મન તરબતર થઇ ગયુ આટલું સ-રસ કાર્ટુન જોઇને..ટેણીયુ બાપાને ઇન્ફોર્મ કરે છે મારે ઓર્ગેનાઈઝડ ક્રાઈમમાં કેરીઅર બનાવવી છે,અને છાપામાં મોઢું ઘાલીને બેઠેલા બાપુજી પૂછે છે કે ગવર્મેન્ટ કે પછી પ્રાઈવેટ સેક્ટર..?
મારા જેવો બાપ હોય તો ઉદાહરણ સાથે પૂછી નાખે માલ્યા થવું છે કે એ.રાજા(૨-જી કાંડવાળા,જનતાની યાદદાસ્ત બહુ ટૂંકી હો ભાઈ) ..?
નીચે જવાબ પણ છે, કોઈક “દોઢ ડાહ્યા” નો,હું માનુ છું કે સરકારી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરાય..કેમ કે એ લોકો ક્યારેય જેલમાં જતા નથી..!ઉત્તમ ઉદાહરણ કલાનિધિ મારનની બાઇઝ્ઝત રિહાઈ..!
ઓર્ગેનાઈઝડ ક્રાઈમ..
એક ખતરનાક ટર્મ,અને ભારતીય માણસ માટે ડાબા હાથ નો ખેલ અને એ પણ એવી રીતે થતો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કે જેમાં ડાબો કરે અને જમણાને ખબર પણ ના પડે..!
તમને થશે કે આખા ભારતને આમા જોડે લેવાની ક્યાં જરૂર હતી પણ હકીકત એ છે કે કોઈપણ ઓર્ગેનાઈઝેશનને નામે આપડે ભારતીયો બિલકુલ પાછા પડતા નથી, અને કોઈ એમ કહે કે ખોટ્ટી વાત તો હું કહીશ કે સાચ્ચી વાત,કેમ કે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પણ પુરુષના ચારિત્ર્ય જેવું છે,કોઈ પુરુષ એમ કહે કે મારું ચરિત્ર બહુ ઊંચું તો એકવાર વિચાર કરવો પડે કે આ ભાઈ પુરુષમાં છે કે નહિ કેમકે પુરુષ હમેશા બે જ પ્રકારના હોય છે એક જેને ચાન્સ મળે તે અને બીજો પ્રકાર જેને ચાન્સ મળ્યો નથી એવા..!
શાસ્ત્રો પણ સ્ત્રીને “સતી” કહે છે પણ પુરુષ માટે મર્યાદા પુરષોત્તમથી આગળ કોઈ વધારાની ટર્મ પુરુષ માટે નથી..!
એમ જ ભારતીય પુરુષના માનસના પણ બે જ પ્રકાર છે, એક પ્રકારને ઓર્ગેનાઈઝેશન ના નામે ક્રાઈમ કરવાની તક મળી છે, એ અને બીજા જેને ઓર્ગેનાઈઝેશનના નામે ક્રાઈમ કરવાની તક મળી નથી એવા..!
હા એવું બને કે અમુક મહાઆળસુ “માટીડા” જેને જ્યાં છે ત્યાં પડી રેહવું છે અને ઘરમાં પડ્યા પડ્યા બીજાને ગાળો આપવી છે,એમનો હું પુરુષમાં સમાવેશ નથી કરતો..એટલે આવા બંને કેસમાં ઘરની કે ઓફીસની ગીરીકંદરામાં બિરાજતા એ પુરુષ નહિ પણ મહાપુરુષ બનેલા લોકોને પ્રણામ..!
સીધો અને સાદો પોતાની અનેકો અનેક ઈચ્છાને દબાવી અને ચુપચાપ ઘરમાં ભરાઈ જતા, અને બીજા કુતરાના હુમલાથી બે પગ વચ્ચે પૂછડી દબાવીને ભાગી જતા શ્વાનમાં કોઈ ઝાઝો ફેર નથી..!
ઝાપટ મારીને પોતાને જોઈતુ મેળવવુ એ પુરુષની “પ્રકૃતિ” છે અને પોતના પઝેશનમાં દુનિયાની ઉત્તમ ચીજ વસ્તુ રાખવી એ એની “આદત” છે..!
પુરુષની આ “પ્રકૃતિ” અને “આદત” જ એને ક્રાઈમ કરવા તરફ ધકેલે છે.! જયારે સીધા રસ્તે થોડુક ચાલ્યા પછી ખબર પડે કે ભાઈ આ રસ્તે કોમ્પિટિશન ઘણી છે અને સકસેસ રેશિયો ઘણો ઓછો છે, એટલે અતિમહત્વકાંક્ષી પુરુષ ક્રાઈમ તરફ વળે અને એમાં જો કોઈ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરવા મળે તો પછી ધરાર પાછો ના પડે..!
કેહવત અમથી નથી કે બિહાઈન્ડ એવરી બીગ સકસેસ ધેર ઇઝ અ ક્રાઈમ.. દરેક મોટી સફળતાની પાછળ એકાદો ક્રાઈમ છુપાયેલો હોય છે..!
ઘણા બધા આજના “સફળ પુરુષો” એક જમાનામાં ઈમ્પોર્ટ ડ્યુટી કુદાવી અને ઘાલમેલ કરીને સફળ થયા, કારખાના કર્યા અને હવે એમની કોઈના દ્વારા લખાયેલી ચોપડીઓ એમબીએમાં શીખવાડાય છે..
જેમ લાલુપ્રસાદ અમદાવાદની આઈઆઈએમ માં ભાષણ આપવા આવેલા..!
ડાયરેક્ટ ક્રાઈમ કરતા ઓર્ગેનાઈઝડ ક્રાઈમમાં બચી જવાની શક્યતા ભરપુર હોય છે, અને ઘણી વખત તો આપણી સરકારો પણ જાવ માફ કર્યા બધા બે નંબરના રૂપિયા, ચાલીસ ટકા ટેક્ષ ભરીને ધોળા કરી જાવ..આવા આવા બહાર નીકળવાના રસ્તા બતાડતી હોય છે એટલે સ્વાભાવિક રીતે ઈચ્છા થઇ જ જાય..!
અને એક હદથી વધારે રૂપિયા કમાઈ લીધા તો પછી તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકતુ નથી દા.ત સહારા અને લવાસા સીટી..!(વધુ ડીટેઇલ નેટ પર શોધી લેજો)
ભારત દેશમાં બીજી તકલીફ એ છે કે એટલા બધા કાયદાની , લાયસન્સો અને ટેક્ષની જંજાળ એટલી બધી છે કે એક પણ કાયદો તોડીને ધંધો કરો એટલે રૂપિયા પાક્કા અને અમુક કેસમાં તો સરકાર પોતે જ આંખ આડા કાન કરી અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરવા માટે પ્રેરે..
આંખ આડા કાનનું મસ્ત ઉદાહરણ એન.જી.ઓ છે..
લગભગ પંદર વર્ષ પેહલા મારો ભાઈ કેનેડા ગયો એ પેહલા મને કેહતો “ભઈ રૂપિયા કમાવવા હોય તો એન.જી.ઓ ખોલી નાખ..અક્કલ બહારના રૂપિયા પરદેશથી આવશે અને મોજે મોજ પડશે..”
હવે છેક હમણા બેચાર મહિના પેહલા જ મોદી સાહેબે બિલાડી ના ટોપની જેમ ફૂટી નીકળેલા બધા એન.જી.ઓ. બંધ કર્યા અને એની અંદર ચાલતા ગોરખધંધાની તપાસ ચાલુ કરી..! આખે આખી સીસ્ટમને ખબર હતી કે એનજીઓના નામે શું ચાલે છે પણ જેન્ટ્સ મુતરડીમાં આવતો દરેક જણ આજુબાજુ જોયા વિના નાક દબાવીને પોતાનું કામ પતાવીને બહાર નીકળી જાય છે તેમ આખી સીસ્ટમ પોતાનું કામ પતાવી ને બહાર નીકળી જતી…!
એન.જી.ઓ. પેહલા ઇન્ડસ્ટ્રીઝના નામે મફતના ભાવે સાવ નાખી દેવાના ભાવે જમીનો પડાવી અને પછી સસ્તી લોનો લીધી અને સરકારી સ્કીમોમાં વીસ વીસ વર્ષે વ્યાજ માફીની સ્કીમો આવી ત્યારે મુદ્દલ પાછા આપ્યા..
જેટલીવાર આંખ બંધ કરીને ખોલીએ તો એટલીવાર દસ બાર કેસ યાદ આવે ઓર્ગેનાઈઝડ ક્રાઈમના..! કોઈ જ સેક્ટર બાકી નહિ ઈન્ક્લુડીંગ ધાર્મિક જગ્યાઓ..!
સરકારી ક્રાઈમ કરવામાં એમ માનીએ કે એના માટે રાજકારણમાં જવું પડે તો એ ધારણા ખોટી છે..સરકારને ઉદ્યોગો અને ખેતી આ બે ક્ષેત્રમાં કોઈ ને કોઈ કારણસર સહાયતાઓ આપવી જ પડતી હોય છે.. બસ ક્યાં અને કેવી રીતે અને કોની પાસે સહાયતા આવે છે આખી ચેનલ સમજી લ્યો, એટલે મેળ પડી જાય..
ઉદાહરણ તો આપવુ જ પડશે..”મનરેગા”, પાંચ લાખ તળાવ દર વર્ષે..!
મારું બેટુ પાંચ વર્ષમાં તો પચીસ લાખ તળાવ બની જાય અલ્યા એક તળાવ કેટલા જણને પાણી પીવડાવે..? એક દસકામાં તો હિન્દુસ્તાનના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય અને મનરેગા ક્યારની ચાલે..?
આવી તો સરકારી કઈ કેટલી સ્કીમ અને પરચેઝ સરકારમાં થાય છે આર્મીની વાત કરું..?ખાલી ઉલ્લેખ જ બહુ છે..!
ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરવામાં એક જ તકલીફ છે,ખુબ સાચવી સાચવી અને તદ્દન મૂંગા મોઢે સંતાડી સંતાડીને કરવો પડે, નહિ તો સેહજ કોઈ ને પણ ભનક સુધ્ધા પડી જાય તો તરત જ બધું ફૂટી જાય,અને આપણા જેવા બીજા દસ ઉભા થઇ જાય, એટલે બધ્ધે બધું સુમડીમાં જ પૂરું કરવુ પડે, અને ખેલ પૂરો થવાનો છે એવો સેહજ પણ અંદેશો આવે એટલે ફટાફટ પાટિયા પાડી દેવાના..!નહિ તો સિપાઈ સપરા આપણામાંથી કમાય..!
પેલા એક ગીતમાં ક્યાંક આવતું હતું કે રિશ્વત દેના તો ખુદ પાપાને સિખાયા.. પણ પાપો કરે પણ શું..?હેલ્મેટના પેહરો અને ચીથ્ઠું ફાટે અને લોહી પીવાય એના કરતા બેટા પચાસમાં ત્યાં જ પતાવીને આવજે..!શીખવાડવું જ પડે ને.. ત્રીસ કિલોમીટરની પણ એવરેજ સ્પીડ ના મળતી હોય એવા અમદાવાદ નામના “ગામડે” હેલ્મેટ ફરજીયાત કરી..!
ખરેખર છોકરાઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમમાં કેરિયર બનાવવી હોય તો જવા દેવાય,સારી કોલેજમાંથી એમબીએ અને લો અને પછી જેમ પંદર વર્ષના છોકરાને જેમ ગાળ બોલતા શીખવાડવુ ના પડે, એમ બાકીનું કામ એ એની જાતે કરી લેશે..!
આપડે કન્સલ્ટન્ટેશન કરવાની ઇચ્છા ખરી..!
શું બોલ્યા જવા દે ને શૈશવ તારું કામ નહી..? ભાઈ હું પુરુષ જ છું મહાપુરુષ નથી..!
નજરની સામે કેટલા બધા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ થયા, પણ સાલ્લી ખબર છેક છેલ્લે પડે છે, કે ઓહ આ તો આવો ખેલ ચાલે છે અને પછી ખેલ પૂરો થઇ જાય..
સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ ઇન્ડિયામાં ખેલ ગોઠવાઈ રહ્યા છે આપણે દાણા નાખ્યા છે..પણ સખત બેવકૂફ બનાવી જાણે એવો મોટ્ટો કલાકાર શોધું છું, ક્રાઈમ કોઈ પાસે કરાવી અને પોતે રૂપિયા કાઢી જાય એને ડબલ સ્માર્ટ કેહવાય..
ખોટા ખોટા નામ વિચારીને મને બદનામ ના કરતા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરવાની વાત મુખ્યમંત્રી થઇને આગળ જવાની ઈચ્છા નહિ ભઈ.. તા`રે શું ..એક જ બાજુ મગજ હેંડે છ તારુ તો..!
તમે પણ વિચારો, આજે શનિવારની રાત છે, કઈ હાથમાં આવતુ હોય તો ખેલી લેજો બાકી તો આ દેશ મહાપુરુષોથી ઉભરાઈ રહ્યો છે, તમે પણ વિશ્વ ગુરુ બનો અને દુનિયાનું માર્ગદર્શન કરજો(આપણો માર્ગ દેખાય કે નહિ દુનિયાનું માર્ગદર્શન તો કરી જ લેવું)
શુભ સંધ્યા
શૈશવ વોરા