ચાંલ્લો લેવો કે નહી..?
ગુલબાઈ ટેકરાની ઝુપડપટ્ટીથી લઈને વાયા મણીનગરની વાડીઓ અને ત્યાંથી સરખેજ ગાંધીનગર હાઈવેના વૈભવી પાર્ટી પ્લોટ,બધે જ લગ્નસરાની સીઝન જામેલી છે,
દુનિયાભરના કુઝીન અને પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલના ખૂણે ખૂણે જઈ જઈને પ્લેટો ભરી ભરી અને ખાઈ ખાઈ ને થાકી-હારી ગયા,પછી કાલે છેવટે પત્નીજીને કેહવું પડ્યું કે પપ્પાની ભાખરીની જોડે ત્રણ ભાખરી મારી પણ બનાવજો, હું રાત્રે ભાખરી અને દૂધ લઈશ બીજું કઈ જ નહિ..!
મન તડપત ઘરનું ખાને કો બાપ..!
થાક્યા ..!
પણ આ બધાની વચ્ચે એક સરસ ચર્ચા થઇ ગઈકાલે,લગભગ દરેક મોટા લગ્નો માં “નો ગીફ્ટસ ઓન્લી બ્લેસીન્ગ્સ” લખવામાં આવી રહ્યું છે,અને છતાં પણ આપણે કવર ભરીને લઇ જઈએ છીએ, અને ભરેલા કવર ઘેર પાછા આવે છે..અને ચર્ચાનો મુદ્દો આ જ હતો કે આ ચાંલ્લા પ્રથા બંધ થવી જોઈએ કે નહિ..?
મારા મિત્ર અને જાણીતા લેખક શ્રી વિક્રમ દલાલના પુત્ર એવા ગૌરાંગ દલાલ તરત જ બોલી ઉઠ્યા “આ બહુ ખોટું થાય છે ચાંલ્લા પ્રથા બંધ ના થવી જોઈએ,” મને પણ લાગ્યું કે હા વાત સાચી છે, આ લગ્નોમાં થતો ચાંલ્લો એ તો એક સામાજિક “ઈન્સ્યોરન્સ સીસ્ટમ” છે, જે આપણા બાપ દાદાઓ એ ગોઠવેલી છે, અને અનેકો અનેક કુટુંબો કે જે પ્રસંગ લઈને બેઠા છે એમને માટે આ ચાંલ્લાની રકમ એ ટેકા રૂપ હોય છે..
પ્રસંગ લઈને બેઠેલો માણસ કેટલો ચાંલ્લો આવશે એની ગણતરી કરીને પ્રસંગ ના કરે એ સ્વાભાવિક છે, પણ એક અડસટ્ટો તો એને જરૂરથી હોય જ કે અમુક રકમ ચાંલ્લામાં આવશે, અને જે પ્રસંગ પૂરો થાય પછી એને ચાંલ્લો મળે અને સાવ છેલ્લે આવતી એ ચાંલ્લાની રકમ ખુબ જ ટેકો કરી ને જાય છે..!
પ્રસંગ લઈને બેઠેલા મધ્યમવર્ગી અને સંસ્કારી સામાન્ય માણસ માટે ચાંલ્લો એ અત્યંત જરૂરી છે, અને હું આ ચાંલ્લા પધ્ધતિને સામાજિક ઈન્સ્યોરન્સ ગણું છું, જેમ ઈન્સ્યોરન્સ પોલીસીમાં આપણે ટીપે ટીપે કરીને વીસ વર્ષ સુધી રૂપિયા જમા કરાવીએ અને એક સામટા બધા જ રૂપિયા આપણને પોલીસી મેચ્યોર થાય ત્યારે પાછા મળે છે,એમ ચાંલ્લો એ એક પ્રકારનું આપણા સમાજ દ્વારા ઉભી કરાયેલી ઈન્સ્યોરન્સ સીસ્ટમનો એક ભાગ છે,ચાંલ્લો એ પ્રીમીયમ છે અને પ્રસંગે પાછો આવતો “ચાંલ્લો” એ મેચ્યોર થયેલી પોલીસી છે..!
ઘણા સમાજો અને જ્ઞાતિમાં માંદગીમાં ખબર કાઢવા આવે ત્યારે પાંચ દસ રૂપિયા બીમારના હાથમાં મુકવાનો રીવાજ હતો,એ રીવાજ લગભગ જેને ત્યારે આપણે મેડીકલેઇમ છે એની સીમીલાર સીસ્ટમ તમે કહી શકો છે..! એ ત્યારે નામશેષ છે,પણ મેડીકલેઇમમાં શું છે અલ્ટીમેટમેટલી તો ઈન્સ્યોરન્સ કંપની આપડા સમાજના રૂપિયા જ સમાજ ને પાછા આપે છે..!
ચાંલ્લા પધ્ધતિને મોડીફાઈ કરવાના ઘણા પ્રયત્નો થયા..ચાંલ્લાની જગ્યા ગીફ્ટએ લીધી અને ઘણા કેસમાં એવું થતું કે ઘડિયાળો ના કે મીક્ષર,જ્યુસર કે બીજી એવી અઢળક નાની મોટી ચીજવસ્તુના ઢગલા થઇ જતા,જે બિલકુલ નક્કામી હોય,
એક જમાનામાં સસ્તી ચાંદી હતી ત્યારે ચાંદીના સિક્કા અને પેહલો દીકરો કે દીકરી જન્મે ત્યારે ચાંદીના નાના નાના ગ્લાસના ઢગલા થઇ જતા અને ઘણીવાર સમસ્યા ઉભી થઇ જતી હતી કે આ બધું ઠેકાણે કેમનું પાડવું..?
પણ દોસ્તો યાદ કરો કે આ બધા ઢગલામાં એકાદ બે એવી વસ્તુ રેહતી કે જે તમને ખરેખર કોઈના દ્વારા દિલથી અપાયેલી હતી અને ક્યાંક હજી પણ એ ગીફ્ટને સંઘરી રાખી હશે તમે..અને જયારે આ “નો ગીફ્ટ ઓન્લી બ્લેસીન્ગ્સ”નું પાટિયું મારીએ ત્યારે આ પ્રેમથી લવાયેલી ગીફ્ટ મિસ થઇ જાય છે, છૂટી જાય છે..
મારા એક દિલ્લીમાં રેહતા મિત્રને મેં બહુ જ વિચારી વિચારીને એક ફોટોફ્રેમ એના ઓફીસ ડેસ્ક ઉપર રહે એવી નાનકડી પણ બહુ જ સરસ હતી એ ફોટોફ્રેમ મેં લગભગ પંદરેક વર્ષ પેહલા એને આપી હતી,અને એ ફોટોફ્રેમ આજે પણ એની ઓફીસના ટેબલ પર પડેલી છે, અને પેહલા એમાં એની પત્ની અને હવે એના પત્ની અને બાળકો સાથેના ફોટા રહે છે પણ ફ્રેન એ બદલતો નથી..
મેં એને કીધું યાર બદલ આને હું બીજી લાવી દઉં અને એનો જવાબ હતો “નહિ યાર શૈશવ એ કુછ અલગ હૈ, યે તો અબ લાઈફ ટાઈમ યહીં રહેગી જો મેરે દિલમેં હૈ વો ઇસી ફ્રેમ મેં રહેંગે ઔર લાને વાલા ભી ઇસે દિલસે લાયા થા..”
એના માટેનો મારો પ્રેમ લાગણી એને સ્પર્શી ગઈ,પંદર વર્ષમાં ત્રણ ઓફીસ અને છ ફેક્ટરી એની વધી ગઈ પણ પેલી ફોટોફ્રેમ તો એ જ અને એ જ જગ્યાએ રહી..!
કચરા જેવી ગીફ્ટ નથી લેવી એવી ભાવનાની વચ્ચે ખરેખર દિલથી લવાયેલી ગીફ્ટ પણ જતી રહે છે..!
એક મારા ફેમીલી ફ્રેન્ડ કાકાના પરિવારે નક્કી કર્યું છે કે એ લોકો ચાંલ્લો કે ગીફ્ટ લેતા પણ નથી,અને આપતા પણ નથી, કદાચ ચાંલ્લાના નામે ચાલતા કુરીવાજો ને કારણે એમનું પરિવાર આ નિર્ણય પર આવ્યું હશે,
ઘણી બધી જ્ઞાતિઓમાં ચાંલ્લા અને મોસાળા માટે રીતસરની ખેંચમતાણ કરવામાં આવતી હોય છે એક બહુ જ મોટા કોર્પોરેટ (મોટા એટલે બહુ જ મોટા ભારતના પેહલા પાંચમાં સેહજ પણ અતિશયોક્તિ વિના) ઘરાનાના માલિકના એકદમ નિકટના સગાનાના મોસાળામાં મારે જવાનું થયું હતુ.. રીતસર સામસામે બંને પક્ષો ખેંચમતાણી કરે અને હું તો કબુતરની જેમ જોયા જ કરું કે આ શું આટલી બધી બુમાબુમ અને આવું તે કઈ હોય ? લાખ્ખો વટીને કરોડોમાં વાત જતી રહી હતી અને શાકબજારની જેમ બુમો પડે..! મારુ દિમાગ છટકતુ જતું હતું અને ગાળો છેક હોઠ સુધી આવી ગઈ હતી અને બીજો એક મિત્ર મને બહાર ખેંચી ગયો .. તું શાંત થઇ જા પ્લીઝ અહિયાં તો આવું જ રેહવાનું,શીખ્યો હતો એટલી બધી જ ગાળો ત્યાં બોલી ગયો એ મિત્રની સામે અને પછી ગાડી મારી મૂકી ના ભાઈના જમવા ના રોકાવાય..!
એટલે ચાંલ્લો કે મોસાળુ જબરજસ્તી ના હોય જે પ્રેમ અને ઈચ્છા બસ..!
મિત્ર ગૌરાંગ દલાલએ જેમને ચાંલ્લો ના લેવો હોય તેમના માટે એક પ્રેક્ટીકલ સોલ્યુશન આપ્યું, એમના પપ્પા એ એમના લગ્નમાં દરેકને એવું કહ્યું હતું કે હું મારા દીકરાના લગ્નમાં ચાંલ્લો લઈશ પણ ફક્ત પાંચ રૂપિયા નો ચાંલ્લો લઈશ..જે ખુબ જ નાની રકમ છે..!
અત્યારે પણ જો ચાંલ્લો લેવો નથી તો લખી શકાય કે ફક્ત ૧૦૦ રૂપિયાનો ચાંલ્લો સ્વીકાર્ય છે, અને ગીફ્ટ નહિ, કચરા ગીફ્ટથી ડર લાગતો હોય તો..!
જો કે કચરા ગીફ્ટ(વોલ કલોક,મીક્ષર) આવે તો આપણી આજુબાજુ એવા ઘણા લોકો છે કે જેમને એની જરૂર છે એમને આપી શકાય..પણ ઘણીવાર એવું થાય કે લગ્નની ઉજવણીના માહોલમાંથી માંડ બહાર આવ્યા હોય ત્યાં આ કુથો કોણ કરે..!
પણ આ ચાંલ્લો,મોસાળા,ફૂઈયારા આવા ઘણા બધા રીવાજોને તિલાંજલિ આપતી વખતે એકવાર જરૂરથી વિચારવા જેવું છે..
હું તો બહુ જ ખુલી ને કહું છું કે “ચાંલ્લા પ્રથા” બંધ ના જ થવી જોઈએ..!
અને જો બધી જ પ્રથાઓને એક પછી એક વિદાય કરશું તો સમાજમાંથી હુંફ જતી રેહશે એકબીજાના ટેકા ખસી જશે અને આપણે ઉઘાડા થઇ જઈશુ..
વિચારો તમે પણ ચાંલ્લા પ્રથા વિશે, જરૂર ના હોય તો ૧૦૦ રૂપિયા લેજો અને એ પણ દાનમાં આપી દેજો, પણ એકવાર બંધ થયેલી પ્રથા ફરી ચાલુ નહિ થાય, તમારા શોખે અને દેખાદેખીમાં બીજો કોઈ ના દંડાઈ જાય માટે વિચાર કરજો અને પછી કંકોત્રીમાં છાપાવજો “નો ગીફ્ટ ઓન્લી બ્લેસિંગસ”
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા