www.shaishavvora.com
દેશના અમુક રાજ્યોમાં એટીએમમાં કેશ ની કિલ્લત…
બહુ ખરાબ પરિસ્થિતિઓના નિર્માણ થઇ રહ્યા છે દેશમાં,મીડિયાનો એક ભાગ તદ્દન બાયસ થઈને રીપોર્ટીંગ કરે છે અને પછી સોશિઅલ મીડિયા ઉપર ધમ્માલ મચે છે..
નાણામંત્રાલય એમ કહે છે કે જરૂર કરતા વધારે કેશ દેશમાં ફરી રહી છે અને આ પરિસ્થિતિ ખાલી ને ખાલી મિસમેનેજમેન્ટ છે..
થોડુક બેજવાબદાર નિવેદન થયું ,
આજના જમાનામાં એટીએમ નો મતલબ જે ખરેખર એની ટાઈમ મની છે,એ જ થવો જોઈએ ને રેહવો જોઈએ..ત્યાં મિસમેનેજમેન્ટ થયું છે..એવો જવાબ આવે એટલે શું ?
તંત્ર ઉપર પક્કડ નથી ?
કેમ ચાલે ?
આવું મિસમેનેજમેન્ટ ?
નોર્થ બ્લોક નધણીયાતો છે ..?
અને આ એક દિવસની વાત છે ?
સોશિઅલ મીડિયા ઉપર કેટલા દિવસથી ફરી રહ્યું છે કે દેશમાં કેશની કિલ્લત ફરી એકવાર સર્જાય એવું લાગે છે .. તો પછી તમે કરો છો શું ?
કીડનીમાં ડીફેક્ટ તો હમણા આવી જેટલી સાહેબની, ત્યાં સુધી શું કરતા હતા ?
આજે એટીએમ ખાલી છે, કાલથી બેંકો ખાલી થઇ ગઈ તો શું ?
ફરી એકવાર આ પિસ્તાલીસ ડીગ્રીમાં પ્રજા ચુપચાપ લાઈનમાં ઉભી રેહશે એમ માનો છો ?
જો ખરેખર કોઈ કારણ વિના જ આ કિલ્લત ઉભી કરવામાં આવી હોય કે થઇ હોય તો પણ આ એક અક્ષમ્ય ગુન્હો છે..
જાડો નર જોઈ નહિ પણ જવાબદાર “નરો” ને પકડી પકડી ને શૂળે ચડાવા જોઈએ એટલો મોટો ગુન્હો છે..
ઈકોનોમીને કેશલેસ કરવાના ઘણા પ્રયત્નો થયા પણ હજી કશું જ સફળ થતું નથી થતું દેખાતું..
આ દેશની પ્રજા જ્યાં સુધી કાનપટ્ટી પકડીને કોઈ કામ ના કરવો ત્યાં સુધી ના કરે ..
જો ખરેખર જ ઈકોનોમી ને કેશલેસ કરવી હોય તો દેશના તમામ સરકારી,અર્ધ સરકારી અને બિન સરકારી કર્મચારીઓને ફરજીયાતપણે એમના ઘરના ખર્ચાથી લઈને બીજા તમામ ખર્ચા કેશલેસ કરવાની ફરજ પાડો..
પગારના દસ જ ટકા કેશ ઉપાડી શકે, બાકીના ખર્ચા કેશલેસ કરો ..રૂરલમાં વીસ ટકા ઉપાડવા દેજો..
દેશની અડધી ઈકોનોમી તો એમનેમ જ કેશલેસ થઇ જાય, અને ધંધાવાળો પણ આપોઆપ કેશલેસ થાય..
શરૂઆત સરકારી કર્મચારી અને અર્ધસરકારી કર્મચારી થી કરો…
અને હા જબરજસ્તી કરવી એના કરતા નાણા સેવક શિરોમણી એમ કહી શકે કે તમારી પાસેથી તો હું ટેક્ષ એડવાન્સમાં લઇ જ લઉં છું,તો તમે રોકડામાં ખર્ચા કરીને બીજાને શા માટે ચોરી કરવા દો છો ?
જો નાણા સેવક શિરોમણીને હૈયે રામ વસે તો જે કર્મચારી સો ટકા કેશલેસ ખર્ચા કરે તેને ઇન્કમટેક્ષમાં દસ ટકાનું રીબેટ આપો…
દેશમાં લગભગ ૧.૨૯ કરોડ ટેક્ષ પેયર નોકરીયાત છે અને ૧.૮૯ કરોડ ધંધાવાળા છે..
૧.૨૯ કરોડની એટલી તાકાત ચોક્કસ છે કે બીજા વધારાના ૧,૮૯ કરોડને ટેક્ષ ભરતા કરી દે…
પ્રધાનમંત્રી પકોડા ઈકોનોમી ની વાત કરે છે..હું તો સહમત છું બોસ..
લારીગલ્લા અને ખુમચાવાળાના કાઉન્ટર લાખ્ખો રૂપિયાના છે..
ગયા રવિવારે અમારા પત્નીજી એ અમારા ઘેર થોડાક મિત્રોને સપરિવાર જમવા નોતર્યા હતા,મેનુમાં ભાજીપાઉં સેટ કર્યા હતા એટલે આપણો વારો આવ્યો ..
ચલ શાક લેવા..
હુકમ કી તામિલ કર્યા સિવાય છૂટકો નોહતો.. ચતુષ્ચક્રી કાઢી અને અમે નીકળ્યા ..
જોધપુર ગામ લઇ લે,ત્યાં ખેતરમાંથી ડાયરેક્ટ ખેડૂતો શાકભાજી લઈને આવે છે બધું જ શાક વીસ રૂપિયે કિલો આપે છે..
આપણે પૂછ્યું કે તો આ લારીવાળા શું ભાવે આપે છે ?
વીસ રૂપિયે અઢીસો ગ્રામ…
મારા મોઢામાંથી જીભડી બહાર આવી ગઈ ..હેં સિદ્ધાં ચાર ગણા ..!! એક ના ચાર જ કરવા ના ?
પછી તો દાળવડાવાળો, ખમણવાળો ,સમોસાવાળો, કચોરીવાળો.. બધાના નફા ગણી કાઢ્યા..
અમારા જીમના એક ટ્રેઈનરે ઢોકળાની દુકાન કરી..પેહલા અઠવાડિયે ત્રીસ હજારનું કાઉન્ટર ..નેટ પંદર હજાર ઘેર લઇ ગયો..
સાલું મહીને સાહીઠ હજાર અને બાર મહીને બાર છક બોતેર .. સાત લાખ વીસ હજાર..!!!
ઢોકળામાં ..!!
ટેક્ષ કેટલો ભર્યો ?
તો કહે એટલે શું ?
ઈકોનોમી જો કેશલેસ હોય તો આ બધી કચોરી,પકોડા,સમોસા ઢોકળા એકદમ સરખી રીતે ભરાય ઇન્કમટેક્ષમાં…
નોટબંધી અને જીએસટી ને સફળ કરવી હોય તો આ એક જ માર્ગ બચ્યો છે, બાકી અત્યારે આવેલી કેશની કિલ્લત જેવી એકપણ ઘટના જુના ઘા ખોતરી અને ઘા ને વધુ પોહળા કરી નાખશે..
નોટબંધીને સફળ કરવા ગમે તેટલું માર્કેટિંગ કરીએ તો પણ સત્ય એ સત્ય જ રેહવાનું..
લગભગ ખાયા પિયા કુછ નહિ ગિલાસ ફોડા બાર આના જેવો ઘાટ છે..એટલે એ દુ:સ્વપ્ન ને ભૂલવું જ રહ્યું..
આજે આધાર કાર્ડ માટે પણ સુપ્રીમ કોર્ટે ફટકાર આપી કે ડેટા સુરક્ષા નો કોઈ કાયદો જ નથી તો ડેટા સુરક્ષિત કેમનો રાખશો ?
એટલે ચીન દેશની જેમ બધું આધાર સાથે લીંક અને કન્ટ્રોલ થાય તેમ નથી, અને જોડે જોડે બીજી ખાટલે મોટી ખોડ કે આ દેશમાં તમામ વસ્તુ જાયન્ટ જ હોય છે ફાયનાન્સના ડેટા હોય કે રેલ્વે ના ડેટા હોય, આ બધા ડેટા ને એનાલાઇઝ કરવા માટે સુપર કોમ્પ્યુટરની જ જરૂર પડે ..
ગુજરાત ઈલેક્શન વખતે સામ પિત્રોડા ઓનલાઈન આવતા અને સવાલોના જવાબ આપતા અમે એમને પૂછ્યું હતું કે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ (AI ) ને તમે કેવી રીતે જુવો છો ?
સામ પિત્રોડા સાહેબ નો જવાબ હતો કે આ દેશ રેલ્વે થી લઈને તમામ ડેટા હેન્ડલ કરવા માટે AI અને સુપર કોમ્પ્યુટર જ જોઈએ બીજો કોઈ રસ્તો નથી..
દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો ચીન દેશ ઘણું બધું ડેટા એનાલીસીસમાં કામ કરી ચુક્યો છે આપણે એમ બહુ પાછળ છીએ..
ગુણ તો દુશ્મનનો પણ શીખવો જોઈએ ..
આપણે ત્યાં દુનિયાની બીજા નંબર ની વસ્તી છે, ડેટા એનાલિસિસ અને હેન્ડલિંગમાં ઝડપ રાખવી પડશે..સુપર કોમ્પ્યુટર વધારે ને વધારે વસાવી અને AI નો ઉપયોગ વધારવો પડશે નહિ તો ઈ-વે બીલ જેવા ફારસ જ થયા જ કરશે..
કેમ આરબીઆઈને ખબરના હોય કે એક રાજ્યમાં કેશ જરૂર કરતા વધારે છે અને બીજામાં ઓછી ?
સુપર કોપ્યુટર વસાવો અને AI નો ઉપયોગ વધારો ..
નામુ અને દેવા,લેણા,રોકડ ,સિલક તો આંગળીના વેઢે જ જોઈએ..
અહી તો બધું પૂરું થાય ત્યારે ખબર પડે કે આપડે ઊંઘતા હતા ત્યારે ઘોડા છૂટી ગયા.. હવે તબેલે તાળા મારો..
અમારા કનકકાકા શીખવાડી ગયા છે..
નામા નો કાઠો માથે રાત લઈને નાઠો..
શુભ રાત્રી
શૈશવ વોરા
www.shaishavvora.com