અમદાવાદ એની આદત પ્રમાણે “પડીકા બજાર” માં મસ્ત છે..!!
એક એક ફોનમાં એક એક નવા પડીકા
ખુલે છે ,પણ આ વખતે ઇન્ટરનેશનલ પડીકા
ખુલે છે…!
અલ્યા તને ખબર છે પેલું તાન્ઝાનિયા..એને છોડ બે
ઈજીપ્ત ની વાત કરું .. ભઈ આફ્રિકન કન્ટ્રીમાં તો કઈ છે જ નહિ..! આ યુરોપની કેમ ની માં પ
ઈણાઈ ગઈ તો ..? એવું નથી એ...ડો..બા ...આખા યુરોપમાં નથી લ્યા, બે ચાર કન્ટ્રીમાં જ છે..! અમેરિકાની તો જો કેવી થઇ છે યાર ..અને તો પણ પેલો ગાંડો માનતો જ નથી..!! લોકડાઉન એમ જલ્દી ના ખુલે હો બોસ..આખી દુનિયામાં છે અને કઈ દુનિયા આખી ગાંડી થોડી હોય.. બે ગાંડી નહિ સાવ પાગલ છે , કઈ છે જ નહિ , આ તો બહુ મોટું સ્કેન્ડલ છે ..અલ્યા દુબઈ ...બે યાર બધું ખોલી નાખ્યું એ લોકો એ તો ..પેલું બલ્ગેરિયા ત્યાં તો જીમ પણ ખોલી કાઢ્યા...! બે બ્રાઝીલ તો એની માં ને.. પણ શું ...? કેમ ...? નકશામાં ના જોયા હોય ને એવા એવા દેશોના નામ લઇ લઇ ને અમદાવાદી પ્રજા મચી છે..! તદ્દન ડોફારાઈ ચુકી છે પ્રજા , કશી
હજમણસોરી ,
હમજણફરી એકવાર સોરી,
સમજણપડતી જ નથી કે કરવું શું ? ધંધા રોજગાર સરકારે ખોલવાના કીધા તો બે ચાર જણાએ ડરતા ડરતા ખોલ્યા ,પણ જે અમદાવાદીને દુકાનનું
થડુંછોડવું નોહતું ગમતું એ અમદાવાદી ને અત્યારે
થડેબેઠા બેઠા કીડીઓ ચટકી રહી છે.. હેંડ લ્યા ઝટ ઘર ભેગા થઈએ .. ચેતતા નર સદા સુખી..!! બોણી થઇ ના થઇ ને ત્યાં તો શટર પાડવા અધીરો થઇ જાય છે..!! જે દુકાનની બાહર ઘરાકની લાઈન લાગે છે એ દુકાનદાર ને સૌથી વધારે ટેન્શન ચડી જાય છે , મોટેભાગે દુકાનોમાં કોઈ ને દુકાનદાર ઘુસવા જ નથી દેતો બહારથી જ વહીવટ પતાવી દેવાય છે..! ભાગી ભાગી ને ઘરની બાહર જાય છે અને ડરતો ડરતો ઘરમાં આવે છે..! લાંબુ ચાલશે તો બે છેડા ભેગા કેમના કરવા એની ચિંતા ચડી છે ,અને “લાગી ગયો” તો
લાગી જઈશએની પણ ચિંતા છે..!! આગળ કુવો ને પાછળ ખાઈ.. નોકરા ફૂટતા ને સેઠીયો કે કંપની પગાર કાપી લેશે તો ઇએમઆઈ ના ટેન્શન , ને ઘેર બેઠા ખર્ચા કંઈ એવા બહુ ઘટી તો નથી જ ગયા ..! રોજ અમદાવાદી
નારને સોશિઅલ મીડિયા ઉપર આજે શું રાંધ્યું એના ફોટા મુકવા ના ચસકા થઇ ગયા છે , એમાં ને એમાં ઘરના બજેટની
વાટલાગી ગઈ છે..! એકવાર હું લાઈનમાં ઉભો હતો, હજી વારો આવ્યો ત્યાં દીકરી નો ફોન રણક્યો ડેડી નટેલા લેતા આવજો ..કેક મિક્સ પણ લાવજો અને બેકિંગ પાવડર..!! માર્ટમાં જઈને શોધ્યું ...ચીસ નીકળી ગઈ લગભગ ૩૫૦ ગ્રામના ૩૫૦ રૂપિયા..! એક કેક બનાવે એમાં બધુય પૂરું..! બજારની તૈયાર સસ્તી પડે ..!! મારી અંદર નો અમદાવાદી વાણીયો રીતસરનો કકળી ઉઠ્યો ..આવા તે કઈ રૂપિયા નખાય ? વાત જવા દો પણ અમદાવાદની હવે.. મુઆ ચીઝ પણ દસ જાત ના પેલી નવી નવી હાઈ એન્ડ ઈમ્પોર્ટેડ કરીયાણાની દુકાનો ખુલી છે ને એમાં મળે.. પેહલા તો આ હાઈ એન્ડ ઈમ્પોર્ટેડ કરીયાણાની દુકાનો વસ્ત્રાપુરમાં જ હતી હવે તો નવા પશ્ચિમ ઝોનમાં બિલાડીના ટોપ ની જેમ ફૂટી નીકળી છે એ બધી..!! પાંચ સાત ગુલાબી નોટો તો આમ વેરાઈ જાય ને તો પણ એક બે થેલી માંડ ભરાય..!! આ લોકડાઉન એ શૈશવ નામના અમદાવાદી વાણીયા ને બધા ભાવતાલ ની ખબર પાડી દીધી..!! નત નવા
સોસ, પેલો સબ-વે વાળો પૂછ પૂછ કરે એ બધાય આ નવા પશ્ચિમ ઝોનની પરજા એ ઘરમાં ભેગા કર્યા છે..!! લોક ડાઉનના પેહલા મહિનામાં તો માર્ટ ની બાહર નાની નાની ગાડીઓની લાઈન લાગતી પણ હવે બે મહિના કે
ડે તો ચાલીસ પચાસ પેટીઓની ગાડીઓવાળા આંટી-અંકલો લાઈનમાં આવી ગયા છે..!
એક જુનાગઢથી કેસર કેરી લઈને ટેમ્પો આવ્યો હતો ૭૫૦ રૂપિયે બોક્સ…!!
સોશિઅલ ડીસટન્સ ..? એ વળી કિસ ચીડિયા કા નામ હૈ ?
અલ્યા નવસો નો ભાવ ચાલે છે દોઢસો બચે એ ..ઈ..દોડ.. લ્યા..!!
અડધો કલાકમાં તો ટેમ્પાવાળો રોકડા ગણી ને જુનાગઢના રસ્તે..!!
માલ સાફ..!
નવા પશ્ચિમ ઝોન નો અમદાવાદી દોઢસો રૂપિયા બચાવવા તૂટી પડે છે ને સાડા ત્રણસો ના નટેલા ને પ્રેમથી ચાટી ચાટી ને આરોગી જાય છે..!
બાકી તો ઘણા બધા ને લોકડાઉન ની જિંદગી હવે કોઠે પડતી જાય છે ,
મારા ઓળખ્યા કેટલાય છે કે જેમને કામે જતા જોર
આવે છે હવે..!
શું જઈએ ? કશું કામ જ નથી હોતું ..!
અલ્યા જા હવે , ઘર સે ભલી બજાર ..
તો એમ કહે ના હો લાગી જાય તો લાગી જઈએ…!!
થોડા ઘણા એવા પણ છે કે જે ભાડાની ઓફીસમાં બેસી ને ધંધા કરતા હતા એ બધા ધીમે ધીમે ઓફિસો ખાલી કરી કરી ને ટેબલ ખુરશી ઘરમાં નાખી ને બેસી ગયા છે ને અમુક એનાં પ્લાનિંગમાં છે..!!
જો આવો જ ટ્રેન્ડ આગળ રહ્યો તો પછી તો રીઅલ એસ્ટેટ ની બેન્ડ બજી જશે..!
દેશના આંકડા
જોઇને મજુરો પલાયન કરી ગયા અને દેશ-પરદેશ ના આંકડા
જોઈ ને સેઠિયા ઘરમાં ભરાઈ ગયા..!
જે કારખાનાઓમાં સેઠિયા જાત્તે નથી જતા ત્યાં ચોથા ભાગના કારીગરો પણ નથી આવતા..!
લીડરશીપ નો આ પણ એક ગુણ છે , સાવધાની ચોક્કસ રાખો પણ સેઠિયા જ જો ઘેર બેઠા રેહશે તો પછી કારખાના ચાલી રહ્યા..!!
ઘરમાં રહીને અમદાવાદી પુરુષ ઘરના ખર્ચામાં ક્યાં કસર કરી શકાય એ શોધતો થઇ ગયો છે..!
ભયંકર ડેન્જર સાઈન
છે આ ..
બચાવવું અને કસર કરવી એમાં ફર્ક છે..!!
હૈયે હામ રાખી ને સાવધાનીથી સરકાર જેટલી છૂટ આપે છે એટલી છૂટ નો ઉપયોગ કરો મારા અમદાવાદી બંધુઓ…
ઘર સે ભલી બજાર…
આ જ પરમ સત્ય છે ..!!
પેલું યાદ છે ને કે યાદ કરાવું ?
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ..
છૈયાછોકરા શાલીગ્રામ ને બૈરી મારી ગુરુ..
કરું તો કરું કોની સેવા ..?!!!
હેંડો હેડો નીકળો કાલે કામ ધંધે..
રિલાયન્સના “રાઈટ” ભરવાના છે ને પછી કે નહિ..?
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)