કોઈના મૃત્યુની કામના કરી છે ? ઈચ્છા કરી છે ?
મેં ઘણીવાર કરી છે, કેમ કરી છે..? એની વાત કરું તો જ્યારે અસહ્ય થઇ જાય કોઈ વ્યક્તિ અને એનાથી છુટકારો પામવાનું પણ અશક્ય થાય ત્યારે એવો વિચાર આવી જાય “મુઓ મરતો” કે “મરતી”..!
એક બહુ જાણીતી વાત છે અને આપણી ચારેયબાજુ એવી વય્ક્તિઓના રાફડા છે કે “જે ઈચ્છે છે કે તે જે કહે તેમ આપણે કરીએ” અને એ લોકો આટલાથી અટકતા નથી .એવા લોકો એમ પણ ઈચ્છે કે “આપણે સફળ થયા છીએ એની સંપૂર્ણ ક્રેડીટ એમને આપીએ અને એ પણ જન્મોજન્મ ,એક બે વાર નહિ..!!”
આ બધું કર્યા પછી પણ જો એ તમારી ઉપર સલાહના ભંડાર સતત વરસાવતા રહે અથવા તો એક પછી એક બીજા ટાર્ગેટ જેમ આપણે એને ત્યાં સેલ્સ મેનેજર હોઈએ તેમ આપણા માથે ટાર્ગેટ નાખતા રહે સતત અપેક્ષાના ત્યારે ખાસ એવી ઈચ્છા થાય..!
એક ખરાબ અવસ્થા જીવનની ..!!
સતત સાંભળતા રેહવું તે ..!!
કુંડળીમાં સૂર્ય ચંદ્ર એક જ ઘરમાં પડ્યા છે એટલે લાગણીશીલતા સ્વભાવમાં જ આવે , મનનો કારક ચન્દ્ર અને આત્માનો કારક સૂર્ય બંનેની યુતિ એટલે લાગણીશીલતા આવે પણ એક સમય પછી લાગણીઓને કાબુમાં લઇ લેવી પડે નહિ તો એની કિંમત ચૂકવવી પડે ..!
ક્યારેક ચૂકવી પણ છે અને ક્યારેક લીધી પણ હશે ..!
“લાગણીઓના વેપલામાં ચૂકવેલી કિંમત જીવનભર યાદ રહે પણ લીધેલી કિંમત એક સેકન્ડ પણ યાદ નથી રેહતી હોતી,”
કટુ સત્ય ..!!
મને એવો ફાંકો ખરો કે મને ઘણા બધા વિષયોનું જ્ઞાન અને દુનિયાના ગમે તે ટોપિક ઉપર હું બે ચાર લાઈન, માઈન્ડ વેલ લાઈન હોં …શબ્દો નહિ ..! હું બોલી શકું અથવા તો સાંભળી શકું અને એના માટે મારો મત ઉર્ફે ઓપિનિયન છે અથવા હોઈ શકે..!!
આ ફાંકો લઈને હું ફરું .. એકવાર એવું બન્યું કે ભરબપોરે બજાર સાવ નવરી અને એસજી હાઈવેના કોફાબાર (“કોફાબાર” એટલે જેની આજુબાજુ ગલ્લા પણ હોય અને ત્યાં ગંજી ફરાક પેહરેલા બાબલા,બેબલીઓ જે મતાધિકાર ધરાવતા હોય પરંતુ એમના વસ્ત્રોમાંથી એમના અંગઉપાંગો અસ્તવ્યસ્ત લટકતા આરપાર દેખાતા હોય ત્યાં સુટ્ટા મારવા આવતા હોય ક્યારેક મીઠી મેહક પણ આવે ત્યાંથી અને પેસીવ સ્મોકિંગ તમારા મન-તન-બદન ને તરબતર કરી જાય .. મને લાગે છે કે કૌંસ બહુ વધી ગયો એટલે પૂરો આગળની કલ્પના તમે કરી લ્યો ..) ઉપર ઉભી હતી અને બે ચાર નવરી બજારો જોડે “જ્ઞાનગંગા” વહાવતી હતી ત્યાં એક મિત્રનો રાખેલો નવો નવો પટાવાળો પ્રગટ્યો , કૈક કામ હતું એટલે એનું આહવાન કરવામાં આવ્યું હતું અને દેવ પ્રગટ થયા હતા..!
બજારો સાવ નવરી હતી એટલે એમના શેઠશ્રી ઉવાચ્યા “ શૈશવ્યા આ પટાવાળા દેવ ખુબ સારું જ્યોતિષ જાણે છે ..”
અંદરનો મહાજ્ઞાની જાગ્યો અને તરત પરીક્ષા લેવા દોડ્યો ..!
“એમ ? મારું જોઈ આપ અલ્યા ..”
પટાવાળા દેવ એ ધારદાર નજરે મારી સામે જોયું અને જરાક “સ્તરિયા” લેહજો પકડ્યો અને ડચકારો બોલાયો .. બેઠેલી નવરી બજારોને સમજણ પડી ગઈ કે છે નર પણ અંદર નારી પણ જીવી રહી છે પટાવાળા દેવમાં,
મહાજ્ઞાનીથી એવી ક્ષુલ્લક વાતો ઉપર તો ધ્યાન ના અપાય ,અને આપવું પણ ના જોઈએ એટલે શૈશવએ મોઢા ઉપર ભાર લાવ્યો અને બોલ્યો “ કેમ અલ્યા ? શું વાંધો છે લે હાથ ,જોઈ આપ..” એમ કરીને જ્ઞાની પુરુષે પોતાનો હાથ આગળ ધર્યો..
આજે તો પરીક્ષા લઇ જ લેવી હતી..!!
પટાવાળા દેવમાં સંપૂર્ણ સ્ત્રી પ્રવેશી ગઈ અને અચાનક ઝટકો માર્યો આખા શરીરને અને લટકો કર્યો .. “મારી માતા નાં પાડે સે , આ મુઓ મનનો બહુ મેલો છ, ગમે ત્યારે એને કોઈ નાં ગમે તો એ મરી જાય એવું ઈચ્છે છે, પેહલાં એવી ઈચ્છા કરવાનું બંધ કરો પછે માતા તમારું જોયે..!” ફક્ત તાબોટો પાડવાનો બાકી હતો એટલે બીજા બે નવરી બજારોએ પટાવાળાને ઘાંટો પાડીને ભગાડી મુક્યો પણ મને વિચારતો કરી મુક્યો ..!! જગાડી ગયો .. બહુ જ પ્રયત્નો કર્યા મનને વાળવાના, એવું નક્કી કરું કે આ અઠવાડિયું કોઈના પણ મૃત્યુનો વિચાર ના જ આવવો જોઈએ ,એક મહિનો સભાન પ્રયત્ન કર્યો પછી સામેથી પેલા મિત્રની ઓફિસે ગયો અને માબદોલતે હુકમ છોડ્યો માતાજીને બોલાવો.. પેલો આવ્યો .. કશું હું કશું બોલું એ પેહલા તો મંડી પડ્યો .. “મહિનાથી ખોટો વચાર નહિ કરવો એમ કરીને જાત ને જાળવો છો એમ આખી જિંદગી જાળવશો તો ચોસઠે જોગણીઓના હાથ છ્ માથે, આવા નસીબ લઈને કુણ જન્મે ? ખોટા ખોટા વચારો કરીને પાપના પોટલા બાંધો સો..!!” આટલું બોલી આખા શરીરનો લટકો કરીને જોરદાર તાબોટો પાડીને એકદમ મારી નજીક આવીને ઓવારણાં લઇ ને ખી ખી ખી કરતો બોલતો બોલતો “મા
ડી મેર કરે જો હૌ નું હારું વચારો તો હૌ હારું કરે..” ભાગી ગયો ..! એના તાબોટાને લીધે આખ્ખી ઓફીસમાં જોરદાર હસાહસ.. માતાજી નો ભગત હતો..! પણ મને હલાવતો ગયો ..!! “મા
ડી મેર કરે જો હૌ નું હારું વચારો તો હૌ હારું કરે..” સાવ સામાન્ય માણસ પટાવાળો કમ મજૂર , ના નર ના નારી પણ કેટલી મોટી જીવનની વાત શીખવાડીને ગયો..! મને અચાનક अज्ञान तिमिरान्धस्य .... થયું અને લાગ્યું કે પાર્ટી चक्षुरुन्मीलितं येन કરતી ગઈ ...! “મા
ડી મેર કરે જો હૌ નું હારું વચારો તો હૌ હારું કરે..” આજ સુધીમાં નહિ નહિ તો પણ દસેક હજારવાર આ વાક્યને મનમાં મમળાવી ગયો છું , જ્યારે જ્યારે પેલી મુઓ મરતો કે મરતીવાળી ફીલિંગ આવે ત્યારે યાદ કરું “મા
ડી મેર કરે જો હૌ નું હારું વચારો તો હૌ હારું કરે..” પોઝીટીવીટી કે મોટીવેશનલ કે પછી ધાર્મિક ગમ્મે તે વાંચો સાંભળો પણ મનમાં ખોટો વિચાર પ્રવેશી જ જાય અને વિચારની ઉપર વિચાર એકપછી એક આખું કોન્સ્પીરન્સીનું જાળું બંધાઈ જાય છે ,પણ એવે સમયે ખાલી બધુય ખંખેરી નાખીને .. “મા
ડી મેર કરે જો હૌ નું હારું વચારો તો હૌ હારું કરે..” બસ .. ચાલો ત્યારે પૂરું કરું.. અને હા એ મિત્રને ત્યાંથી નોકરી છોડીને જતો રહ્યોને પણ વર્ષો થયા એનો કોઈ જ અતો પતો નથી .. तस्मै श्री गुरवे नमः ॥ કરવાનો મોકો નથી મળ્યો..!! આપનો દિન શુભ રહે “મા
ડી મે`ર કરે જો હૌ નું હારું વચારો તો હૌ હારું કરે..”
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)