એનઆરઆઈ ના રીયાલીટી ઇન્વેસ્ટમેન્ટમાં ત્રીસ ટકા નો ઘટાડો આવ્યો..!
સારું કેહવાય ..!
શું કરવા એનઆરઆઈ અહિયાં ડોલરના રૂપિયા કરી ને ઇન્વેસ્ટ કરવા આવે છે એ જ સમજાતું નથી ..!
રૂપિયો ગમ્મે તેની સરકાર હોય તો પણ ઘસાવાનો જ છે , ડોલર અને રૂપિયા ના ખેલમાં હંમેશા ધોતિયા ફાડી ને રૂમાલ જ થયા છે ,અહિયાં લાવો ત્યારે ભાવ જુદા હોય અને લઇ જાવ ત્યારે કૈક જુદો ખેલ હોય તો પછી કાઢી શું લીધું પિત્તળ ?
એનઆરઆઈ ની “કાળી” મજુરીના ડોલર હોય બિચારાના ,
બરફના ઢગલા પાવડે પાવડે ઉલેચ્યા હોય ,ભારત ભૂમિ છોડી હોય ત્યારે જુના જમાનામાં બંગાળમાં જેમ પરાણે “સતી” કરવાની હોય એમ ઘેરથી એરપોર્ટ સુધી ઢોલ નગારા વાગાડી ને જુલુસ નાચતું ગાતું એરપોર્ટ મુકવા આવ્યું હોય અને પછી કોઇપણ ભોગે ટકી જવાનું છે એવું પ્રેશર મુક્યું હોય આખા સમાજે ભેગા થઇ ને,
ધીમે ધીમે “સ્કીલ્ડ લેબર” બે પાંદડે થાય અને “સેટ” થાય પછી ક્યાંક ત્રીજું પાંદડું ફૂટે એટલે “ઘો” ફરી પાછી આ બાજુ જોવે ..!!
“ઇન્વેસ્ટ” કરે દેશમાં ..!!!
અલ્યા ભ`ઈ , બો`ન મારી .. શું કામ પણ ? નથી તારો વસ્તાર અહિયાં પાછો આવી ને રેહવાનો કે નથી તમે , તો શું કરવા અહિયાં ઇન્વેસ્ટ કરો છો ?
તમે અહિયાં ડોલર તોડી ને રૂપિયા કરો એટલે અહી વાળો બિલ્ડર ફૂલે ફાળે અને અહિયાં તેજી ચડે રીયાલીટીમાં, અલ્ટીમેટલી તો બાપડો અહીં નો ગરીબ વીસ વર્ષની લોન લઈને માંડ ઘર ભેગો થતો હોય એ પચ્ચીસ વર્ષની લોન લ્યે ,પાંચ વર્ષ વધુ ઝુડાવે ..!!!
તમ તમારે શેરબજાર નામના ઓફિશિઅલ સરકારી કેસીનોમાં રમ્યા કરો ,ચકરડી ફરે પણ વેહલી અને નીકળવું હોય ત્યારે ફટાક કરતુ નીકળી જવાય ,રીયાલીટીમાં એમ ઝટ માલ ખપે પણ નહિ અને અહિયાં દેશમાં તો કેવું ચાલે તમને ખબર જ છે ને “લેવા જાવ તો લેવાઈ જાવ અને વેચવા જાવ તો વેચાઈ જવાય” ,
એના કરતા તમ તમારે તમારું વનરાવન રૂડું રાખો અહિયાં વૈકુંઠે ઘર નથી લઈને મુકવા ,નકામી ઉધઈઓ બારસાખ ખ`ઈ જશે..!!
થોડુક જમણેરી વિચારધારાથી જુદું વિચારું છું પણ હું માનું છું કે સો ટકા જમણેરી વિચારધારા ખોટી થોડો ડાબેરી ઝોક પણ રાખવો ..! દસથી પંદર ટકા ..!!
આર્થિક બાબતોમાં જમણેરી વિચારધારા એટલે નકરો ભૌતિકવાદ , કન્ઝ્યુમર ઈકોનોમી, બસ બધું વાપરી જ ખાવાનું ,અને દે.. દે.. પીરાણા ના કચરા ડુંગરો છે એવા ડુંગરા ઉભા કરી ને મુકવાના ..!!
જ્યારે ડાબેરી વિચારધારા એટલે સાદગી ..વગેરે.. વગેરે.. વિચારો ને ઝાલી ને જકડી રાખવાના ,ઉચ્ચ વિચારો નો ડુંગર , ભૌતિકવાદ તરફ ગણ્યાગાંઠ્યા લોકો ને જવા દેવા બાકીના ઉચ્ચ વિચારોમાં રાચે..!!!
બે વાદનું મિક્ષ્ચર કરી ને સમાજવાદ લાવ્યા પણ એમાં ઘુસાડ્યો જાતિવાદ એટલે સંપૂર્ણ નિષ્ફળ ગયા , પછી શું ? તો કહે લગભગ ભિખારી અવસ્થા આવી પડી , જમણેરી મોરો ઘુમાવ્યો બજાર ખુલ્લું કર્યું નરસિંહરાવ સરકારે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા પણ જેમ નર્મદાના ઉધારના સિંદુરે સાબરમતી અમદાવાદમાં સોહાગણ દેખાય છે એમ ભારતીય ઈકોનોમી ફૂલીફાલી..!!
ધોળકે જાવ એટલે સાબરમતી ગટરમતી થઇ જાય..!!
જે ફ્લેટ ૨૦૦૦ ની સાલમાં ત્રણ લાખમાં મળતો હતો એ ફ્લેટ પોણો કરોડ નો થઇ ગયો આજે વીસ વર્ષમાં , જે રઘલા પાસે ત્યારે ત્રણ લાખ નોહતા એ રઘલા પાસે આજે પોણો કરોડ પણ નથી..!!
રંગ ડોલરિયો ૨૦૦૦ ની સાલમાં ૪૩ -૪૪ રૂપિયે હોળી રમતો એ આજે ક્યાં ? અને ૨૦૦૦ સાલ પછી એક તેજી ખાધી પછી ની એવી કોઈ મોટી તેજી રીયાલીટીમાં આવી ? અને તો પણ કમાયા વિના રહી જ ગયા છો તો ત્યાં વાળા દસ બાર ભેગા થઇ ને બિલ્ડર જોડે “બે`હી જા`વ” ..
“હેંડ તારા દહ ટાવરમોંથી તઈણ લીધા ભાવ બોલ અન વેચી એ તારે જ આ`લવા ના , વેચતી વખતે અલગથી કમીશન આ`લે બોલ..!”
પણ માલ ઝાલી ને બેસીના જવાય ..!!
મા`લ ની મો`બત ના ખપે..!
ત્રણ ચાર વર્ષમાં ફેરવી નાખવો પડે..!!
ભારત દેશ ને ફરતા માલ ની જરૂર છે જામી પડેલી ચકરડીની નહિ..!!
ઇન્વેસ્ટર માલ ખરીદે પછી એ માલ વપરાયા વિનાનો પડી રહે કેમ કે જેને જરૂર છે એની પોહચ ની બાહર થઇ જાય છે , છેવટે એના નિર્માણમાં વપરાયેલી રાષ્ટ્રીય સંપત્તિ નો દુર્વય્ય થાય છે ..!
સમાન્ય રીતે એક ફ્લેટની એવરેજ લાઈફ ૫૦ વર્ષ ગણવામાં આવે છે અત્યારે અને એમાં પણ જો એ ફ્લેટ ઇન્વેસ્ટર લઇ ને મૂકી રાખે પાંચ વર્ષ તો એની દસ ટકા લાઈફ તો પડ્યા પડ્યા જ પૂરી થઇ ગઈ ..!!
આવું ને આવું ચાલે તો એક બાજુ ખાલી ફ્લેટો નો ઢગલો હોય અને બીજી બાજુ ઝૂપડપટ્ટી નો ..!!
એક અત્યારે બીજી તાતી જરૂર એ પણ છે કે જે ફ્લેટ નવા બની રહ્યા છે તેમની એવરેજ લાઈફ તજજ્ઞો દ્વારા કાઢી અને એ ફ્લેટો એ પાટિયા મારો કે આ ફ્લેટ ફલાણા વર્ષમાં ઉતારી જ લેવો પડશે , ઉદાહરણ રૂપે એમ માનીએ કે ૨૦૦૦ ની સાલ નો બનેલો ફ્લેટની લાઈફ બનાવતી વખતે જો ૫૦ વર્ષ આંકવામાં આવી હોય તો ૨૦૫૦ માં એને ઉતારી જ લેવો પડશે ,
બહુ મજબુત બનાવ્યા હોય તો પચાસની બદલે ભલે પંચોતેર વર્ષ આયુષ્ય રાખો , એ નક્કી જે તે તજજ્ઞો કરે, પણ જેમ વાહનોમાં સ્ક્રેપ પોલીસી જાહેર થઇ તેમ મકાનોમાં પણ સ્ક્રેપ પોલીસી જાહેર કરવી પડશે, અત્યારે ઘણા જુના બિલ્ડીંગો જે લગભગ પચાસ વર્ષ પેહલા બન્યા છે નગરી અમદાવાદમાં એ લગભગ “અ`ડી ને આ`ઈ ને ઉભા છે ..!!”
એકાદી કુદરતી આફત ઘણો વિનાશ સર્જી શકે , એના કરતા પાટિયા મારો કે અમુક તમુક સાલમાં આ ફ્લેટ ઉતારી જ લઈશું ,અને ઉતારી પણ લેવા પડે..!!
એલિસબ્રિજ ની જેમ બધુય જુનું એટલું હેરીટેજ ગણી ઉભું ના રખાય , લોખંડ ની જગ્યાએ પેહલા લાકડા નો પુલ હતો અને લક્કડીયો પુલ કેહતા , જેમને પેઢી દર પેઢી લક્કડીયો પુલ કેહવાની ટેવ પડી છે એ એલીસબ્રીજ પણ નથી બોલતા , અને વિવેકાનાદ બ્રીજ તો લગભગ કોઈ નથી બોલતું..!! આખો ઉતારી લઈને નવો બનાવ્યો હોત તો પણ કેહવાવાળા તો લક્કડીયો પુલ જ કેહવા ના..!!
પૈસો અને લોહી ફરતો રાખો પણ શરીરમાં ,શરીર ની બહાર નહિ ..!
એનઆરઆઈ રૂપિયા એ બહારના રૂપિયા જ છે ,પોતાના ગણવાની ભૂલ ના થાય..!!
ઇન્વેસ્ટરના ખાલી પડેલા બે પાંચ કરોડ ફ્લેટો સામાજિક અસમાનતા જ ઉભી કરે ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*