પરણ ..
“એ લોકો એ ત્રણની જ દુનિયામાં જીવે છે શૈશવભાઈ, આવામાં નક્કી કરતા જીવ નથી ચાલતો..”
“કેમ અલ્યા તું વળી કયો મોટો નરેન્દ્ર મોદી થઇ ગયો કે તારી દુનિયાએ આખું જગત ? તમારે પણ તમારા ત્રણની જ દુનિયા છે ને ..! મારો લાલો, મારો બકો, મારો છોકરો કરી કરીને તમને બંનેને પણ વળી ક્યાં બાહરની દુનિયાની ખબર છે ?”
“એમ નહિ પણ એમને તો ઘરમાં બીજું કોઈ નથી એટલે ઘરમાં કોઈ આવતું જતું પણ નથી ખાસ ..”
“તે એના માંબાપ જુદા રેહતા હશે એટલે આવરો જાવરો ઓછો હોય કાકા, મામા ,માસી, ફોઈ નો ..”
“હા , એમના મમ્મી પપ્પા એમના ભાઈના ઘેર રહે છે ..”
“ તો પછી શું છે તમારે ? છોકરીમાં કોઈ ખામી કે તકલીફ ?તારા છોકરાને નથી ગમતી એવું ? કે પછી પરિવારમાં કોઈ તકલીફ ?”
“ના ,ના એવું કશું નથી પણ શૈશવભાઈ તો પણ જરાક મન ગભરાય છે ..”
“જો ભ`ઈ એક વસ્તુ સમજ જીંદગીમાં `બ્લાઈંડ ગેઈમ` રમી લેવાની હોય ક્યારેક ,અને તમારા બંને માટે તો લગભગ અડતાલીસ પત્તા ખુલ્લા છે , છોકરીવાળાને વર્ષોથી જાણો છો , વચ્ચે મીડીએટર છે , જવાબદારી લેનાર છે ,લોકોને તો સાવ અજાણ્યા દુનિયાના ગમ્મે તે ખૂણામાંથી છોકરા છોકરી ઝાલી લાવતા હોય છે કે છોકરીઓ છોકરા ઝાલી લાવે અને એમ કહે કે હવે અમારે પરણવું છે, ના આંખે કે ના નાકે.. ..ઓળખાણ દૂર દૂર સુધી કોઈ ઓળખીતું નીકળે નહિ ,એ બે તો એક થઇ જાય પણ તમને ચાર ડોસા ડોસીઓને એકબીજા સાથે સરખી ઓળખાણ અને વાત કરવામાં જન્મારો નીકળે એવા એવા પકડી લાવે છે , તો પણ પરણાવે છે માંબાપ હોંશથી … તમારે તો હું માનું છું વધારે ચૂંથાચૂંથ કરવાની જરૂર નથી .. કરો કંકુના અને ફેબ્રુઆરીની કંકોત્રી આપવા આવો ..!”
આપણે ફકરો લાંબો કરી અને અંત લાવ્યો વાત નો …
પણ મગજ ચકડોળે ચડ્યું ..
મારા સાસુમાંની એક કેહવત .. “નાતે મરીએ નાતે વરીએ”
જ્ઞાતિપ્રથાને ઉત્તેજન આપતી કેહવત .. જીવનની ત્રણ ઘટના મહત્વની અને ત્રણે ત્રણમાં કોઈ ગમ્મે તેટલી હોંશિયારી મારે કશું કરીના શકે ..
જન્મ ,મરણ ને પરણ .. આં ત્રણે પ્રભુને શરણ ..!!
જન્મ તમારા કે મારા હાથમાં છે જ નહિ ..અને ક્યાં અને કેવી રીતે મરવાના એની પણ ખબર નથી .. હા વચ્ચે આવે પરણ …!
સાત ગળણે ગાળીને પરણ્યા હોય પણ બે માંથી એક ની કોઈપણ ઉંમરે મતિ ભ્રષ્ટ થઇ તો શું કરી લેવાનું ?
અરે ચારિત્ર્ય બાજુ ઉપર મુકો … એશીયન થી રશિયન બધુય બે પાંચ હજારમાં અમદાવાદ નગરીમાં અવેલેબલ છે પણ કોઈ આધ્યાત્મના રવાડે ચડી ગઈ કે ચડી ગયો તો ? બસ એકદમ જ સંસાર અસાર લાગવા માંડે તો શું તોડી લેવાના ?
ઘણાય રવાડા દુનિયાની બજારમાં અવેલેબલ છે ,ક્યાંક પગ લપસ્યો કે ગઈ કે ગયો ..!
વચ્ચે મિત્રોમાં ચર્ચા ચાલી કે છોકરાં મોટા થઇ ગયા અને પોત પોતાના રસ્તે હવે જતા રેહશે ..
“અરે પોત પોતાના રસ્તે જાય તો જવા દેવાના પણ પછી આપણે પણ પાછળ દોડી જવાનું , એમ કઈ છુટ્ટા થોડી મૂકી દીધા છે ? વાત કરવાના ટોપિક જે દિવસે ખૂટે એ દિવસે તકલીફ સમજવી ..આપણને હજી પણ આપણા માંબાપ એ છુટ્ટા નથી મુક્યા તો આપણે ક્યાં એમને છુટ્ટા મુકવાની જરૂર છે ?”
પણ શૈશવભાઈ દીકરીઓના ઘરમાં વધારે ચંચુપાત ના કરાય ..
“અરે બોન મારી કોઈના ઘરમાં ચંચુપાત ના કરાય , દીકરો અને વહુ હોય ને એમના “ઘર”માં પણ ચંચુપાત ના કરાય ,ભલે ભેગા રેહતા હોય , તમે કેટલા ચંચુપાત સહન કર્યા ?”
આ બધી બહુ જ સામાન્ય વાતો છે અને સામાન્ય સમસ્યાઓ છે અને એને ઉકેલવા કોઈ મોટી અક્કલ કે બુદ્ધિની જરૂર નથી હોતી ..
બસ સ્વીકાર્યતા રાખીએ જીવનમાં તો ઘણા બધા પ્રોબ્લેમ નો આરંભે જ અંત આવી જતો હોય છે ..!
હા સ્વીકાર્યતા એટલી બધી પણ ના હોય કે સામેવાળો કે વાળી ધોલધપાટ કરે તો પણ સ્વીકારી લેવાનું ..
મમ્મી હંમેશા બોલે ..”મજબૂર નહિ થવાનું દુનિયામાં ક્યારેય , મજબૂરી બહુ ખરાબ વસ્તુ છે ..!!”
હું પણ સ્પષ્ટ માનું કે કોઇપણ સબંધોમાં મજબૂરી વચ્ચે આવે એટલે ખેલ ખલ્લ્લાસ સબંધ એક તરફી થઇ જાય, તરત જ એ સબંધમાં પાછળ વળી અને જોવાનું ..અને એક ,બે ,અને ત્રણ ..ચાન્સ આપવાના ,
અને પછી પણ ના મેળ પડતો દેખાય તો એક બે ને સાડા ત્રણ કરી નાખતા વાર નહિ લગાડવાની ..!!
જ્ઞાતિ પ્રથા અને જ્ઞાતિમાં પરણવાના થોડાક કારણ અત્યારના સમયમાં હું જોંઉ છું એ તે છે કે ઘરના રીતરિવાજ અને પરંપરાઓ લગભગ સરખી હોય છે ,આર્થિક દ્રષ્ટીએ પણ ઘણી સમાનતા હોય છે , વ્યસનો કેટલા લીમીટ સુધી કરવા એ નક્કી કરેલું હોય છે એક લીમીટ પેહ્લેથી ખેંચાયેલી હોય , એનાથી આગળ વચ્ચે પડનારા ઘણા હોય છે ,જે પ્રોબ્લેમ સોલ્વ કરી આપે , જુના જમાનામાં એવું થતું કે પ્રોબ્લેમ સોલ્વ કરી આપનારા જ પ્રોબ્લમ હતા પણ હવે ઘણું ઓછું ..
જો કે અત્યારે એરેન્જ મેરેજ માટે મોટા મોટા લગ્ન બ્યુરો પણ તમામ પ્રકારના ઈન્ટરવ્યું લઇ લે છે પેહલા ,અરે આવકના પુરાવા સુધ્ધા પણ લઇ લેતા હોય છે ,લગભગ સિબિલ રીપોર્ટ કાઢી લાવે છે અને પછી પણ બાકી રહે તો ડિટેકટીવની મદદ લેતા પણ પબ્લિક અચકાતી નથી ..
બહુ મોટી માલેતુજાર પાર્ટી હોય તો લવ મેરેજ માં પણ ડિટેકટીવ સેવા નો લાભ લઇ લ્યે છે ..
મોટી ઉંમરે થતા લગ્નોનો આ બધો તકાજો છે …!!
લગ્ન એ બે વ્યક્તિઓ અને બે પરિવારોને સાથે રેહવાની એક ગોઠવણ ,વ્યવસ્થા થઇ ગઈ છે , ડોંગરેજી મહારાજના ભાગવતમાં ક્યાંક વાંચ્યું હતું કે કળિયુગમાં ભાઈ કરતા વેવાઈ જોડે વધારે સબંધ હશે ..!!
એવું જ થયું છે અને એવું જ કરવું પડે તેમ છે , કારણકે એક જ કે પછી બે જ સંતાનોમાં ભાઈ જ નાં રહ્યો , બેન પણ ના રહી તો જે મળે એની સાથે સબંધ રાખવો રહ્યો ..!!
કર્યા ભોગવવાના ..
સામાજિક સંરચના બદલાઈ છે ફરી એકવાર રામાયણ અને મહાભારત લખવાનો સમય થઇ ગયો છે ,નવા બદલાતા સમાજના પરીપેક્ષમાં ..!
ઉપરની લીટી બહુ ઓછા લોકોને સમજાશે એટલે ના સમજ્ય તો ભાંજગડ બહુ ના કરશો ..!
જય હો ગિરધારી
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*