કેવો દેશ છે નહિ મારો ..?
બળાત્કાર જેવી જઘન્ય ઘટનાને પણ હિંદુ-મુસલમાન કરી નાખે છે..!!!
થોડાક વર્ષો પેહલા નિર્ભયા કેસ થયો અને પ્રજા રોડ પર આવી ગઈ હતી..
અને એ ઘટના પછી તરત જ આવેલા ઈલેક્શનમાં મનમોહનસિંહ સરકાર બુરી રીતે પીટાઈ ગઈ હતી…
સંપૂર્ણ સાનભાનમાં લખી રહ્યો છું ..
મનમોહનસિંગ સરકારને જે તે સમયે બનતી દરેક ઘટનાઓને લઈને કઠેડામાં ઉભી કરવામાં આવતી હતી અને આજે એ જ રીતે મોદી સરકારને કઠેડામાં ઉભી કરવામાં આવી રહી છે..
ત્યારે પણ લખ્યું હતું કે જે થઇ રહ્યું છે તે ખોટું છે..પોલીસનો વાંક છે એના કરતા પણ શીથીલ ન્યાયતંત્રનો વાંક વધારે છે આ પ્રકારની ઘટનાઓ માટે..
આજે પણ નિર્ભયા કેસ નો ફાઈનલ ચુકાદો નથી આવ્યો..આટલા વર્ષે..!!!
શિવાજી મહારાજના ન્યાયને વખાણનારા આજે સત્તા ઉપર છે,
“ઝાણતા રાજા” એક નહિ બબ્બે વખત જોયું હતું મુખ્યમંત્રીશ્રી એ ..
બળાત્કારીનું માથું ધડથી જુદું થતું મહારાજની તલવારે..
ત્યારે રૈયતમાં ન્યાયની ધાક રેહતી અને ક્રાઈમ ઓછા થતા…
જયારે આજે કેટલા વર્ષથી નિર્ભયા કેસ સ્પેશિઅલ અદાલતો હોવા છતાં અંજામ સુધી નથી આવી શક્યો..
અને આજે તો હદ થઇ છેક પાકિસ્તાનથી હાફીઝ સઈદ ને ચિંતા થઇ ગઈ..!!!
કોઇપણ ઘટના ઉપર “ખીચડી” પકવતા ઉપમહાદ્વીપના રાજનેતાઓ..!!
ધર્મના નામ ઉપર આટલો બધો બાઝ્તો,ઝઘડતો ઉપમહાદ્વીપનો સમાજ આજે પણ ગમે તે સરહદો ક્રોસ કરીને જોઈએ તો કોઈ એક આદર્શ સમાજની રચના કરી શક્યો નથી..
કદાચ બધા જ ધર્મો ની “થીયરી”ને એકવાર ફરી એકવાર લખવાનો સમય પાકી ગયો છે..
પણ અશક્ય છે,
કોઈ સંભાળવા પણ તૈયાર નથી તો સમજવાની વાત તો ક્યાં કરવાની..!!
સોશિઅલ મીડિયા અને બુદ્ધિજીવીઓને “મજા” પડી ગઈ છે, આપણે ત્યાં ઘણી બધી રુદાલીઓ છે જેને ગમે ત્યાં મરણ થયું હોય પણ એને “ફૂટવા” ની મજા આવે..
આજે કઠુઆ અને ઉન્નાવને લગતી અડધી પોસ્ટને જોયા વિના જ સ્ક્રોલ કરવી પડે છે એટલા બધા ગંદા અને બાયસ મેસેજીસ હોય છે કે આપણને એમ થાય કે સારું થયું બાપડી મરી, નહિ તો એને મારનારા અને ચૂંથનારા નરાધમો કરતા વધારે ખરાબ આ સોશિઅલ મીડિયાવાળા એ દીકરીને મીનીટે મીનીટે મોત આપતે..
એક પોસ્ટ ઉપર તો સીધો ભગવાન ઉપર સવાલ થયો ?
અરે ભગવાન પર સવાલ કરો છો તો જીસસ ,અલ્લાહ ,બુદ્ધ કે પછી કોઈપણ ઉપર સવાલ થઇ જવો જોઈએ..
રોજ દુનિયામાં એવી અનેકો અનેક ઘટના ઘટે છે કે જેમાં આપણને સર્જનહારના અસ્તિત્વ ઉપર જ સવાલ કરવાનું મન થઇ જાય છે, અને છતાં પણ આપણે કોઈને કોઈ સ્વરૂપે એના અસ્તિત્વનો સ્વીકાર કરીને એક મર્યાદામાં રહી અને મર્યાદાનું પાલન કરીને સ્વસ્થ સમાજના નિર્માણનો પ્રયત્ન ચાલુ રાખીએ છીએ..
ઈશ્વર નામની સંસ્થાને કઠેડામાં ઉભી કરીને ક્યારેય સમાજને કોઈ જ ફાયદો થયો નથી , ઉપરથી નાનો વર્ગ કે જેનું વોલ્યુમ ઘણું મોટું છે એ જો ઈશ્વરને ભૂલી ગયો ત્યારે કઠુઆ કરતા મોટા કાંડ થયા છે..એ જ રીતે વધારે પડતો ઈશ્વરમાં ભરોસો મુકનારો પણ ખુબ નુકસાન કરે છે..
સંપૂર્ણ નાસ્તિક અને સંપૂર્ણ આસ્તિક આ બંને સમાજ પોતાના લોકો માટે જ નુકસાનદેહી છે..
આપણું ન્યાયતંત્ર આજકાલ વધારે પડતા ઉછાળા મારતું દેખાય છે પણ હજી સુધી ક્યાંય કોઈ જ સીધી અસર સમાજજીવન ઉપર દેખાતી નથી..અને બળાત્કાર જેવા કેસમાં તો તારીખ પે તારીખ બસ..
દરેક વાતમાં પોતાના રોટલા શેકતા રાજનેતાઓને ન્યાયતંત્રની શીથીલતાનો લાભ લેવાની મોજ આવી જાય છે..
આજે તો બળાત્કાર જેવા મામલામાં પણ હવે પક્ષવિપક્ષ સામસામે છે..
કદાચ દુનિયામાં જવલ્લેજ આવું જોવા મળે છે ..
પણ હવે આ તો ભારતભૂમિ અહિયાં તો બધું નાં જોયાનું જોયું જ હોય..!!
આરોપી સામેથી સીબીઆઈ અને નાર્કો ટેસ્ટ માંગે અને તંત્ર ના પાડે..!!
શું સાચું અને શું ખોટું એ જ સમજાય તેમ નથી..
“સો દોષી છૂટી જાય તો વાંધો નથી પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ”
કદાચ આજે ચાલી રહેલા બધા પાપના મૂળમાં આ લાઈન જ છે..
એક નિર્દોષ માટે સો દોષીઓ ને છોડી મુકાય છે..
વચ્ચે ક્યાંક એવું છપાયું હતું કે સુંદર સ્ત્રી પુરુષની બાજુમાંથી પણ પસાર થાય છે તો ગમે તે ઉંમરના પુરુષનું એદ્રીનાલીન લેવલ વધી જાય છે..આવા બધા ઘણા સર્વે અને સેમ્પલ કેસ સ્ટડી થયા છે, સાયન્ટીફીકલી ક્રિમીનલ માઈન્ડસેટને સમજવાના ઘણા પ્રયત્નો થયા છે પણ આજ સુધી એકપણ વિજ્ઞાની કે સર્જનહારના ડાયરેક્ટ એજન્ટ શા માટે કોઈપણ પુરુષ બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપે છે એ ઠોક-બજાવીને કહી શક્યો નથી ..
વિજ્ઞાનીઓ હોર્મોનલ ઈમબેલેન્સ અને એજન્ટો તો સિદ્ધી સ્ત્રીને જ જવાબદાર ઠેરવી અને હાથ અધ્ધર કરી દે છે..
એક હકીકત એ પણ છે કે સ્કુલ કોલેજનો નવો નવો જુવાન થયેલો લંપટ છોકરો કોઈ છોકરીને છેડતા પેહલા એની આજુબાજુ એના “ભાઈઓ” કેટલા છે એ પેહલા જોવે છે .
અને એ આજુબાજુના “ભાઈઓ”ની બીકે જ એ લંપટ આગળ વધતા અટકે છે..
અને ઓછો લંપટ કે સીધો છોકરો સમાજ અને માતાપિતાની બીકે અટકે છે ..
પણ બીક ને લીધે જ અટકે છે એ વાત તો સો ટકા ની..!!
એટલે બોટમ લાઈન મુકવી હોય કે બળાત્કાર જેવી ઘટનાઓ ને રોકવી કે અટકાવવી હોય તો એક જ વસ્તુ જરૂરી છે અને એ છે બીક ..
જે કાયદાનો ઝડપી અને સખ્ત અમલ આપી શકે..
આરોપીઓ અને પીડિતામાં હિંદુ-મુસલમાન કરવા જઈશું તો નરક ઉર્ફે દોજખ અહિયાં જ તૈયાર થઇ જશે..
સ્વર્ગ ઉર્ફે જન્નત તો બધા જ ધર્મમાં મર્યા પછી જ મળે છે પણ નર્ક ઉર્ફે દોજખ જો આપણે આવી જ રીતે ગુન્હેગારોને ધર્મના નામે છાવરતા અને મુદત પછી મુદત આપીને પંપાળતા રહીશું તો આપણને અહિયાં જીવતે જીવ ચોક્કસ જોવા મળશે..
કેન્ડલ માર્ચ થવી જોઈએ પણ સરકારની સામે નહિ ચીફ જસ્ટીસની સામે..
નિર્ભયા, કઠુઆ અને ઉન્નાવ ના આરોપીને મૃત્યુદંડ માટે..
શુભ રાત્રી
શૈશવ વોરા