દુ:ખિયારા NRI..
થોડાક દિવસ પેહલા એક લગ્નમાં એક ઘરડું NRI કપલ મળી ગયું ..
મને જરાક ઉત્સાહ દેખાડવાની ટેવ એટલે હરખભેર એમની તરફ દોડી ગયો, અને બંનેને પગે લાગ્યો,
પૂછ્યું કેમ છો તમે લોકો ? બહુ દિવસે ,રાધર વર્ષે જોયા તમને, પણ એવાને એવા છો બહુ આનંદ થયો તમને મળીને..!
ઘરડા બા સેહજ નજર આડી કરી ગયા ..
દાદા બોલ્યા શું મજામાં ? બસ ફરીએ છીએ એક ઘરથી બીજા ઘરે .. તમારા મમ્મી કેમ છે ? અમેરિકા, કેનેડા જાય છે ?
મેં કીધું …ના કાકા ,મમ્મી હજી દવાખાનું ચાલુ રાખ્યું છે એટલે એ અમેરિકા કેનેડા નથી જતા પણ એ લોકો અહિયાં આવી જાય છે ..!
કાકીએ તરત જ નિ:સાસો નાખ્યો .. ના પડતી હતી તારા કાકાને કે આટલી ઉતાવળ કરીને ધંધો ના કાઢી નાખો અને બાકી હતું તો ઇન્ડિયાનું ઘર વેચી માર્યું હવે ભટકીયે છીએ..!
કાકીનો બળાપો ચાલુ ..
કાકાએ સેહજ છણકો કર્યો કે શું દુ:ખી છે ? છોકરાના છોકરા પણ હવે તો હાથમાં ને હાથમાં રાખે છે આપણને , તો પછી શેના કકળાટ કરે છે ?
કાકીએ તરત જ કીધું .. બોલ શૈશવ આજે ત્રેવીસ વર્ષ થયા આમ ને આમ ,અમે અમારા ઘેર નથી ગયા, મોટી અમેરિકા પરણાઈ ત્રીસ-બત્રીસ વર્ષ પેહલા પછી ગ્રીન કાર્ડ અને બીજા છોકરાઓને સેટ કરવામાં અમારી જિંદગીનો બલી ચડી ગયો ..
કાકાએ કાકીને અટકાવ્યા ..અરે મુકને તું પણ શું બધું મંડી છું ..
કાકી બોલ્યા ..ના મને કેહવા દો આજે તો ..
કાકી ફુલ્લ ફોર્મમાં આવી ગયા .. આજે મુક્તાબેન(મારા મમ્મી) એંશી વર્ષે દવાખાને જાય છે, સ્વતંત્ર છે, એમનું ઘર છે, અને તમારું કે મારું ઘર નથી, આપણે આપણા છોકરાઓ કે એમના છોકરાઓના ઘરમાં રહીએ છીએ, બોલ તો ફર્ક પડે કે નહિ શૈશવ ?
મેં કીધું …કાકી છોકરા એમના છોકરા બધા તમારા જ છે ને .. અને બધા ઘર તમારા નથી ?
કાકા બોલ્યા .. શૈશવ ચારેય છોકરા અમારા, અને છ ગ્રાન્ડ ચિલ્ડ્રન બધાના ઘરમાં અમારો એક જુદો રૂમ છે, અરે બે ઘરમાં તો કપડા પણ અમારા ત્યાં છે ..
કાકીએ વાત કાપી.. ખોટી વાત છે, સો વાતની એક વાત તમે મને ઘર વિનાની કરી મૂકી છોકરાઓની પાછળ..
કાકા અકળાયા .. બોલ અત્યારે ફ્લેટ લઇ લઉં અહિયાં ઇન્ડિયામાં ? આ પંચ્યાસી વર્ષે તું મેન્ટેન કરીશ ? રહીશ એકલી ? રેહવા દેશે કોઈ તને અને મને એકલા ?
કાકી બોલ્યા ..ખાલી આવી રીતે વાતો જ કરો છો આટલા વર્ષથી, હતા એ વેચાવી માર્યા અને હવે ઘેર ઘેર ભટકવાના ..
મૂળ વાતે એ કાકા-કાકીને ચાર સંતાનનો વસ્તાર ,ત્રણ દીકરી અને એક દીકરો , મોટી દીકરીને અમેરિકા પરણાવી અને બીજા પાછળના અમેરિકા સેટ કરવા માટે કાકા કાકીનું ગ્રીનકાર્ડના લફરાને લીધે એમને ફરજીયાત માઈગ્રેટ થવું પડ્યું હતું ,અને ધીમે ધીમે એમના બાકીના બધા સંતાનો અમેરિકા સ્થાયી થયા ,
એમણે એમના ચાર સંતાનોના આઠ છોકરાની સુવાવડો કરી અને મોટા કર્યા , જે ઘેર બા-દાદાની જરૂર હોય ત્યાં બિચારા પોહચી જાય ,પછી થયું એવું કે એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન પરણ્યા અને એમની સુવાવડો પણ બા-દાદાને માથે આવી ,
એ પણ હોંશે હોંશે કરી, દરેક ઘેર બા-દાદા પાણી માંગે તો દૂધ ,એ પણ કેસરવાળું .. હાજર થાય , એમના સંતાનો સંસ્કારી ,એમના પૌત્રો-પૌત્રીઓ પણ સંસ્કારી બધું જ સારું પણ એમનું પોતાનું ઘર નહિ ..
કાકીને એ વાતનો પૂરે પૂરો ખટકો.. મને ઘર વિનાની કરી મૂકી તમે..!!!
કાકી બિચારા મને કાયમ કહે .. મુક્તાબેનને (મારા મમ્મીને ) ધરાર ના મોકલીશ હોં, મહિનો બે મહિનો જાય એ અલગ વાત છે , પણ એમનું દવાખાનું કાઢવાની ભૂલ ના કરતો, પ્રવૃત્તિ ક્યારેય છોડાય નહિ ,સોનાના ખાટલે તમને ઊંઘાડે બધા, પણ એ ખાટલો તમારો નહિ પારકો જ .. આટલા વર્ષમાં શૈશવ હું સળંગ એક વર્ષ કોઈ એક ઘેર માંડ રહી હોઈશ .. તારા કાકા તો તમાચો મારીને ગાલ લાલ રાખતા શીખી ગયા છે, હું નહિ રાખું.. બધ્ધાને કહું છું હું તો, આમ છોકરા સેટ કરવા હોય તો કરાય, પણ અમેરિકામાં પણ આપણું પોતાનું ઘર લઇ લેવાય, ઘેર ઘેર ના ભટકાય , સુવાવડો મારું ઘર હોત તો મારે ઘેર રાખીને નાં થાત ? પણ તારા કાકાની આ પરગજું વૃત્તિએ મને ઘર વિનાની કરી મૂકી ..!
અને જો ભાઈ શું કહું તને, આજે તારી વહુ ખુબ જ સારી છે, પણ કઈ બોલે ને તારી મમ્મી એમના ઘરમાં છે , એમને બહુ ના લાગે, પણ અમે જ્યારે એમના ઘરમાં રેહતા હોઈએ ને , ત્યારે સેહજ પણ બોલેને કોઈ તો છાતી સોંસરવું જાય છે .. એ ભલે ગમે તે કહે પણ સુનમુન થઇ જાય અઠવાડિયું..પછી ઠેકાણું પડે..
કઈ સેહલું નથી એમ પોતાના પંડ જોડે પણ નિભાવવું..!! અને આ અમેરિકા ઇન્ડિયા ,ઇન્ડિયા અમેરિકા ના ધક્કા ? અને અમેરિકા પણ નાનો દેશ છે ? એક છેડેથી બીજા છેડે સાત-સાત કલાકની ફલાઈટો લેવાની ..મને પંચ્યાશી થયા અને એમને સીત્યાશી .. ક્યાં સુધી આમ ને આમ ? ઇન્ડિયા હવે આવવું જરાય નથી ફાવતું , બીઝનેસ કે ફર્સ્ટ કલાસની ટીકીટ હોય તો પણ એ સોળ-સોળ કલાક ભૂંગળામાં (વિમાનમાં )કાઢવા તો ખરાને ? એરપોર્ટ ઉપર વ્હીલચેરમાં લઇ લઈને સ્ટાફ દોડે પણ હડદોલા નહિ ખાવાના ? કોણ જાણે ક્યાં ચોઘડિયે આમને સુઝ્યું અને મેં વળી ના પાડી નહિ..
મેં કીધું કાકી હવે ધીરા ખમો .. બોહત ગઈને થોડી રહી ..
કાકી બોલ્યા .. હા ,હા ભાઈ, પણ આ તો તારા જેવો પોતાનો મળે કોઈ તો બોલી ને હળવી થઇ જાઉં બીજું શું .. મને તો થાય કે અહિયાં જ મરું, ત્યાં મુઆ સોમવારે મરી ગઈને તો અઠવાડિયું રાખી મેલશે મને ,અને છેક રવિવારે કાઢી જશે ત્યાં સુધી ગંધાવાનું મારે ..
મેં હસતા હસતા કીધું .. કાકી આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા .. મેલો ને છાલ ,તમે ગુજરી જશો પછી તમને નહિ ખબર પડે ..
કાકી બોલ્યા.. અરે ના ના ભઈ તેર દા`ડા સુધી આત્મા તો ત્યાં નો ત્યાં ફરતો હોય ..
કાકા હસતા હસતા બોલ્યા ..પચાસ વાર કીધું કે નહિ રાખી મુકું તને તરત જ અગ્નિસંસ્કાર કરી નાખીશું તારા પણ અત્યારે તો જપ ..
કાકી બોલ્યા.. જિંદગીમાં મારું કીધું કર્યું નથી, હવે મરું પછી કીધું કરે તો સારું ..
મને લાગ્યું કે હવે આ બે ને છુટા પાડવા જ પડશે એટલે હું દોડીને ડેઝર્ટ કાઉન્ટર ઉપરથી કુલ્ફી લઇ આવ્યો અને બંનેને આપી દીધી .. મોઢા તો બંધ થાય..!!
પણ ખરેખર અઘરી પરિસ્થતિ હોય છે, મારા જેવાને તો પલંગનું ગાદલું બદલાય તો પણ ઊંઘ ના આવે એમાં આ બિચારા ઘરડા જીવોનો શું વાંક ?
રોજ રોજ બદલે મુકામ કિયે ગામે લખવી કંકોત્રી જેવો ઘાટ થાય ..
જો જો યાર સાચવજો ..
કોઈ આવું એમના માબાપ જોડે કરતા હોય તો ના કરશો પ્લીઝ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*