સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓ ને પ્રવેશ..
બહુ અઘરું ડીસીશન હતું પણ કોર્ટે લઇ લીધું..!!
મોટાભાગના ગુજરાતી ઘરોમાં આ નિર્ણય વર્ષો પેહલા લેવાઈ ચુક્યો છે,મારા ઘરમાં કહું તો પચાસ વર્ષ પેહલા આ નિર્ણય મારા મોટી બા એ લઇ લીધો હતો..
મમ્મી ને પરણીને આવ્યા ને પેહલા જ દિવસે મોટીબા દ્વારા કહી દેવામાં આવ્યું કે તમે ડોક્ટર છો તમારે કશું “પાળવા” નું નથી..તમારે માથે પણ નથી ઓઢવાનું..!!
મને આ “પાળવું” શું એ સાતમાં ધોરણના ન્યુ હાઈસ્કુલમાં ભણવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું અને પછી તરત જ ઘેર આવી અને ખુલ્લા દિલે મમ્મી જોડે ચર્ચા કરી લીધી અને ત્યારથી અમારી આજુબાજુમાં રેહતા પાડોશી કાકી કે ભાભી કે મોટીબેન “ટાઈમ” માં થાય અને એક આસન પર બેઠા રહે અને એમને કોઈ ના “અડે” ,પણ હું તો જાતે કરીને એમને અડકું..
શરૂઆતમાં જે ઘરોમાં “પાળવા” નો રીવાજ હતો ત્યાં એવું કેહવામાં આવે કે તું એમને અડીશ તો તારે નહાવું પડે અને એમને અડી અને તું અમને અડે તો અમારે પણ નહાવું પડે..
અને મને નાલાયકી સુઝતી..
ટાઈમમાં બેઠેલાને હું અડકું અને પછી એમના અને બીજા જે જે લોકો કે જે “ટાઈમ” માં બેઠેલાના પાળવા ના હિમાયતી હતા એ બધા ને જઈને અડી આવતો..
મારી ઉંમર નાની અને ડોક્ટર કપલના સંતાન નો પ્રીવીલેજ, એટલે આખી સોસાયટીના દરેક ઘરમાં ઘુસવાનો મારો “અધિકાર” હતો..
અને હું ખરેખર આવી નાલાયકી કરતો ..
શરુ શરુમાં એક બા હતા જે ખરેખર ન્હાવા જતા, પણ પછી તો એ લાકડી રાખતા હું જેવો એમની વહુને અડકી અને એમને અડવા જાઉં તો એ મને લાકડી થી દુર ધકેલે અને પછી હું એમની લાકડી પકડી ને એમને ગોળ ગોળ ફેરવું..પણ એમને અડી તો લઉં જ મમ્મી સુધી ફરિયાદ પણ જતી પણ મમ્મી બહુ કાને ના ધરે ,અને આપણને ઓર મજા આવે..
મારી મમ્મી સાથે ના ડિસ્કશન પછી હું નક્કી હતો કે આ ખોટું છે …આવો આભડછેટ ના જ હોય અને એ પણ સગ્ગી વહુ કે દીકરી જોડે ..?
આજે પણ એક રૂઢીચુસ્ત મિત્રના પરિવારમાં “પાળવા”નો રીવાજ છે અને ભૂલથી પણ જો હું “એ દિવસો” માં હું એમના ઘરે જાઉં તો ભાભીની બાજુમાં અડકી ને જ બેસું છું ..
હું આ બાબતમાં પૂરો જંગલી જ છું..!!
અનહદ દાખલા અને દલીલો થઇ પણ એ લોકો પણ નથી “સુધરતા” અને એટલે હું પણ નથી “સુધરતો”..
જો એ દિવસોમાં એમના ઘેર પોહ્ચ્યો તો ભાબીની બાજુમાં જ અને એકદમ અડકીને જ બેસવાનું , ભાભીના “એંઠા” ગ્લાસમાંથી જ પાણી પીવાનું..
હવે ઉન્ધો કેસ..
એક વખત મમ્મી પાપા ના દવાખાને સાંજે હું બેઠો હતો એક ભાભી એમનો રીપોર્ટ લઈને આવ્યા અને મમ્મી ને પકડાવ્યો ,મમ્મી એ રીપોર્ટ જોઈ ને કીધું કે છે ,પ્રેગ્નેસી છે..
હવે પેલા ભાભી ખુશ થવા ને બદલે દુખી થઇ ગયા ..અરે રે મહિનામાં પાંચ દિવસ આરામ કરવા મળતો હતો એ પણ નહિ મળે..
મેં પૂછ્યું એટલે તમને એ પાંચ દિવસ ખૂણામાં બેસાડી રાખે છે એ તમને ગમે છે ભાભી..? એ ભાભી જોડે આપડે પેહલેથી જ ધડીકા લેવા નો સબંધ..કાયમ સામસામે ફટાકડા જ ફૂટે ..
એટલે એ ભાભી બોલ્યા ગમે જ ને રોજ સવારે સાડા પાંચે ઉઠી અને દૂધની લાઈનમાં ઉભા રે`વાનું (એ જમાનામાં દૂધની લાઈનો લાગતી ) તે રાતે અગિયાર વાગે છેલ્લે સસરાની ચા બનાવી અને વાસણો ઉટકીને ઊંઘવાનું ,આખો દિવસ કામ કામ ને કામ ..
મેં કીધું બપોરે તો `ઘોરવા` મળે ને ભાભી..
ભાભી બોલ્યા..અરે હો`તા હશે, એ તો મા`જી ઘોરે, અમારે વહુઓ ને અઠવાડિયામાં ત્રણવાર બબ્બે કિલોના ખાખરા નહિ કરવાના ..પાછા સીઝન સીઝન ના પાપડ, અથાણા, મસાલા..એ ભાભીએ બધું જ ગણાવી દીધું..!!
બોલો હવે ..?
એક જમાનામાં સવારે ઉઠી અને ઘંટી ,છાણ વાસીદા ,ખેતરે કામ ,કુવે થી પાણી ભરવું અને લોટે જવું ,સાસુ સાસરા વત્તા કોન્ટ્રાસેપ્ટીવ ના સાધનો નહિ ..દરેક શરદ ઋતુ આવે અને એકાદું છોકરું બીજા વર્ષે નોરતાની આજુબાજુમાં આવે ..લગભગ જીવનની તેર ચૌદ સુવાવડ ખાવાની ..ત્યાંથી આપણે પોહ્ચ્યા અઠવાડિયામાં ત્રણવાર બબ્બે કિલોના ખાખરા સુધી અને હવે મળે ઇન્દુબેનના મશીનમાં બનેલા તૈયાર ખાખરા , ઘંટી …?
અને સુવાવડ ..?
હેંડ હેંડ હવે , એક જ …
અને એ પણ સીએસ હો ..ચોઘડિયું જોઈ ને `કાઢી` લ્યો આપણે કઈ પેઈન નથી ખાવા..!
વત્તા આજે એવું છે કે એક કમાણીએ બે પાંદડે થવાય નહિ , ક્યાં તો હોમલોન ભરાય અને ક્યાં તો ઓટો લોન.. બંને જોડે તો એક કમાણીમાં શક્ય જ નથી એટલે પાંચ દિવસના આરામ તો ક્યાંથી થાય..?
દુનિયાના દરેક સ્ત્રી પુરુષની આંખો ખુલી ગઈ છે અને દરેક ને આંખોમાં સપના છે અને એ સપના પુરા કરવા માટે બંને જણા દિવસ રાત વૈતરાં કરી રહ્યા છે..
ભારતની લગભગ પાંસઠ ટકાથી વધારે જનતા આજે શેહરોમાં આવી ને વસી ગઈ છે, સુજલામ સુફલામ ધરતી ઉપર રેહતી પ્રજા હવે “ફ્લેટ” માં વસી રહી છે..!!
સ્ત્રી પુરુષ ની સમાનતા નો સુવર્ણયુગ ચાલી રહ્યો છે.. આંખો શોધી રહી છે કે ચાર સ્ત્રીઓ એ ભેગા થઇ ને એક પુરુષનો બળાત્કાર કર્યો એવા સમાચાર ને ..
હમણાં એક ટોક શો માં એક મુસ્લિમ અગ્રણી મારી સાથે હતા અને ટોક શો પત્યા પછી તેઓ ખુબ સહજતાથી બોલી ગયા “સમાજ ધર્મથી ઉપર છે..”
મને ખુબ ગમ્યું હતું આ વાક્ય ..
વ્યક્તિથી કુટુંબ અને કુટુંબો થી સમાજ બને છે..ધર્મ સમાજને આગળ લઇ જવામાં મદદરૂપ થવો જોઈએ અને હિંદુ ધર્મની ખૂબી છે કે દરેક જગ્યાએ અલ્પવિરામ છે ક્યાંય પૂર્ણવિરામ નથી મુકવામાં આવ્યું..
સુપ્રીમ કોર્ટે હિંદુ સમાજને એક ગાઈડ લાઈન આપી છે આ ચુકાદાથી આશા કરીએ કે બીજા સમાજને પણ આવા સમાન દ્રષ્ટિભાવથી જ સુપ્રીમ કોર્ટ જોઇને ભવિષ્યના ચુકાદો આપશે..
અને હવે તો આયર્નની ગોળીઓ પણ છે એટલે ભારતીય સ્ત્રી એટલી બધી “એનિમિક” નથી રહી.. તો પછી જમાના ની સાથે ચાલવું જ રહ્યું..!!
અરે હા પેલું શું મોહન ભાગવત જી બોલ્યા હતા ..?
માનવતા મરી ત્યારે જ અનામત નો જન્મ થયો હતો ..
માનવતા ક્યારે મરે..?
જ્યારે અસમાનતા આવે ત્યારે..
ખોટા ખોટા શાસ્ત્રોના હવાલા કોઈ ઠોકે તો સ્ક્રોલ કરી દેજો .. સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલવું જ રહ્યું ..
હવે પેલા “ભાગવત” વાળા “મોહને” શું કીધું છે ..?
પરિવર્તન જગત નો…
સ્વીકારો અને આગળ વધો..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા