સંઘર્ષપૂર્ણ જીવન ..!!
આજે મારા પપ્પાનો જન્મદિવસ છે, હયાત હોત તો રંગેચંગે ઉજવણી કરતે, છેવટે એમના હરિ અને હરને મળી આવ્યા સાંજ પડ્યે અને સંતોષ માની લીધો..!
વર્ષો સુધી મારે પપ્પા જોડે સંઘર્ષ રહ્યો, ખુબ ઝઘડા કર્યા, વગર વિચાર્યું બોલ્યો અને એ પણ બેફામ ..!
મારો પપ્પા જોડેનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો એમના પેશન્ટ..!
પપ્પા ને “નફરત” કરવાનું ચાલુ ક્યારથી કર્યું એવું વિચારું તો બહુ જ બાળપણથી ..!
મને હંમેશા લાગતું કે પપ્પાને એમનું દવાખાનું અને એમના પેશન્ટ જ વાહલા છે, અમારા ત્રણે ભાઇબેન અને મમ્મીની તો એમને કોઈ જ કિંમત નથી,
ઘણી બધી વાર એવું બનતું કે હું પપ્પાને મળવા બે ચાર દિવસ સુધી ઝૂરતો હોઉં પણ પપ્પા બે ત્રણ દિવસ સળંગ મને ના મળે, રાત અને દિવસ આખે આખા એમનેમ વીતી જાય ,છેવટે બહુ ના રેહ્વાય એટલે દવાખાને જઈને પપ્પાને મળીને આવું,
પપ્પા સવારના પાંચ વાગ્યે ઉઠે, એમના નિત્યક્રમ પરવારી ને દોડે સીધા વલ્લભસદન એમના ઠાકોરજીને મળવા, હરિ ને મળવા.. ત્યાંથી જાય સંન્યાસ આશ્રમ અથવા તો સમર્થેશ્વર ત્યાં હર ને ,મહાદેવજીને મળીને પાછા આવે ,
આવીને એક ગ્લાસ કોફી, ત્રણ ખાખરા જોડે છૂંદો આટલું લઈને સવારે સાત વાગ્યે એમના સ્કુટરને કિક વાગે , ઉપડે ઓઢવના દવાખાને..
આખી સોસાયટી વોરા સાહેબના સ્કુટરની કિક
જોડે સમય મેળવી લ્યે ,સાત વાગ્યા..!!
હજી લોકોના દાતણપાણી ચાલતા હોય ત્યાં વોરા સાહેબ સત્તર કિલોમીટર દૂર સ્કુટર ઉપર નીકળી ગયા હોય અને પેશન્ટો તપાસતા હોય , સાડા આઠ વાગ્યે ઓઢવથી કિક વાગે સ્કુટરની અને આવે ખાનપુરના દવાખાને ,
બપોરે દોઢ બે વાગ્યે ઘેર આવી જમી ને સેહજ આડા પડે અને ત્રણ વાગ્યે ફરી એ જ “હમારા બજાજ” સત્તર કિલોમીટર દૂર ઓઢવ , સાડા પાંચ વાગ્યે પાછા આવવાનું અને છ વાગ્યે ખાનપુરનું દવાખાનું ..તે ચાલે ચાલે ચાલે રાતના દસ અગિયાર બાર …!!
નર્યો સંઘર્ષ..!
ટાઢ ,તડકો ,વરસાદ કશું જ જોવાનું નહિ ,બહુ જ વધારે વેધર સપોર્ટ ના કરતી લાગે તો જ ગાડીને સેલ મારવાનો બાકી તો રવિવાર સાંજ સિવાય ગાડી નીકળે જ નહિ..!
રોજ ના સિત્તેર કિલોમીટર નક્કી..
હવે આમાં એવું થાય કે મમ્મી તો સવારે સાડા દસે પપ્પા જોડે દવાખાને જાય અને સાંજે પણ સાડા છ વાગ્યે પપ્પા સાથે દવાખાને પોહચી જાય, પણ રાત્રે સાડા આઠે મમ્મી દવાખાનેથી પાછા આવી જાય અમારા ત્રણે ભાઈબેનો માટે ..!!
પણ પપ્પા ..??!!
અમે સવારે આઠ વાગ્યે ઉઠી અને દસ વાગ્યે સ્કુલે જઈએ અને પાંચ વાગે પાછા આવીએ, મમ્મી સ્વીમીંગમાં લઇ જાય, પણ પપ્પા ક્યાંય કરતા ક્યાંય નાં આવે, સ્કુલના કોઈપણ ફંકશનમાં મમ્મી જ આવે, કેટલાય પ્રસંગો એવા આવે કે જયારે અમે સજીધજીને બેઠા હોઈએ છેવટે મમ્મી અમને જમાડી દે ઘરે અને અમે પપ્પાની રાહ જોતા ઊંઘી જઈએ ..!!
એવે સમયે પપ્પા જયારે પણ “હાથમાં આવે” ત્યારે કોઇપણ બહાને હું એમની સાથે “બબાલ” કરી લેતો.. ઝઘડું ,રડું અને છેવટે એ મને વહાલ કરે ત્યારે શાંત પડું ..!
વર્ષો વીતતા ગયા, મારું બાળપણ જતું થયું,
મમ્મીની ઘણી સમજાવટ પછી મેં પપ્પાને “જેવા છે એવા” સ્વીકરવાના ચાલુ કરી દીધા…!!
મને “ખબર પડતી” થઇ ગઈ કે પપ્પા આટલો બધો સ્ટ્રેસ કેમ લ્યે છે,
કેટલા વિસે સો થાય એ હું તો ખાલી ગણતા જ શીખ્યો હતો અને વીસ એકા વીસ બોલતા બોલતા તો ફક્ત હોઠ નહિ ,હું આખો ધ્રુજી જતો..!
લગભગ હું પંદર-સત્તરનો થયો એ વખતે એક એવો સમયગાળો આવ્યો કે મારે મમ્મીને સપોર્ટ કરવો પડ્યો, કેમકે બે દવાખાના તો હતું જ પણ જોડે જોડે પપ્પાએ પરમાર્થની ધૂણી ધખાવી ..!
ખાનપુર છોડી અને અમે એ અરસામાં એલીસબ્રીજ રેહવા આવ્યા, વાડીલાલ સારાભાઈ નજીક પડે ,અને ત્યાંથી જે કોલ આવે એ પપ્પાને ટ્રાન્સફર કરવામાં આવતો ..!
રોજ રાતના એક બે કોલ આવે આંખો લેવા જવાના ..!!
સંપૂર્ણ સેવા ,ઘરનું પેટ્રોલ બાળીને..!!
બહુ પેહલાથી પપ્પા જ ચક્ષુદાન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, પણ એ સમયે રીતસરની આહલેક જગાડી, રોજની બે-ત્રણ પેર આંખો લેવા દોડી જાય ,
ઘરમાં મમ્મીનું ઢોકળાનું કુકર જપ્ત થઇ ગયું અને ઈમરજન્સીમાં ઓટો કલેવમાં ફેરવી નાખવામાં આવ્યું..!
એક દિવસ મારે સખ્ખત ઝઘડો પડ્યો પપ્પા જોડે, મારાથી અને મમ્મીથી એમની હાલત જોવાય નહિ ,દિવસ આખો દવાખાનું અને રાત પડ્યે આંખો લેવા દોડે ..!
સખ્ખત બૂમ બરાડા મેં કર્યા ,પણ સામો જવાબ એવો આવ્યો કે બોલતી બંધ..સ્પષ્ટ શબ્દોમાં જવાબ આવ્યો “સમાજનું અમારા ઉપર ઋણ છે અને સમાજને કૈક પાછું આપવું રહ્યું ..!”
થોડાક દિવસો બબડીને હું બંધ થઇ ગયો ..
પપ્પાની ચક્ષુદાન સ્વીકારવાની પ્રવૃત્તિ ચાલુ રહી..!
એલીસબ્રીજ રેહવા ગયા પછી તો દવાખાને પણ પપ્પાને મળવા જવાનું ઓછું થયું એટલે પછી ક્યારેક સવારે વેહલા ઉઠીને મળી લેતો, એમની સાથે વલ્લભસદન દર્શને જઈ આવતો, પણ પછી એમના મિત્રો ,મમ્મી અને અમારી ત્રણે ભાઈ બેહનની જીદે એમને ઓઢવનું દવાખાનું છોડાવ્યું ,
પપ્પા પાસે મમ્મી અને અમારી માટે સમય આવ્યો ,પણ ત્યાં સુધી પોહચતા પોહચતા એમને સાહીઠ પુરા થઇ ચુક્યા હતા..!!!
શરીર લગભગ ઘસાઈ ચુક્યું હતું, હાડમારીઓ વેઠી વેઠીને..!
ધીમે ધીમે પપ્પા ક્ષીણ થતા જતા હતા ,પણ મનના મક્કમ .. “દર્દ શું કેહવાય એની તમને ખબર ના પડે રાત આખી તાવમાં પડેલો હોય કે પથરીના દુખાવા સહન કરેલા દર્દીને સવારે દવા તો મળવી જોઈએ..!”
પરમાર્થની જ વાતો ..
પોતના માટે કપડા પણ લાવે તો ખાદીના, સુટ-ટાઇના શોખ પણ ખરા પણ કોઈ લાવે તો જ ,ખરીદવાના નહિ..!! છેલ્લે એ હવાલો મેં લઇ લીધો એક સાથે સાત સૂટ સીવડાવી લીધેલા મેં એમને માટે ,હોશથી આખો શિયાળો પેહરતા ..!!
સૂટનું કાપડ અરવિંદ કે રેમન્ડનું જ અને લેંઘાનું કાપડ સેન્ચ્યુરીનું ..!!!!
આખું જીવન નિર્વ્યસની ,પણ દોડધામ એટલી કરી કે શરીર જવાબ આપી ચુક્યું હતું , બહુ ઈચ્છા થતી કે ઈશ્વર જોડે લડી પડું કે તું નક્કામાં આવું કેમ કરે છે ?
સુખના દિવસો એમના આવ્યા તો શરીર કેમ આવું કરી મુક્યું ?
પણ ધાર્યું તો ધણીનું જ થાય ..!
એમના જીવનના છેલ્લા ચાર વર્ષોમાં જ્યારથી એમને પેરાલીસીસનો એટેક આવ્યો ત્યારથી પપ્પા મારા સંતાન બની ગયા, એમના ડાયપર બદલવાના કે કોળિયા ભરીને જમાડવાના હોય ,મને બહુ જ આનંદ આવતો,
લોકો કહે તમે જબરી સેવા કરો છો પણ મને હંમેશા એમ લાગતું કે હું મારા સંતાનને જમાડી રહ્યો છું..!!
માંબાપ હોય કે સંતાન , હોય છે તો આપણું જ અંગને વળી..!!
અને છેલ્લા એક વર્ષમાં તો લગભગ આખું વર્ષ મમ્મી પપ્પાની વચ્ચે ઊંઘું, બંનેના માથે હાથ ફેરવીને પેહલા ઊંઘાડી દઉં પછી હું મારા રૂમમાં જાઉં..!
આજે નાની દિકરીએ જીદ કરી ચલો ડેડી વલ્લભસદન અને સમર્થેશ્વર મહાદેવ..!!
હરિહરમાં સમાઈ ગયેલા પપ્પા રૂબરૂ મળ્યા એટલો જ આનંદ આવ્યો..!!
ડોક્ટર કપલના સંતાનોને ફરિયાદોનું લીસ્ટ હોય છે એમના માતાપિતા માટે ,
મારી પાસે પણ છે , પણ હવે જયારે પપ્પા નથી ત્યારે એ લીસ્ટ ક્ષુલ્લક લાગે છે અને જાત ઉપર ઘૃણા થાય છે, કેમ આટલો બધો પપ્પાની સામો થઇ જતો હતો તું શૈશવ ?
મારું નામ પપ્પા એ પાડ્યું છે , આજે મમ્મીએ રાઝ ખોલ્યો ..
”તારા જન્મ પેહલાથી તારા પપ્પાએ તારું નામ નક્કી કરી નાખ્યું હતું , મારા છોકરાનું નામ શૈશવ જ હશે ..!”
મુઠ્ઠીમાંથી રેત સરી ગઈ અને સરી રહી છે ..!!
મળે તે માણી લેજો, નિ:સ્વાર્થ પ્રેમ કરનારો બાપ ફરી નહી મળે જીવનમાં..!
આભાર
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)