ભારત દેશે રાજનીતી ચરમસીમાએ જઈને પોતાનું કામ કરી રહી છે , તમારા મારા જેવા જનસાધારણ ફક્ત અને ફકત મૂક પ્રેક્ષક બની અને ફક્ત વોટ આપવા સિવાય બીજું કશું જ યોગદાન આપવા કે લેવાને સક્ષમતા કે સજ્જતા ધરાવતા નથી ..
એની પાછળનું કારણ પણ છે ,
રાજનીતિ એ ચોવીસે કલાક ચાલતી પ્રક્રિયા છે . નિરંતર ..
એમાં સામ ,દામ ,દંડ ,ભેદ એ સિવાય પણ આ ચારના કોમ્બીનેશનથી બનતી ઘણી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે , એવામાં જન સાધારણને રાજનીતિના અખાડામાં ઉતરવું હોય તો પણ એના માટે જરાક અઘરું થઇ જાય..
ઘરની તાવડીના તેર વાન પુરવા કે આ બધામાં ઉતરવું..?
મોટેભાગે આપણે છાપા અને આજકાલ સોશિઅલ મીડિયા થકી શું ચાલે છે એવી જાણવાની અને પછી બે ચાર જગ્યાએ જો કોઈ સમાજિક મેળાવડા કે મિત્રોમાં બેસી અને થોડીક ફાંકા ફોજદારી કરી લઈએ ..જનસાધારણની રાજનીતિ અને એની રાજનીતિ વિષેનું જ્ઞાન ત્યાં પૂરું થાય..
હા દિલચસ્પી સતત રહ્યા કરે કારણકે આજકાલ અભિનેતા અને નેતા બંને મનોરંજન ,થ્રીલ્લ ,વત્તા ,વત્તા જે કોઈ એક ફિલ્લમમાં જોવા મળે એ બધું આપણને લાઈવ પીરસે છે..
મારી એક બહુ ચાલેલી વાર્તા “સાયકલ મીટીંગ” ઉપરથી એક ભાઈને પિક્ચર બનાવવું હતું , ધરાર ઈચ્છા નહિ છતાં પણ મળવા આવ્યા.. મારો પેહ્લો સવાલ હતો કે કેમ પિક્ચર બનાવવું છે તમારે ?
તો કહે જકડી રાખે છે વાર્તા છેક સુધી ,
અને શૈશવભાઈ વાર્તામાં એવું હોય કે માણસને વાંચતા વાંચતા ઘણા પ્રોબ્લેમ આવે જેમ કે કોઈ નો ફોન આવે ,કે બીજા ઘરના લોકો તમને બોલાવે તો ધ્યાનભંગ થાય પણ તમારી વાર્તામાં ફરી સંધાણ થઇ જાય છે, અને પિકચરમાં તો કેવું હોય કે ત્રણ કલાક પેલો મોબાઈલ બંધ કરીને તમારી પાસે ખોવાઈ જવા માટે જ આવતો હોય છે ,
ના એને મા બોલાવે ના બાપ ..
ત્રણ કલાક માટે દર્શક તમારો .. જ્યાં ફેરવવો હોય ત્યાં ફેરવો સાલ્લાને ..!
આપણે કાન પકડી લીધા ..
આપણે પણ રૂપિયા આપીને કેટલી બધીવાર આવી રીતે “ફરવા” જઈ આવ્યા.. ?!!
સત્ય સમજાઈ ગયું કે પિક્ચર બનાવવાવાળા રૂપિયા લઇ લ્યે છે મારી પાસે અને મને “ફેરવે” છે , પિક્ચર જોવાનો એન્ગલ બદલાઈ ગયો મારો ..
સાલ્લો મને ક્યાં “ફેરવે” છે એ રીતે જોવાનું ચાલુ થઇ ગયું ..
જ્યાંથી ફક્ત ત્રણ કલાક આનંદ જ મેળવવાનો હતો ત્યાંથી “સાલ્લો મને ક્યાં ફેરવે છે” એવો એન્ગલ આવી ગયો .. આનંદ લેવાને બદલે મગજ ચલાવતા થઇ ગયા ..
સત્ય જેટલા ઓછા જાણો એટલા સુખ, અને જેટલા વધુ જાણ્યા એટલા દુઃખ વધારે..!
અત્યારે બિલકુલ રાજનીતિમાં પણ એવું જ ચાલી રહ્યું છે ..
“સાલ્લો ક્યાં મને ફેરવે છે ?”
આ સવાલ તમારા ફેવરીટ નેતા ,અભિનેતા માટે તમારી જાતને પૂછો અને પછી શું જવાબ આવે છે ?
જુઓ એકવાર કરી જુવો ..
બિલકુલ મીડિયા અને સોશિઅલ મીડિયાના માધ્યમથી આપણને પકડી નહિ ,જકડી રાખ્યા છે આજની ભારતવર્ષની રાજનીતિએ..
એક સમયે ઉત્તરપ્રદેશમાં બહુ ગંદી રાજનીતિ ચાલતી ,
ગઠબંધન ..
એટલો બધો પચડો થઇ ગયો હતો કે આખા દેશનો જનસાધારણ યુપીની વ્યક્તિ ટ્રેઈન બસ ગમ્મે ત્યાં મળે તો મોઢું બગડી ને કહી દેતો કે આ બધું શું કરો છે તમે અને સામે પક્ષે યુપીના રેહવાવાળા પણ કંટાળ્યા અને કોઈ એક પક્ષને ક્લીયર મેન્ડેટ આપી દીધો..
આજે એનાથી પણ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે ..
બાર ભાયા તેર ચોકા , બે મરાઠી માણસ ત્રણ રાજકીય પક્ષ ..
તમે યુપીમાં રેહતાને પૂછો કે મહારાષ્ટ્રમાં શું ચાલે છે ?
અડધો કલાક માથું ખંજવાળે ,પછી પણ જવાબ ના આપી શકે ..
કેટલા બધા અખાડા ખોલીને બેઠા છે રાજનીતિના મહારાષ્ટમાં..
હવે એમાં પાછું સંઘનું નામ જોતરાયું , મીડિયા એમ લખે છે ઉપલા લેવલે ભાજપ અને સંઘમાં ડખો પડ્યો ..આટલા ઓછા હતા ?
ઢગલો એક નવા જુના કોંગ્રેસ ,નવી જૂની સેનાઓ .. બીજા નાના નાના પૂછડિયા પક્ષો તો પછી ચાર જુન પછી નવો-જુનો ભાજપ ..???????
પિક્ચર જામે ..
દેશની આર્થિક રાજધાની છે મુંબઈ , જેમ સૌથી વધુ વસ્તી યુપીમાં છે એમ સૌથી વધારે રૂપિયો આજે પણ મુંબઈમાં ફરે છે ..
કોઈને મહરાષ્ટ્ર છોડવું જરાયના ગમે, લડી જ લ્યે છેક સુધી ..
યુપીના ક્રાઈમ અને મુંબઈના ક્રાઈમ અને બંને ના ક્રાઈમ વર્લ્ડની સરખામણી કરજો ..
બંને રાજ્યોના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની મિલકતો ના તમારી હેસિયત પ્રમાણે અંદાજ લગાવજો..
હેસિયત , ઔકાત આ બધા શબ્દ વાપરવા એ ખોટી વાત છે ,પણ સત્યનો સ્વીકાર કરવો ..
અને હવે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની મિલકતના અંદાજ મુકજો..
તમારો આજનો દિવસ તો આરામથી નીકળી જશે અને રાત્રે આફરો ચડી જશે..
ત્રણ કલાકના પિક્ચરની બદલે બાર કલાકનું પિક્ચર થઇ જશે..!!
નેતાઓ તમને અને મને ક્યાં “ફેરવે” છે ?
આપણે રૂપિયા નથી અપાતા રાજનીતિના પિક્ચર જોવા માટે પણ એનાથી વધારે કિમતી સમય આપીએ છીએ ..!!
ઠીક છે ..
શું કો છો ? ભાજપ ના ફાડિયા થશે કે પછી … ક્યારે ?
નામ છે એનો નાશ છે ..
સમય બતાવશે ..
એક વિચાર એવો આવ્યો કે “માણસ જાત સિવાય આખી સૃષ્ટિ નાગી ફરે છે પણ નાગાઈ ફક્ત માણસ કરે છે..”
ઘણું લેસન આપ્યું કરવું હોય તો … ફરી વાંચો ઉપરથી નીચે..અને ફોરવર્ડ કરો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*