ઓમ શાંતિ , હેપ્પી બર્થ ડે , હેપ્પી એનિવર્સરી …
શું લાગે છે ?
ત્રાસ ? કે પછી ઠીક મારા ભાઈ ..
ચાલે છે ચાલવા દો જસ્ટ ઇગ્નોર..
મોટાભાગના ગ્રુપ્સમાં આ ત્રણમાંથી કોઈક એક મેસેજીસનો મારો સતત ચાલતો રેહતો હોય છે ,ઘણા બધાને માથાનો દુઃખાવો લાગે છે, પણ એંશી ટકા પબ્લિક રાહ જોઇને જ બેઠી હોય છે કે ક્યારે મોકો મળે અને આપણે પણ કંઈક ટાઈપ કરી અને મૂકીએ..
વોટ્સ એપ એ એક ફીચર ઘણા સમયથી કાઢ્યું છે , ઈમોજીથી રિએકટ કરવાનું , એનો ઉપયોગ કરી શકાય એમાં કેર ઉર્ફે સાચવજો ,સેડ એટલે કે દુઃખી , એવા અસંખ્ય ઈમોજીસ આપ્યા છે ,પણ હવે આપણે એવી પ્રજા છીએ કે જે ચાલ્યું એ ચાલ્યું ..
લોલમ લોલ .. હો ભેંસલડી રે
નથી ગાંઠતી પ્રજા .. રીએક્ટ કરી અને મૂકી દેવાને બદલે મેસેજીસ મૂકીને રમઝટ બોલાવી દે અને પછી મારા જેવા બે ચાર મને કે ક-મને એમાં જોડાય , પાછું ખરાબ લાગે કે મને હેપ્પી બર્થ ડે કીધું નહિ ,એના કરતા આપણે પણ લખી મુકીએ ..
મારે અમુક ગ્રુપ્સ એવા છે કે જેમાં કોઈ મહાન હસ્તિ નહિ, પણ નાનામાં નાનું ઓછું જાણીતું ગુજરી જાય તો પણ એમાં નાખે અને પછી ઓમ શાંતિ .. ચાલે ..
અને મજાની વાત એ છે કે સમાચાર મુકનારને મૃતક સાથે કોઈ લેવાદેવા ,સ્નાન સૂતકનો પણ સબંધ ના હોય અને એમને લીધે બાકીના બધા ઓમ શાંતિ, ઓમ શાંતિ કર્યા કરે …
પેહલા લખી ચુક્યો છુ એક ઉદાહરણ .. આજે ફરી એકવાર ..
અમારે જુના અમદાવાદના ડોહલાઓ છાપું અને એમાં પણ બેસણા વાંચી ના લ્યે ત્યાં સુધી એ નહાવાનું પાણી બંબે ગરમ ના કરાવે ..
સવાર સવારમાં ડોહાઓ આખ્ખા છાપામાં ઝીણીમાં ઝીણી અવસાન નોંધ જોઈ લ્યે અને એમને હાશ થાય ..
હાશ ..અલી કહું છું આજે તો કોઈ નથી ગયું હેન્ડ પાણી ગરમ મૂક, અને કાકી બંબો પેટાવે ..
અને જો કોઈ ગયું હોય તો કહે .. હાશ ,આજે તો કોઈક ઓળખીતું ગયું છે ..અલી રેહવા દેજે આભડીયાવું પછી બંબો પેટાવજે ..!
કોઈ ગુજરી જાય તો પણ હાશ થાય ,અને કોઈ ના ગુજરી જાય તો પણ હાશ થાય..!!
હવે નવા ટાઈપના ડોહલા ડોહલી પેદા થયા છે ઓમ શાંતિ બહાદુર ..
અને કન્ટેન્ટ રાઈટરો પણ જબરા પેદા થઇ ગયા છે , કોઈ ક જાણીતી વય્ક્તિનું કુતરું પણ ગુજરી જાય તો એવું એવું લખે કે આપણને થાય કે આ શું ?
મને ઘણીવાર કન્ટેન્ટ રાઈટીંગનું પ્રેશર આવે તમે ફલાણા માટે લખો..
અલ્યા હું બ્લોગ લખું છું મારા મનની વાત લખું છું, કોઈ ધંધાદારી લેખક્યો નથી થઇ ગયો કે કોઈ હિરોઈનની બિલાડી ગુજરી જાય તો એના માટે બે પાના ભરી આપું , ફ્રેંચ લેખક ફલાણાએ પાળેલા પ્રાણી માટે આમ કીધું હતું અને બિલાડી બિલકુલ એવી જ હતી , ફલાણા જર્મન વિચારકે પાળેલી બિલાડી મા કરતા સારી હોય અને આમ ને તેમ કરીને બેચાર પાનાં ભરી આપે , એમાં પછી કોઈક દેશી બાપુનો મરી મસાલો ભભરાવે..
સાલું મુઈ ભેંસના ડોળા કરવાની વાત છે.. ઓહો પટેલ તમારી ભેંસ ના ડોળા કેવડા મોટા હતા ..સત્યાનાશ..!!!
હું તો માનું છું કે હવે કોમેન્ટ એરા પૂરો થયો, રીએક્ટ કરો ઘણું થયું , સાવ અજાણ્યા હોય એવા લોકો ગ્રુપમાં હોય તો રીએક્ટ કરી ને મૂકી દ્યો ,બસ .. બાકી જેમને ખરેખર લાગણી છે એ લોકો પર્સનલમાં મળશે ,ફોન કરશે આવી ના શકાય હોય તેમ તો અને સાવ એવું હોય તો પર્સનલમાં મેસેજ કરશે , અને છતાય બે શબ્દો મૃતક માટે સારા કેહવાના હોય કે બર્થ ડે બોય કે સુખી દામ્પત્યના તો જાત્તે એમના વિશે કન્ટેન્ટ બનાવો અને લખો અને ગ્રુપમાં નાખો..
પણ સારું બોલતા કે વિચારતા ક્યાં આવડ્યું છે આપણને ?
નરી જન્મારો આખ્ખો કુથલી કરી ખાધી હોય ,
તમે જોજો ફેમીલી ગ્રુપોમાં જેટલા લોકો હેપી એનીવર્સરીના મેસેજ નાખે કે હેપી બર્થ ડે ના મેસેજ નાખે એની કુટી ઘાલવામાં કંઈ બાકી નહિ રખાયું હોય ,
એક ના એક શું હેપા બર્થ ડે ,હેપા એનાવર્સરી અને ઓમ શાંતા ..
એક પ્રયત્ન કરી જુવો કે જેને હેપી બર્થ ડે લખો છો એની સાથે એના માટે કોઈ એક સારી કામના પણ લાખો, જેમકે ભાણિયો એન્જીનીયર થઇ રહ્યો છે તો એમ લખો કે તું સારામાં સારો એન્જીનીયર બની અને પરિવારનું નામ રોશન કરીશ ..
હમણાં મારા બે “બદમાશ “ પણ ઘણા વાહલા એવા નાનકડા મિત્રોના ઘેર પારણા બંધાયા તો બન્નેને અભિનંદનની સાથે મેં લખ્યું કે “તમારા બાપદાદાના પુણ્યે તમને સારી સંપતિ અને સંતતિ તમે પામ્યા છો તો હવે પુણ્યકાર્ય કરવાનો સમય તમારો છે ,આ ધરતી ઉપર તમારું સંતાન છે , જો તમે ઈચ્છતા હો કે તમારા સંતાનો પણ સુખી થાય તો તમારે પણ હવે પુણ્યકાર્ય કરવાની શરૂઆત કરવી રહી , જેથી તમને જે મળ્યું પામ્યા છો તે તમારી આગલી પેઢી પણ પામે ..”
બે શબ્દ પ્રેરણાદાયી લખી શકાય ,
એમ જ કોઈ દાંપત્યજીવન માટે પણ લખાય, અને મૃતક માટે તો જે લખવું હોય તે લખાય કેમ કે મડદું તો ક્યારેય બોલતું નથી અને મરનારનું ખરાબ પણ ક્યારેય બોલતું નથી..
પણ હકીકત એ છે કે લખીશ તો મને કોઈ ઓળખી જશે , એ સૌથી મોટ્ટી બીક ,
અને ઓળખાયો તો પરપોટો ફૂટ્યો સમજો.. એના કરતા ઓમ શાંતા ,હેપા બર્થ ડા અને હેપા એનાવર્સરી લખવા દો ને બાપા …
હા`ર તા`રે મારે શું ..? એટલે તું રીએક્ટ કરતા નહિ જ શીખે એમને અભણ ?
મુ નહિ કરે .. જા શૈશાવ્યા તારી ય ઓમ શાંતિ , હેપી બર્થ ડે અને હેપી એનીવર્સરી .. મુ નહિ સુધરે ..સો વાતની એક વાત..!!!!
જય હો ગિરધારી
રીએક્ટ કરજો બ્લોગ સારો લાગે તો અને ફોરવર્ડ પણ
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*