એક સારી પોસ્ટ વોટ્સ એપમાં આવી , કૈક એવો મતલબ હતો કે ફેસબુકમાં કોઈ ને ફોલો કરતા પેહલા ધ્યાન રાખો જેના ફોટા જુવો છો અને વાંચો છો એને રીયલ લાઈફમાં મળો ત્યારે બિલકુલ જુદું જ ચિત્ર જ હોય, બહુ ઘેલા કાઢી ને એના જેવા થવા ની કોશિશ ના કરો , ટૂંકમાં તમે `તમારી ચલાવો` એવી વાત હતી..!!
સાચી વાત છે ,આપણે આપણી ચલાવી જ જોઈએ અને એમાં કશું ખોટું નથી પણ ક્યાંક આપણી અટકે તો શું ? આપણો પનો ટૂંકો પડે તો શું ?
મને અમદાવાદના એક બહુ મોટા બિલ્ડર ના ફોટા જોવા બહુ ગમે છે , કમ્પ્લીટ ફેમીલી મેન છે એવું મને ફેસબુક જોઇને લાગે છે , ભૌતિક ભોગ વિલાસ આપણને ગમે છે ને એ કબુલ કરવામાં મુકેશભાઈ અને નીતાભાભી જો ખાલી આંતલિયા જોવા પણ આવવા દે તો આપણે તો જીવન સાર્થક એવું ચોક્કસ માનીએ છીએ ..!! પણ મને જરાય શરમ નથી મારી ચાદર છે એટલો પથારો ચોક્કસ હું કરું જ છું , પણ નથી તો શું ?
મારી પાસે મારો પોતાનો ગોલ્ફ કોર્સ નથી ,મારી ઘરવાળી પાટણનું પટોળું પેહરી ને ગરબે નથી ઘૂમી શકતી તો નથી , પ્રાઈવેટ એરક્રાફ્ટમાં હું નથી જઈ શકતો , મારી પાસે નથી ફાર્મ હાઉસ કે નથી મોટા સિમ્બોલ વાળી ગાડી..!!
આ લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે.. પણ જે વ્યક્તિ ને હું ફોલો કરું છું એની પાસે આ બધું જ છે અને બીજું પણ કદાચ ઘણું બધું હશે તો શું ?
તો મારે લાંબા જોડે ટૂંકો જાય અને મારે નહિ તો માંદો થાય એવું કરવાનું ..?
આપણી ચાદરમાં આપણે રેહવું તો પડે ને ,મેહલ જોઈ ને ઝુપડા થોડા સળગાવાય ? ના રે કોઈના મેહલ જોઈ ને ખુશ થાવ ને ..!!!
હવે બીજી વાત કે કોઈ ના જેવું કેવી રીતે થવાય ? અશક્ય વાત છે સગ્ગા બાપ જેવો બેટો નથી થઇ શકતો તો પછી બીજા ના જેવું થવાની તો વાત જ ક્યાં આવી ?
હા ટાર્ગેટ સેટ કરી શકાય કે ફલાણા જેટલું કમાવું છે અને પછી રસ્તો કંડારી શકાય , બાકી તો બધું ગઈકાલ રાતથી જેમ અચાનક ઓતરંદો વાયરો ફૂંકાયો ને ઠંડક પ્રસરી ગઈ એવી વાત .. ! હવા ..હવા ..!! એક લેહરખી આવે ને દુનિયા બદલાઈ જાય..!! કોઈ ક ના પાન ખરી પડે અને કોઈ ને ઉગી આવે ..!!
મને ઘણી બધીવાર મેસેજ આવે છે, સાહેબ મળવું છે તમને, અને હું મળું પણ છું અજાણ્યા લોકો ને , મને કોઈ વાંધો નથી એમાં પણ સૌથી પેહલા હું એમ કહી દઉં છું કે સાહેબ કે સર બાજુમાં મૂકી દો , ભઈ મળવું છે એમ કહો ..!!
શેના વળી સાહેબ ને સર ..?
કોઈના થી પ્રભાવિત થવું એ ખુબ સહજ અને સરળ પ્રક્રિયા છે અને કોઈને પ્રભાવિત કરી મુકવા એ પણ એટલી સરળ પ્રક્રિયા છે એમાં કોઈ બહુ મોટી આવડત ની જરૂર હોતી જ નથી , એક ની વાત બીજા ને ચીપકાવો એટલે સામે વાળો `ફ્લેટ` ..!!
હું ધંધાકીય એસોસીએશન ના મિત્રો ની મીટીંગમાં થોડી સાહિત્યની વાંચેલી ફિલોસોફી છાંટું ,સાહિત્યમાં સંગીત ની ,સંગીતમાં જીમ ની ,જીમમાં ધંધાકીય , પછી જરૂર પડે ત્યાં જ્યોતિષ ,લક્ષણશાસ્ત્ર , કોકશાસ્ત્ર , આર્થિક મોર્ચા , ઈતિહાસ ,ભૂગોળ , આટલા વર્ષોમાં કરેલી ત્રણસો ચારસો ટ્રીપો , ક્યારેક મ્યુઝીયમો , ઘણા બધા લોકો ને મળ્યા હોઈએ એમની વાતો , સૌથી મોટુ ધાર્મિક સાહિત્ય ,આવું આઠ દસ ફિલ્ડ નું નોલેજ થોડું થોડું લઇ રાખ્યું હોય અને જીવનના બાવનમાં વર્ષે ઘણા અનુભવો મળ્યા હોય એ ભેગું કરી ને મસ્ત ભાજીપાઉં બનાવી ને ઠપકારો તો બધું ય ચાલે..!!
બસ ખાલી સામેવાળા ની એની પોતાની મર્યાદા કેટલી છે એની સમજ આવી જાય એટલે બહુ થઇ ગયું ..!
શરૂઆતના વર્ષોમાં મારા કોલેજકાળમાં હું બધા ને બોલવા દેતો પેહલા, અત્યારે જેટલો વાચાળ અને એક્સ્પ્રેસીવ છું એટલે હું પેહલા નોહતો ,
પછી હું એને મારી સમજણ આપવાની કોશિશ કરતો પણ ત્યારે સરખી ઉંમર અને આપણે રહ્યા ભણવામાં ડોબા એટલે કોઈ બહુ ગણકારે નહિ અને જ્યારે કોઈ તમને ગણકારે નહિ ને ત્યારે તમારી ગણતરી પણ ના થતી હોય એ સ્વભાવિક છે ..!!
એવું નોહ્તું કે ત્યારે મારી પાસે કશું નોહતું વાત કરવાને ,આજ કરતા કદાચ વધારે હતું કેમ કે એ સમયે ભૃગુસંહિતા થી લઈને કાલિદાસ સુધીનું ઘણું બધું સાહિત્ય વાંચવાનું ચાલુ હતું, જયારે કોઈ અર્થ ના સમજાય તો મમ્મી ને પૂછી લેતો ગુગલ તો હતું જ નહિ ..! મારે ઘણી બધી ચર્ચાઓ કરાવી હતી પણ લોકો એ મને એમની ફૂટપટ્ટીથી માપી લીધેલો “નાપસીયો”..!!
એમાં કોઈ જ બાકી નથી સગા પણ આવી ગયા, સબંધી પણ આવી ગયા અને મિત્રો પણ , જો કે એમાં એ કોઈ ની સામે મને અત્યારે કોઈ ફરિયાદ નથી , ભૂલ મારી જ હતી કે હું સર્ટીફીકેટ ની દુનિયા માં જીવતો હતો ઘણા બધા લોકો પાસેથી મારે સર્ટીફીકેટ જોઈતા હતા કે , શૈશવ એટલે કેહવું પડે ભાઈ ..!!
ગણતરીમાં આવવું હતું મારે ..! ભૂલ હતી મારી ..! મધ્યમવર્ગ ની કમબખ્તી છે સર્ટીફીકેટ આપવામાં બહુ પાછા પડે , હું પણ ઝટ કોઈ નું સર્ટીફીકેટ ઇસ્સ્યું ના કરું , વચ્ચે તો વખાણ કેમ કરવા એ ગુગલમાં જોઈ જોઈ ને શીખવા ની કોશિશ કરી ત્યારે થોડુક માંડ આવડ્યું ..!!
પછી તો એક સમય પછી ધીટ થઇ ગયો અને મોઢું સીવી લીધું તે પછી છેક આ ફેસબુક આવ્યું ત્યારે લખવાનું ચાલુ કર્યું ત્યારે મોઢું ખુલ્યું ..!!
હજી પણ મોટા મોટા વિદ્વાનો ની સભા હોય અને જ્યાં પાંડિત્ય રેલાઈ રહ્યું હોય ત્યાં હું બિલકુલ મૌન રહું ..!
હમણાં જ એક મિત્ર ના પત્ની દ્વારા મને સવાલ પૂછવામાં આવ્યો કે તમે ચુપ ક્યારે રહો ? મેં કીધું એક વિદ્વાન સામે અને બીજા મુર્ખ ની સામે ને ત્રીજા જેની પાસેથી મારે રૂપિયા કમાવા ને છે એની સામે..!!!
વિદ્વાન બોલતા હોય તો બોલવા દેવા પડે તો જ કૈક નવું શીખવા મળે , બિલકુલ એવી જ રીતે મુર્ખ બોલતો હોય તો બોલવા દેવો પડે અને ત્યાં પણ શીખવા મળે ,કેમકે મુર્ખ એની મુર્ખામી સિવાય બીજું કશું બોલતો જ ના હોય અને આપણે પણ જીવનમાં એવી મુર્ખામીઓ નથી કરવાની એ ધ્યાન રાખવા પણ એને બોલવા દેવો પડે , અને રૂપિયા જેની પાસેથી કમાવા ના હોય એને ચુપ કરો તો પછી કશું ના બચે ..!!
ગમે તેવા મોટા પંડિત હો તો પણ ઘરવાળી કહી દે કે નકરી ફાડાફાડી સિવાય બીજું કશું નથી એમની ચા નાં રૂપિયા પણ મારા પગારમાંથી આવે છે એટલે આપણે તો ભગવાન ને કહી દીધું છે કે આ સાતમો અને છેલ્લો આમની જોડે હો ..!! બસ બહુ થયું..!!
તો આજ નો કથા સાર ?
શૈશવ થી ઈમ્પ્રેસ થવું નહિ, દરેક ફોટામાં થોડુક પેટ અંદર ખેંચી ને પડાવવામાં આવે છે ..!!!
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*