જીવનના એક પછી એક વર્ષ સડસડાટ જતા જાય છે..
*થોડાક વર્ષ પેહલા જે `સાચું` અને `સારું` લાગતું હતું એ આજે `ખોટું` લાગે છે,*
ગઈકાલ સાંજે જીટીપીએલમાં રેકોર્ડીંગ માટે જવાનું હતું, સાંજે સાત નો ટાઈમ આપ્યો હતો એટલે એમ થયું કે અડધો કલાકમાં રેકોર્ડીંગ પતાવી ને જીમ ભેગો થઇ જઈશ, એટલે જીમ બેગ ભરી અને પવનપાવડી મારી મૂકી..અને ત્યાં પોહચ્યો તો સીન ફરી ગયો ..
દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ તૂટી પડી છે એટલે હવે સાતની બદલે આઠ વાગ્યે લાઈવ કરવાનું છે..!! ટોપિક જ બદલાઈ ગયો ..!!
જે દારૂબંધીનો હું કટ્ટર સમર્થક હતો અને જેને હજી સુધી હાથ નથી લગાડ્યો એની હું આજે ફેવર કરવાનો હતો..ચોક્કસ મારી મરજી થી જ..
આજે પણ મારા દરેક મિત્રોને સ્ટ્રીક્ટ સુચના છે કે દારુની પાર્ટીમાં મને નહિ બોલાવો તો મને જરાય ખોટું નહિ જ લાગે..
*ચોક્કસપણે માનું છું કે નબળા મનના લોકો જ વ્યસન તરફ વળે છે..!!*
છતાં પણ હું હવે ગુજરાતમાંથી એક મર્યાદિત રીતે દારૂબંધી ઉઠાવી લેવાનો હું સમર્થક છું..
સમયની બલિહારી..!
કારણો ઘણા છે,ઘણા બધાને દારૂ પીતા રોકવાની અને બીજા વ્યસન છોડાવાની કોશિશ કરી ચુક્યો છેવટે આ નિષ્કર્ષ પર આવ્યો..
*નશાથી દૂર રેહવું એ બધાના બસની વાત નથી, અને કદાચ બધાના સંજોગ પણ નથી..!!*
આખા શો માં ધડબડાટી બોલાવી, અને હજી ઘેર આવ્યો ત્યાં તો પ્રજા વોટ્સ એપ પર મચી હતી અને ટોટલ બાર ની `ગેંગ` તૈયાર હતી..
રાત્રે સાડા અગિયારે મને ઘેરથી “ઉપાડવા”માં આવ્યો, અને આજકાલ ચાલતી `રીતરસમ` પ્રમાણે પેહલા “કેક” સ્નાન થયું, પછી “કોક” સ્નાન, ઉપર “ફોગ” સ્નાન અને પછી અડધી રાત્રે ખરેખર નાહવા જવું પડ્યું ..
પણ હજી ગેંગ પીછો છોડવાના મૂડમાં નોહતી..આખરે જાવા + અને રાત્રે ત્રણ વાગ્યે ધક્કા મારી ને ઘેર ધકેલ્યા બધાને..!!
સવારથી સોશિઅલ મીડિયા અને ફોનથી શુભેચ્છાનો મારો ચાલ્યો..
ઘણું ગમ્યું..!
ઘરમાં દિવાળી કામ ચાલુ થઇ ગયું છે, એટલે બધા આલ્બમ્સ બાહર હતા..એક આલ્બમ ખોલ્યું અને બે ફોટા હાથ લાગ્યા..
મારી ચોથી બર્થ ડે,
*તારીખ ત્રીસ સપ્ટેમ્બર ૧૯૭૪ ના ફોટોગ્રાફ્સ છે..શેર કરું છું..!!*
લગભગ બધા જ ચેહરા યાદ છે, નસીબવાળો તો ચોક્કસ છું કેમ કે પેહલી થઇ લઈને આજ સુધીની એકપણ બર્થડે ઉજવ્યા વિનાની નથી ગઈ..
પણ આ બે ફોટાએ મને ઘણો વિચારતો કરી મુક્યો..
બાળપણમાં ધકેલી મુક્યો..
મમ્મી કહે છે તું જ્યારે જન્મ્યો ત્યારે આખી સોસાયટીમાં તારી ઉંમરનું કોઈ જ બાળક નોહતું, અને તું તેડયો તેડાતો નોહ્તો, ખુબ જાડિયો હતો તું , છતાં પણ આખી સોસાયટીની છોકરીઓ તને રમાડવા લઇ જતી..
મમ્મીના કેહવા પ્રમાણે હું છ મહિનાનો હતો ત્યારે મારું વજન બાવીસ પાઉન્ડ હતું..લગભગ દસ કિલોનો..!!
અને તો પણ સોસાયટીની દરેક છોકરી આવતી અને તને તેડી-તેડીને લઇ જતી રમાડવા, આ ફોટામાં દેખાતી બધી જ મોટી બેહનોને ત્યારે ભાઈ નોહતો, અને મને એમના નાના ભાઈની જગ્યા જન્મતાની સાથે જ મળી ગઈ..!
એ જમાનામાં દીદી કેહ્વાનો રીવાજ નહિ,પણ મોટી બેહન કેહ્વાનો જ રીવાજ..
પણ મને યાદ છે ત્યાં સુધી હું આ બધી જ બેહનો ને `તું` કહીને બોલાવતો..છેક આઠમાં દસમાં ધોરણમાં આવ્યો ત્યારે સમજણ આવી કે `તું` ના કેહવાય, તમે કેહવું જોઈએ, પણ ત્યારે ઘણું મોડું થઇ ચુક્યું હતું ,સમય એ સબંધોની ગાંઠ ને બહુ મજબુત કરી નાખી હતી..!!
તું`કારા ની પાછળ નું વ્હાલ મને એમને માન આપવા નોહતું દેતું..!
એક કિસ્સો યાદ આવે છે..
ફોટામાં દેખાતી બે બેહનો છે, એમને પાછળથી બીજી ત્રણ બેહનો આવી અને પછી હું જ્યારે સાત આઠ વર્ષનો થયો ત્યારે એ પાંચ બેહનો ઉપર એમને એક ભાઈ આવ્યો..
અમારા ઘરથી એમનું ચોથું જ ઘર..મને દીકરાની અને ભાઈની જેમ રાખ્યો એ પાંચેય બેહનો એ..
કાગડા, કુતરા, મોર, કોયલ..ચકલી એ બધા ની ઓળખાણ એમણે મને જીવનમાં કરાવી છે,
એ કાકીની એટલી બધી શ્રદ્ધા કે પાંચ દીકરી પછી એમને એક દીકરો આવ્યો ,એટલે એમણે મનોમન નક્કી કર્યું કે મુકતાબેન (મારી મમ્મી) ના હાથે જ મારા છોકરાને પેહલું સીવેલું કપડું પેહરાવીશ, અને મુક્તાબેનના છોકરા ના કપડા જ મારો દીકરો સવા પાંચ વર્ષનો થાય ત્યાં સુધી પેહરાવીશ..
હવે થયું એવું કે મમ્મીને એમની ખબર પુછવા જવામાં મોડું થયું લગભગ છ એક દિવસ નીકળી ગયા, અને કારતકની ઠંડીમાં માત્ર એક જ કપડામાં એમણે છ-છ દિવસ પાંચ છોકરી પર આવેલા એ દીકરાને લપેટી રાખ્યો..ધરાર સ્વેટરના પેહરાવ્યું..
પણ પછી તો સવા પાંચ વર્ષ સુધી અમારા બંને ભાઈઓના બધા જ જુના અને મોટેભાગે મમ્મી નવા કપડા લાવે અને બે દિવસ અમને પેહરાવે અને પછી એ નવા ને નવા કપડા એમના દીકરાને આપી દે..અને એ કપડા પેહરી ને એમનો દીકરો મોટો થયો..
ફોટામાં રહેલી એક મોટીબેન મને `મગસ` નો રોજ લાડુ ખવડાવતી, એમના ઘરની ઠાકોરજીની સેવાનો લાડવાનો પ્રસાદ ,મઠડી અને બીજા બધા જ વા`ના ઉપર વર્ષો સુધી મારો એકાધિકાર રહ્યો..!!
બીજી એક મોટીબેન સાથે આજે પણ એટલો જ સબંધ છે, પણ એ કેસમાં બે`ન કરતા બનેવી જોડે વધારે મારે બને છે..અને એમના પરિવારમાં બિલકુલ સગ્ગા મામા ની જગ્યા હું ભોગવી રહ્યો છું..
બીજી બે બેહનો અત્યારે આ ધરતી ઉપર હયાત નથી..જુદા જુદા સંજોગોમાં દૈવયોગે એમનો સ્વર્ગવાસ થઇ ચુક્યો છે..ખુબ રડ્યો હતો જયારે એ બેહનો જતી રહી હતી ત્યારે..
પણ જીવન છે, સુખ અને દુ:ખ બધું જ આવે છે જાય છે..
કેવી માયાની દુનિયા છે, ફોટામાં મારી બાજુમાં બેઠેલી મારી સગ્ગી બેહન છે, અને બાકી બધી જ બેહનો જુના પાડોશીની બેહનો ,પણ આજે યાદ કરું છું તો હૈયું ભરાઈ આવે છે..
સાલ ૧૯૮૫ના તોફાનો એ ખાનપુર છોડાવ્યું, અને સબંધ ઉપર સમય ની ધૂળ બાઝી..
મારી કેટલી બધી બર્થ-ડે આ બધી બેહનો એ મારી સાથે ઉજવી છે..!!
આજે આ બધી જ બેહનો દાદી અને નાની બની ચુકી છે..!
સમય..સમય..
*મને પ્રેમ કરનારા તમે બધાએ સોશિઅલ મીડિયા, ફોન અને રૂબરૂમાં આજે શુભકામના અને આશીર્વાદ નો વરસાદ વરસાવનારા દરેક મિત્ર,સગા અને વ્હાલા નો દિલથી ખુબ ખુબ આભાર..!!*
*કદાચ સમય જશે અને જેમ આજે આ ફોટામાં રહેલી મારી આ જૂની પાડોશી બેહનોને મારો જન્મદિવસ યાદ નથી, એમ આવતીકાલે કદાચ તમને પણ મારો જન્મદિવસ આવનારા સમયમાં યાદ નહિ રહે..*
*પણ હું તમને ચોક્કસ યાદ રાખીશ..!!*
આભાર..!!
શુભ રાત્રી
શૈશવ વોરા