. કેમેરા ફીટ પછી થોડાક સમય પછી ફરી ફોન આવ્યો પરદેસથી આ લોકો કેમેરા બંધ કરી દે છે…
મેં કીધું હું જોઉં ..
હવે વડીલ એટલે રૂબરૂ જઈને જ આડીઅવળી વાતો કરીને જાણવું પડે ? મેં જરાક હસતા હસતા કીધું કે કેમેરા બંધ થાય છે એવી ફરિયાદ આવે છે .. શું વાત છે ?
કાકા ગોળ ગોળ બોલવા લાગ્યા કે એ તો ભૂલમાં સ્વીચ બંધ થઇ જતી હોય છે ક્યારેક ,
કાકીએ સપાટો બોલાયો … રેહવા દો ચોખ્ખી વાત કરો, જો શૈશવ બંને ના છોકરા મોટા થઇ ગયા છે, મોટા મેહ્લો જેવા ઘર છે, અમારો અને એના માબાપનો અને બીજા ગેસ્ટ એમ કરીને સાત-સાત બેડરૂમના હાઉસ લીધા છે ,હવે ઘરમાં વાત કરનાર કોઈ છે નહિ એટલે અમારી મેથી મારે છે, અને અહિયાં મારે ઘેર કોઈ ગેસ્ટ આવવાના હોય એ પેહલા જ હું કેમેરા બંધ કરી દઉં છું ,નહિ તો બંને જણીઓ ફોન ઠોકે અને કલાક કલાક ચલાવે આપણને મળવા અહિયાં કોઈ આવ્યું હોય અને એ લોકો ત્યાની ચલાવે એ થોડું ચાલે ?
હવે મારો વારો હતો .. પરદેસ ફોન લગાડ્યો અને ત્યાં ડોક્ટર્સ સાથે કાઉન્સેલિંગ કરવા માટે તૈયાર કર્યા , એક નો વર પણ આવો ધંધો એના માબાપ અને ભાઈબંધો જોડે કરતો હતો…
સુખ બહુ કુત્તી ચીજ છે , જિંદગી આખી જે સપના જોયા હોય એ પૂરા થાય પછી શું કરવાનું એની સમજણ સુખ નથી આપતું , આપણે અંદરથી કેળવવી પડે છે ..!
કવિ મનોજ ખંડેરિયાની ચીજ યાદ આવે છે
“જ્યાં પોહચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પોહચતા જ પાછું વળે એમ પણ બને ..
પકડો કલમ ને કોઈ પળે હાથ આ આખે આખો બળે એમ પણ બને..”
સુખ પણ રોગ આપે, દુઃખ પણ આ જ રોગ આપે ,પણ દુઃખી ઝટ પકડાય અને એનો ઈલાજ પણ ઝટ થાય ,કેમકે લોકો એને મોઢામોઢ કહે ,
દુઃખીની અને દુઃખની આ તકલીફ છે,
જયારે સુખીને સહન કરતો રહે સંસાર.. કોક મારા જેવો જ અળખામણો થવા જાય…!
શોધજો લ્યા આજુબાજુમાં અને હા ખાલી ફોન નહિ વોટ્સએપ ગ્રુપોમાં , પેલું એક્સ ,ફેસબુક બધ્ધે પણ દરેક વાતે પોતાનો મત મુકે અને ચોવેસી કલાક કઈને કઈ ઠોક્યા જ કરે..
લઇ જાવ સાયકોલોજીસ્ટ પાસે બે ત્રણ કાઉન્સેલિંગમાં પૂરું થઇ જશે , બાકી આવા ઘરનાની જિંદગી ઝેર કરી મુકે હોં..!!
શુભ સંધ્યા
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*