આજે અજાણતા જ એક વાક્ય મોઢામાંથી નીકળી ગયું …There is knowledge beyond knowledge..!!
આપણે જે કંઈ જાણતા હોઈએ એનાથી આગળની પણ કોઈક દુનિયા છે કોઈક જ્ઞાન છે..!
પણ મોટેભાગે મારી આજુબાજુ એવા જ લોકો છે કે જે મને હંમેશા ફાઈનલ રૂલીંગ જ પકડાવે, અને પોતાના મંતવ્યને વળગી જ રહે, ચર્ચાને અવકાશ જ નહિ..!
મારા ભાગે ફક્ત અને ફક્ત મૌન જ આવે છે ..!!
ત્રાસ વર્તાય..સમજવા જ તૈયાર ના હોય, બિલકુલ સરકારી અધિકારીની જેમ ..
એક લાઈન ઝાલી લીધી અને પછી એની ઉપર હિંચકા ખાધા કરે ,અક્કલ જેવું કોઈ જ તત્વ નહિ..!!
વર્ક ટુ રુલ ,
અને રુલની માં કેમ પરણી નાખવી એ એને સુપેરે આવડતું હોય..!!
દિવાળી પછી દિવસો ભયંકર હેકટીક થઇ ગયા છે, દોડાદોડી ચાલી રહી છે,
ક્યારેક એમ થાય કે આ ભોં માંથી ભાલા મારે જ કેમ ઉભા થાય ..? અને આપણું કામ રહ્યું જીભડાનું એટલે ના છૂટકે ચર્ચાઓ કરવી પડે ..
ધીરજ કેળવવી પડે પેહલા તો, અને પછી એમના ઈગો હર્ટના થાય એમ વાત ને વાળી અને જવાબ આપવા પડે..!!
બહુ ગંદી પરિસ્થતિમાં આવી પડ્યો છું .. ક્યારેક એવું લાગે છે ..!
છે,
વૈચારિક મિત્રો છે, પણ ત્યાં સમયનો અભાવ નડે છે, મોટેભાગે મારી છાપ એવી કે શૈશવ બોલવાનું ચાલુ કરે એટલે અટકે નહિ ,
પણ હકીકતે બીજાને બોલવા દઉં તો એ મારા માટે મોટો ત્રાસ થાય છે,
એટલે પછી મંચ આપણે જ સંભાળી લેવાનો, હા એવું લાગે કે ખરેખર કોઈ એવું છે કે જેમાં બે વસ્તુ આપણને શીખવા જાણવા મળશે તો પછી મૌનમ્ પરમમ્ ભૂષણમ્..!
ઘણા વિદ્વાનો એમ લખે છે કે સમયનો અભાવ એવો શબ્દ આવે એટલે સમજવું કે તમારામાં આવડતનો અભાવ,
આઈડીયલી એ વાત સાચી પણ પ્રેક્ટીકલી ખોટી ..
થોડીક જૂની વાત કરું.. વર્ષો પેહલાની વાત છે જ્યારે ઇન્સ્પેકટર રાજ એકદમ જોર ઉપર હતું, એવામાં એક દિવસ એક સેન્ટ્રલ એક્સાઈઝનો ઇન્સ્પેક્ટર મારા કારખાનામાં મારી સામે આવીને બેસી ગયો અને મારી જોડે ભ થી શરુ થતી એક ગાળ બોલી અને શરુ કર્યું , મને કહે કે તું ચોરી કેમ નો કરે છે એ જ મને બતાડ ..
એ સમયે મારી ઉંમર પણ નાની ,અને પેલો ઇન્સ્પેકટર ઉંચો પોહળો અને પડછંદ , મોટા અવાજે કારખાનામાં ગાળા ગાળી કરે , આવા સંજોગોમાં શું કરવાનું ?
કયું જ્ઞાન વાપરવાનું ?
છેડો જ શોધવો પડે.. મેં કારખાનાની બાહર નીકળી અને એના ડીપાર્ટમેન્ટના પટાવાળાને ફોન કર્યો કે તારો સાહેબ અત્યારે આવ્યો છે અને ગાળાગાળીએ ચડ્યો છે..
પેલો પટાવાળો કહે એ તો રજા ઉપર છે ,અને રાજસ્થાન ગયો છે ,એવું કીધું છે એણે એના કમિશનરને .. મેં કીધું તું ફોન મુક ..!!
બકરી ડબ્બામાં ..
ત્યાં પટાવાળાનો ફરી ફોન આવ્યો ..તમારી સામેનું કારખાનું છે ને એની રીસેસપ્શનવાળીને એણે ફોડી છે અને એને લઈને બાહર રખડે છે ..!!
ડબ્બો ઓર મોટો થયો ..
શાંતિથી હું મારા કારખાનામાં ગયો અને ખાલી મેં એટલું જ કીધું .. સર આપ તો છુટ્ટી પે હૈ ઔર આપ કે એ.સી. સામને વાલે ફેક્ટરી મેં આયે હૈ ..!!
પરસેવે રેબઝેબ ..બચા લે યાર પ્લીઝ ..મેરી ગાડી બાહર સે લેકે કહીં લે જા પેહલે ..!!
આરજે પાસીંગની ગાડી હતી એની, ગાડી મેં જાત્તે મારા કારખાનામાં પાછળની બાજુ મૂકી .. કોઈ આસિસ્ટન્ટ કમિશનર-બમિશનર આવ્યો નોહતો, પણ પેલાને પરસેવો પડાવવો જરૂરી હતો..!!
યાર મેરે કો નિકાલ યહાં સે .. ચરબી બધી આજીજીમાં કન્વર્ટ થઇ ગઈ હતી ..!!
ઢીલો પાડવા દીધો પચીસ મિનીટ સુધી .. પછી ધીમેક થી કીધું કે ગાડી ગઈ હવે તું પણ ભાગ .. મુઠ્ઠીઓ વાળી ને નાઠો તે આજ દિન સુધી દેખાયો નથી…!!
હવે આવી પરિસ્થિતિમાં તમે આવો , કોઈ ઇન્સ્પેકટર તમારા બે કલાક ખાઈ જાય અને પછી એમ કહો કે તમને ટાઈમ મેનજમેન્ટ નથી આવડતું એટલે તમારી પાસે ટાઈમ નથી તો શું કરવાનું ?
કશું નહિ , આપણે આપણી જાતને ડફોળ જ માની લેવાની ..!!!
ચર્ચા ના કરાય કે આપણે પેલા સરકારી કુતરા જોડે કેવી રીતે મારે ડીલ કરવું જોઈતું હતું,
આપણે સાચા હતા તો સમય અને ભગવાને સાથ આપી દીધો અને નીકળી ગયા, બાકી એ તો પાણીમાંથી પોરો કાઢીને બાઝ્યો હોત, અને હજાર બે હજારનો તોડ કર્યો હોત ..!
લગભગ દિવસ દરમ્યાન પંચાણું ટકા આવી જ વ્યક્તિઓ સાથે ડીલીંગ કરવાનું આવે છે, પોતાના અહંકારમાં રાચતા અને હું કહું તેમ દુનિયા કરે અને દુનિયા આખી મારા પાડેલા ચીલે ચાલે ..!
અને આપણે એ ઢોરાં જોડે કામ લેવાના ..!!!
કશું જ નથી કરી શકતા આપણે ..!!
જો કે એમના પણ એમાં વાંક પણ હું હવે બહુ નથી જોતો કેમકે મોટાભાગના લોકો પેહલા અહંકાર કેળવે છે અને પછી એમાંથી આત્મવિશ્વાસ આવે છે , બહુ જુજ લોકો એવા હોય છે કે જે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છતાં પણ અહંકારીના લાગે..!!
અરીસાને સાથી બનાવીને જીવી નથી શકાતું એટલે રોજની રોજ કોઈ લોથ-લમણાં લેવા જ પડે છે , ગમો-અણગમો બધું ય બાજુ ઉપર મૂકી અને દોડવું જ પડે ..!!
લગભગ આખી જિંદગી શેરની સવારી થઇ ગઈ છે , શેર ઉપર બેસાતું પણ નથી અને ઉતરાતું પણ નથી ..!
પારકા બૈરા અને ધંધા દરેકને સારા લાગી રહ્યા છે ,પણ પોતાની વૈચારિક મર્યાદાને મોટી નથી કરવી ..!!
બે આપણે કીધુંને .. આપણે કીધું એ ફાઈનલ જ હોય બકા …!!
રાખ ત્યારે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*